નરેન્દ્ર મોદીનાં ભત્રીજી દમયંતીબહેનનો સામાન લૂંટનારા આરોપીની ધરપકડ

દેશની રાજધાની નવી દિલ્હીમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ભત્રીજી દમયંતી મોદી સાથે ઘટેલી સ્નૅચિંગનીની ઘટનામાં આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે.

દિલ્હી પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે દમયંતીનો તમામ સામાન મેળવી લીધો હોવાનો પણ દાવો કર્યો છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર દિલ્હીના પોલીસકમિશનરે આ વાતની સ્પષ્ટતા કરી છે, જ્યારે બીજા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન હોવાનું જણાવાયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર હરિયાણાના સોનિપતમાંથી આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી કેટલાંક દસ્તાવેજ અને રોકડ પણ જપ્ત કરી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સગીર વયમાં ત્રણ વખત જેલ જઈ ચૂક્યો છે.

દમયંતી મોદી પોતાના પતિ અને બે પુત્રીઓ સાથે શનિવારે દિલ્હી રેલવેજંકશન પરથી સિવિલ લાઇન્સ ખાતે આવેલા 'શ્રી દિલ્હી ગુજરાતી સમાજ' પહોંચ્યાં ત્યારે સ્નૅચિંગની આ ઘટના ઘટી હતી.

આરોપીએ વડા પ્રધાનનાં ભત્રીજીનો મોબાઇલ, પર્સ અને રોકડ આંચકી લીધાં હતાં.

પોલીસના મતે સીસીટીવી કૅમેરા થકી આરોપીની ઓળખ કરાઈ હતી. જે બાદ પોલીસે આરોપીના ઠેકાણા પર દરોડો પાડ્યો હતો.

ઘડના શું હતી?

દમયંતી મોદી પરિવાર સાથે અમૃતસરના પ્રવાસે ગયાં હતાં. ગુજરાત પરત ફરતાં પહેલાં તેમણે શ્રી દિલ્હી ગુજરાતી સમાજમાં ઓરડો બૂક કરાવ્યો હતો.

ગુજરાતી સમાજ નજીક જ્યારે તેઓ સામાન ગાડીમાંથી ઉતારી રહ્યાં હતાં ત્યારે ચોરીની આ ઘટના ઘટી હતી.

આ મામલે સિવિલ લાઇન્સના પોલીસસ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દમયંતી મોદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીનાં પુત્રી છે.

વર્ષ 2018ના આંકડાઓ મુજબ રાજધાનીમાં દરરોજ 18 જેટલી સ્નૅચિંગની ઘટનાઓ ઘટે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો