You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીયૂષ ગોયલનું એ નિવેદન જેમાં આઇનસ્ટાઇન અને ન્યૂટનમાં ગરબડ થઈ ગઈ - સોશિયલ
- લેેખક, બીબીસી ન્યૂઝ, ગુજરાતી
- પદ, નવી દિલ્હી
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઑટોમોબાઇલ ઉદ્યોગની ગતિ મંદ પડવા પાછળ ઓલા-ઉબરને કારણ ગણાવતા વિવાદ થયો હતો ત્યારે આજે વેપાર અને રેલ મંત્રી પીયૂષ ગોયલ અર્થતંત્રને લઈને આપેલા એક નિવેદન પર સોશિયલ મીડિયામાં ટ્રૉલ થઈ રહ્યા છે.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ પીયૂષ ગોયલ બૉર્ડ ઑફ ટ્રેડની એક મિટિંગમાં ભાગ લઈ રહ્યા હતાં. ત્યાં તેમને જીડીપીની સ્થિતિ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો.
તેના જવાબમાં પીયૂષ ગોયલે કહ્યું, "તમે ટીવી પર જુઓ છો એના આધારે ગણતરીઓમાં ન પડશો. એ ગણિતમાં ન પડશો. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોઘવામાં આઈન્સ્ટાઇનને ગણિતે મદદ કરી નહોતી."
આ મામલે અસુદ્દુીન ઔવેસીએ કહ્યું કે આભાર પીયૂષ ગોયલ, તમારી સરકારને કારણે અર્થતંત્ર ક્રેશ થઈ રહ્યું છે. તમે એને સાપેક્ષવાદી ખેંચાણ પણ કહી શકો છો.
આને કારણે ટ્વિટર પર ન્યૂટન અને આઇન્સ્ટાઇન ટ્રૅન્ડ થયા અને પીયૂષ ગોયલ ટ્રૉલ થયા.
કૉંગ્રેસે ટ્વીટ કર્યું હતું, "પૂર્વ નાણા મંત્રી પીયૂષ ગોયલ સાચા છે, આઇન્સ્ટાઇનને ગુરુત્વાકર્ણનો સિદ્ધાંત શોધવામાં ગણિતની જરૂર પડી નહોતી, પણ ન્યૂટનને પડી હતી. તમારી જાણ ખાતર, અર્થતંત્રને સરખું કરવા ગણિત જરૂરી છે."
અશોક સ્વાઇએન નામના યૂઝરે લખ્યું હતું, "મોદીના વેપાર અને રેલ મંત્રી કહે છે આઇન્સ્ટાઇનને ગુરુત્વાકર્ષણ શોધવામાં ગણિતે મદદ કરી નહોતી - શું બીજેપીએ ન્યૂટનનું નામ બદલીને આઇન્સ્ટાઇન કરી નાંખ્યું છે? મર્ખાઓની સરકાર, મૂર્ખાઓ માટે, મૂર્ખાઓ દ્વારા."
તો યૂથ કૉંગ્રેસે ટ્વીટ કર્યું છે, "શ્રી પીયૂષ ગોયલ તો પછી ન્યૂટને શું શોધ્યું હતું?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રીઆ નામના યૂઝરે ટ્વીટ કર્યું હતું, "શું આ બીજેપીના લોકોને ન્યૂટન સાથે કોઈ વાંધો છે? આજે પીયૂષ ગોયલે કહ્યું કે ગણિતે આઇન્સ્ટાઇનને ગુરુત્વાકર્ષણ શોધવામાં મદદ કરી નહોતી. તો મને લાગે છે કે તેમના મતે ન્યૂટને સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધ્યો હશે. ગઇ કાલે સ્મૃતિ ઇરાનીને ન્યૂટનની ડિગ્રી સાથે વાંધો હતો."
અંકુર ભારદ્વાજે લખ્યું, "આઇન્સ્ટાઇને ગણિતની મદદ વિના ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો અને ન્યૂટને તેને આવું કરતાં જોઈને તેમનો વિચાર ચોરી લીધો."
શિવમ વીજ નામના પત્રકારે લખ્યું, "પીયૂષ ગોયલ કહે છે જીડીપીનું ગણિત ન ગણો કારણ કે ગણિતે આઇન્સ્ટાઇનને ગુરુત્વાકર્ષણ શોધવામાં મદદ કરી નથી. કલ્પના કરો, રાહુલ ગાંધીએ આવું કહ્યું હોત તો કેટલા વીડિયો વાયરલ થયા હોત. હવે મોદી સરકાર પપ્પુ ઝોનમાં આવી ગઈ છે."
તો આસામ કૉંગ્રેસે લખ્યું કે મોદીની કૅબિનેટમાં ખરેખર શિક્ષણની ખામી છે. આપણી પાસે કોઈ એવું છે જેની મંત્રી તરીકે નકલી ડિગ્રી છે અને કોઈ એવું જે માને છે કે આઇન્સ્ટાઇને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો હતો.
તો રિઆઝ અહેમદ નામના યૂઝરે આઇન્સ્ટાઇનની દુર્લભ તસવીર એવું કહીને મોદીની એક તસવીર પોસ્ટ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો