You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીને ભેટીને ઈસરો ચીફ રડી પડ્યા, મોદીએ સાંત્વના આપી
ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટ્યા બાદ શનિવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં આવેલા ઈસરોના મુખ્યાલયે પહોંચ્યા હતા.
જે બાદ નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકો અને દેશને ચંદ્રયાન-2ને લઈને સંબોધન કર્યું હતું.
વૈજ્ઞાનિકોને સંબોધન કર્યા બાદ જ્યારે વડા પ્રધાન મોદી ઈસરોના મુખ્યાલયથી જવા લાગ્યો તો ઈસરોના ચીફ કે. સિવન મોદી સામે ભાવુક થઈ ગયા હતા.
વડા પ્રધાન મોદીએ ઈસરો ચીફને ગળે લગાવીને તેમની પીઠ થપથપાવી હતી અને તેમને હિંમત રાખવા કહ્યું હતું.
એક વખત ફરી ઈસરોના મુખ્યાલય પહોંચ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા કહ્યું કે આપણ નિશ્ચિત રીતે સફળ થઈશું. આ મિશનના આગલા પ્રયાસમાં પણ અને તે બાદના પ્રયાસમાં પણ સફળતા આપણી સાથે હશે.
તમે લોકો માખણ પર લકીર દોરનારા નથી તમે પથ્થર પર લકીર ખેંચનારા લોકો છો. એ તમે લોકો જ છો જેમણે પ્રથમ પ્રયાસમાં જ મંગળ ગ્રહ પર ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. એ પહેલાં દુનિયામાં આ પ્રકારની ઉપલબ્ધિ કોઈના નામે ન હતી.
સંપર્ક તૂટવા સમયે પણ મોદી વૈજ્ઞાનિકો સાથે હતા
ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકની ઉપલબ્ધિને જોવા માટે અને તેમનો ઉત્સાહ વધારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં આવેલા ઈસરોના મુખ્યાલયે પહોંચ્યા હતા.
બધું બરાબર ચાલી રહ્યું હતું અને વૈજ્ઞાનિકો લૅન્ડર વિક્રમને સપાટીની નજીક પહોંચવાની દરેક ક્ષણ પર નજર રાખી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, અંતિમક્ષણોમાં ઈસરોના કેન્દ્રમાં તણાવ જેવી સ્થિતિ બની ગઈ અને વૈજ્ઞાનિકોના ચહેરા પર ચિંતાની લકીરો દેખાવા લાગી.
થોડીવાર બાદ ઈસરોના અધ્યક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે આવ્યા અને તેમને આ મામલે જાણકારી આપી.
જે બાદ ઈસરોના અધ્યક્ષે દેશને જણાવ્યું કે ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોની વચ્ચે ગયા અને તેમને હિંમત આપતા કહ્યું, "જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે."
"હું જોઈ રહ્યો હતો જ્યારે કૉમ્યુનિકેશન ઑફ થઈ ગયું હતું, પરંતુ આ કોઈ નાની ઉપલબ્ધિ નથી. દેશને તમારા પર ગર્વ છે અને તમારી મહેનતે ખૂબ શીખવ્યું પણ છે."
"મારા તરફથી તમને અભિનંદન, તમે દેશની ઉત્તમ સેવા કરી છે, વિજ્ઞાનની ખૂબ મોટી સેવા કરી છે, માનવજાતિની ખૂબ મોટી સેવા કરી છે."
"આ પડાવ પરથી પણ આપણે ઘણું બધું જાણવા મળ્યું છે, આગળ પણ આપણી યાત્રા ચાલુ રહેશે અને હું સંપૂર્ણરીતે તમારી સાથે છું."
ભારતે ચંદ્ર પર દક્ષિણ ધ્રુવ કેમ પસંદ કર્યો હતો?
લૅન્ડિંગ માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવને પસંદ કરવા માટે બે કારણો છે.
એક એ કે તેના કારણે આપણને એ જાણવા મળશે કે ત્યાંની માટી ઉત્તર ધ્રુવ જેવી છે કે કેમ. તેનાથી સોલર સિસ્ટમની ઉત્પત્તિને સમજવામાં પણ આપણને મહત્ત્વની જાણકારી મળે તેમ છે.
બીજું કારણ એ કે ત્યાં પાણી છે કે કેમ તે જાણવા મળી શકે તેમ છે. પાણી છે તો કેટલું છે અને તેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તેની જાણકારી એકઠી કરી શકાય છે.
આ સવાલ વિજ્ઞાનીઓ માટે લાંબા સમયથી ઉત્સુકતાનો વિષય છે, કેમ કે ત્યાં પાણી મળશે તો ચંદ્ર પર વસાહત કરવા માટેનો રસ્તો ખૂલી શકે છે.
આ ઉપરાંત અંતરિક્ષમાં વધુ આગળના અભિયાન માટે લૉન્ચ પેડ તરીકે પણ ચંદ્રની ભૂમિનો ઉપયોગ થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો