આ રાજ્યોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ કુદરતી નહીં, પણ માનવસર્જિત

કેરલ પૂર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતના દક્ષિણના રાજ્ય કેરળમાં ભારે અને અસામાન્ય વરસાદના આંકડા ચોંકાવનારા છે. રાજ્યમાં હજુ સુધીમાં વરસાદના કારણે 103 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે અને તેમાંથી ત્રીજા ભાગના લોકોનાં મૃત્યુ ભૂસ્ખલનથી થયાં છે.

તેમાં વધુ એક બાબત મહત્ત્વની છે, જે જગ્યાઓ પર ભૂસ્ખલન થયાં છે, ત્યાં ગ્રેનાઇટની ખાણો આવેલી છે. હજુ સુધી ગ્રૅનાઇટની ખાણો અને ભૂસ્ખલન વચ્ચે કોઈ સંબંધ પુરવાર થયો નથી, પરંતુ પર્યાવરણવિદો તેની પાછળ ખાણોને જવાબદાર માને છે.

પરંતુ આ વખતે વાત આરોપોથી આગળ વધી ગઈ છે. કેરળ ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. ટી. વી. સંજીવે વર્ષ 2017માં એક શૈક્ષણિક અભ્યાસ માટે ગ્રૅનાઇટની ખાણો માપી હતી. આ વખતે તેમણે જમીન ધસી પડવાની જગ્યાઓ અને તેના કારણે થયેલાં મૃત્યુના આંકડા તૈયાર કર્યા છે.

આ સમગ્ર મામલામાં એક રસપ્રદ પાસું એ છે કે આ વખથે લગભગ 31 સ્થળોએ ભૂસ્ખલન થયું છે.

માધવ ગાડગિલની અધ્યક્ષતા હેઠળની વેસ્ટર્ન ઘાટ ઇકૉલૉજી ઍક્સપર્ટ પૅનલ ઉપરાંત ડૉ. કે. કસ્તૂરીરંગનના અધ્યક્ષપદે રહેલી હાઈ લેવલ વર્કિંગ ગ્રૂપ સમિતિએ આમાંથી મોટાં ભાગનાં સ્થળોને સંવેદનશીલ ગણાવ્યાં છે.

કેરલ પૂર

ઇમેજ સ્રોત, Getty Images

ત્યારે ધ્યાન આપવા જેવી બાબત એ પણ છે કે કસ્તૂરીરંગનની સમિતિની રચના જ એટલા માટે કરવી પડી કે ગાડગિલ પૅનલના રિપોર્ટની ટીકા થઈ રહી હતી.

પર્યાવરણ કાર્યકર્તાઓનું એક જૂથ માને છે કે વિકાસના નામ પર વેસ્ટર્ન ઘાટને લૂંટવામાં આવી રહ્યું છે. ગાડગિલ પૅનલનો રિપોર્ટ આ દલીલના પક્ષમાં હતો.

ખાણોના મૅપિંગ અને જમીન ધસી પડવાના તાજા આંકડાથી એ સાબિત થયું કે જે સાત સ્થળો પર જમીન ધસી પડવાથી મૃત્યુ થયાં છે, એમાંથી ચાર સ્થળોને ગાડગિલ અને કસ્તૂરીરંગન પૅનલે પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ (ઇકૉલૉજિકલ સૅન્સિટિવ ઝોન એટલે કે ESZ) ગણાવ્યાં હતાં.

તેનો અર્થ થયો કે આ વિસ્તારમાં ખોદકામની મંજૂરી મળી શકે નહીં. 33 મૃત્યુમાંથી 24 આ ચાર જગ્યાએ થયાં છે.

બાકીનાં મૃત્યુ જે વિસ્તારમાં થયાં છે તેને ગાડગિલ રિપોર્ટે સંવેદનશીલ ગણાવ્યા હતા, પરંતુ વાત માત્ર એટલી જ નથી.

ગુમ થયેલા લોકોના આંકડાનું હજુ સાચું અનુમાન મળતું નથી. જોકે, હજુ સુધીમાં 59 લોકો ગુમ થયાની પુષ્ટિ થઈ છે.

તેમાંથી મોટી સંખ્યામાં લોકો એ સંવેદનશીલ વિસ્તારમાં જ ગુમ થયા છે, જેની બંને રિપોર્ટમાં ચર્ચા છે.

ડૉ. સંજીવે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું,

"કેરળ ઊબડખાબડ પહાડી વિસ્તાર છે, જ્યારે કોઈ પહાડ ખસે છે તો તેના કારણે સમગ્ર વિસ્તારની હાઇડ્રૉલૉજી પર અસર થાય છે."

"પાણીની નહેરો બ્લૉક થઈ જાય છે. તેના કારણે બધું જ પાણી નજીકના વિસ્તારોમાં જવા લાગે છે."

"આવું થવાથી લાંબા ગાળે પહાડો સૂકા થઈ જાય છે અને પછી નષ્ટ થવા લાગે છે."

line

ગ્રૅનાઇટની ખાણો સાથે સંબંધ

કેરલ પાણી

ઇમેજ સ્રોત, Getty Images

આ માત્ર સાધારણ પહાડોના વિસ્તારની વાત નથી, ગ્રૅનાઇટના ખડકોવાળા વિસ્તારમાં એક પહાડ સાથે બીજા પહાડો જોડાયેલા હોય છે.

તેથી જ્યારે એક પહાડ પર ખોદકામ માટે બ્લાસ્ટ કરવામાં આવે છે તો તેના કારણે તેની આસપાસના વિસ્તારો પણ ધ્રુજારી અનુભવે છે.

સંજીવ જણાવે છે કે આ અસરથી 500 મિટરથી લઈને પાંચ કિલોમિટર સુધીની જમીન ધસી શકે છે.

તેઓ કહે છે, "આ ધ્રુજારી હીરાની ખાણોમાં સૌથી તીવ્ર ગતિથી ફેલાય છે. બીજા નંબર પર છે ગ્રૅનાઇટની ખાણો. આ ધ્રુજારી ઘણી વખત હવાથી પણ વધુ ઝડપથી ફેલાય છે."

ડૉ. સંજીવે વર્ષ 2017 માટે કરેલા અભ્યાસોમાં 5,924 ખાણો સામેલ કરી હતી, જે 0.02 હૅક્ટરથી 64.04 હૅક્ટરમાં ફેલાયેલી હતી.

તેમાં અડધાથી વધુ 50.6 ટકા 0.02 હૅક્ટરથી 0.5 હૅક્ટરમાં ફેલાયેલી હતી, જ્યારે 35.7 ટકા ખાણોનો આકાર 0.5 હૅક્ટરથી 2 હૅક્ટર વચ્ચે હતો.

જ્યારે 73 ખાણોનો આકાર 10 હૅક્ટરથી વધુ હતો.

તેમાંથી મોટા ભાગની ખાણો કાયદેસર રીતે લાઇસન્સ લીધા બાદ ચાલતી હતી, જેનાથી રાજ્ય સરકારને લાઇસન્સ ફી અને રૉયલ્ટી તરીકે આવક પણ થતી હતી.

line

કૃષ્ણા નદી પર કાદવ

કોચી ઍરપૉર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોચી ઍરપૉર્ટ

અસામાન્ય જલવાયુ (જેને માનવનિર્મિત જળસંકટ પણ કહી શકાય) ઝપટમાં આવનારું કેરળ એક માત્ર રાજ્ય નથી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસું અને ભારે વરસાદના કારણે સીધી રીતે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ અસર થઈ છે.

આ બંને રાજ્યના મુખ્ય મંત્રીઓએ પોતાના કેટલાક જિલ્લાઓમાં પૂર આવવાને કારણે એકબીજા પર તીખાં નિવેદનો પણ કર્યાં છે.

આ જિલ્લાઓમાં પૂર આવ્યું, કારણ કે મહારાષ્ટ્રમાંથી પસાર થતી કૃષ્ણા નદીનું પાણી ભયજનક સપાટી ઉપરથી વહી રહ્યું છે.

સંયોગ એવો છે કે બંને રાજ્યના મુખ્ય મંત્રી એક જ પક્ષ ભારતીય જનતા પાર્ટીના છે, પરંતુ તેમને હાલની સમસ્યા સાથે કોઈ લેવાદેવા નથી.

છેલ્લા બે દાયકા દરમિયાન ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે બંને રાજ્યના કૉંગ્રેસી મુખ્ય મંત્રી પણ એકબીજા માટે તીખાં નિવેદનો આપતાં હતાં.

તાજેતરમાં મહારાષ્ટ્રના સાંગલી, કોલ્હાપુર અને સતારા જિલ્લામાં પાણી ભરાતા કર્ણાટક ઉપર આરોપ મૂકવામાં આવ્યો કે તેમણે ઉલમાટી નહેરમાં પાણી જવા દીધું નહીં.

જ્યારે બીજી તરફ કર્ણાટકના બેલગાવી, બગાલકોટ અને ઉત્તર કન્નડા જિલ્લામાં પાણી ભરાતા મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ગણાવવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર સરકારે કૃષ્ણા નદીનું વધારે પાણી કર્ણાટક માટે છોડી દીધું છે.

કર્ણાટક અને હૈદરાબાદને અડીને આવેલા જિલ્લા ગુલબર્ગા અને યાદગીર પણ પૂરની ઝપટમાં આવી ગયા છે.

line

કોની જવાબદારી?

સાંગલી પૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંગલીમાં પૂરનાં દૃશ્યો

એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું, "જુઓ આ અસ્તિત્વનો પ્રશ્ન છે, મારું ઘર ઉપર છે અને આપનું નીચે."

"જો હું પાણી નહીં છોડું તો મારા લોકોને નુકસાન થશે. પાણી ગમે તે રીતે સમુદ્ર સુધી જવાનું જ છે તો કોઈ પણ વ્યક્તિ બીજો વિકલ્પ જ પસંદ કરશે."

અધિકારીએ બીબીસીને જણાવ્યું કે બંને રાજ્યો વચ્ચે વાતચીત બાદ સ્થિતિ સુધરી છે.

જોકે, રાજ્ય સરકારો તરફથી એવાં નિવેદનો એટલા માટે પણ આવ્યાં છે કે બંને રાજ્યોના જળસંસાધન વિભાગના મુખ્ય સચિવ એક જ બૅચના આઈએએસ (ઇંડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ઑફિસર છે.

એટલે કે ઇમરજન્સીમાં રાજ્ય સરકારો વચ્ચે વાતચીતનો પ્રોટોકોલ અહીં કામ કરતો નથી, પરંતુ કર્ણાટકના સિંચાઈ વિભાગના પૂર્વ સચિવ કૅપ્ટન રાજા રાવ આ મામલાને અલગ રીતે જુએ છે.

કૅપ્ટન રાવ કહે છે, "દરેક રાજ્ય પોતાનાં જળાશયો તરફ આંખ બંધ કરીને જુએ છે, ત્યારે વર્તમાન સ્થિતિ માટે કેન્દ્ર સરકારે જવાબદારી લેવી જોઈએ."

કૅપ્ટન રાવ કહે છે, "કૃષ્ણા ટ્રિબ્યૂનલનો ચુકાદો 2013માં આવેલો. સુપ્રીમ કોર્ટે તેને 2016માં યથાવત્ રાખ્યો હતો."

"પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકારે કાવેરી નદી સત્તામંડળની જેમ કૃષ્ણા નદી સત્તામંડળની રચના કરી નથી."

"આવું સત્તામંડળ હોવાથી જ જળાશયોમાંથી પાણી છોડવાના નિર્ણયમાં મદદ મળશે અને પૂરની સ્થિતિ ઊભી થશે નહીં."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો