'ફરી જિંદગી જીવવાની તક મળે તો કાન્તિ ભટ્ટ જ બનવાનું પસંદ કરું!'

કાન્તિ ભટ્ટ

ઇમેજ સ્રોત, Geeta Menka

    • લેેખક, આશુ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હું સૌરાષ્ટ્રનાં નાનકડા ગામમાં રહેતો હતો એ વખતે 'ચિત્રલેખા' સાપ્તાહિક (અને પછી 'અભિયાન' શરૂ થયા બાદ એ પણ) વાંચતો.

એમાં કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટના અવનવા, રસપ્રદ, રોમાંચક અને ક્યારેક રુંવાડા ઊભા કરી દે એવા અહેવાલો પ્રકાશિત કરવામાં આવતા હતા. કાન્તિ ભટ્ટે 92 દેશોમાં રિપોર્ટિંગ કર્યું હતું!

કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટ ભારતના જુદા-જુદા વિસ્તારોમાં અને દુનિયાના જુદા-જુદા દેશોમાં ફરતાં રહેતાં રસપ્રદ અહેવાલો અને વિખ્યાત વ્યક્તિઓના ઈન્ટરવ્યૂઝ પણ લઈ આવતાં હતાં. એ બધું વાંચીને થતું કે જિંદગી તો આવી હોવી જોઈએ.

એ વખતે હું મારા મોટા ભાઈ પ્રવીણભાઈની સાથે દુકાનમાં કામ કરતો.

એ દુકાનમાં પાન બનાવવાથી માંડીને ગોળીવાળી દેશી સોડા ભરવાના કામની સાથે વચ્ચે-વચ્ચે સાઇકલના પંક્ચર સાંધી આપવા સહિતનાં વિવિધ કામ મોટા ભાઈની સાથે કરતો અને જરૂર પડે ત્યારે મારા પિતાને મદદ કરવા માટે વાડીએ એટલે કે ખેતરે પણ જતો.

line

કાન્તિ ભટ્ટને પણ પત્રો લખતો

કાન્તિ ભટ્ટ

ઇમેજ સ્રોત, Geeta Manek

પ્રવીણભાઈને વાંચનનો બહુ શોખ હતો એટલે તેમણે દુકાનના એક ભાગરૂપે સર્ક્યુલેટિંગ લાઇબ્રેરી પણ કરી હતી. એ લાઇબ્રેરીનાં તમામ પુસ્તકો અમે બંને ભાઈએ વાંચી નાખ્યાં હતાં.

એ દિવસોમાં દુકાનમાં કામ કરતા-કરતા કે વાડીમાં પાવડો લઈને પાણી વાળતા-વાળતા કે પીઠ પાછળ કાપો બાંધીને કપાસ કે મગફળી વીણતા-વીણતા મનમાં તો એ જ વિચારો ચાલતા હોય કે કોઈ પણ રીતે પત્રકાર બનવું જોઈએ.

આવા વિચારો મને ધક્કો મારતા અને દુકાનેથી રાતે એકાદ વાગ્યે ઘરે પહોંચ્યા પછી હું પત્રકાર બનવાના ધખારાને કારણે કલમ-કાગળ લઈને પત્રો લખવા માંડતો હતો.

એ વખતે મેં મોકલેલા પત્રો રાજકોટનાં અખબારોમાં વાચકોના ચર્ચાપત્ર વિભાગમાં છપાય તો ય જલસો પડી જતો!

આ રીતે હું કાન્તિ ભટ્ટને પણ પત્રો લખતો રહેતો અને ક્યારેક કાન્તિભાઈ એનો જવાબ પણ આપતા હતા.

line

કાન્તિ ભટ્ટ સાથે મુલાકાત

કાન્તિ ભટ્ટનું ચિત્ર

ઇમેજ સ્રોત, VATAYAN

એક વાર કાન્તિભાઈએ મારા પત્રનો જવાબ આપ્યો. એમાં તેમણે લખ્યું હતું,"ભાઈ તમારી ભાષા અને વિચારો પરથી લાગે છે કે તમે પત્રકાર બની શકો એમ છો."

બાય ધ વે, મારું નામ અશ્વિનકુમાર હતું, પણ મને પત્રકાર બનાવ્યા પછી કાન્તિભાઈએ એમ કહીને મારું નામ આશુ પટેલ કરી નાખ્યું કે પત્રકારનું નામ મોઢે ચડી જાય એવું હોવું જોઈએ! બંદા તો સાતમા આસમાનમાં વિહરવા લાગ્યા!

મેં મારા પિતાને કહ્યું કે મારે પત્રકાર બનવું છે એટલે મને બહાર જવાની પરવાનગી આપો.

પણ એ વખતે મારું 18મું વર્ષ ચાલતું હતું અને મેં ધોરણ 12 પણ પૂરું કર્યું નહોતું એટલે મારાં માતાપિતાને ચિંતા થઈ અને તેમણે બહાર જવા દેવાની ના પાડી. એ વખતે મારા મોટા ભાઈ મારી વહારે આવ્યા.

તેમણે કહ્યું,"મને એનામાં વિશ્વાસ છે. તેને જવા દો. તે પોતાનો રસ્તો કાઢી લેશે."

હું માનું છું કે મારા મોટા ભાઈ પ્રવીણભાઈ મારી જેમ બહાર નીકળ્યા હોત તો મારાથી મોટા લેખક થયા હોત! એ રીતે હું કાન્તિભાઈ સુધી પહોંચ્યો.

line

નોકરી

કાન્તિ ભટ્ટ

ઇમેજ સ્રોત, VATAYAN

કાન્તિભાઈએ મારા પર લખેલો પત્ર તેમને બતાવ્યો.

કાન્તિભાઈએ કહ્યું,"ભલા માણસ, પહેલાં ગ્રેજ્યુએશન તો પૂરું કરી લો! જોકે શીલાબહેન અને 'અભિયાન'ના એક્ઝિક્યુટિવ એડિટર હસમુખ બારોટે મને ટ્રેઈની રિપોર્ટર તરીકે નોકરી આપી."

એ પછી બીજા દિવસે સવારે કાન્તિભાઈએ મને કહ્યું, "તારે એક જગ્યાએ રિપોર્ટિંગ માટે જવાનું છે. હું તો ઉત્સાહમાં આવી ગયો."

તેમણે આગળ અત્યંત સહજતાથી કહ્યું, "બપોરે સાન્તાક્રુઝ ઍરપૉર્ટ પહોંચી જજે ત્યાં તને હિઝ હાઈનેસ આગા ખાન ટ્રસ્ટના ઝીનત ભગત મળશે."

તેમનો નંબર લખી લે. તેમની સાથે ફોન પર વાત કરીને ઍરપૉર્ટમાં ક્યાં મળવાનું છે એ નક્કી કરી લેજે. આપણે તો એસ.ટી.ની બસમાં કે વધીને ટ્રેનમાં જ પ્રવાસ કર્યો હતો. મુંબઈમાં સાન્તાક્રુઝ ઍરપૉર્ટ ક્યાં આવ્યું એ પણ ખબર નહોતી.

line

અવસર

કાન્તિ ભટ્ટ

ઇમેજ સ્રોત, VATAYAN

કાન્તિભાઈના ઘરે પહેલી વાર ગયો ત્યારે પણ મારા કઝિન શારદાબેન મને લઈ ગયા હતા!

એ દિવસે જિંદગીનાં પહેલાં રિપોર્ટિંગમાં જવાના ઉત્સાહ અને ઉત્તેજનામાં જિંદગીમાં પહેલી વાર પ્લેનમાં બેસવાનું ઍક્સાઇટમેન્ટ પણ ભળ્યું હતું!

'સાતમા આસમાનમાં વિહરવું' એવી કહેવત સાંભળી-વાંચી હતી, પણ એ દિવસે એવો અહેસાસ પણ થયો.

એ વળી ચાર્ટર્ડ ફ્લાઇટ હતી અને એમાં મારા સિવાય બીજા બધા જુદી-જુદી ભાષાના નામાંકિત પત્રકારો હતા!

line

'ફરી કાન્તિ ભટ્ટ તરીકેની જિંદગી જ જીવું'

કાન્તિ ભટ્ટ

ઇમેજ સ્રોત, Vatayan

કાન્તિભાઇ આ દુનિયા છોડી ગયા છે અને એમનો પાર્થિવ દેહ અગ્નિમાં વિલીન થતો જોયો ત્યારે આંખો છલકાઈ ઊઠી અને આ બધી વાતો માનસપટલ પર ઊભરી આવી.

હું કાન્તિભાઈને ગત 15 જુલાઈએ તેમના જન્મદિવસે મળવા ગયો હતો ત્યારે અમે કાન્તિભાઈ સાથે પાંચ કલાક જેટલો સમય વિતાવ્યો.

એ પછી છૂટા પડતી વખતે કાન્તિભાઈને પૂછ્યું, "કાન્તિભાઈ, જિંદગી રીવાઈન્ડ કરીને જીવવાની તક મળે તો તમે કેવી જિંદગી પસંદ કરો?"

એક ક્ષણના પણ વિલંબ વિના કાન્તિભાઈએ કહ્યું, "મને ફરી એક વાર જિંદગી જીવવાની તક મળે તો આ જ જિંદગી, કાન્તિ ભટ્ટ તરીકેની જિંદગી જ જીવું!"

મેં કહ્યું,"પણ તમે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે!"

કાન્તિભાઈએ વળતી સેકન્ડે કહ્યું," મેં સંઘર્ષ ખૂબ કર્યો છે, પણ મને ક્યારેય સંઘર્ષથી થાક લાગ્યો નથી. પાછી જિંદગી જીવવાની તક મળે તો કાન્તિ ભટ્ટ જ બનવાનું પસંદ કરું!'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો