ગાંધીનગર પોલીસે ગાય સાથે અથડાઈને મૃત્યુ પામેલી વ્યક્તિ પર કેમ ગુનો નોંધ્યો?

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઢોર સાથે વાહન અથડાય, આ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય અને મૃતક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે તો?
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવી ઘટના બની છે, જેમાં ગાય સાથે અથડાઈને મૃત્યુ પામેલા વાહનચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આ બનાવની વિગત કંઈક એવી છે ગાંધીનગરમાં ખાનગી નોકરી કરતા કરણભા ભાઠડ નામના યુવાન 30મી જુલાઈના રોજ બપોરે જમવા માટે ઍક્ટિવા પર ઘરે આવી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.
માહિતી અનુસાર ઍક્ટિવા પર જઈ રહેલા કરણભા રસ્તા પરની બે ગાયો સાથે અથડાયા હતા.
આ ઘટનામાં કરણભાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

યુવક એટલો ગરીબ હતો કે ફોન પણ નહોતો

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
ઘટનાને નજરે જોનારા રાજુભાઈ જાનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારી કાર ઍક્ટિવાની પાછળ હતી અને મેં દૂરથી ગાયને ઍક્ટિવાને અડફેટે લેતાં જોઈ હતી."
"અમે તુરંત જ એની મદદ માટે દોડી ગયા અને ઍમ્બુલન્સને ફોન કર્યો હતો. જોકે, હૉસ્પિટલમાં એને મૃત જાહેર કરવામાં આવ્યો હતો."
"એ વ્યક્તિના ગળામાં લટકતા ઓળખપત્રના આધારે ફોન કર્યો તો એના મિત્રએ ઉપાડ્યો હતો. જેની મદદથી એનાં માતાપિતાને બનાવની જાણ કરવામાં આવી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કરણભાના પિતા ગામડે ખેતી કરે છે અને આર્થિક તંગીને પગલે તેઓ ગાંધીનગરમાં રહીને ગિફ્ટ સિટીમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા.
નબળી આર્થિક સ્થિતિ લીધે કરણભા પાસે મોબાઇલ ફોન પણ નહોતો અને સંપર્ક માટે તેમણે કંપનીમાં મિત્રનો મોબાઇલ નંબર લખાવ્યો હતો.
જે દિવસે અકસ્માત થયો એ દિવસે તેઓ ઑફિસના સહકર્મીનું ઍક્ટિવા લઈને ઘરે જમવા જઈ રહ્યા હતા.
કરણભા ગાંધીનગરમાં મિત્ર સાથે રૂમ શૅર કરીને રહેતા હતા.

'રખડતાં ઢોરને કારણે મારો દીકરો ગયો'

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
કરણભાના પિતા બુધાભાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "રખડતાં ઢોરને કારણે મારો દીકરો ગયો. બીજા કોઈનો દીકરો આવી રીતે ન જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીશ."
અમદાવાદમાં રખડતાં ઢોરને કારણે છેલ્લા છ મહિનામાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.
એ કિસ્સામાં ઢોરને રખડતાં મૂકવા બાદ માલિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા આવાં રખડતાં ઢોરને પકડીને પાંજરે પૂરે છે અને માલિકને દંડ પણ ફટકારે છે.
જોકે, ગાંધીનગરનાં મેયર રીટા પટેલ આ મામલે કાયદાની તરફેણમાં નથી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આવા એકલદોકલ કિસ્સાના આધારે કોઈ કાયદો ન ઘડી શકાય."
જોકે, રસ્તા પર રખડતાં ઢોરની વ્યવસ્થા કરવા માટે તેમણે 'વિચારણા' કરવાની વાત કરી છે.

શું છે ઉપાય?

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC
અમદાવાદ સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન અમોલ ભટ્ટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "રખડતા ઢોર ને કારણે લોકોને ઈજા થઈ હોય કે જીવ ગયો હોય એવા કેટલાય કિસ્સા પ્રકાશમાં આવ્યા છે."
"હાલ તો અમે ઢોરના માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરીએ છીએ પણ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અમે નજીકના ભવિષ્યમાં ઍનિલમ હૉસ્ટેલ ઊભી કરવા જઈ રહ્યા છે."
"જે માલધારીઓ પાસે ઢોર બાંધવાની જગ્યા ન હોય તે પોતાના ઢોર આવી હૉસ્ટેલોમાં મફતમાં બાંધી શકશે."
આ ઘટનામાં મૃત વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જે અંગે વાત કરતા ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. રાજપૂતે જણાવ્યું, "આ અકસ્માતમાં કોઈને પોતાનો જીવ ગુમાવવો પડ્યો એ વાતનું દુઃખ છે અને અમે ઍક્ટિવાચાલકને બચાવવા માટે ઝડપથી સારવાર અપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો."
"રખડતી ગાયોના માલિકને શોધવા માટેના પ્રયાસ પણ ચાલુ છે. જોકે, અમે પોલીસ મૅન્યુઅલ પ્રમાણે વાહનની ઝડપ વધુ હોવાથી પોસ્ટમૉર્ટમ બાદ બેકાળજીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો દાખલ કર્યો છે."
"રસ્તા પર રખડતાં ઢોરને પકડવાનું કામ નગરપાલિકાનું હોય છે એ સંદર્ભે તેઓ જણાવે છે, "ગિફ્ટ સિટી અને આસપાસના વિસ્તારોમાં રસ્તા પર રખડતાં ઢોર આવી ન ચડે એ માટેના પ્રયાસ કરીએ છીએ."
"પરંતુ અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ રખડતાં પ્રાણીઓને પકડવાનું અમલીકરણ યોગ્ય રીતે થવું જોઈએ."

રખડતાં ઢોરને કારણે મોત થાય તો જવાબદાર કોણ?

વરિષ્ઠ વકીલ રાજેશ કાપકાર આ અંગે વાત કરતા જણાવે છે, "રખડતાં ઢોરને કારણે કોઈને ઈજા પહોંચે કે કોઈનું મૃત્યુ નીપજે તો એ માટે નગરપાલિકા, જિલ્લા કે તાલુકા પંચાયતને જવાબદાર ગણી શકાય."
"આવા કિસ્સામાં જો ગુનો સાબિત થાય તો જવાબદારીના ભાગરૂપે ઢોરના માલિકને ઓછી સજા થાય, જ્યારે સત્તાવાળાઓને વધુ સજા થતી હોય છે."
ફૈયાઝ હુસેનના કેસને ટાંકતા કાપકારે કહ્યું, "મહાનગરપાલિકાની દીવાલ તૂટી પડતા એમના દીકરાને સજા થઈ હતી."
"એ ઘટનામાં મહાનગરપાલિકા વિરુદ્ધ કેસ કરતાં જસ્ટિસ જે. બી. પારડીવાલાએ પીડિતના પરિવારને 5 લાખ 80 હજારનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો."
રિટાયર્ડ જજ પી.જે. ધોળકિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "બૉમ્બે પોલીસ ઍક્ટ 117 અને 99 અનુસાર રખડતાં ઢોરને કારણે જો વ્યક્તિને ઈજા થાય તો ઢોરના માલિકને રૂપિયા 1,200 સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ છે."
ગુજરાત હાઈકોર્ટના વકીલ નીલ દેસાઈ આ મામલે જણાવે છે, "નવા સુધારા પ્રમાણે આઈપીસીની કલમ 289 પ્રમાણે નવી સજાની જોગવાઈ કરવામાં આવી છે."
"જેમાં પશુના માલિકને 6 મહિનાની જેલ અને રૂપિયા 1,000ના દંડની જોગવાઈ કરાઈ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












