સોનભદ્ર હત્યાકાંડ : જમીનનો વર્ષો જૂનો એ વિવાદ જેમાં લોકો પર ગોળીઓ વરસાવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલી હિંસાને કારણે મિર્ઝાપુરના ચુનારમાં હાલ રાજકીય માહોલ ગરમ છે.
હિંસાનો ભોગ બનેલા લોકોને મળવાની માંગ કરી રહેલાં કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે પીડિત પરિવારોના કેટલાક લોકોએ ચુનાર ગેસ્ટ હાઉસમાં મુલાકાત કરી છે.
આ દરમિયાન પીડિતો પ્રિયંકા ગાંધીને ગળે મળીને રડતાં જોવા મળ્યાં હતાં અને પોતાની મુશ્કેલીઓ તેમને કહી હતી.
બીજી તરફ પ્રિયંકાના સમર્થનમાં મિર્ઝાપુર આવી રહેલા કૉંગ્રેસ અને અન્ય દળોના નેતાઓને વારાણસી ઍરપૉર્ટ પર રોકી લેવામાં આવ્યા હતા.
પ્રિયંકા ગાંધી શુક્રવારથી જ પીડિત પરિવારને મળવાની માંગ કરી રહ્યાં છે. મળવા ન દેવાતા આખી રાત ગેસ્ટહાઉસમાં વિતાવી હતી.
સોનભદ્રના ઊંભા ગામમાં થયેલા ગોળીબારમાં કુલ 10 લોકોનાં મોત થયાં છે. જે મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. પરંતુ આ સમગ્ર ઘટના શું છે?

એ જમીન જેના માટે 10 લોકોને ગોળીએ દેવાયાં

ઇમેજ સ્રોત, DINESH KUMAR
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં એક જમીન વિવાદને કારણે 10 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ઘોરવાલ વિસ્તારમાં આવેલી એક જમીનના કારણે જે વિવાદ ઊભો થયો હતો તે એક IAS અધિકારીના પરિવારજનોના નામ પર હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમણે આ જમીન ગામના મુખીને વેંચી દીધી હતી. જે બાદ આ યજ્ઞ દત્ત તે જમીન પર કબજો લેવા ઇચ્છતા હતા.
ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ. પી. સિંહના જણાવ્યા પ્રમાણે દત્ત અને તેમના સાથીદારો આ જમીનનો કબજો લેવા માટે પહોંચ્યા હતા.
તેમના કહેવા મુજબ 10થી 12 જેટલાં ટ્રેક્ટરો લઈને દત્ત જમીન પર કબજો કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિકો તેમનો વિરોધ કર્યો.
પોલીસના કહેવા પ્રમાણે લોકોએ દત્ત અને તેમના માણસોને કબજો લેતા રોકવાનો પ્રયાસ કરાતા સ્થાનિકો અને દત્તના માણસો વચ્ચે સંઘર્ષ થયો.
જે બાદ દત્તના માણસોએ આદિવાસીઓ પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી જેમાં ઘટનાસ્થળ પર જ 9 લોકોનાં મોત થયાં હતાં અને 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું.
17 જુલાઈ બુધવારના રોજ બનેલી આ દુર્ઘટનામાં કુલ 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 78 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
દસ લોકોનાં મોતની સાથે-સાથે આ ઘટનામાં કુલ 18 લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે.

જમીનનો એ જૂનો વિવાદ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર આ જમીન વિવાદનાં મૂળ છેક 1952 સુધી પહોંચે છે.
ગામ લોકો માટે જમીનની લડાઈ લડી રહેલા વકીલ નિત્યાનંદ દ્વિવેદીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને કહ્યું કે આ જમીન મૂળ રાજા આનંદ બ્રહ્મ સાહાનીની હતી.
જમીનદારીના કાયદા હેઠળ આ જમીનની માલિકી કોઈની ના રહી અને તેને ઉજ્જળ જાહેર કરી દેવામાં આવી. જે બાદ તેને ગ્રામ પંચાયતની મિલકત જાહેર કરી દેવામાં આવી.
વકીલના કહેવા પ્રમાણે 1952 સુધી ગ્રામજનો આ જમીનનો ઉપોયોગ કરતા હતા. જે બાદ IAS અધિકારી પ્રભાત કુમાર મિશ્રાએ આદર્શ કૉ-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ ઑફ ઊંભાની સ્થાપના કરી.
અધિકારીના સસરાને સોસાયટીના પ્રમુખ અને તેમનાં પત્નીને હોદ્દેદાર તરીકે નિમવામાં આવ્યાં.
મિશ્રાનાં પુત્રીની મૅનેજર તરીકે નિમણૂક કરવામાં આવી અને 463 વીઘાં જમીન તેમના નામે કરી દેવામાં આવી.
મિશ્રાના સસરાના મોત બાદ 200 વીઘાં જમીન તેમનાં પુત્રી અને પત્નીના નામે કરી દેવામાં આવી.
જેમાંથી 144 વીઘાં જમીન તેમણે ગામના મુખીને 2 કરોડ રૂપિયામાં વેંચી દીધી હતી.
જોકે, વકીલના કહેવા મુજબ આ સોસાયટી ગેરકાયદે હતી અને તેમને ટ્રાન્ફર કરવામાં આવેલી જમીન પણ ગેરકાયદે હતી.

મુખ્ય મંત્રીનું શું કહેવું છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સોનભદ્રમાં થયેલી ઘટના માટે કૉંગ્રેસને જવાબદાર ગણાવી છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં યોગી આદિત્યનાથ સોનભદ્ર મામલે પોતાનું નિવેદન આપી રહ્યા હતા.
આ સમયે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાને લઈને વિપક્ષોએ હોબાળો કર્યો જેથી તેઓ પોતાની વાત સદનમાં કહી શક્યા નહીં.
બાદમાં એક પત્રકાર પરિષદમાં યોગીએ સમગ્ર વિવાદ મામલે કૉંગ્રેસને જવાબદાર ગણાવતા કહ્યું કે તેમના શાસન દરમિયાન આદિવાસીઓની જમીનને એક સોસાયટીના નામે કરી દેવામાં આવી હતી.
તેમણે કહ્યું કે આ પૂરા મામલામાં તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે, જે 10 દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપશે.
કૉંગ્રેસ સતત આ મામલે રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવી રહી છે અને તેમના નેતાઓને રોકવા અંગે તે સરકાર પર નિશાન સાધી રહી છે.
જ્યારે ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી દિનેશ શર્માએ કહ્યું છે કે આ મામલે રાજકારણ ન કરવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














