છપરાઃ 'શું મુસ્લિમોને જીવવાનો અધિકાર નથી?'-ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, નીરજ સહાય
    • પદ, છપરાથી, બીબીસી ગુજરાતી માટે

બિહારના સારણ જિલ્લાના છપરામાં શુક્રવારે સવારે ટોળાએ મારપીટ કરી અને એમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં. આ મુદ્દે જિલ્લા પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં આઠ લોકોને આરોપી દર્શાવાયા છે.

પોલીસે કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. જોકે પોલીસ આ ઘટનાને મૉબ લિન્ચિંગ માનવાનો ઇનકાર કરે છે.

આ ઘટના બનિયાપુર ચોકીના વિસ્તારમાં આવતા પઠોરી નંદલાલ ટોલા ગામમાં થઈ. ભીડે લઘુમતિ સમુદાયના એક અને મહાદલિત સમુદાયના બે લોકોને ક્રૂરતાપૂર્વક માર્યા, જેનાથી તેમનાં મૃત્યુ થયાં.

જે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં તે ઘટનાસ્થળથી લગભગ 15 કિલોમિટર દૂર આવેલા પૈગંબરપુર ગામમાં રહેતા હતા. મિશ્ર વસતી ધરાવતા આ ગામમાં 500 ઘર છે.

આ ગામના ઘણા લોકો દેશ-વિદેશમાં નોકરી કરે છે. જોકે હાલ ગામમાં દુઃખ અને ગુસ્સાનો માહોલ છે.

ગામની વચ્ચે મૃતક નૌશાદ કુરેશીનું પાક્કું મકાન છે. શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે લોકો એકઠા થયા છે. ઘરમાં ગમગીની છવાઈ છે.

પરિવારનો આરોપ

નૌશાદના મોટા ભાઈ મોહમ્મદ આઝાદે જણાવ્યું કે નૌશાદ પિકઅપ વૅન ચલાવીને પેટિયું રડતા હતા.

આ ઘટનાને મૉબ લિંન્ચિંગ ગણાવતા આઝાદ કહે છે, "રાજુ અને વિદેશીએ ઢોર ખરીદ્યું હતું. તેને ભાડાની ગાડીમાં લેવા માટે જઈ રહ્યા હતા. પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ આમને ક્રૂરતાથી મારવામાં આવ્યા."

"તેમના પર લાકડી અને ચાકુથી હુમલો કર્યો. મને તો બસ એવું જ લાગે છે કે ટોળાએ વિચાર્યું કે મુસલમાન છે એટલે તેમને મારી નાંખો."

ઘરમાં શોક

નૌશાદના આ દર્દનાક મૃત્યુથી ડરી ગયેલાં તેમનાં ભત્રીજી નેહા તબસ્સુમે હીબકાં લેતાં કહ્યું, "કાકાએ તેમની મોટા ભાગની બચતથી તેમનાં દીકરીનાં લગ્ન કર્યાં તેમજ દીકરાને હૈદરાબાદમાં એન્જિનિયરિંગ કરાવી રહ્યા હતા."

"તેમને આટલી બેરહમીથી મારવામાં આવ્યા કેમ કે તેઓ મુસલમાન હતા. શું મુસલમાનને જીવવાનો અધિકાર નથી?"

બીજી તરફ ગામના બીજા છેડે મૃતક વિદેશ નટના પિતા પોતાના નવયુવાન દીકરાના શબને જોઈને સતત રડી રહ્યા છે. તેઓ માત્ર એક જ વાત કરતા હતા કે નવેમ્બરમાં તેનાં લગ્ન થવાનાં હતાં.

આ જ માહોલ રાજુ નટના ઘરની બહાર પણ જોવા મળ્યો. ઘરની બહારના ચોગાનમાં પરિવારજનો શબને ઘેરીને ઊભા હતા. રાજુનાં બાળકો અને પત્નીની આંખોમાં ઊંડી પીડા જોઈ શકાય છે.

બીજી તરફ જે ગામમાં આ ઘટના બની છે તે મહાદલિતની બહુમતી ધરાવતું ગામ છે, પિઠોરી નંદલાલ ટોલા ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે શુક્રવારે સવારે ત્રણ લોકો ગામમાં પિકઅપ વૅનમાં ઢોરને ચઢાવતાં હતાં ત્યારે જ તેમને પકડી લીધાં.

'બાંધીને માર માર્યો'

પોલીસ છાવણી બની ગયેલા આ ગામમાં ભયાનક સન્નાટો છે. તપાસ કરતા ઘટનાસ્થળ નજીક ગામના યુવાન મોહિત કુમાર રામ મળ્યા.

ઘણી વખત સવાલ પૂછ્યા એ પછી તેમણે કોઈ સાથે મોબાઇલથી વાત કરી અને પછી કહ્યું, "રાત્રે લગભગ બે વાગ્યા આસપાસ પિકઅપ વૅનમાં કેટલાક લોકો આવ્યા હતા. પહેલાં તેમણે એક બકરી ચોરીને ક્યાંક છુપાવી દીધી, પછી ફરીથી આવ્યા. વૅનમાં બકરીની લીંડી પણ મળી હતી."

મોહિતે જણાવ્યું કે એ લોકો ફરી આવ્યા અને ગામની ભાગોળે બાંધેલી બે ભેંસોને વૅનમાં ચઢાવવાની કોશિશ કરી. તેમાંથી એકને ભેંસે ધક્કો માર્યો અને ત્યાર બાદ હોબાળો મચી ગયો અને તેઓ ગામના લોકોના હાથમાં ચઢી ગયા.

તેમણે કહ્યું, "અમે એ લોકોને પકડીને દરવાજા સાથે બાંધી દીધા, તેમની પૂછપરછ કરી. તે દરમિયાન કોઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો. તેમણે કહ્યું કે પકડીને રાખો અમે આવીએ છીએ. આ દરમિયાન લોકોએ તેમને મારવાનું શરૂ કરી દીધું. તેમાંથી બે લોકોનાં અહીં જ મૃત્યુ થઈ ગયાં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો