You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : હિમાચલ પ્રદેશમાં બસ ખીણમાં ખાબકી, 43નાં મૃત્યુ
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરુવારે એક ખાનગી બસ ખીણમાં ખાબકતાં 43 લોકોનાં મૃત્યુ નીપજ્યાં અને લગભગ 35 લોકોને ઈજા પહોંચી.
સિમલાના સ્થાનિક પત્રકાર અશ્વિની શર્માએ બીબીસીને જણાવ્યું કે બસ 50 લોકોને બંજારથી ગઢ ગુશૈણી લઈ જઈ રહી હતી. બસમાં મુસાફરી કરનારા મોટાભાગના સ્થાનિકો હતા.
અકસ્માતને નજરે જોનારા કેટલાક લોકોએ જણાવ્યું કે ડ્રાઇવરે અત્યંક સાંકડા અને જોખમી વળાંક પર નિયંત્રણ ગુમાવી દીધું હતું. બસ પહેલાં પાછળ નમી અને બાદમાં ઊંડી ખીણમાં ખાબકી.
અકસ્માત પછી તરત કેટલાય સ્થાનિકો મુસાફરોને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સમાચાર સંસ્થા એએનઆઈના મતે બંજારના એસડીએમ એમ. આર. ભારદ્વાજના જણાવ્યા અનુસાર હાલમાં બચાવ અને રાહતકાર્ય ચાલુ છે.
કુલ્લુનાં એસપી શાલિની અગ્નિહોત્રીના મતે પીડિતોની સંખ્યા વધી શકે એમ છે.
તમામ ઘાયલોને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે અને ગંભીર ઈજાગ્રસ્તોને કુલ્લુ ખસેડવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ઘટના બદલ દુઃખ વ્યક્ત કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાને અમેરિકાનું ડ્રૉન વિમાન તોડી પાડ્યું
ઈરાની સુરક્ષાદળોએ અમેરિકાનું ગુપ્તચર ડ્રૉન તોડી પાડ્યું છે.
ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશન ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)નું કહેવું છે કે ડ્રૉને ઈરાની હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું.
જોકે, અમેરિકન સૈન્યનું કહેવું છે કે હુમલો કરાયો ત્યારે ડ્રૉન આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર હતું.
અમેરિકન સૈન્યને આને 'વગર કોઈ કારણનો હુમલો' ગણાવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું, 'ઈરાને બહુ મોટી ભૂલ કરી છે.'
આઈઆરજીસીના કમાન્ડર મેજર-જનરલ હુસૈન સલામીએ કહ્યું કે અમેરિકા માટે આ સ્પષ્ટ સંદેશ છે કે ઈરાનની સરહદનો જ્યાં પ્રારંભ થાય છે ત્યાં અમેરિકા માટે જોખમ શરૂ થાય છે.
નોંધનીય છે કે આ સમાચાર એવા સમયે આવ્યા છે કે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ચરમ પર છે.
ટ્રિપલ તલાક બિલ આજે સંસદમાં રજૂ થશે
કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સંસદમાં આજે 'ધ મુસ્લિમ વીમૅન(પ્રૉટેક્શન ઑફ રાઇટ ઑન મૅરેજ) બિલ 2019' રજૂ કરશે.
આ બિલનો ઉદ્દેશ લગ્ન બાદ મુસ્લિમ મહિલાઓના હકનું રક્ષણ કરવાનો અને પતિ દ્વારા બોલીને અપાતા 'તલાક' અટકાવવાનો છે.
આ નવું બિલ ટ્રિપલ તલાકને ગુનાહિત કૃત્ય ગણાવનારા ગત વર્ષના બિલની જગ્યાએ રજૂ કરાઈ રહ્યું છે.
નોંધનીય છે કે ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટ્રિપલ તલાક અને 'નિકાહ હલાલા'ને જેવાં સામાજિક દૂષણોને દૂર કરવાનો એનડીએનો ઉદ્દેશ હોવાનું જણાવ્યું હતુ.
ચંદ્રબાબુ નાયડુના પક્ષના ચાર સાંસદો ભાજપમાં જોડાયા
તેલુગુ દેશમ્ પાર્ટી(ટીડીપી)ના વડા એન. ચંદ્રબાબુ નાયડુ પરિવાર સાથે યુરોપમાં રજા ગાળી રહ્યા છે ત્યારે તેમના પક્ષના રાજ્યસભાના ચાર સાંસદો ભાજપમાં જોડાઈ ગયા છે.
આ સાંસદોએ ભાજપમાં જોડાવાની જાહેરાત કર્યા બાદ ભાજપના નવા કાર્યકારી સાંસદ જે. પી. નડ્ડાએ પક્ષમાં તેમનું સ્વાગત કર્યું હતું.
ઘટનાને પગલે ચંદ્રાબાબુ નાયડુએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને સાંસદોનું ભાજપમાં જોડાવું 'તેમનો વ્યક્તિગત ઍજેન્ડા' ગણાવ્યો હતો.
વળી, આ સંકટ પક્ષને કોઈ અસર નહીં પહોંચાડે એવું પણ નાયડુએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે રાજ્યસભામાં ટીપીડીના છ જ સાંસદ હતા, જેમાંથી ચાર ભાજપમાં જોડાઈ ગયા છે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો