રાજનાથસિંહને હવે છ સંસદીય કમિટીમાં સ્થાન, વિવાદ થતાં સરકારે યાદી બદલી

ફરીથી સત્તામાં આવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ કૅબિનેટ કમિટીની રચના કરી છે. અગાઉ રાજનાથસિંહને મહત્ત્વપૂર્ણ કમિટીઓમાં સ્થાન ન આપતા વિવાદ થયો હતો અને સરકારે ગઈ કાલે રાત્રે પોતાનો નિર્ણય ફેરવી દઈ રાજનાથ 6 સંસદીય કમિટીઓમાં સમાવી લીધા છે.

આ તમામ કમિટીમાં ગૃહમંત્રી અમિત શાહને સ્થાન આપવામાં આવ્યું છે.

ગઈ કાલે સવારે રાજનાથસિંહને મહત્ત્વની માનવામાં આવતી રાજકીય અને સંસદીય બાબતોની કમિટીમાં જગ્યા આપવામાં આવી નહોતી. 2014માં રાજકીય બાબતોની કમિટીમાં રાજનાથસિંહને સ્થાન આપવામાં આવ્યું હતું.

ગઈ કાલે રાત્રે સરકારે પોતાની યાદીમાં સુધારો કરી રાજનાથસિંહને હવે સંસદીય બાબતો, રાજકીય બાબતો, રોકાણ અને વૃદ્ધિ તેમજ રોજગાર અને કૌશલ વિકાસ પર બનેલી કૅબિનેટ કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ગઈ કાલે સવારે કહેવામાં આવી રહ્યું હતું કે સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ જણાય છે કે વડા પ્રધાન મોદી પછી અમિત શાહ સરકારમાં બીજા નંબરે છે, નહી કે રાજનાથસિંહ.

રાજકીય બાબતોની કમિટીમાં વડા પ્રધાન મોદી અને શાહ સિવાય નીતિન ગડકરી, નિર્મલા સિતારમણ, રામવિલાસ પાસવાન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરતકૌર બાદલ, હર્ષવર્ધન, પીયૂષ ગોયલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઍપૉઈન્ટમૅન્ટ કમિટીમાં ફક્ત શાહ અને મોદી

આ સિવાય સંસદીય બાબતોની કમિટીમાં અમિત શાહ, નિર્મલા સીતારમણ, રામવિલાસ પાસવાન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, થાવરચંદ ગેહલોત, પ્રકાશ જાવડેકર અને પ્રહલાદ જોશીનો સમાવેશ કરાયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ આઠમાંથી છ કમિટીમાં છે. પણ સંસદીય અને આવાસ કમિટીમાં નથી.

જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાત અને રેલમંત્રી પીયૂષ ગોયલને પાંચ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઍપૉઈન્ટમૅન્ટ કમિટીમાં માત્ર વડાપ્રધાન મોદી અને અમિત શાહ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો