You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Women IPL T20 : સચિન તેંડુલકર છે કાશ્મીરનાં પ્રથમ મહિલા ક્રિકેટર જાસિયાનાં આદર્શ
- લેેખક, તાહીર હુસૈન
- પદ, કાશ્મીરથી બીબીસી ગુજરાતી માટે
28 વર્ષની ઉંમર ધરાવતાં જાસિયા અખ્તર જેઓ મૂળ કાશ્મીરનાં રહેવાસી છે અને સચિન તેંડુલકરને પોતાના આદર્શ માને છે.
જાસિયા પહેલાં કાશ્મીરી મહિલા છે કે જેમણે હાથમાં બૅટ પકડવાની હિંમત કરી છે અને કંઈક કરી બતાવવાનું નક્કી કર્યું છે.
તેઓ ભારતમાં ચાલી રહેલી વુમન્સ ટી-20 મૅચનાં ખેલાડી છે.
2013માં 23 વર્ષની ઉંમરે તેમણે ડબલ સેન્ચ્યુરી ફટકારી હતી. એ જ એ સમય હતો જ્યારે લોકોની નજર તેમનાં પર પડી હતી.
જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ઍસોસિએશનમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવ્યા બાદ તેમને પંજાબ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું હતું. અહીં સુધીનો તેમનો સંઘર્ષ સહેલો ન હતો.
બીબીસી સાથે વાત કરતા જાસિયા કહે છે, "રાજ્યમાં સુવિધાઓ ન હોવાને કારણે મારે પંજાબ જવું પડ્યું હતું."
"મારે શોપિયાંથી શ્રીનગર રોજ અવર-જવર કરવી પડતી હતી. મેં પંજાબમાં ચાર કૅમ્પ વિશે પણ સાંભળ્યું હતું કે જેના કારણે મેં વિચાર્યું કે મારે પંજાબ જવું જોઈએ."
2010માં કાશ્મીરમાં થયેલી હિંસા બાદ જાસિયાને ખબર જ ન હતી કે 9 વર્ષ બાદ તેમનું ભવિષ્ય કેવું હશે. પરંતુ તેમણે પોતાનો પ્રયાસ ન છોડ્યો. તેઓ સતત શીખતાં રહ્યાં. શીખવા માટે તેમણે પોતાનું રાજ્ય છોડ્યું તે પહેલાં થોડી તાલીમ મેળવવા માટે તેમણે યૂટ્યૂબની મદદ પણ લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
સપનું પૂર્ણ કરવા સંઘર્ષ
જાસિયા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. નાણાકીય સમસ્યા હોવાને કારણે શરૂઆતમાં જાસિયાએ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી.
તેમની મહેનત અને નસીબના કારણે તેઓ આજે આ મુકામ સુધી પહોંચી શક્યાં છે.
તેઓ પોતાના પરિવારને ઘરખર્ચ ઊઠાવવામાં પણ મદદ કરતાં અને સાથે-સાથે બૅટિંગ કરવાની પ્રેક્ટિસ પણ કરતાં.
તેમનાં ઘરમાં જોઈએ તો ત્યાં ઘણી બધી ટ્રૉફી તેમની સફળતાની કહાણી દર્શાવે છે.
તેઓ જમ્મુ-કાશ્મીરનાં એકમાત્ર મહિલા છે કે જેમને જયપુરમાં ચાલી રહેલી મહિલાઓની IPLમાં પ્રદર્શન કરવાની તક મળી છે.
વુમન્સ ટી-20 ચેલેન્જનો ભાગ બનવું તે જાસિયા માટે એક ખૂબ મોટી સિદ્ધિ સમાન છે.
મે 6થી મે 11 સુધી જયપુરમાં ચાલનારી આ ટી-20 મૅચમાં દુનિયાભરની મહિલા ક્રિકેટરો ભાગ લઈ રહી છે.
તેમાં ભારતનાં ટોચનાં મહિલા ખેલાડી હરમનપ્રીત અને મિતાલી રાજનો પણ સમાવેશ થાય છે.
જાસિયા કહે છે, "હું જાણું છું કે ક્રિકેટ રમવા આગળ આવેલી હું પહેલી કાશ્મીરી મહિલા છું પરંતુ ત્યાં મહિલાઓને આટલી છૂટ નથી મળતી અને જો આ પ્રકારની આવડતને ટેકો આપવામાં આવે તો તેનાથી કાશ્મીરમાંથી ઘણી મહિલા ક્રિકેટર મળી શકે છે."
મને તેના પર ગર્વ છે - જાસિયાનાં પિતા
જમણેરી વિચારધારા ધરાવતા લોકોએ ટ્રેઇલબ્લેઝર નામની ટીમ પર કટાક્ષ કર્યો છે.
ટ્રેઇલબ્લેઝર વુમન્સ ટી-20 ચેલેન્જમાં ભાગ લેતી મહિલાઓની એક ટીમ છે જેની કપ્તાની સ્મૃતિ મંધાના કરી રહ્યાં છે.
મિતાલી રાજ વેલોસિટી નામની ટીમનાં કૅપ્ટન છે જ્યારે હરમનપ્રીત કૌર સુપરનોવાઝ ટીમનાં કૅપ્ટન છે.
જાસિયા કહે છે, "જ્યાં મારી અંદર ખામી છે તેને દૂર કરવા હું પ્રયાસ કરી રહી છું અને નવું શીખવાનો પ્રયાસ કરી રહી છું."
"આ મારા માટે ગર્વની વાત છે કે મને વિંડીઝ અને સ્ટેફની ટૅલર જેવાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવાની કરવાની તક મળી છે."
જાસિયા હરમનપ્રીત કૌરને પોતાની પ્રેરણા માને છે કે જેમનાં નેતૃત્વ હેઠળ તેમણે પંજાબમાં મૅચ રમી છે.
24 એપ્રિલના રોજ જાસિયાને BCCIમાંથી ફોન આવ્યો. જ્યારે તેમને જાણ થઈ કે તેમનું સિલેક્શન વુમન્સ ટી-20 માટે થયું છે.
જાસિયાના પિતા ગુલામ મોહમ્મદ વાની વ્યવસાયે ખેડૂત છે.
ઉત્સાહમાં આવીને જાસિયા કહે છે, "સાચું કહું તો મને લાગ્યું કે કોઈ મારી સાથે મજાક કરી રહ્યું છે. પરંતુ નસીબજોગે મારું ઇન્ટરનેટ કામ કરી રહ્યું હતું અને મેં મારું નામ ઑફિશિયલ વેબસાઇટ પર જોયું."
જાસિયાના પિતા ગુલામ વાની તેમનાં દીકરીનાં સિલેક્શન પર ખૂબ ગર્વ કરે છે.
તેઓ કહે છે, "મને તેના પર ગર્વ છે, મારા સિવાય અમારા ગામનાં લોકો પણ તેના પર ગર્વ કરે છે."
"જે રીતે તેણે ક્રિકેટ પ્રત્યે સમર્પણ દાખવ્યું છે, તેનાથી તેનાં બીજા ચાર ભાઈ-બહેનોને પણ મહેનત કરવાની પ્રેરણા મળી છે."
પાંચ ભાઈ બહેનોમાં જાસિયા સૌથી મોટાં છે. જાસિયાનાં જીવનનો મૂળ સિદ્ધાંત છે : કોઈ પણ અઘરું કામ કરતાં ડરો નહીં.
દક્ષિણ કાશ્મીરનાં રહેવાસી જાસિયા ક્રિકેટના ક્ષેત્રમાં પોસ્ટર ગર્લ બન્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો