રાહુલ ગાંધીની રફાલ અંગેની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટની નોટિસ

રફાલ યુદ્ધવિમાનના સોદામાં કથિત કૌભાંડ અંગેના મામલામાં સુપ્રીમ કોર્ટમાં અદાલતની અવમાનના કેસમાં કૉંગ્રસના પ્રમુખ રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી છે અને એમણે સાત દિવસમાં એનો જવાબ આપવાનો રહેશે.

ભાજપના નેતા મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીએ અદાલતની અવમાનના કરી હોવાની પિટિશન કરી હતી.

ઉલ્લેખનીય છે ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે રફાલ યુદ્ધવિમાનની ખરીદીમાં ગેરરીતિના કેસમાં કેન્દ્ર સરકારની દલીલો ફગાવી દીધી હતી.

કૉંગ્રેસપ્રમુખે એ વખતે ફરી એક વાર 'ચોકીદાર ચોર હૈ'ની ટિપ્પણી કરી હતી.

ભાજપના નેતા મીનાક્ષી લેખીએ પિટિશનમાં કહ્યું હતું કે એમણે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના લીધે અર્થ બદલાઈ જાય છે અને તેઓ અંગત નિવેદનને સુપ્રીમ કોર્ટના હુકમ તરીકે રજૂ કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરમાં રહેલી 'રહસ્યમયી કાળી પેટી'માં શું હતું?

કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરમાં રખાયેલી શંકાસ્પદ કાળી પેટીની તપાસ કરવાની માગ કરી છે. પાર્ટીનું કહેવું છે કે કર્ણાટકમાં મોદીના ચૂંટણીપ્રચાર દરમિયાન આ પેટીને હેલિકૉપ્ટરમાંથી ઉતારવામાં આવી હતી.

કૉંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ વડા પ્રધાન પાસે આ મામલે સ્પષ્ટતા માગી છે. શર્માએ કહ્યું છે કે ચૂંટણીપંચે પેટીમાં રખાયેલી સામગ્રીની તપાસ કરવી જોઈએ.

શર્માએ એવું પણ જણાવ્યું કે કૉંગ્રેસના કર્ણાટક એકમે આ મામલે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.

નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ 9મી એપ્રિલે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ચૂંટણીસભાને સંબોધિ હતી.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર શર્માએ પૂછ્યું, "અમે જોયું કે પીએમના હેલિકૉપ્ટર સાથે ત્રણ અન્ય હેલિકૉપ્ટર પણ ઊડી રહ્યાં હતાં. "

"લૅન્ડિંગ બાદ એકમાંથી કાળી પેટી ઉતારવામાં આવી અને એક ખાનગી ગાડીમાં લઈ જવાઈ. એ ટ્રક એસપીજીના કાફલાનો ભાગ નહોતી."

"એ પેટીમાં શું હતું? જો એમાં રોકડ નહોતી તો એની તપાસ થવી જોઈએ."

ભાજપના નેતાએ રાહુલ ગાંધી માટે ગાળ બોલી, વીડિયો વાઇરલ

હિમાચલ પ્રદેશના ભાજપના અધ્યક્ષ સતાપલ સિંહ સત્તીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ટીકા કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા જોવા મળે છે.

વીડિયોમાં રાહુલ ગાંધી અને તેમના પરિવારજનોને કથિત રીતે 'જમાનતી' ગણાવતા સત્તી કહે છે કે જે પોતે જ જામીન પર હોય તેઓ વડા પ્રધાનને ચોર કઈ રીતે કહી શકે?

એ બાદ તેઓ સોશિયલ મીડિયા પર કથિત રીતે કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલી એક ટિપ્પણીને મંચ પરથી વાંચે છે, જેમાં રાહુલ ગાંધી માટે મા વિરુદ્ધ ગાળ લખાયેલી હોય છે.

આ વીડિયો સોલનના રામશહરનો હોવાનું જાણવા મળે છે. ભાજપના પ્રદેશઅધ્યક્ષે રવિવારે પક્ષના ઉમેદવારનો પ્રચાર કરતા સંબંધિત વાત કરી હતી.

જોકે, સત્તીનું કહેવું છે કે વીડિયોને ખોટી રીતે શૅર કરાઈ રહ્યો છે. બીજી બાજુ, કૉંગ્રેસે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવા સહિત સમગ્ર રાજ્યમાં પ્રદર્શન યોજવાની તૈયારી કરી છે.

જેટના ભાવિનો આજે ફેંસલો

જેટ ઍરવેઝ માટે સોમવાર ભારે મહત્ત્વનો દિવસ છે. સંકટગ્રસ્ત ઍરલાઇન પર તાળું લગાવી દેવાશે કે ઉડાણ ભરશે તે આજે નક્કી થશે.

કંપનીનું મૅનેજમેન્ટ 1500 કરોડ રૂપિયાની મદદ તેમજ નવી પરિયોજનાને અંગે આજે લેણદારોને મળશે.

જો, લેણદારો કંપનીને નવું ફંડ આપવાનો ઇન્કાર કરે કે મોડું કરે તો એનો એવો અર્થ થશે કે જેટનાં તમામ વિમાન જમીન પર જ રહેશે.

આ દરમિયાન જેટના પાઇલટ અને કર્મચારીઓ મુંબઈમાં સ્થિત કંપનીના વડા મથકે એકઠા થવાના છે. જો તેમની માગ નહીં સંતોષાય તો તેઓ હડતાળ પર ઊતરે એવી ભીતિ છે.

નોંધનીય છે કે જેટ ઍરવેઝ આર્થિક તંગીનો સામનો કરી રહી છે અને પોતાના કર્મચારી, પાઇલટ તેમજ ક્રૂ મેમ્બર્સને પગાર આપી શકે એમ નથી.

નારાજ પાઇલટ 1 એપ્રિલથી હડતાળ પર ઊતરવાના હતા. જોકે, કંપની દ્વારા આશ્વાસન મળતા બાદ 15 એપ્રિલ સુધી હડતાળ ટાળવાનું નક્કી કરાયું હતું.

પાકિસ્તાનની અણુ હુમલાની ધમકી ડાડી દીધી : નરેન્દ્ર મોદી

જમ્મુમાં એક જાહેરસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઇસ્લામાબાદની અણુહુમલાની ધમકી 'ઊડી ગઈ' છે.

પોતાના ભાષણમાં તેમણે કૉંગ્રેસ પર 'આંતકવાદીઓ' વિરુદ્ધ સૈન્યને છૂટ ના આપવાનો આરોપ પણ લગાવ્યો.

મોદીએ કહ્યું, "આ પાકિસ્તાન પણ પહેલાં અણુહુમલાની ધમકી આપતું હતું. તેના ન્યુક્લિયરના ભૂકા કાઢી નાખ્યા કે નહીં?"

રાજ્યના મુખ્ય પક્ષો પીડીપી અને નેશનલ કૉન્ફરન્સ પર નિશાન તાકતા વડા પ્રધાને કહ્યું કે બન્ને પરિવારોએ જમ્મુ અને કાશ્મીરને નિચોવી લીધું છે.

જોકે, બન્ને પક્ષોએ ટ્વીટર પર મોદીના વાકપ્રહારનો જવાબ આપ્યો.

ઓમર અબ્દુલ્લાએ મોદી અને મુફ્તિ મોહમ્મદ સઇદની તસવીર પોસ્ટ કરીને કહ્યું કે મોદી જે વાત કહે તેના પર તેઓ કેટલા ઊભા રહે છે?

બીજી બાજુ, મહેબુબા મુફ્તિએ પર મોદી અને ઓમર અબ્દુલ્લાની આ જ પ્રકારની તસવીર ટ્વીટ કરી હતી.

સુદાન : મિલિટરી કાઉન્સિલે પૂર્વ સરકારના સભ્યોની ધરપકડ કરી.

સુદાનની 'ટ્રાન્ઝિશનલ મિલિટરી કાઉન્સિલ'એ ભૂતપૂર્વ સરકારના સભ્યોની ધરપકડ કરી છે અને સાથે જ એવું વચન પણ આપ્યું છે કે દેશમાં ચાલી રહેલાં પ્રદર્શનોને અટકાવવામાં નહીં આવે.

મિલિટરી કાઉન્સિલના એક પ્રવક્તાએ વિરોધપક્ષને આગામી વડા પ્રધાનની પસંદગી કરવા પણ કહ્યું છે અને સાથે જ એમની પસંદને સ્વીકારવાનું વચન પણ આપ્યું છે.

સુદાનમાં વર્ષોથી શાસન કરી રહેલા ઓમર અલ-બશિરની પદભ્રષ્ટ કરાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનના ભાગરૂપે આ સત્તાપલટો થયો હતો.

જોકે, આ દરમિયાન દેશમાં લોકતંત્રની સ્થાપના થાય ત્યાં સુધી પ્રદર્શનકારીઓએ જંપીને ન બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં ચૂંટણીપ્રવાસ કરશે

ભાવનગર જિલ્લા અને અમરેલી લોકસભા બેઠકના મતવિસ્તારમાં આવતા રાજુલામાં રાહુલ ગાંધી એક ચૂંટણીસભાને સંબોધશે.

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ અખબારી માધ્યમોને જણાવ્યા અનુસાર અમરેલી, જૂનાગઢ અને ભાવનગર લોકસભા બેઠકના લોકોને રાહુલના સંબોધનમાં આવરી લેવાશે.

કૉંગ્રેસના જણાવ્યા અનુસાર આ અઠવાડિયા દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં અન્ય સભાઓ પણ સંબોધી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો