ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા તથા પિતા અનિરુદ્ધસિંહ કૉંગ્રેસમાં જોડાયાં

ઇમેજ સ્રોત, Twitter/RavindraJadeja
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા તથા પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા કૉંગ્રેસમાં જોડાયાં છે.
જામનગર જિલ્લામાં કૉંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે યોજાયેલી જાહેરસભા દરમિયાન તેઓ કૉંગ્રેસમાં સામેલ થયાં હતાં.
રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ગત મહિને ભાજપમાં જોડાયાં હતાં અને તેમણે મોદીને પ્રેરણાસ્રોત ગણાવ્યા હતા.

હાર્દિક, નયનાબા અને જામનગર

ઇમેજ સ્રોત, Darshan Thakkar
જામનગરથી સ્થાનિક પત્રકાર દર્શન ઠક્કર જણાવે છે:
"કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલની હાજરીમાં રવીન્દ્રનાં મોટાબહેન નયનાબા તથા તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કૉંગ્રેસમાં જોડાયાં હતાં."
"જામનગરની બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયાના સમર્થનમાં યોજાયેલી જાહેરસભા દરમિયાન બંને કૉંગ્રેસમાં સામેલ થયાં હતાં."
હાર્દિક પટેલે જામનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પાર્ટીમાં જોડાયા બાદ નયનાબાએ કહ્યું, "એક સમયે નરેન્દ્ર મોદી 'સૌનો સાથ, સૌનો વિકાસ'ની વાત કરતા હતા, પરંતુ તેમણે આ દિશામાં કંઈ કામ કર્યું નથી. આજે કૉંગ્રેસ પણ એ વાત કરી રહી છે અને એ દિશામાં આગળ વધી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કૉંગ્રેસ યુવા, મહિલા અને ખેડૂતની સમસ્યાને વાચા આપી રહી છે, એટલે તેમાં જોડાઈ છું."

તમે આ વાંચ્યું કે નહીં?

આ પહેલાં નયનાબા નૅશનલ વુમન્સ પાર્ટીમાં જોડાયાં હતાં, જેમણે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓ માટે 50 ટકા અનામતની માગ કરી રહી હતી.
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ 'હાર્દિક ચૂંટણી લડશે (જોકે, કઈ બેઠક પરથી તેના વિશે સ્પષ્ટતા કરી ન હતી) અને જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.'
અગાઉ જામનગરની બેઠક ઉપરથી ભાજપમાંથી ઉમેદવાર તરીકે રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાનું નામ પણ ચર્ચાતું હતું.

ભાભી રીવાબા ભાજપમાં

ઇમેજ સ્રોત, Instagram/RavindraJadeja
આ પહેલાં માર્ચ મહિનામાં રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાયાં હતાં.
આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રીવાબાએ જણાવ્યું હતું કે ભાજપમાં જોડાવવાનો 'મુખ્ય પ્રેરણાસ્રોત' વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા.
રીવાબાએ મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
રીવાબા રાજપૂત સમાજનાં હિતો માટે કામ કરતી સંસ્થા 'કરણીસેના' સાથે પણ જોડાયેલાં છે.
ક્રિકેટની ફિલ્ડ ઉપર રવીન્દ્ર 'રૉકસ્ટાર', 'જડ્ડુ' અને 'સર'નાં ઉપનામથી જાણીતા છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












