મહાગઠબંધન: 'મોદી આ ભીડ જોશે તો વિવેકભાન ગુમાવી દેશે' - માયાવતી

લગભગ 25 વર્ષ બાદ સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષના વડાઓએ સહરાનપુર ખાતે સંયુક્ત જાહેરસભાને સંબોધી હતી.

માયાવતીએ કહ્યું હતું કે જો ઈવીએમ સાથે ચેડાં ન થાય તો ભાજપનું પતન નિશ્ચિત છે.

આ રેલીમાં માયાવતી અને અખિલેશ યાદવ ઉપરાંત રાષ્ટ્રીય લોકદળના વડા અજીતસિંહ તથા ઉપાધ્યક્ષ જયંત ચૌધરી હાજર રહ્યાં હતાં.

સહરાનપુર સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાત બેઠકો ઉપર તા. 11મી એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે.

મોદી 'સરાબ' સહિત ઘણું બોલશે

બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું, "આ રેલીમાં ઊમટી પડેલી ભીડ અંગે વડા પ્રધાન મોદીને જાણ થશે એટલે તેઓ વિવેકભાન ગુમાવી દેશે અને 'સરાબ' સિવાય કોણ જાણે શું-શું બોલશે."

"માયાવતીએ કહ્યું કે કૉંગ્રેસ તેની નીતિઓને કારણે હારી હતી અને ભાજપ પણ તેની નીતિઓને કારણે જ પરાજિત થશે."

"આ વખતે ઉત્તર પ્રદેશમાંથી ભાજપનું પતન નિશ્ચિત છે, શરત એટલી જ છે કે ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન) સાથે ચેડાં ન થવાં જોઈએ."

તેમણે મોદી સરકાર ઉપર ગરીબોની ઉપેક્ષા કરીને ધનિકોને લાભ પહોંચાડવાનો પણ આરોપ મૂક્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

મહાગઠબંધનનું મહાઅભિયાન

રાષ્ટ્રીય લોકદળના પ્રવક્તા અનિલ ચૌબેના કહેવા પ્રમાણે, "ભાજપના નેતાઓ તથા વડા પ્રધાનનાં 'બેજવાબદાર નિવેદનો' મહાગઠબંધનની સફળતા છતી કરે છે. રાજ્યમાં મહાગઠબંધન ખૂબ જ સારી સ્થિતિમાં છે."

ગઠબંધને જાહેરાત કરી છે કે 7મી એપ્રિલથી 16મી મેની વચ્ચે માયાવતી, યાદવ અને સિંહ કુલ 11 સંયુક્ત રેલીઓને સંબોધિત કરશે.

દેવબંધ બાદ બદાયુ, મૈનપુરી, રામપુર, ફિરોઝાબાદ, કન્નૌઝ, ફૈઝાબાદ, આઝમગઢ, ગોરખપુર તથા વારાણસીમાં મહાગઠબંધન દ્વારા જાહેરસભાઓ યોજવામાં આવશે.

યૂપીમાં મહાગઠબંધન

ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠક છે. સપા-બસપા અને રાલોદે જાન્યુઆરી મહિનામાં ગઠબંધનની જાહેરાત કરી હતી.

સપા 37, બસપા 38 અને રાષ્ટ્રીય લોકદળ 3 બેઠક ઉપરથી ચૂંટણી લડશે.

મૈનપુરીની બેઠક ઉપરથી સપાએ મુલાયમસિંહને જ્યારે કન્નૌજની બેઠક ઉપરથી અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવને ઉતાર્યાં છે.

ગઠબંધને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બેઠક અમેઠી તથા કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીની રાયબરેલીની બેઠક ઉપરથી ઉમેદવારો નહીં ઉતારવાની જાહેરાત કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો