You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નસીરુદ્દીન શાહ સહિત 600 થિયેટર આર્ટિસ્ટ્સની અપીલ, 'ભાજપ અને તેના સાથી પક્ષો વિરુદ્ધ મત આપજો'
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
નાટ્યજગત સાથે સંકળાયેલા 600થી વધુ કલાકારોએ સંયુક્ત નિવેદન બહાર પાડીને ભાજપ તથા તેના સાથી પક્ષોને મત નહીં આપવા નાગરિકોને અપીલ કરી છે.
સહી કરનારાંઓમાં નસીરુદ્દીન શાહ, તેમનાં પત્ની રત્ના શાહ, અમોલ પાલેકર, ડોલી દુબે, મહેશ દત્તાણી, કોંકણા સેન શર્મા અને સંજના કપૂરનો સમાવેશ થાય છે.
કલાકારોનું કહેવું છે કે આજે ગીત, નૃત્ય અને હાસ્ય જોખમમાં છે. જે લોકો સત્ય બોલે છે તેમને 'દેશવિરોધી' ઠેરવી દેવામાં આવે છે.
આ પહેલાં લગભગ 100 જેટલા ફિલ્મનિર્માતાઓ અને 200 જેટલા લેખક-પ્રબુદ્ધોએ પણ આ પ્રકારની જ અપીલ કરી હતી.
વર્ષ 2014માં ઝોયા અખ્તર, ઇમ્તિયાઝ અલી, કબીર ખાન, મહેશ ભટ્ટ, અદિતિ રાવ હૈદરીએ જેવાં કલાકારોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી.
ફિલ્મમેકર્સ અને લેખકોની અપીલ
એપ્રિલ મહિનાની શરૂઆતમાં લગભગ 200 જેટલા લેખકો અને પ્રબુદ્ધોએ ભાજપ સરકારનું નામ લીધા વગર 'ધિક્કારના રાજકારણ' વિરુદ્ધ 'વૈવિધ્યસભર અને સમાન ભારત' માટે મતદાન કરવાની અપીલ કરી હતી.
આ અપીલ ગુજરાતી, અંગ્રેજી, હિંદી અને મરાઠી સહિત અગિયાર ભાષામાં બહાર પાડવામાં આવી હતી.
એ પહેલાં ગત સપ્તાહે લગભગ 100 જેટલા ફિલ્મમેકર્સે ભાજપને વોટ નહીં કરવા નાગરિકોને અપીલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેકર્સે સંયુક્ત નિવેદનમાં લખ્યું, "ભાજપે દેશને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની સંપત્તિ બનાવી દીધી છે અને ખેડૂતોને ભૂલી જવાયા છે."
નિવેદનના અંતમાં લખવામાં આવ્યું છે કે આ વખતે 'છેલ્લી તક' છે. આ નિવેદન અંગ્રેજી, હિંદી, તમિળ, મલયાલમ, બંગાળી અને કન્નડ એમ છ ભાષામાં બહાર પાડવામાં આવ્યું હતું.
દેશમાં તા. 11મી એપ્રિલથી 19મી મે દરમિયાન સાત તબક્કામાં મતદાન થશે, જ્યારે તા. 23મી મેના રોજ પરિણામો બહાર પડશે.
2014માં સમાન અપીલ
એપ્રિલ-2014માં ફિલ્મ કલાકારો અને નિર્માતાઓ દ્વારા સમાન પ્રકારની અપીલ બહાર પાડવામાં આવી હતી.
ઝોયા અખ્તર, કબીર ખાન, ઇમ્તિયાઝ અલી, વિશાલ ભારદ્વાજ, અદિતિ રાવ હૈદરી અને નંદિતા દાસ સહિત 60 જેટલાં આર્ટિસ્ટ્સે તેની ઉપર સહી કરી હતી.
તેમણે અપીલ કરી હતી, "ભ્રષ્ટાચાર મહત્ત્વપૂર્ણ મુદ્દો છે, પરંતુ તેથી વધુ દેશના બિનસાંપ્રદાયિક માળખાને બચાવવાની વધુ જરૂર છે."
તા. 16મી મે, 2014ના દેશનાં પરિણામો જાહેર કરાયાં હતાં, જેમાં 282 બેઠકો સાથે ભાજપે બહુમત હાંસલ કર્યો હતો, દેશમાં 30 વર્ષ બાદ કોઈ એક પક્ષને પૂર્ણ બહુમત મળ્યો હતો.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો