લોકસભા ચૂંટણી 2019 : મમતા બેનરજીએ કહ્યું, 'વધુ એક હુમલો કરવા ચૂંટણીની પ્રક્રિયા લંબાવાઈ'

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા એ માટે લંબાવાઈ છે કે ભાજપ બંગાળને હેરાન કરવા માટે પોતાની યોજના અંતર્ગત વધુ એક હુમલો કરી શકે.

એક પત્રકાર પરિષદમાં મમતાએ કહ્યું, "કેટલાક વરિષ્ઠ પત્રકારોએ મને જણાવ્યું છે કે વધુ એક હુમલો(સ્ટ્રાઇક) થશે. એ હુમલો કયા પ્રકારનો હશે એ હું જણાવી શકું એમ નથી. એટલે જ આ (ચૂંટણીની પ્રક્રિયા) 19 મે સુધી ચાલુ રહશે."

રાજ્યમાં શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષ મમતાએ એવું પણ કહ્યું કે તેમનો પક્ષ મંગળવારે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દેશે.

નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરાયેલા આત્મઘાતી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો.

આજે કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક, રાહુલ-પ્રિયંકા અમદાવાદમાં

મંગળવારે અમદાવાદ ખાતે કૉંગ્રેસની સર્વોચ્ચ સમિતિ કૉંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની મહત્ત્વપૂર્ણ બેઠક મળી રહી છે.

હાર્દિક પટેલના કૉંગ્રેસમાં પ્રવેશ, પ્રિયંકા ગાંધીની પ્રથમ બેઠક, પુલવામા, બાલાકોટ ઍરસ્ટ્રાઇક અને કૉંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાંને કારણે આ બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

CWCની બેઠક બાદ અડાલજમાં ત્રિમંદિર પાસે જનસંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

અગાઉ તા. 28મી ફેબ્રુઆરીએ બેઠક નિર્ધારિત હતી, પરંતુ બાલાકોટ ઍરસ્ટ્રાઇકને પગલે તેને મોકૂફ કરી દેવામાં આવી હતી.

નોંધનીય છે કે આ અગાઉ વર્ષ 1961માં ગુજરાતના ભાવનગર ખાતે CWCની બેઠક મળી હતી. એ વખતે નીલમ સંજીવ રેડ્ડી કૉંગ્રેસ પ્રમુખ હતા.

10 ટકા આરક્ષણ અંગે 28મીએસુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સવર્ણ સમુદાયના આર્થિક રૂપે નબળા વર્ગ માટે 10 ટકા અનામત આપવાનો મામલો બંધારણની પીઠને સોંપવા અંગે સુપ્રીમ કોર્ટ 28 માર્ચે સુનાવણી કરશે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજિવ ખન્નાની પીઠે કહ્યું છે કે 28 માર્યે સુનાવણી યોજાશે.

તેમણે એવું પણ જણાવ્યું કે સુનાવણી વખતે જ નિર્ણય લેવાશે કે મામલાને બંધારણની પીઠને સોંપવાની જરૂર છે કે કેમ?

નોંધનીય છે કે આ પહેલાં સુપ્રીમ કોર્ટે 10 ટકા અનામત પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો.

દિલ્હીમાં કૉંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન નહીં

દિલ્હીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નહીં થાય. કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કૉંગ્રેસ દિલ્હીમાં લોકસભાની સાતેય બેઠકો પર એકલી ચૂંટણી લડશે.

ગત સપ્તાહે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની બેઠક બાદ દિલ્હી કૉંગ્રેસ પ્રમુખ શીલા દીક્ષિતે કહ્યું હતું કે 'કૉંગ્રેસનું દિલ્હીમાં હજી સુધી કોઈ ગઠબંધન નથી.'

AAPના નેતાઓ દ્વારા પુનર્વિચાર માટે રાહુલ ગાંધીને આગ્રહ કરાયા બાદ સંબંધિત ટિપ્પણી સામે આવી છે.

આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા કૉંગ્રેસ પર વિપક્ષનું દબાણ હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે.

નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કૉંગ્રેસનાં 15 વર્ષના શાસનને સમાપ્ત કર્યું હતું.

'કૉંગ્રેસની સરકાર બનશે તો નોટબંધીની તપાસ કરાવાશે'

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા નોટબંધીનો વિરોધ કરાયો હોવાનો દાવો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસના નેતા જયરામ રમેશે કર્યો છે.

જયરામ રમેશે આરબીઆઈના કેન્દ્રીય બોર્ડ અંગે આરટીઆઈમાં મળેલી જાણકારીને ટાંકીને કહ્યું કે કેન્દ્રીય બોર્ડ દ્વારા વાંધો ઉઠાવાયો હોવા છતાં નોટબંદી લાદવામાં આવી હતી. નોટબંધીનો વિરોધ કરનારાઓમાં આરબીઆઈના વર્તમાન ગવર્નર શક્તિકાંતા દાસનો પણ સમાવેશ થતો હતો.

રમેશે એવું પણ કહ્યું કે વિરોધ હોવા છતાં સરકારે આરબીઆઈ પર નોટબંધી મામલે દબાણ કર્યું હતું અને જો કૉંગ્રેસ સત્તામાં આવી તો નોટબંધી અંગે તપાસ કરશે.

જયરામ રમેશે આ આરટીઆઈ સૌભાગ્ય યોજના અંતર્ગત મફતમાં વીજજોડાણ કે મફત એલપીજી જોડાણ આપવા જેવી મોદી સરકારની ફ્લૅગશિપ યોજનાના દાવામાં 'પંક્ચર' પાડવા માટે કૉંગ્રેસે કરેલા આયોજનની પ્રથમ શ્રેણી હોવાનું પણ જણાવ્યું.

સમજૌતા બ્લાસ્ટ કેસનો ચુકાદો 14મી માર્ચે

વર્ષ 2007માં સમજૌતા એક્સપ્રેસમાં થયેયા વિસ્ફોટ કેસમાં પંચકુલાની એનઆઈએ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે અને 14મી માર્ચે તેના પર ચુકાદો સંભળાવાશે.

નોંધનીય છે કે દિલ્હીથી લાહોર જઈ રહેલી સમજોતા એક્સપ્રેસમાં 18 ફેબ્રુઆરી 2007ના રોજ હરિયાણાના પાણીપત નજીક બે બૉમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં 68 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

મૃતકોમાં મોટા ભાગના પાકિસ્તાની નાગરિકોનો સમાવેશ થતો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો