You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 16મી લોકસભામાં કેવું કામકાજ કર્યું?
- લેેખક, ઉર્મિલેશ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
16મી લોકસભા 30 વર્ષ બાદ એક પક્ષની બહુમતી ધરાવતી સરકારની સાક્ષી બની.
વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને મળેલી મોટી સફળતા બાદ વડા પ્રધાન નેરન્દ્ર મોદીએ મંત્રિપરિષદમાં કેટલાક સહયોગી પક્ષોને સામેલ કર્યા તો લાગ્યું કે બહુમતી હોવા છતાં તેઓ સંસદીય રાજકારણમાં પોતાનો વ્યાપ વધારવા માગે છે.
પરંતુ ગત પોણા પાંચ વર્ષના સરકારી અને સંસદીય કામકાજને જોઈએ તો તેમાં વ્યાપકતાના બદલે સંકીર્ણતા નજર પડે છે.
આપણા સમાજ અને રાજકારણમાં બહુમતી અને ગઠબંધનની સરકારોને લઈને હંમેશાં વિવાદ રહ્યો છે.
સત્તાધારી પક્ષના નેતાઓ પણ દાવો કરે છે કે એક પક્ષની બહુમતી ધરાવતી સરકાર જનતા અને જનતંત્ર માટે વધારે સારું કામ કરી શકે છે.
ગઠબંધન સરકારો પર કટાક્ષ કરતા હાલ જ વડા પ્રધાન મોદીએ દેશની જનતાએ 'ભેળસેળ વાળી સરકાર'ની સંભાવનાથી બચવા આહ્વાન કર્યું હતું.
તેવામાં આજે એ જોવું જરુરી છે કે એક પક્ષની બહુમતી ધરાવતી સરકારનું કામકાજ, સંસદીય કાર્ય, લોકતાંત્રિક પ્રક્રિયા અને બંધારણીય સંસ્થાઓના સંરક્ષણ અને સુદૃઢીકરણના ક્ષેત્રમાં કેવું રહ્યું?
તેણે લોકતાંત્રિક આદર્શો અને સંસદીય મૂલ્યોનું કેટલું નિર્વહન કર્યું? સંસદ અને સરકાર વચ્ચે કેવો સંબંધ રહ્યો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંસદમાં ધારાકીય અને લોકકલ્યાણના જોડાયેલા સવાલો પર કેટલો અને કેવા પ્રકારનો સંવાદ થયો?
તમે આ વાંચ્યું કે નહીં?
કામકાજના કલાકોના હિસાબોથી જો જોવામાં આવે તો હાલની સરકારના કાર્યાલયમાં 16મી લોકસભાએ 15મી લોકસભાની સરખામણીએ વધારે સમય કામ કર્યું છે. તો બેઠકોની કુલ મુદ્દત 1615 કલાકો રહી.
પરંતુ ભૂતકાળની ઘણી લોકસભાઓની સરખામણીએ આ કલાકો ખૂબ ઓછા જોવા મળે છે.
એક પક્ષની બહુમતી ધરાવતી ભૂતકાળની અન્ય સરકારોના કાર્યકાળ દરમિયાન ગૃહે સરેરાશ 2689 કલાકો કામમાં વિતાવ્યા હતા.
પરંતુ કામના આ કલાકો કરતાં વધારે મહત્ત્વપૂર્ણ છે કે એકપક્ષીય બહુમત ધરાવતી સરકારે 16મી લોકસભામાં કેવી રીતે કામ કર્યું? કેવા પ્રકારના કાયદા બનાવ્યા? સંસદીય લોકતંત્રમાં મહત્ત્વની ભૂમિકા નિભાવવા વાળી સંસદીય સમિતિઓની શું સક્રિયતા રહી? બંધારણીય લોકતંત્ર પ્રત્યે સરકારનો કેવો દૃષ્ટિકોણ રહ્યો?
આ સવાલોની રોશનીમાં 16મી લોકસભાના કાર્યકાળનું આંકલન કરવામાં આવે તો સરકારનો દૃષ્ટિકોણ ખૂબ નિરાશ અને ભયાનક નજરે પડે છે.
લોકસભાના ઉપલબ્ધ આંકડા પ્રમાણે મોદી સરકારે 16મી લોકસભામાં કુલ 133 બિલ મંજૂર કરાવ્યાં.
તેમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ બિલ છે જીએસટી, આધાર સંબંધી કાયદો, મૅટરનિટી લીવ બિલ અને 124મું બંધારણ સંશોધન બિલ (આર્થિક આધારે અનામત આપવાનો કાયદો) વગેરે. તેમાં કેટલાંક સારા અને સકારાત્મક બિલ પણ હતાં.
લોકસભાએ કેટલાક એવા બિલ પાસ કર્યા, જેમને રાજ્યસભામાં મંજૂરી ન મળી અથવા જે રાજ્યસભામાં રજૂ ન કરી શકાયા અને આ રીતે હાલની લોકસભાની કાર્યાવધિના સમાપન બાદ તે પોતાની મેળે જ ખતમ થઈ ગયા.
તેવાં બિલની સંખ્યા 46 છે, જેમાં નાગરિકતા કાયદો અને ટ્રિપલ તલાક સંબંધિત કાયદો સામેલ છે.
નાગરિકતા કાયદાના કેટલાંક બિદુંઓ અને ટ્રિપલ તલાકમાં આપરાધિક જોગવાઈ જોડવા પર પ્રમુખ વિપક્ષી પાર્ટીઓમાં ઊંડા મતભેદ હતા.
સમાજમાં પણ તેમને લઈને વિવાદ હતો. સમગ્ર પૂર્વોત્તર ભારત વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન કાયદાને લઈને આંદોલન કરી રહ્યું હતું.
સત્તાધારી પક્ષના કેટલીક સહયોગી પાર્ટીઓએ તો પોતાને એ ક્ષેત્રીય ગઠબંધનોથી અલગ કરી લીધી, જેમાં ભાજપ સામેલ હતો અથવા તે જેમનું તે નેતૃત્વ કરી રહ્યો હતો.
સવાલ ઊઠે છે, આવા વિવાદાસ્પદ બિલ પર લોકસભાનો આટલો સમય કેમ વેડફવામાં આવ્યો?
સિલેક્ટ કમિટિ અથવા કોઈ અન્ય સંબંધિત સંસદીય સમિતિમાં મોકલીને સરકાર ગૃહ અને જનપ્રતિનિધિઓનો સમય બચાવી શકી હોત તેમજ સમાજને કારણ વગરના વિવાદથી પણ બચાવી શકાયો હોત.
શું સરકારે ઇરાદાપૂર્વક આવા બિલને લોકસભામાં રજૂ અને મંજૂર કરાવ્યાં? જેનાથી તે પોતાના ખાસ રાજકીય ઍજન્ડા પર સમાજ અને રાજકારણમાં વિવાદ ઊભો કરી શકાય અને તેના માધ્યમથી સામુદાયિક અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરી શકે?
સંસદીય મામલાના અધ્યયન સાથે જોડાયેલી શોધ સંસ્થા 'પી.આર.એસ'ની એક શોધ અનુસાર 16મી લોકસભામાં માત્ર 25 ટકા બિલ જ સંસદીય સમિતિઓમાં ઊંડી તપાસ (સ્ક્રૂટની) માટે મોકલવામાં આવ્યા હતા.
તેનો મતલબ સ્પષ્ટ છે કે વર્તમાન સરકારે આશરે 75 ટકા બિલ ઉતાવળમાં કોઈ ગંભીર સંસદીય તપાસ વગર જ લોકસભામાં પોતાની પ્રચંડ બહુમતીના બળ પર પાસ કરાવી લીઘા.
એ પણ એક કારણ રહ્યું છે કે રાજ્યસભામાં ઘણાં એવાં બિલ લાંબા સમય સુધી ફસાયેલાં રહ્યાં અથવા તો સરકારે એવા કેટલાક વિવાદાસ્પદ બિલને 'મની-બિલ' બનાવીને મંજૂર કરાવવા ઉપાય અપનાવવા પડ્યા.
જો 15મી લોકસભાનો આંકડો જોવામાં આવે તો 71 ટકા બિલ સંસદીય સમિતિઓની વિશેષજ્ઞ તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં. 14મી લોકસભામાં આ આંકડો 60 ટકા રહ્યો હતો.
એ વાત સાચી છે કે વર્તમાન સરકારે લોકસભાનો વધારે સમય ધારાકીય કાર્યોં, પ્રસ્તાવો અને સંકલ્પો વગેરેની પ્રસ્તુતિ કે મંજૂરીમાં લગાવ્યો.
લોકતંત્રમાં સંસદીય સદનોનું આ એક મહત્ત્વનું કાર્ય છે. પરંતુ સંવાદ અને ચર્ચા વગર આ કાર્ય સારી રીતે સંપાદિત થઈ શકતું નથી.
લોકતાંત્રિક પદ્ધતિ ધરાવતા દુનિયાના પ્રમુખ દેશોના સંસદીય કાર્યની આ જ રીત છે.
સ્વયં સત્તાધારી પક્ષના કેટલાક સાંસદો, ખાસ કરીને પૂર્વોત્તરના સભ્યોનો મત હતો કે નાગરિકતા કાયદા જેવાં વિવાદાસ્પદ બિલને પહેલાં ગૃહની સિલેક્ટ કમિટિમાં મોકલવું જોઈએ, ત્યારે ગૃહમાંથી મંજૂરી લેવી જોઈએ.
પરંતુ સરકાર કોઈ મહત્ત્વપૂર્ણ બિલને સિલેક્ટ કમિટિમાં મોકલવાથી બચતી રહી છે.
હાલના વર્ષોના સૌથી વિવાદાસ્પદ 124મા બંધારણીય સંશોધન બિલ-2019 (આર્થિક આધારે 10 ટકા અનામતનું બિલ)ને પણ સરકારે સંસદની સિલેક્ટ કમિટિમાં મોકલવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
ઘણી વિપક્ષી પાર્ટીઓએ ગૃહમાં આવા આશયની માગ કરી પણ સરકારે પોતાની પ્રચંડ બહુમતીના આધારે અસહમતીના અવાજને દબાવી દીધો.
ઉતાવળમાં બંધારણ સંશોધન બિલ પાસ કરી દેવામાં આવ્યું. સરકારે ઉક્ત બિલને જે ઉતાવળથી જાન્યુઆરી મહિનામાં બન્ને ગૃહોની મંજૂરી અપાવી, તે ભારતના સંસદીય ઇતિહાસની કેટલીક અભૂતપૂર્વ ઘટનાઓમાંથી એક છે.
લોકસભાએ આઠ જાન્યુઆરીના રોજ તેને મંજૂર કર્યું અને રાજ્યસભાએ 9 જાન્યુઆરીના રોજ.
સંસદે અદ્ભુત ઉતાવળ દર્શાવી અને બંધારણમાં એક એવું સંશોધન કરી નાખ્યું, જેને મોટાપાયે પડકાર આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટમાં આ આશયની ઘણી અરજીઓ લંબિત છે.
છેલ્લા બે દાયકામાં આ પહેલું બંધારણ સંશોધન બિલ હતું, જેમાં સંસદના બન્ને ગૃહોનો સૌથી ઓછો સમય લાગ્યો.
તેની સરખામણીએ ભૂતકાળનું એક ઉદાહરણ આપવું અહીં પ્રાસંગિક હશે.
1951માં બંધારણનું પહેલું સંશોધન બિલ પાસ થયું હતું. પરંતુ સંસદમાં પાસ થતાં પહેલાં ઉક્ત બિલને 20 સભ્યોની એક સમિતિમાં ઊંડી તપાસ અને અધ્યયન માટે મોકલવામાં આવ્યું હતું.
ઘણા દિવસો સુધી તેના પર સભ્યો વચ્ચે ચર્ચા થઈ. તેના પર અસહમતિની 20 નોટ આવી. અંતતઃ લાંબી ચર્ચા અને તપાસ બાદ બંધારણના સંશોધનનું પહેલું બિલ સંસદમાં ફરી આવ્યું અને ઘણી લાંબી ચર્ચા બાદ તે મંજૂર થયું.
તેના કેટલાક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમો અને ઉદાહરણોના પ્રકાશમાં જોવામાં આવે તો આ વાત કાચ જેવી સ્પષ્ટ છે કે વર્તમાન સરકારે પોતાની બહુમતીનો ઉપયોગ લોકતાંત્રિક સંસ્થાઓ અને સંસદીય મૂલ્યો તેમજ પરંપરાઓને મજબૂત કરવા માટે કર્યો છે.
ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવા દેવામાં આવી નથી. ઘણા મહત્ત્વપૂર્ણ બિલ ચર્ચા વગર પાસ કરી દેવામાં આવ્યાં.
કેટલાંક બિલનું કારણ વગર ચરિત્ર બદલી નાખવામાં આવ્યું. રાજ્યસભામાં બહુમતી ન હોવાના પડકારનો સામનો કરવા કેટલાંક બિલને મની બિલમાં પરિવર્તિત કરવામાં આવ્યાં.
સત્તાપક્ષે પોતાની બહુમતીના આધારે અલ્પમત અને વિપક્ષના જરુરી અવાજને પણ દબાવવા પ્રયાસ કર્યો.
રફાલ ડીલ મામલે તો સુપ્રીમ કોર્ટ સુધી એક મહત્ત્વપૂર્ણ સંસદીય સમિતિ વિશે ખોટું નિવેદન આપવામાં આવ્યું કે ઉક્ત સમિતિને કેગ રિપોર્ટ મળી ગયો છે અથવા તો સમિતિ તેનાથી અવગત છે.
સાચી વાત એ છે કે કેગ રિપોર્ટ ગત 13 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
16મી લોકસભાથી વધુ એક મહત્ત્વપૂર્ણ વાત સામે આવે છે. ભારત જેવા લોકતંત્રમાં કેન્દ્ર- રાજ્યના સંબંધ અને સંસદીય પ્રક્રિયાને પણ સંઘીય માળખાને અનુરૂપ વિકસિત કરવી જોઈએ.
જો રાજ્યસભાના પક્ષ પ્રમાણે સમીકરણો વર્તમાન સરકાર માટે પ્રતિકૂળ નથી તો નાગરિકતા કાયદા જેવું ખૂબ વિવાદાસ્પદ બિલ પણ સંસદમાં મંજૂરી પ્રાપ્ત કરી લેતું.
તેનાથી ભારતનો એક સંવેદનશીલ ભાગ કેન્દ્રની નિરંકુશતાથી વધારે આહત થાત.
અંતતઃ આ દેશની એકતા અને અખંડતા માટે સારું ન હોત.
એ જ કારણ હતું કે સ્વતંત્રતા બાદ આપણા બંધારણ નિર્માતાઓએ ન માત્ર રાજ્યસભાને યથાવત રાખવાનો નિર્ણય લીધો પરંતુ તેને વધારે પ્રતિનિધિત્વપૂર્ણ બનાવવાની પહેલ કરી.
ત્યારબાદ કેટલાક બંધારણીય સંશોધનોના માધ્યમથી વિભિન્ન સરકારોએ રાજ્યસભામાં પ્રાંતીય પ્રતિનિધિત્વના સ્વરુપને વિકૃત કરવાનો પ્રયાસ કર્યો, જે બંધારણની મૂળ ભાવનાને વિપરિત છે.
ભારત જેવા વિશાળ લોકતંત્રમાં વિવિધતાનું સન્માન એક જરુરી રાજકીય મૂલ્ય છે.
જે રીતે આજના સંદર્ભમાં પક્ષ પલટા બિલના બહુ પક્ષીય ચરિત્ર પર પુનર્વિચારની જરુરી છે, એ જ રીતે રાજ્યસભાના પ્રાંતીય પ્રતિનિધિત્વના ચરિત્રમાં કરવામાં આવેલા પૂર્વના સંશોધનો પર પણ નવેસરથી વિચાર કરવાની જરુર છે.
શું ભવિષ્યની સરકારો લોકતંત્રને મજબૂત કરતાં આ પગલાં પર વિચાર કરશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો