BBC Top News : વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસ માટે 2હજાર કરોડનો ખર્ચ થયો

ઇમેજ સ્રોત, Getty Images
'ઇકૉનૉમિક ટાઇમ્સ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ અને જાહેરાત પાછળ 6,600 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
આ આંકડા કેન્દ્ર સરકારના વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહે સંસદમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપ્યા હતા.
નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં 84 વખત વિદેશ પ્રવાસ કર્યો હતો, જેની પાછળ 2013 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાં સૌથી વધાર ખર્ચ હોટલાઇન સ્થાપિત કરવામાં લાગ્યો હોવાનું પણ અહેવાલમાં નોંધ્યું છે.
આ ઉપરાંત મોદી સરકારની મુખ્ય યોજનાઓ અને ઉપલબ્ધિઓના પ્રચાર પાછળ 4,601 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન તરીકે મનમોહન સિંઘના વિદેશ પ્રવાસમાં 676 કરોડ અને અટલ બિહારી વાજપેયીના વિદેશ પ્રવાસ પાછળ 185 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

રફાલ મામલે રાહુલ ગાંધીએ ફરી કહ્યું - ચોકીદાર જ ચોર છે

ઇમેજ સ્રોત, AFP
રફાલ મામલે સુપ્રીમ કોર્ટે સરકારને આપેલી ક્લીન ચીટ બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રશ્નો ઉઠાવ્યા છે.
'એનડીટીવી'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધીએ કહ્યું કે ચોકીદાર ચોર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું, "સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર કેગ રિપોર્ટ છે. પણ હજુ સુધી પીએસી(પબ્લિક અકાઉન્ટ કમિટી)ના અધ્યક્ષે રિપોર્ટ નથી જોયો. કેગ રિપોર્ટ ક્યાં છે? અમને દેખાડો."


એનડીટીવીએ અહેવાલમાં એવું પણ નોંધ્યું છે કે હજુ સુધી કેગ રિપોર્ટ તૈયાર સુદ્ધાં થયો નથી.
રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કેન્દ્રની ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે અને તેમને દાવો કર્યો છે કે તેઓ સાબિત કરી બતાવશે કે વડા પ્રધાને અનિલ અંબાણીની મદદ કર હતી.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે રફાલ મામલે ટિપ્પણી કરતા કહ્યું, "સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો જૂઠ્ઠાણાની રાજનીતિ કરતા લોકોનો મોઢાં પર તમાચો છે."

યમનના હુદૈદામાં તૂ્ટ્યો સંઘર્ષ-વિરામ

ઇમેજ સ્રોત, Getty Images
યમનના હુદૈદા બંદર બહાર ઘર્ષણની વિગતો આવી રહી છે.
યમન સેના અને હૂતી વિદ્રોહીઓ વચ્ચે એક દિવસ પહેલાં જ સ્વીડનમાં સીઝફાયર અંગે સંધિ થઈ હતી.
હુદૈદાના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને ગોળીઓનો અવાજ સાંળ્યો.
એક અઠવાડિયાની વાતચીત બાદ ઈરાન સમર્થક હૂતી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થક યમન સેના વચ્ચે સંમતિ સધાઈ હતી.
આ સંધિનું ઈરાન અને સાઉદી અરેબિયા બન્નેએ સ્વાગત કર્યું છે.

દાભોલકર હત્યા કેસ : સીબીઆઈ ચાર્જશીટ ફાઇલ ન કરી શકી, આરોપીઓને મળ્યા જામીન

ઇમેજ સ્રોત, facebook
'એનડીટીવી'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે પુણેની અદાલતે નરેન્દ્ર દાભોલકરની હત્યાના કેસમાં અમિલ કાલે, રાજેશ બંગેરા અને અમિત દિગ્વેકરને જામીન આપ્યા છે.
આ ત્રણ આરોપીઓ બેંગ્લોરના પત્રકાર ગૌરી લંકેશ, કન્નડ લેખક એમએમ કલબુર્ગી અને વરિષ્ઠ કૉલમિસ્ટ ગોવિંદ પાનસરેની હત્યાના ગુનામાં પણ આરોપી છે.
પુણેની અદાલતે આ ત્રણ આરોપીઓને શુક્રવારે જામીન આપ્યા કારણકે નિયત સમયમર્યાદામાં સીબીઆઈ ચાર્જશીટ ફાઇલ ન કરી શક્યો.
ઉલ્લેખનીય છે કે 20 ઑગસ્ટ 2013ના રોજ દાભોલકરની હત્યા કરાઈ હતી.

જીવતાં પશુઓની નિકાસ પર ગુજરાતમાં રોક

ઇમેજ સ્રોત, Getty Images
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્યમાં જીવતાં પશુઓની નિકાસ પર રોક લગાવાઈ છે.
ભારત સરકાર અને ઍનિમલ વેલફૅર બોર્ડ ઑફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં પશુઓની નિકાસ અંગે જાહેર થયેલી ગાઇડલાઇન સંદર્ભે આ નિર્ણય લેવાયો છે.
રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ લાગણઈ વ્યક્ત કરી હતી કે ગુજરાત અહિંસામાં માનતું રાજ્ય છે, અહીં જીવોની નિકાસ અટકવી જોઈએ.
મુખ્ય મંત્રીએ કેન્દ્રીય વ્યાપાર મંત્રી સુરેશ પ્રભુને લખેલા પત્રમાં નોંધ્યું છે કે નવી ગાઇડલાઇન પ્રમાણે સ્થાનિક સ્તરે અપાતી પરવાનગી હવે અર્થહીન બની છે, એટલે કંડલા બંદરથી થતી નિકાસ રોકવી જોઈએ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












