You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સબરીમાલા મંદિરપ્રવેશ માટે પહોંચેલા તૃપ્તિ દેસાઈ ઍરપૉર્ટથી જ ઘરે પરત ફરશે
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી ગુજરાતી માટે કેરળથી
મહિલા અધિકારો માટે કાર્યરત સામાજિક કાર્યકર તૃપ્તિ દેસાઈ 800 વર્ષ પ્રાચીન સબરીમાલા મંદિરમાં પ્રવેશ પહોંચ્યા છે પરંતુ પોતાના સમર્થકો સાથે તેઓ કોચ્ચિ ઍરપૉર્ટ પર જ અટવાયાં હતાં. જે બાદ હવે તેમણે ત્યાંથી પરત તેમના વતન ફરવાનું નક્કી કર્યું છે.
તૃપ્તિ દેસાઈ અને અન્ય છ મહિલાઓ સબરીમાલા મંદિર સુધી ન પહોંચે તે માટે શ્રદ્ધાળુઓએ હવાઇમથકથી બહાર નીકળવાનો રસ્તો બંધ કરી દીધો છે.
તૃપ્તિ દેસાઈ અને સાથી મહિલાઓ શુક્રવારે 4.30 વાગે હવાઇમથકે પહોંચી ગઈ હતી પરંતુ સબરીમાલા મંદિર લઈ જવા માટે તેમને એકપણ ટેક્સી મળી નહોતી.
તૃપ્તિ દેસાઈએ બીબીસીને કહ્યું, "લોકો એમના પર હુમલો કરશે અને ગાડીને નુકસાન કરશે એ ભયથી ટેક્સીવાળાઓ ડરી રહ્યા છે."
સુપ્રીમ કોર્ટ ફેરવિચારણા માટે તૈયાર
કેરળનાં સબરીમાલા મંદિરના દરવાજા આજે એટલે કે શુક્રવારે સાંજે 5 વાગે ખુલશે અને એ સાથે દર્શનનો 64 દિવસનો અગત્યનો સમય શરૂ થશે.
જયાં તેમને રોકવાની ખૂબ કોશિશ થઈ હતી એવા મહારાષ્ટ્રમાં શનિ શિંગળાપુર મંદિરમાં મહિલાઓને પ્રવેશ માટેના સફળ આંદોલનની આગેવાની તૃપ્તિ દેસાઈ અગાઉ કરી ચૂકયાં છે.
તૃપ્તિ દેસાઈને સબરીમાલા મંદિરમાં પ્રવેશતાં રોકવા માગનારા શ્રદ્ધાળુઓ એવી પરંપરામાં માને છે કે ભગવાન અયપ્પા બ્રહ્રમચારી છે. જેથી માસિકધર્મની ઉંમરવાળી કોઈ મહિલા મંદિરમાં પ્રવેશ ન કરી શકે.
28 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે મહિલાઓને મંદિર પ્રવેશની મંજૂરી આપી દીધી હતી. જોકે, સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણય પર ફેરવિચારણા માટે રાજી થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રવેશ માટે 800 મહિલાઓની નોંધણી
કેરળ સરકારે એમની સુરક્ષા માટે ઍરપૉર્ટ પર 150 પોલીસકર્મીઓ તૈનાત કર્યા છે એ વાત પર તૃપ્તિ દેસાઈ સંતુષ્ટ છે.
એમણે કહ્યું, "એમણે મને થોડીવાર રાહ જોવા કહ્યું છે. પછી તેઓ મને પતનમથિટ્ટા લઈ જશે, ત્યાંથી અમે સબરીમાલા જઈશું."
એમણે બીબીસીને કહ્યું, "તું ત્યાંથી જીવતી પાછી નહીં ફરે એવા સંદેશ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાગ્યે જ બીજી કોઈ મહિલાને મળ્યા હશે."
અત્યાર સુધી અંદાજે 800 મહિલાઓએ મંદિર પ્રવેશ માટે પોતાના નામની નોંધણી કરાવી છે અને આ તમામ મહિલાઓની વય 50થી ઓછી છે.
મુખ્ય મંત્રીની કોશિશ નિષ્ફળ
ઘર્ષણની આશંકાઓ એટલા માટે વધી છે કે કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને વિપક્ષી દળો, પંડાલમ શાહી પરિવાર અને થાંત્રી પરિવારને વિરોધ છોડવા માટે વાતચીત શરૂ કરી પણ તે નિષ્ફળ નીવડી છે.
પરિસ્થિતિ જ એવી સર્જાઈ હતી કે કેરળના મુખ્ય મંત્રીએ મહિલાઓના મંદિર પ્રવેશનો વિરોધ કરતાં દળો સાથે વાતચીત માટે આવવું પડયું.
સુપ્રીમ કોર્ટ 28 સપ્ટેમ્બરના પોતાના નિર્ણય પર ફેરવિચારણા માટે રાજી તો થઈ છે પરંતુ સાથે સાથે આદેશ પર સ્ટે આપવાનો પણ ઇન્કાર કરેલો છે.
આનો અર્થ એ છે કે 10થી 50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવો જોઈએ.
કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને કહ્યું, "સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ, અમે આ આદેશની વિરુદ્ધ કેવી રીતે જઈ શકીએ."
"અમે શ્રદ્ધાળુઓની ભાવનાનું સન્માન કરીએ છીએ પરંતુ અમે આદેશ લાગુ કરવા બંધાયેલા છીએ."
"અમે અદાલતના નિર્ણયને નબળો નથી પાડવા માગતા પરંતુ અમે સબરીમાલામાં કોઈ હિંસા પણ નથી ઇચ્છતા. "
ભાજપ-ક્રૉંગેસનું સરખું વલણ
આ અગાઉ કેરળ વિધાનસભામાં વિપક્ષ કૉંગ્રેસના નેતા રમેશ ચેન્નિતાલા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રીધરન પિલ્લઈ મુખ્ય મંત્રીને અડિયલ ગણાવીને વિધાનસભામાંથી વૉકઆઉટ કરી ચૂકયા છે.
ચેન્નિતાલાએ કહ્યું હતું કે સરકાર શ્રદ્ધાળુઓની ભાવનાને અવગણી રહી છે. મુખ્ય મંત્રીનું વલણ અડિયલ છે. અમે સલાહ આપી હતી કે શાંતિ જાળવી રાખવા માટે સરકારે 22 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ ફેરવિચારણાનો નિર્ણય આપે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.
ભાજપના શ્રીધરન પિલ્લઈએ પણ મુખ્ય મંત્રી અભિમાનથી વાત કરવાનો આરોપ લગાવ્યો. એમણે કહ્યું કે એ કમ્યુનિસ્ટ વિચારધારા લાદવાની કોશિશ કરી રહ્યા છે, અમે હડતાળ અંગે નિર્ણય લઈશું.
ઑક્ટોબર મહિનામાં અનેક મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશવાની કોશિશ કરી હતી પરંતુ શ્રદ્ધાળુઓએ એમને આગળ જવા નહોતાં દીધાં.
પિલ્લઈએ પછીથી દાવો કર્યો હતો કે શ્રદ્ધાળુઓ સંઘ પરિવારનાં સભ્યો હતાં. ઓછામાં ઓછી બે મહિલાઓએ પોલીસ સુરક્ષા સાથે મંદિરમાં જવાની કોશિશ કરી હતી પણ તેઓ પ્રવેશ કરી શકી નહોતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો