You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ગઠબંધન ગુરુ’ ચંદ્રબાબુ નાયડુ યૂ-ટર્ન લેવામાં પાવરધા છે
- લેેખક, ઉમર ફારુક
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક યોજી. બેઠક પછી તેમણે આગામી ચૂંટણી કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી. આ વાતથી ભાજપની ઊંઘ ચોક્કસપણે ઊડી ગઈ હશે.
છેલ્લા એક-દોઢ વર્ષથી ઘણા પ્રાદેશિક નેતાઓ ત્રીજો પક્ષ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે પણ બીજા કોઈએ નાયડુ જેટલી આતુરતા દર્શાવી નથી.
69 વર્ષના નાયડુ ગઠબંધન બનાવવામાં નિપુણ છે.
1996માં કર્ણાટકના નેતા એચ. ડી. દેવગોડાને વડા પ્રધાન પદ સુધી પહોંચાડવામાં સૅક્યુલર મોરચાનો ફાળો હતો.
તે વખતે તમામ અલગ-અલગ પાર્ટીઓને સાથે લાવવાનું ભગીરથ કામ નાયડુએ જ કર્યું હતું.
આ ઘટનાનાં માત્ર બે વર્ષ બાદ જ નાયડુએ જબરદસ્ત યૂ-ટર્ન લેતાં દક્ષિણપંથી વિચારધારાવાળા પક્ષની સાથે મળીને દેશની પહેલી એનડીએ સરકાર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને જેમાં અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા હતા.
વર્ષ 2004માં આંધ્ર પ્રદેશમાં તેમના પક્ષને હારનો સામનો કરવો પડ્યો.
પછી 2004ની લોકસભાની ચૂંટણીમાં એનડીએના ગઠબંધનને પણ હાર ખમવી પડી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે નાયડુએ સમય વેડફ્યા વિના ગુજરાત રમખાણ અને સાંપ્રદાયિક છબી ધરાવતા ભાજપ પર દોષનો ટોપલો ઢોળ્યો.
કોંગ્રેસથી જ કરી હતી શરૂઆત
આંધ્રના આ ધુરંધર નેતા માટે વિચારધારા કે અંગત વિશ્વાસનું કંઈ ખાસ મહત્ત્વ નથી.
જે લોકો નાયડુને એમના જબરદસ્ત હરીફ ગણાતા રાહુલ ગાંધી સાથે જોઈને અચરજ અનુભવે છે.
તેમણે એ યાદ રાખવું જોઈએ કે નાયડુએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી કરી હતી.
1978માં આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પક્ષની ટિકિટ પર જ લડ્યા હતા.
1980માં રાજ્યની કોંગ્રેસ સરકારમાં તેઓ મંત્રી પણ રહ્યા હતા. જેને કારણે તે તેલુગુ ફિલ્મોના ખૂબ જાણીતા એન. ટી. રામારાવની દીકરી સાથે લગ્ન થયાં.
વર્ષ 1982માં એન. ટી. આરે તેમની પ્રાદેશિક તેલુગુ દેશમ પાર્ટી બનાવી અને કોંગ્રેસને તેના જ ગઢમાં હરાવી.
જોકે, એ વખતે નાયડુએ એન. ટી. આરને બદલે કોંગ્રેસને સાથ આપ્યો. કોંગ્રેસની ટિકિટ પર લડ્યા અને હાર્યા.
એનટીઆરનો પડછાયો
આ હારથી તેમને બોધપાઠ મળ્યો. તે હતો ટીડીપીમાં જવાનો.
જ્યારે વર્ષ 1984માં ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં ત્યારે આંધ્ર પ્રદેશના રાજ્યપાલે 19 મહિના પહેલા બનેલી એન. ટી. આર. સરકારને ઊથલાવી પાડવાનો પ્રયાસ કરેલો.
તે વખતે નાયડુએ જ બિનકોંગ્રેસી શક્તિઓને એક કરી એન. ટી. આરની સરકારને બચાવેલી.
આ સમય દરમિયાન જ નાયડુ એન. ટી. આરના પડછાયા તરીકે કામ કરતાં રહ્યા.
આ એ જ વ્યક્તિ હતી જેણે એન. ટી. આરને હટાવી ટીડીપીનું પ્રમુખપદ સંભાળ્યું અને રાજ્યના મુખ્ય મંત્રી બન્યા.
2014માં આંધ્રપ્રદેશના બે ભાગ થયા. પછી નાયડુ એ જ નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવવા તૈયાર થયા.
જેમણે 10 વર્ષ પહેલાં એનડીએ ગઠબંધનની હાર માટે જવાબદાર ઠેરવ્યા હતા.
ભાજપના આકરા પ્રહાર
તો પછી એવું શું બન્યું કે નાયડુ ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં સાથે જવા તૈયાર થયા?
લોકો કદાચ એ દ્રશ્યને નહીં ભૂલ્યા હોય, જ્યારે 2014 માં નરેન્દ્ર મોદી માટેના પ્રચારમાં નાયડુએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર આંધ્રપ્રદેશના ભાગલાનો આરોપ મૂક્યો હતો.
ટીકાકારો નાયડુની કાચિંડા જેવી રંગ બદલવાની વૃત્તિની ટીકા કરે છે પણ નાયડુ તેને વ્યવહારિકતા અને લોકતાંત્રિક જરૂરિયાત ગણે છે.
એમણે એક જોરદાર સૂત્ર વહેતું મૂક્યું હતું કે દેશની બંધારણીય સંસ્થાઓને બચાવવા માટે ભાજપ સિવાયના પક્ષોએ એક સાથે આવવું પડશે અને દેશના લોકતંત્ર અને ભવિષ્યને બચાવવું પડશે.
આ વર્ષે માર્ચ મહિનામાં જ્યારે નાયડુ એનડીએમાંથી અલગ થયા હતા ત્યારે જ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
એક રીતે આ સ્પષ્ટ સંકેત છે કે ભાજપ આવતા વર્ષે થનારી ચૂંટણીમાં આંધ્ર પ્રદેશમાં ટીડીપીના મુખ્ય વિપક્ષ દળ વાયએસઆર કોંગ્રેસનો સાથ લઈ શકે છે.
પછી એવું પણ બને કે નાયડુ સામે અન્ય એક ફિલ્મ સ્ટાર પવન કલ્યાણને ઊભા કરી દે.
ભાજપ સામે પડવું અઘરું
બીજી વાત એ પણ છે કે જ્યારે તમે મોદી અને અમિત શાહની જોડી સામે પડો છો ત્યારે તમે પોતાના માટે મુશ્કેલીઓને પણ નોતરો છો.
કેન્દ્ર સરકારે ઇન્કમટેક્સ, ઍનફૉર્સમૅન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) અને બીજી સંસ્થાઓને વિરોધી નેતાઓ અને ટીડીપીની પડખે રહેલા ઇન્ડસ્ટ્રિયલ ફેમિલી સામેની તપાસ માટે સક્રિય કરી છે.
એવો એક પણ દિવસ ગયો નથી, જેમાં આઈટી અધિકારીઓએ ટીડીપીના નેતાઓના ઘરનો દરવાજો ના ખખડાવ્યો હોય.
નાયડુના શબ્દોમાં કહીએ તો ભાજપ એમની સરકારને ઊથલાવવા માટે ષડયંત્ર ઘડી રહી છે.
હાલમાં જ થયેલા જગમોહન રેડ્ડી પર ચાકુથી હુમલો થયો. તેનાથી ભાજપ અને વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીને નાયડુ પર હુમલો કરવાનું નવું કારણ આપ્યું.
પોલવરમ સિંચાઈ પરિયોજના અને રાજ્યની રાજધાનીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટમાં ભ્રષ્ટાચારને લઈને પહેલેથી જ નાયડુ ભાજપના નેતાઓના નિશાના પર છે.
આ સાથે જ પાડોશી રાજ્ય તેલંગણાના મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવ સાથે વધતા વિવાદે પણ તેમના માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી.
એમને લાગે છે કે કે. સી. આર.ને તેમના વિરોધમાં ઊભા કરવા પાછળ ભાજપનો હાથ છે.
મોટો લાભ
નાયડુએ ભાજપ કૅમ્પથી અલગ પોતાના જૂના મિત્રો સાથે ફરીથી સંબંધો બનાવવાની શરૂઆત કરી દીધી છે.
જેમાં મમતા બેનર્જી, એચ. ડી. દેવગૌડા, શરદ પવાર, માયાવતી, ફારૂક અબ્દુલ્લા સિવાય નવી પેઢીના નેતા અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલનો પણ સમાવેશ થાય છે.
એક અનુભવી અને ચતુર નેતા તરીકે નાયડુ જાણે છે કે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટીનો હાથ ઝાલ્યા વિના કોઈ પ્રાદેશિક પક્ષ પોતાનો પ્રભાવ ઊભો ન કરી શકે.
ગયા વખતે એમણે ભાજપનું શરણું લીધું હતું. આ વખતે તે કોંગ્રેસના શરણે છે.
ટીડીપીને કોંગ્રેસની સાથે જવાનો એક મોટો ફાયદો એ થશે કે તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ વધારે શક્તિશાળી નથી.
તેમણે તેલંગણામાં કોંગ્રેસની મદદ માટે હાથ લંબાવ્યો છે, જેથી આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસની સાથે મળી વિપક્ષના વિરોધનો મુકાબલો કરી શકે.
આ બન્ને પક્ષોના એક સાથે આવવાનો અણસાર ત્યારે પ્રાપ્ત થયો હતો જ્યારે તેલંગણામાં એમણે ભવ્ય ગઠબંધન બનાવ્યું હતું.
ભાજપને હરાવવાનો હેતુ
તેલંગણામાં વાસ્તવિકતાને સમજીને નાયડુએ કોંગ્રેસને પોતાના કરતાં વધારે મહત્ત્વ આપ્યું અને હવે આંધ્રમાં કોંગ્રેસ એનો બદલો વાળી રહી છે. રાહુલ ગાંધીએ નાયડુ સાથે મુલાકાત બાદ આવું કહ્યું.
રાહુલે કહ્યું, ''અમારો હેતુ ભાજપને હરાવવાનો અને દેશના લોકતંત્ર તેમજ સંસ્થાઓને બચાવવાનો છે. આ સિવાય આ ગઠબંધનના નેતા કોણ હશે તે અંગે પછી વિચાર થશે.''
એક સવાલ એ પણ ઊભો થાય કે શું નાયડુ આજે પણ એટલા જ શક્તિશાળી છે, જેટલા 1996માં કે 1998માં હતા?
રાજકીય ધોરણે તો નહીં પણ અંગત રીતે તેનો જવાબ હશે : હા
જ્યારે આંધ્ર પ્રદેશનું વિભાજન થયું ત્યારે જ નાયડુની તાકાત લગભગ ખતમ થઈ ગઈ હતી.
હવે નાયડુ પાસે માત્ર 25 લોકસભા બેઠક જ બચી છે. બાકીની 17 બેઠકો કે. સી. આર. પાસે છે.
અંગત રીતે નાયડુની તમામ રાજકીય પક્ષો સાથે સારા સંબંધો છે.
એમનો રાજકારણનો અનુભવ અને રાજકારણનું ગણિત સમજવાની આવડત પણ સારી છે અને આ જ કુશળતા તેમને કેન્દ્રમાં મોખરે રાખે છે.
હવે બધાની નજર બિનભાજપ પક્ષના નેતાઓની આગામી સમયમાં થનારી બેઠક પર છે. અરે! નરેન્દ્ર મોદી પણ એની જ રાહ જોતા હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો