BBC TOP NEWS: વાજપેયીની અંતિમવિધિ ક્યારે અને કયા સ્થળે કરાશે?

ભારત રત્ન અને ત્રણ વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા અટલ બિહારી વાજપેયીના આજે ચાર વાગ્યે અંતિમસંસ્કાર કરવામાં આવશે.

વાજપેયીનું 93 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું. તેમના નિધન બાદ સાત દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

વાજપેયીનો પાર્થિવ દેહ કૃષ્ણ મેનન માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે.

આજે બપોરે એક વાગે તેમની અંતિમયાત્રા શરૂ થશે જે રાજઘાટ જશે અને સ્મૃતિ સ્થળ નજીક તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે.

2050 સુધીમાં પાણીની તંગીને પહોંચી વળવા સરકાર કટિબદ્ધ: રૂપાણી

'ગુજરાત સમાચાર'ના અહેવાલ મુજબ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરેન્દ્રનગર ખાતે સ્વાતંત્ર્ય દિવસના સમારોહ નિમિત્તે જનતાને સંબોધન કરતા જણાવ્યું કે રાજ્યમાં વર્ષ 2050 સુધીમાં પાણીની તંગી ન રહે તે માટે તેમની સરકાર કટિબદ્ધ છે.

એટલું જ નહીં રૂપાણીએ એવું પણ જણાવ્યું કે, રાજ્યના શોષિત, પીડિત, ગરીબ, વંચીત, ખેડૂત, ગ્રામીણ, યુવાનો અને મહિલાઓને સમાન તક આપી તેમના વિકાસ માટે સરકાર કાર્ય કરશે.

રૂપાણીએ એવું પણ જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ધોલેરાને સિંગાપોર જેવું બનાવવાની તેમની નિતી છે.

આસામ: ગાય ચોરીની આશંકાએ 4 લોકો સાથે મૉબ લિન્ચિંગ

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર દેશના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં ગાયની ચોરીની આશંકાએ 4 લોકોને માર મારવામાં આવ્યો છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આસામના બિશ્વનાથ જિલ્લામાં 35 વર્ષના ડિબેન રાજબોંગ્શી, ફૂલચંદ શાહૂ, બિજય નાયક અને પુજન ઘાટોવારને ટોળાએ માર માર્યો હતો.

પોલીસે જણાવ્યું કે આ લોકો ટેમ્પોમાં બે ગાયોને લઈ જઈ રહ્યા હતા ત્યારે ટોળા દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

એક પીડિતે નિવેદન આપતા જણાવ્યું કે અમે ભૂંડ ખરીદવા જઈ રહ્યા હતા ત્યારે લગભગ 30 લોકોના ટોળા દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

નોટબંધીને કારણે ઘરેલું બચતમાં ઘટાડો: ઇન્ડિયા રેટિંગ્સ રિપોર્ટ

'આજ તક'ના અહેવાલ અનુસાર નોટબંધી અને જીએસટને કારણે નાના કારોબાર સહિત ઘરેલું બચતને પણ અસર પડી છે.

ઇન્ડિયા રેટિંગ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

ઇન્ડિયા રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી ડીકે પંતને ટાંકીને અહેવાલમાં લખવામાં આવ્યું છે, "નોટબંધી અને જીએસટીને કારણે અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પહોંચી છે, ખાસ કરીને ઘરેલું ક્ષેત્રમાં. નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન ઘરેલું બચતમાં 1.53 ટકા ઘટાડો નોંધાયો છે."

ઉલ્લેખનીય છે કે ઘરેલું બચતએ સામાન્ય લોકો દ્વારા કરવામાં આવતી બચત, એનજીઓ અને નિગમો દ્વારા કરવામાં આવતી બચત છે.

એસસી/એસટી સમુદાયના હજુ પણ જાતિવાતનો સામનો કરે છે: કેન્દ્ર સરકાર

'સંદેશ'ના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે અનુસુચિત જાતિ અને જનજાતિના લોકો આજે પણ જાતિવાદનો સામનો કરી રહ્યા છે.

સરકારી કર્મચારીઓને નોકરીમાં પ્રમોશન મુદ્દે ચાલતી સુનાવણીમાં સરકારના અટોર્ની જનરલ વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વાવાળી પાંચ જજની બેન્ચ સમક્ષ આ દલીલ કરી હતી.

વેણુગોપાલે એવું પણ કહ્યું હતું કે કે એસસી/એસટી સમુદાયના કર્મચારીઓને સરકારી નોકરીમાં મળતા બઢતીના લાભને નકારી કાઢવા માટે ક્રિમિલેયરની જોગવાઈનો અમલ કરી શકાય નહીં.

એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે એસસી/એસટી સમુદાયનો અમુક તબક્કો નોકરીમાં અનામતના લાભ લઈ આગળ નીકળી ચૂક્યો છે પરંતુ હજુ એક મોટો તબક્કો એવો છે જે વંચિત રહી ગયો છે.

સરકાર સુશાસન ન આપી શકે તો કોર્ટે શું કરવું જોઈએ: સુપ્રીમ કોર્ટ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદના એક નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જો દેશમાં સરકાર સુશાસન આપી ન શકે તો કોર્ટે શું કરવું જોઈએ?

ઉલ્લેખનીય છે કે રવિશંકર પ્રસાદે સ્વાતંત્ર્ય દિનના કાર્યક્રમ નિમિત્તે સુપ્રીમ કોર્ટના પટાંગણમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં શાસન વ્યવસ્થા જાળવવાનું કામ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું છે એ તેમની પર છોડી દેવું જોઈએ. કોર્ટે આ બાબતમાં દખલ ના કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટની એક સુનાવણીનો ઉલ્લેખ કરતા અખબાર લખે છે કે કેન્દ્ર સરકારની એક યોજના અંતર્ગત શહેરમાં રહેતા ઘર વિહોણા લોકો આશરો મળે તે અંગે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ મદન લોકુર, એસ અબ્દુલ નઝીર અને દિપક ગુપ્તાની બેન્ચે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બેઘર લોકોને આશરો આપવામાં સરકાર નિષ્ફળ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો