You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનો ઇંગ્લૅન્ડ પ્રવાસ: વિરાટ કોહલીની સૌથી આકરી પરીક્ષા
- લેેખક, નીરજ જ્હા
- પદ, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ, બીબીસી ગુજરાતી માટે
વિરાટ કોહલી સામે ઇંગ્લૅન્ડની મુલાકાત હંમેશાથી જ કપરી રહી છે અને આ વર્ષે પણ મુલાકાતની શરૂઆત સારી રહી નથી.
આયરલૅન્ડ સામે ટીમે ઉમદા બેટિંગ કરી પણ કેપ્ટન વિરાટ બન્ને ટીમ-20 મેચોમાં બૅટિંગ કરવામાં નિષ્ફળ રહ્યા.
આયરલૅન્ડ સામે પ્રથમ મેચમાં તે કોઈ પણ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયા, જ્યારે બીજી મેચમાં તેઓ માત્ર 9 રન જ બનાવી શક્યા.
વિરાટનું આ રીતે બન્ને મેચોમાં આઉટ થઈ જવું અને એ પણ આયરલૅન્ડ જેવી નબળી ટીમ સામે એ રમતપ્રેમીઓ માટે સારા સમાચાર નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
જો કે આ દેખાવથી ઇંગ્લૅન્ડના કાળજામાં ઠંડક જરૂર પહોંચી હશે.
સિરીઝ જીતવાની આશા સાથે વિરાટના વડપણવાળી ટીમ હવે આયરલૅન્ડ થી ઇંગ્લૅન્ડ માટે રવાના થઈ ગઈ છે.
ઇંગ્લૅન્ડ વિરુધ્ધ રમાનારી ત્રણ ટી-20, ત્રણ વન ડે અને પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય ટીમની આકરી પરીક્ષા થવાની તો હજી બાકી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરાટ સામે ભારે પડકાર
વિરાટ કોહલીનું નામ દુનિયાના સૌથી ઉત્તમ બૅટ્સમેનોની યાદીમાં આવે છે.
એમના જાદુઈ બૅટે દરેક જગ્યાએ એનો જાદુ ફેલાવ્યો છે. પછી તે ઑસ્ટ્રેલિયાની જમીન હોય કે સાઉથ આફ્રિકાની.
ભારતે પોતાની છેલ્લી સાઉથ આફ્રિકાની સિરીઝમાં મેજબાન ટીમને લિમિટેડ ઑવર્સમાં ધૂળ ચટાડી હતી.
વિરાટ કોહલીએ આ શ્રેણીમાં રનનો અંબાર ખડકી દીધો હતો.
જો વાત આઈસીસી રેકિંગ્સની કરીએ તો વન ડે માં તેઓ પ્રથમ નંબરે અને ટેસ્ટમાં બીજા સ્થાન પર છે.
ઇંગ્લૅન્ડમાં નિષ્ફળ કોહલી
ઇંગ્લૅન્ડ જ એક માત્ર એવો દેશ છે કે જ્યાં વિરાટ કોહલીને પોતાની જાત પુરવાર કરવાની બાકી છે.
તેઓ હજી સુધી આ દેશ વિરુદ્ધ પોતાની બૅટિંગ ચમકાવવામાં નિષ્ફળ રહ્યા છે.
ઇંગ્લૅન્ડની મુલાકાત હંમેશાંથી જ એમના માટે કપરી રહી છે અને તેઓ કોઈ મોટો સ્કૉર બનાવી શક્યા નથી.
ઇંગ્લૅન્ડમાં એમનો ટેસ્ટ રેકૉર્ડ પણ ઘણો ખરાબ છે. તમને એ સાંભળી આશ્ચર્ય થશે કે જે ખેલાડીની ટેસ્ટ મેચોની સરેરાશ લગભગ 54 છે ,તેમણે ઇંગ્લૅન્ડની ધરતી પર માત્ર 13 ની સરેરાશથી રન બનાવ્યા છે.
ઇંગ્લૅન્ડમાં વિરાટ પાંચ ટેસ્ટમાં 10 વખતમાં માત્ર 134 રન બનાવી શક્યા છે અને એમનો મહત્તમ સ્કૉર 39 છે.
જોકે, વન ડેમાં એમની હાલત થોડીક સારી છે. એમની કરિયરની સરેરાશ 58 છે જ્યારે ઇંગ્લૅન્ડમાં એમણે 32ની સરેરાશથી રન બનાવ્યા છે.
આ મુલાકાત એમના માટે એક તક પૂરી પાડશે જેમાં એમને ટીમનું વડપણ કરવાની સાથે સાથે રનનો વરસાદ પણ કરવાનો છે.
વિરાટનું ફૉર્મ જ આ સિરીઝનું ભાવિ નક્કી કરશે અને આખી દુનિયાની આંખો એમની બૅટિંગ પર જ મંડાયેલી હશે.
દરેક દેશ, દરેક મેદાનમાં વિરાટે પોતાના બૅટનું ઉમદા પ્રદર્શન દેખાડ્યું છે પણ ઇંગ્લૅન્ડની ધરતી હજી એમની ઉત્તમ દેખાવની રાહ જોઈ રહી છે.
ચડાણ કપરાં છે છતાં પણ આશા છે
ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી એક ફાઇટર છે અને સમગ્ર તૈયારી સાથે મેદાન પર ઊતરે છે.
ટીમ ઇન્ડિયાની ઇંગ્લૅન્ડ મુલાકાતની ઔપચારિક શરૂઆત 3 જુલાઈના રોજ ટી-20થી થશે અને તે 1 ઑગસ્ટથી એજબેસ્ટન ખાતે પોતાની ટેસ્ટ શ્રેણીની શરૂઆત કરશે.
ગઈ વખતે ઇંગ્લૅન્ડની મુલાકાત દરમિયાન ફ્લૉપ રહેલા કોહલી આ વખતે સંપૂર્ણ એકાગ્ર છે અને એને ધ્યાનમાં રાખતાં તેમણે અફઘાનિસ્તાન સામે બેંગ્લોરમાં રમાનારી એક માત્ર ટેસ્ટ મેચમાં ભાગ લીધો નહોતો.
આઈપીએલની સીઝન પૂરી થયા બાદ કોહલી સીધા લંડનની સરે કાઉન્ટી ટીમમા રમવાના હતા પણ ઈજાને કારણે તેઓ કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લઈ શક્યા નહોતા.
આ બધી વાતો એ અણસાર આપે છે કે વિરાટ ઇંગ્લૅન્ડ સિરીઝને કેટલી ગંભીરતાથી લીધી છે.
જોકે, કોહલીએ પરોક્ષ રીતે ઈજાને કારણે ત્રણ મેચમાંથી હટી જવાને સારી વાત ગણાવતા કહ્યું કે તેઓ આ મુલાકાત માટે સંપૂર્ણપણે તૈયાર છે.
તેમણે કહ્યું કે ભારતને ઇંગ્લૅન્ડમાં છેલ્લે રમ્યાના 4 વર્ષ થઈ ગયાં છે. આવામાં તેઓ પોતાની જાતને પરિસ્થિતિ અનુસાર ઉમદા રીતે ઢાળવા માંગે છે, પણ ફિટ રહેવું એ એમની પ્રાથમિકતા છે.
શું જણાવે છે ક્રિકેટના નિષ્ણાતો?
ક્રિકેટના કેટલાક મોટા ખેલાડીઓનું માનવું છે કે ટીમનું સંપૂર્ણ પ્લાનિંગ વિરાટના પોતાના અંગત દેખાવ પર આધાર રાખે છે.
તેઓ એ પણ માને છે કે ક્રિકેટનાં નિષ્ણાતોને ઇતિહાસમાં પાછું વળી જોવાની જરૂર નથી. વર્ષ 2014નાં વિરાટ અને અત્યારના વિરાટમાં ઘણું અંતર છે.
પાકિસ્તાનના પૂર્વ જાણીતા બેસ્ટમેન અને સિલેક્ટર ઇન્ઝમામ ઉલ-હકનું માનવું છે કે વિરાટની ગણતરી ઑલ ટાઈમ ગ્રેટ્સમાં થાય છે અને એમને આશા છે કે તે પોતાનાં નામ અનુસાર જ રંગ જમાવશે.
ઇન્ઝમામ જણાવે છે કે ભલે વિરાટનું પ્રદર્શન હજી સુધી સારું ના રહ્યું હોય પણ ટીમમાં એમના જેવા એક માત્ર ખેલાડી હોય તો પણ સામેની ટીમમાં ભૂકંપ આવી જાય છે.
આ બાજુ પૂર્વ ઑસ્ટ્રેલિયાઈ ખેલાડી ગ્લેન મૈક્ગ્રા જણાવે છે કે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે વિરાટ અનુભવી ખેલાડી છે પણ ઇંગ્લૅન્ડ સામે પડકારો ઘણા આકરા હોય છે.
ખાસ કરીને જ્યારે એમની પાસે જેમ્સ એન્ડરસન જેવો અનુભવી ઝડપી બોલર હોય અને જે પરિસ્થિતિથી સારી રીતે વાકેફ હોય તો વિરાટ સામે પડકાર વિકરાળ બની જાય છે.
મૈક્ગ્રા એમ પણ માને છે કે વિરાટને ઇંગ્લૅન્ડ મુલાકાતમાં સફળ થવા માટે એન્ડરસન સામે બાથ ભીડવાની યોગ્ય તૈયારી કરવી પડશે.
પહેલા એમને એમની કન્ડિશન સાથે તાલમેળ સાધવો પડશે પછી જ એ પોતાની રમત આગળ વધારી શકશે.
મૈક્ગ્રા જણાવે છે,' હું કોહલી અને એન્ડરસન વચ્ચેના સંઘર્ષને જોવા આતુર છું.'
ઇંગ્લૅન્ડ પણ ઉત્તમ ફૉર્મમાં
ઇંગ્લૅન્ડની ટીમે પોતાના પ્રબળ હરિફ ઑસ્ટ્રેલિયાને વન ડે સિરીઝમાં એકતરફી મેચમાં 5-0 થી હરાવ્યું હતું.
આટલું જ નહીં,ટી-20માં પણ ઇંગ્લૅન્ડને ભોંય ભેગું કરી દીધું હતું. આ વ્હાઇટ-વૉશ બાદ ઇંગ્લૅન્ડની ટીમ વિશ્વાસથી ભરેલી છે.
આવામાં ભારતીય ટીમ માટે અહીંની મુલાકાત ચોક્કસપણે કપરી સાબિત થનાર છે.
જોકે, વિરાટ કોહલીની ટીમ માટે ઇંગ્લૅન્ડને એમના ઘરમાં જ હરાવવાની આ સરસ તક છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો