You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Top 5 News: રામદેવે લોન્ચ કરી મેસેજિંગ ઍપ, આ છે ફિચર્સ
યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ વિદ્યાપીઠે મેસેજિંગ ઍપ લોન્ચ કરી છે, જેને 'કિમ્ભો' (Kimbho) નામ આપવામાં આવ્યું છે, જેનો હેતુ વ્હૉટ્સઍપને ટક્કર આપવાનો છે.
સંસ્થાના પ્રવક્તા તિજારાવાલાએ ટ્વીટ કરીને લખ્યું, "હવે ભારત બોલશે. સીમકાર્ડ બાદ બાબા રામદેવે મેસેજિંગ ઍપ્લિકેશન કિમ્ભો લોન્ચ કરી છે.
"જે વ્હૉટ્સઍપને ટક્કર આપશે. આ સ્વદેશી મેસેજિંગ પ્લેટફોર્મને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે."
તેમના કહેવા પ્રમાણે, ખબર અંતર પૂછવા માટે 'કિમ્ભો' શબ્દનો ઉપયોગ થાય છે. કિમ્ભો એ મૂળ સંસ્કૃત શબ્દ છે, જેનો મતલબ 'કેમ છો?' એવો થાય છે.
કિમ્ભોની ટેગલાઇન 'અબ ભારત બોલેગા' રાખવામાં આવી છે, તેના ઍપ આઇકનમાં શંખનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગુગલ પ્લે સ્ટોર પર મૂકવામાં આવેલા લખાણ પ્રમાણે, કિમ્ભોમાં પ્રાઇવેટ ચેટ, ગ્રૂપ ચેટ, ફ્રી ફોન અને વીડિયો કોલિંગ ઉપરાંત ટેકસ્ટ, ઓડિયો, વીડિયો, ફોટો, સ્ટિકર, લોકેશન જેવા ફિચર્સ છે.
ઉલ્લેખનીય છેકે થોડા દિવસો અગાઉ પતંજલિએ બીએસએનએલ (ભારત સંચાર નિગમ લિમિટેડ) સાથે મળીને સીમકાર્ડ લોન્ચ કર્યાં હતાં, જેની સાથે વીમો પણ મળશે.
હાલમાં માત્ર કર્મચારીઓ સુધી મર્યાદિત છે. રામદેવે કહ્યું હતું, આ સીમકાર્ડ ભવિષ્યમાં સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજના પરિણામો પર પક્ષોની નજર
2019ની લોકસભાની ચૂંટણીઓ પૂર્વે આજે ઉત્તર પ્રદેશના કૈરાના, મહારાષ્ટ્રના પાલઘર તથા ભાંડરા-ગોંદિયા અને નાગાલૅન્ડની લોકસભા બેઠકો માટે ચૂંટણી પરિણામો જાહેર થશે.
ભાજપ સામે એક થવા માગતા વિપક્ષની આ ચૂંટણી પરિણામો પર ચાંપતી નજર રહેશે, આ પરિણામો બાદ રાષ્ટ્રીય સ્તરે નવા રાજકીય સમીકરણ રચાય તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ સામેસામે લડ્યા હતા, જ્યારે કૈરાના બેઠક પર ભાજપ સામે રાષ્ટ્રીય લોકદળના ઉમેદવાર હતા.
સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી તથા કોંગ્રેસે કૈરાના બેઠક પર કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ન હતા.
આ સિવાય નવ વિધાનસભા બેઠકો પર પણ ચૂંટણી યોજાઈ હતી, જેનાં પરિણામો પણ આજે જાહેર થશે.
યુક્રેઇન: પત્રકારના મૃત્યુના સમાચાર ખોટા
રશિયાના ચર્ચિત ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ આર્કાડી બાબચેંકોની હત્યાના સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું છે.
યુક્રેઇને હેતુપૂર્વક તેમના મૃત્યુના ખોટાં સમચાર ફેલાવ્યા હતા, જેથી કરીને હુમલાની યોજના ઘડનારાઓને ઝડપી શકાય.
જ્યારે આર્કાડી પત્રકાર પરિષદમાં આવ્યા, ત્યારે પત્રકારોને આંચકો લાગ્યો હતો. બાદમાં આર્કાડીને તાળીઓથી વધાવી લેવામાં આવ્યા હતા.
યુક્રેઇનનું કહેવું છે કે રશિયાના એજન્ટ્સને ખુલ્લા પાડવા માટે આ યોજના ઘડવામાં આવી હતી. આર્કાડીનું કહેવું છે કે, તેમની પાસે 'કોઈ વિકલ્પ ન હતો.'
આર્કાડીની હત્યા કરવા માટે રશિયા દ્વારા એક યુક્રેઇનિયન નાગરિકને નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં.
અમેરિકા પહોંચ્યા ઉ. કોરિયાના અધિકારી
કિમ જોંગ-ઉનના વિશ્વાસુ અધિકારી જનરલ કિમ યોંગ-ચોલ ન્યૂ યૉર્ક પહોંચ્યા છે. એર ચાઇનાની ફ્લાઇટ મારફત તેઓ બેઇજિંગથી અમેરિકા પહોંચ્યા હતા.
યોંગ-ચોલે અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયો સાથે મુલાકાત કરી હતી.
છેલ્લા બે દાયકામાં ઉત્તર કોરિયાના વરિષ્ઠ અધિકારીની આ પ્રથમ અમેરિકા મુલાકાત છે.
12મી જૂનના સિંગાપુર ખાતે અમેરિકા તથા કિમ જોંગ-ઉનની મુલાકાત પ્રસ્તાવિત છે, જેનો એજન્ડા તૈયાર કરવા માટે જનરલ યોંગ-ચોલ અમેરિકા પહોંચ્યા છે.
શુક્રવારથી ખેડૂત આંદોલન
રાષ્ટ્રીય કિસાન સંઘે પહેલી જૂનથી 10મી જૂન સુધી ખેત પેદાશો નહીં વેચવા ખેડૂતોને આહ્વાન કર્યું છે.
સંગઠને અપીલ કરી છે કે દૂધ, શાકભાજી અને અનાજનું વેચાણ કરવામાં ન આવે.
ખેડૂતોનું કહેવું છેકે ડૂંગળી, ગવાર અને ઘઉં સહિત અનેક ખેતપેદાશો પર તેમને પડતર ખર્ચ પણ મળતું નથી.
સંગઠનનું કહેવું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીનનું સંપાદન અને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો