એગ્ઝિટ પોલમાં ભાજપને બહુમતી કેમ?

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને કરાવવામાં આવેલા એગ્ઝિટ પોલમાં બંને રાજ્યોમાં ભાજપને બહુમતી મળી રહી છે.

એગ્ઝિટ પોલનાં અનુમાન ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવ્યાં. બંને રાજ્યોમાં મતગણતરી 18મી ડિસેમ્બરે થવાની છે.

ગુજરાત ચૂંટણીને લઈને બે સપ્તાહ પહેલાં જે ઓપિનિયન પોલ કરવામાં આવ્યા હતા તેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

તો માત્ર થોડા દિવસોમાં એવું તે શું બદલ્યું કે એગ્ઝિટ પોલમાં ભારતીય જનતા પક્ષની મતની ટકાવારીમાં વધારો દર્શાવાયો છે.

આ સવાલના જવાબમાં પોલ કરાવનારી સંસ્થા સીએસડીએસના ડિરેક્ટર સંજય કુમાર કહે છે, "ઓપિનિયન પોલ મતદાન પહેલાં કરવામા આવ્યા હતા."

"જ્યારે એગ્ઝિટ પોલ મતદાન બાદ કરવામાં આવ્યા છે. આ દરમિયાનના દિવસોમાં અનેક બાબતો બદલી. ભાજપે ખૂબ જ આક્રમક પ્રચાર કર્યો."

"ખાસ કરીને વડા પ્રધાને તાબડતોબ રેલીઓ કરી. જેની અસરથી મતદારોનું મન બદલ્યું."

એગ્ઝિટ પોલ કેટલા વિશ્વાસપાત્ર?

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં થયેલા એગ્ઝિટ પોલમાં ભાજપની જીતનો દાવો થઈ રહ્યો છે.

પરંતુ જરૂરી નથી કે એગ્ઝિટ પોલનું અનુમાન દર વખતે સાચું જ પડે.

બિહાર અને દિલ્હીમાં થયેલી ચૂંટણીમાં આવેલા એગ્ઝિટ પોલ અને પરિણામો સાવ જુદાં જ હતાં.

બિહારમાં મહાગઠબંધને ભાજપને હરાવીને સરકાર બનાવી હતી તો દિલ્હીનાં પરિણામે બધાને ચોંકાવ્યા હતા.

જ્યાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટ પર જીત હાંસલ કરી હતી.

આવા ઘણા મામલામાં એગ્ઝિટ પોલની વિશ્વનીયતા પર સવાલ ઉઠ્યા છે.

આ મામલે સીએસડીએના ડિરેક્ટર સંજય કુમાર કહે છે, "એવું નથી કે બિહારમાં એગ્ઝિટ પોલના અનુમાન સાવ ઉલટાં હતાં."

"કેટલાક એગ્ઝિટ પોલમાં ભાજપની જીત દર્શાવવામાં આવી હતી તો કેટલાકમાં મહાગઠબંધનની જીતનું અનુમાન કરાયું હતું. જીત અને હારનું અંતર કેટલું હતું તેના પર જરૂર ચર્ચા કરી શકાય."

તેઓ કહે છે, "દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે એગ્ઝિટ પોલ ટ્રેન્ડ દર્શાવી રહ્યા હતા."

"હા એ વાત જરૂર છે કે કોઈ એવું નહોતું કહી રહ્યું કે આમ આદમી પાર્ટીની આવડી મોટી જીત થશે. વધારેમાં વધારે 50-52 અને 38-40 સીટનું અનુમાન હતુ."

સંજય કહે છે કે કોઈપણ એગ્ઝિટ પોલ સાઇન્ટિફિક આધાર પર જ કરવામાં આવે છે.

કઈ રીતે કરાય છે એગ્ઝિટ પોલ?

સંજય જણાવે છે કે પોલ માટે એક સેમ્પલ બનાવવામાં આવે છે. આ સેમ્પલમાં કેટલાક હજાર લોકો હોય છે.

આ લોકો રાજ્યના મતદારો જ હોય છે અને તેની સંખ્યા રાજ્યના મતદારોના અનુપાતમાં હોય છે.

જેમાં ગ્રામિણ, શહેરી, અલગ-અલગ ધર્મ, જાતિ, લિંગ અને વર્ગના લોકોને આ અનુપાતમાં રાખવામાં આવે છે.

આ બધા લોકો સાથે વાત કરવામાં આવે છે અને જાણવાની કોશિશ કરવામાં આવે છે તેમણે કયા પક્ષને મત આપ્યો છે અથવા આપવાના છે.

સંજય કહે છે કે જો આ બધી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો અનુમાન પરિણામની ખૂબ નજીકનું આવી શકે છે. પરંતુ જો સેમ્પલમાં અનુપાત ખોટો સિલેક્ટ થયો તો ઉલટફેરની સંભાવના રહે છે.

પશ્વિમના દેશોમાં એગ્ઝિટ પોલ અથવા ઓપિનિયન પોલનાં અનુમાન વધારે સચોટ હોય છે.

પરંતુ ભારતમાં પરિણામો આ પ્રકારના પોલથી અલગ પણ આવી શકે છે.

આ બાબતે સંજય કહે છે, "ભારતમાં આ મામલે હજી સુધારાની આવશ્યકતા છે.

"પરંતુ એ વાત પણ સાચી છે કે જેટલી વિવિધતા ભારતના મતદારો વચ્ચે છે એટલી પશ્વિમના દેશોમાં નથી."

"ત્યાં લોકોના ધર્મ, જાતિ મોટેભાગે સમાનતા જોવા મળે છે. અહીંના સાપેક્ષે ત્યાં ચૂંટણી લડનારી પાર્ટીઓ પણ ઓછી હોય છે."

શું ખરેખર ભાજપ સરકાર બનાવશે?

સંજય કુમાર કહે છે, "બધા જ એગ્ઝિટ પોલ સંકેત આપી રહ્યા છે કે ગુજરાત અને હિમાચલમાં ભાજપને સરસાઈ મળી રહી છે."

"સરસાઈ જેટલી પણ હોય પરંતુ એ વાત નક્કી છે કે કોંગ્રેસ 22 વર્ષ બાદ પણ ગુજરાતમાં ચૂંટણી જીતવામાં સફળ નહીં થાય."

જોકે, સાચી પરિસ્થિતિની જાણ તો 18 તારીખે એટલે કે પરિણામના દિવસે જ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો