પ્રેસ રિવ્યૂ: હાર્દિકમાં સરદારના DNA હોવાના નિવેદનને પગલે ઠેરઠેર વિરોધ

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલને સરદાર પટેલના ડીએનએ સાથે સરખાવતા જ ભાજપ દ્વારા તેનો વિરોધ કરાયો છે.

અહેવાલ મુજબ, ભાજપના મીડિયા સેલે જણાવ્યું હતું કે આઝાદીકાળથી કોંગ્રેસ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરી રહી છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ, મુજબ સરદાર પટેલના પરિવારજનોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ અહેવાલ મુજબ એક ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં સરદાર પટેલના વંશજ હોવાનો સમીર નામના વ્યક્તિએ દાવો કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશને જોડ્યો છે, જ્યારે હાર્દિક દેશને તોડવાનું કામ કરે છે.

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ, અમદાવાદ ઉપરાંત રાજ્યમાં અનેક સ્થળે શક્તિસિંહના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

શક્તિસિંહની સાથે સાથે હાર્દિકની કથિત સીડીનો પણ ઠેરઠેર વિરોધ કરવામાં આવ્યો હતો.

રસગુલ્લાનો જન્મ ઓડિશા નહીં, પ.બંગાળમાં!

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, રસગુલ્લાને હવે પશ્ચિમ બંગાળનું જીઓ ટેગ મળ્યું છે. મતલબ કે ઓડિશાનો 800 વર્ષ જૂનો દાવો ફગાવાયો છે.

નવગુજરાત સમયમાં પ્રકાશિત અહેવાલ મુજબ, 'રસગુલ્લા કોના?' એ મામલે પશ્ચિમ બંગાળ અને ઓડિશા વચ્ચે જંગ હતો, જેનો ઉકેલ આવી ગયો છે.

આ અહેવાલ મુજબ જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન(GI) રજિસ્ટ્રી એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડિયાએ પશ્ચિમ બંગાળને સત્તાવાર રીતે રસગુલ્લા માટે જીઆઈ ટેગ આપી દીધું હતું.

સંદેશના અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જીઆઈ ટેગ મળવા અંગે જનતાને અભિનંદન આપ્યા હતા.

તેમણે ટ્વીટ કર્યું કે 'બધા માટે સારા સમાચાર છે.' પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રસગુલ્લાને વૈશ્વિક સ્તર પર રાજ્યની એક ઓળખ તરીકે વિકસાવવા માગે છે.

દાઉદની સંપત્તિની હરાજી

સંદેશના અહેવાલ મુજબ ડોન દાઉદ ઇબ્રાહિમની મુંબઈની ત્રણ પ્રોપર્ટી ઉપરાંત અન્ય ત્રણ પ્રોપર્ટી મળી કુલ છ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી હતી.

જેમાં રોનક અફરોઝ હોટેલ, ડામરવાળા બિલ્ડિંગ અને શબનમ ગેસ્ટહાઉસ મળી ત્રણ સંપત્તિ સૈફી બુરહાની અફલિફ્ટમૅન્ટ દ્વારા ૧૧ કરોડ ૫૦ લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

અહેવાલ મુજબ, દાઉદની પ્રોપર્ટીનું બે વર્ષમાં બે વખત ઓકશન યોજવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, સ્મગ્લર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલૅટર્સ (ફોરફીચર ઓફ પ્રોપર્ટી) એક્ટ હેઠળ આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ગત વખતે જર્નાલિસ્ટ એસ. બાલાકૃષ્ણને આ માટે ચાર કરોડ 28 લાખ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી ,પરંતુ તેઓ સમય મર્યાદામાં રકમ ચૂકવી શક્યા નહોતા.

અહેવાલ મુજબ હરાજીમાં સામેલ થનારા ઓલ ઇન્ડિયા હિન્દુ મહાસભાના પ્રેસિડેન્ટ સ્વામી ચક્રપાણિ મહારાજ પર તમામની નજર હતી, કારણ કે તેમણે દાઉદની હોટેલ ખરીદીને ત્યાં શૌચાલય બનાવવાની વાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો