પ્રેસ રિવ્યૂ : ઈવીએમના મતોની સાથે સાથે વીવીપીએટીના મતો પણ ગણવા સુપ્રીમમાં રિટ

જનસત્તાના એક અહેવાલ અનુસાર, પૂણે યુનિવર્સિટીએ એક સરક્યુલર જારી કર્યો છે.

જે મુજબ માંસાહારી અને શરાબનું સેવન કરતા વિદ્યાર્થીઓ ભલે અભ્યાસમાં તેજસ્વી હોય તોપણ તેમને 'મહર્ષિ કીર્તનકાર શેલાર મામા' ગોલ્ડ મેડલ નહીં મળે.

યુનિવર્સિટીના પ્રશાસનના સરક્યુલર મુજબ, ગોલ્ડ મેડલ મેળવવા માટે કેટલીક શરતો છે, જેમાં શાકાહારી હોવાની શરત પણ સામેલ છે.

1949માં સ્થાપવામાં આવેલી આ યુનિવર્સિટીનું નામ વર્ષ 2014માં નામ મહારાષ્ટ્ર સરકારે સમાજ સુધારક અને શિક્ષણના ક્ષેત્રમાં અગ્રણી કાર્ય કરનારા સાવિત્રીબાઈ ફુલેના નામ પર રાખ્યું હતું.

યુનિવર્સિટીની વેબસાઇટ પર શરતોના યાદી મૂકવામાં આવી છે.

જેમાં સાતમા ક્રમે શરત છે કે માત્ર શાકાહારી અને શરાબનું સેવન નહીં કરનારા વિદ્યાર્થીઓ જ 'મહર્ષિ કીર્તનકાર શેલાર મામા' ગોલ્ડ મેડલ માટે પાત્ર બનશે.

વળી, યાદીમાં એમ પણ કહેવાયું છે કે યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરનારા વિદ્યાર્થીઓને આ મેડલ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

ઈવીએમના સાથે વીવીપીએટીના મતો પણ ગણવા રિટ

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે.

જેમાં માગણી કરવામાં આવી છે કે ઈવીએમ (ઇલેક્ટ્રનિક વોટિંગ મશીન)ના મતની સાથેસાથે વીવીપીએટી (વોટર વેરિફાઇડ પેપર ઑડિટ ટ્રૅલ)ના મતોની ગણતરી પણ કરવામાં આવે.

અરજદાર મનુભાઈ ચાવડાએ પિટિશનમાં રજૂઆત કરી છે કે, ઈવીએમમાં મત ગણતરી થાય તેની સાથે જ વીવીપીએટીના મતોની પણ ગણતરી થવી જોઈએ.

પારદર્શકતા અને મતદારોમાં પેપર ટ્રૅલ પ્રત્યે વિશ્વાસ વધારવા માટે આ રીતે ગણતરી થવી આવશ્યક છે.

અરજદારે રજૂઆત કરી છે કે સરકારે કરેલી જોગવાઈ પ્રમાણે રિટર્નિંગ ઓફિસરને પેપર ગણતરી નકારી કાઢવાની સત્તા આપવામાં આવી છે.

જે ગેરકાયદે, ગેરબંધારણીય અને નાગરિકોના મૂળભૂત અઘિકારોના હનન સમાન છે.

વીવીપીએટીનો ઉદ્દેશ મત યોગ્ય ઉમેદવારને ગયો છે કે નહીં તે જાણી શકાતું હોય ઈવીએમના મતોની સાથે સાથે તેના મત પણ ગણવામાં આવે તો વધુ પારદર્શિતા જળવાશે તેવી દલીલ આપવામાં આવી છે.

ન્યાયાધિશોના નામે લાંચ લેવાનો કેસ : સુનાવણી મામલે સુપ્રીમનું કડક વલણ

એનડીટીવીના અહેવાલ અનુસાર ન્યાયમૂર્તિ ચેલામેશ્વર સહિત બે ન્યાયધીશોની ખંડપીઠે ન્યાયાધિશોના નામે લાંચ લેવાના મામલાની સુનાવણી બંધારણીય પીઠને સોંપવાનો નિર્ણય કર્યો હતો.

જેને સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયધીશોની બેન્ચે રદ કરી દીધો હતો.

પીઠે કહ્યું કે સુપ્રીમ કોર્ટની કોઈ પણ પીઠ નક્કી ન કરી શકે કે કયો કેસ, કઈ પીઠને સોંપવો જોઈએ. આ અધિકાર માત્ર ભારતના મુખ્ય ન્યાયાધિશ પાસે છે.

બંધારણીય પીઠે ઉમેર્યું, "કોઈ પણ જજ ખુદ પોતાની પાસે કેસ ન રાખી શકે (કેસ પોતાની અદાલતમાં સુનાવણી માટે લગાવી ન શકે). જો આવા કોઈ નિર્ણય લેવાયા હોય તો તેને રદ કરવામાં આવે છે."

અહેવાલ અનુસાર, હવે આ મામલે સુનાવણી ત્રણ ન્યાયાધિશોની પીઠ બે સપ્તાહ પછી હાથ ધરશે.

સુપ્રીમમાં શુક્રવારે આ મામલે સુનાવણી દરમિયાન હંગામો થયો હતો. જેમાં અરજકર્તા પ્રશાંત ભૂષણ ગુસ્સામાં મુખ્ય ન્યાયમૂર્તિ પર આરોપ લગાવી મૂકીને કોર્ટની બહાર નીકળી ગયા હતા.

બીજી તરફ મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે જો આ પ્રકારના આરોપો લગાવવામાં આવશે તો સંસ્થાન ક્યારેય કામ નહીં કરી શકે.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પ્રશાંત ભૂષણની વર્તણૂકની નિંદા કરી છે.

તદુપરાંત કોર્ટમાં જે હંગામો થયો તેના મીડિયા રિપોર્ટિંગ પર રોક લગાવા માગણી થઈ હતી, જેને ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ ફગાવી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો