You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપ BAPSનાં માધ્યમથી પાટીદારોની ભક્તિ કરવા ઇચ્છે છે?
- લેેખક, વિજયસિંહ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
નરેન્દ્ર મોદી બુધવારે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની રજત જયંતિ ઉત્સવમાં ભાગ લેવા માટે આવશે. પાટીદારોનો એક મોટો વર્ગ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS)માં આસ્થા રાખે છે.
આ પહેલા, ૫ ઑકટોબરના રોજ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા હરિદ્વાર ખાતે નિર્માણ પામેલા ઉમિયાધામ આશ્રમ પ્રસંગે સંબોધન કર્યું હતું.
ભારતીય જનતા પક્ષ (ભાજપ) આ મુલાકાતને માત્ર ધાર્મિક ગણે છે, પણ ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ જોતા, રાજકીય વિશ્લેષકો એને જરા જુદી રીતે જૂએ છે.
તમને આ વાંચવું પણ ગમશે :
રાજકીય વિશ્લેષકો કહે છે, ભાજપની કરોડરજ્જુ સમાન પાટીદાર વર્ગ આ વખતે ભાજપની નારાજ છે તેવા સમયે, પાટીદારોના આસ્થા સ્થાનોના માધ્મમથી પણ તેમના સુંધી પહોંચવાનો એક પ્રયાસ થઇ રહ્યો છે.
પાટીદારો સુધી પહોંચવાનું અસરકારક માધ્યમ
રાજકીય વિશ્લેષક અને વરીષ્ઠ પત્રકાર રાજીવ શાહે બીબીસી ગુજરાતીને જણાવ્યુ “આ વિધાનસભાની ચૂંટણીમાં પટેલો ભારતીય જનતા પાર્ટીથી દૂર જતા દેખાઈ રહ્યાં છે.
આ પરિસ્થિતિમાં, નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી નારાજ પાટીદાર વર્ગને પાછો લાવવા વિવિધ પ્રયાસો કરે એ સ્વાભાવિક છે.
એક પ્રયાસ એ પણ છે કે પાટીદારો જે ધાર્મિક સંસ્થા અથવા સંપ્રદાયમાં આસ્થા રાખતા હોય, તે મારફતે તેમને ભાજપ તરફ પાછા લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
નરેન્દ્ર મોદી અક્ષરધામ મંદિરના ૨૫ વર્ષ નિમીત્તે ગુજરાત આવે છે, એમાં દેખીતી રીતે કોઈ રાજકીય હેતુ ન જણાય. આમ છતાં, એ ઘણું મહત્વનું છે. કેમ કે, ગુજરાતમા રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક તરફ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની સભાઓમાં સ્વયંભૂ લોકો ઉમટી પડે છે. બીજી તરફ ભાજપની સભાઓમાં માણસોની ઓછી થતી જતી સંખ્યા સૂચક બની રહે છે.
આવા સમયે, ભાજપ માટે એની વફાદાર વોટબેંકના (પટેલોનાં) આસ્થાના કેન્દ્રો તેમના સુંધી પહોંચવાના અસરકારક માધ્યમો બને છે.”
હાર્દિકની રેલીના આયોજન પાછળ કોણ હતું?
તેમણે વધુમાં કહ્યું, “પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે જ્યારે ૨૫ ઓગષ્ટ ૨૦૧૫ના રોજ અમદાવાદમાં જે શક્તિ પ્રદર્શન કર્યું હતું, તે આખા કાર્યક્રમના આયોજન અને મેનેજમેન્ટમાં પડદા પાછળ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલાં લોકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી એમ જાણવા મળે છે.”
તેમણે ઉમેર્યું, “પાટીદારોનો એક મોટો વર્ગ BAPS સાથે જોડાયેલો છે. બીજું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસ દરમિયાન હિંદુ મંદિરોમાં જાય છે. બંને પક્ષો માટે આ એક રાજકીય નિતીનો ભાગ છે.”
પાટીદારો હિંદુ ઉચ્ચ વર્ણ વ્યવસ્થામાં નહોતા!
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું કે, “ગુજરાતમાં પાટીદારોની વસ્તી ૧૨ ટકા છે જેમાં લેઉઆ પટેલ અને કડવા પટેલ બંનેનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પાટીદાર સ્વામિનારાયણ સંપ્રદાય તરફ વળ્યા તેનો એક રસપ્રદ ઇતિહાસ છે. પરંપરાગત હિંદુ વર્ણ વ્યવસ્થામાં પાટીદારો ઉચ્ચ જ્ઞાતિમાં નહોતા.”
તેમણે ઉમેર્યું, “ઓગણીસમી સદીના અંતભાગ અને વીસમી સદીની શરૂઆતમાં પાટીદારોની સામાજિક, આર્થિક અને રાજકીય પ્રગતિ થઈ. બ્રાહ્મણવાદી જ્ઞાતિ વ્યવસ્થાની જેમ પાટીદારોને કોઈ બંધનો નહોતા.
જેમ કે, અન્ય જ્ઞાતિઓમાં જેમ વિદેશ જવા પર પ્રતિબંધ હતો તેમ પાટીદારોમાં નહોતો. તેમની ઉદ્યોગ સાહિસક્તાને લીધે દેશ-વિદેશમાં તેમની પ્રગતિ થઈ.”
પાટીદારો સ્વામિનારાયણ સંપ્રદાય તરફ કેમ વળ્યા?
ગૌરાંગ જાનીએ વધુમાં કહ્યું, “જોકે, સનાતન ધર્મનાં ચોકઠામાં તેઓ ગોઠવાઈ શકે તેમ નહોતા એટલે સ્વામિનારાયણ સંપ્રદાય તરફ વળ્યા. આ સંપ્રદાયનો પાટીદાર સમાજ પર ખૂબ મોટો પ્રભાવ રહ્યો.
બીજી, તરફ દેશ વિદેશમાં પાટીદારો સુખી થયા અને સંપ્રદાયનો પણ ફેલાવો થયો. તેમના મંદિરો સ્થાપવામાં આર્થિક યોગદાન આપવા લાગ્યા.
હવે તો, પાટીદારોની સાથે સાથે અન્ય સમાજો ઉપર પણ આ સંપ્રદાયનો પ્રભાવ વધતો જાય છે.''
તેમણે વધુમાં કહ્યું કે, “સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીએ સમાજ સુધારા પર વિશેષ ભાર મૂક્યો હતો અને એની અસર પાટીદાર સમાજ પર જોઈ શકાય છે. એટલે જ, સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફાંટાઓ પડ્યા પણ એ બધામાં પટેલો વિશેષ જોવા મળશે.”
રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિક કહે છે, "ગુજરાતમાં ધર્મ-મિશ્રિત (રીલીજયો-પોલિટીક્સ) રાજકારણનું મહત્વ રહ્યું છે અને ભાજપે ધર્મ-સંપ્રદાયોની સાથે ઘરોબો કેળવી, તેમાં આસ્થા રાખતા લોકો પર પ્રભાવ રાખવાનું કામ કર્યું છે, એટલે જ ગુજરાતને હિંદુત્વની પ્રયોગશાળા કહેવામાં આવે છે.”
'BAPS' સંસ્થાની વેબસાઇટના આંકડા મુજબ દુનિયાભરમાં તેનાં 1100 મંદિરો અને 3850 કેન્દ્રો છે. જેમા 55 હજાર સ્વંયસેવકો છે 10 લાખ અનુયાયીઓ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો