હરસ અને ગુદામાર્ગના કૅન્સર વચ્ચે શું તફાવત છે?

હરસ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઓમકાર કરંબેળકર
    • પદ, બીબીસી સંવાદદાતા

આપણી જીવનશૈલી છેલ્લાં 30-40 વર્ષોમાં ઘણી બદલાઈ ગઈ છે. એક સમયે આપણે ચાલતા હતા, હલનચલન કરતા હતા અને પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાતા હતા, પરંતુ પાછલા દાયકાઓમાં એ જીવનશૈલી ઝડપથી બદલાઈ છે.

આ સમયગાળમાં રોજિંદા કામો સરળ બન્યાં છે. મશીનો, મોબાઇલ અને કૉમ્પ્યુટરને લીધે શ્રમ ઓછો થયો છે, પણ તેની માઠી અસર પણ થઈ છે.

આ બદલાયેલી જીવનશૈલીએ કેટલાક રોગો પેદા કર્યા છે અને કેટલાક રોગમાં વધારો કર્યો છે. અયોગ્ય જીવનશૈલીને કારણે થતા રોગ ચેપી નથી હોતા, પરંતુ અનેક લોકોએ નવી જીવનશૈલી અપનાવી હોવાથી એવા રોગનો ભોગ બનતા લોકોની સંખ્યા જરૂર વધી છે.

અપૂરતી ઊંઘ, તમામ બાબતોને લીધે વધતો તણાવ, બેઠાડુ કામકાજ, શ્રમનો અભાવ, કસરતનો અભાવ, દારુ તથા તમાકુ ઉત્પાદનોનું વધારે પડતું સેવન, મસાલેદાર તથા ઇન્સ્ટન્ટ તેમજ પ્રોસેસ્ડ ફૂડના ખાવાના પ્રમાણમાં થયેલા વધારાએ આપણા શરીર અને મન પર વ્યાપક અસર કરી છે.

આવી આદતો પોતાની સાથે અનેક રોગો પણ લાવે છે.

અનિયમિત બ્લડ પ્રેશર, હૃદય રોગ, સ્થૂળતા, માસિક સ્ત્રાવની વિકૃતિઓ તથા અનિયમિતતા, પેટના રોગો, ડાયાબિટીસ, ફેટી લીવર અને ગાઉટ જેવા રોગોમાં વધારો થઈ રહ્યો છે.

અહીં આપણે એ પૈકીના એક રોગ હરસ બાબતે વાત કરીશું. જરૂરી માહિતીના અભાવ અને અજ્ઞાનને કારણે મોટાભાગે આ રોગની અવગણના કરવામાં આવે છે.

હરસ અને ગુદામાર્ગના કૅન્સર વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. તેથી તેની વિશે પૂરતી માહિતી મેળવવી મહત્ત્વપૂર્ણ છે.

શું છે હરસ

હરસ માટે અંગ્રેજીમાં પાઇલ્સ અને હૅમોરૉઇડ્સ એમ બે શબ્દો વાપરવામાં આવે છે. ગુદાની નજીકની રક્તવાહિનીઓ ફૂલી જાય છે અને સોજો આવે છે ત્યારે આ સમસ્યા શરૂ થાય છે.

એ કારણે શરીરના તે ભાગમાં રક્તસ્ત્રાવ થાય છે. ચીકણો પદાર્થ બહાર આવે છે. મળત્યાગ કરવામાં મુશ્કેલી પડે છે અને એ ભાગમાં દુખાવો થાય છે. રક્તવાહિનીઓ અને ત્યાંના સ્નાયુઓની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થાય છે ત્યારે દુખાવો શરૂ થાય છે.

હરસ થવાનાં કારણો શું છે

હરસનાં કારણોની વાત કરીએ તો સૌથી પહેલું કારણ કબજિયાત છે.

મળત્યાગમાં મુશ્કેલી પડે છે, શૌચ ક્રિયા માટે જોર કરવું પડે છે. એ કારણે ગુદામાર્ગમાંની રક્તવાહિનીઓ ફૂલી જાય છે.

ચેન્નાઈની એસઆરએમ ગ્લોબલ હૉસ્પિટલના સર્જરી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. એસ. ઉદયમના મતે, કેટલાક નબળા જનીનો પણ આ રોગનું કારણ બને છે.

ડૉ. ઉદયમ કહે છે, "આ સમસ્યા ઓછા રેસાવાળા આહારથી, લાંબા સમય સુધી બેઠા રહેવાથી, બેઠાડુ કામકાજથી, ગર્ભાવસ્થા સંબંધી તણાવ અને ગુદામાર્ગના કૅન્સરને કારણે પણ સર્જાઈ શકે છે."

પાઇલ્સ, ફિશર અને હૅમોરૉઇડ્સ વચ્ચે શું તફાવત છે?

આ ત્રણ શબ્દો આપણે ઘણીવાર વાંચ્યા હશે. ઘણીવાર લોકો જાતે નિદાન કરીને સારવાર શરૂ કરી દેતા હોય છે. આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે.

હૅમોરૉઇડ્સમાં ગુદાની નજીકની રક્તવાહિનીઓમાં સોજો આવે છે. ફિશરમાં ગુદામાં એક નાની ફાટ અથવા તિરાડ બને છે, જેના કારણે દુખાવો થાય છે અને શૌચક્રિયા દરમિયાન રક્તસ્ત્રાવ પણ થાય છે.

ફિશ્ચુલામાં ગુદા અને તેની આસપાસના વિસ્તારમાં એક માર્ગ બને છે. ત્વચામાંનું આ છિદ્ર ચેપ તથા સતત સ્ત્રાવનું કારણ બને છે.

હરસ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ વિશે વધુ માહિતી આપતાં ચેન્નાઈની એમજીએમ હૅલ્થકેર હૉસ્પિટલના ડૉ. દીપક સુબ્રમણ્યમ કહે છે, "સામાન્ય રીતે પાઇલ્સને લીધે દુખાવો કે રક્તસ્ત્રાવ થતો નથી. ફિશરમાં દુખાવો અને રક્તસ્ત્રાવ થાય છે. ફિશ્ચુલામાં ચીકણો સ્ત્રાવ અને લોહીનો મિશ્રિત સ્ત્રાવ ત્વચામાંથી બહાર આવે છે. તેની સાથે પેરિએનલ ઍબ્સેસ નામનો એક રોગ પણ થાય છે."

"આ સમસ્યા ગુદામાર્ગમાંની ગ્રંથીઓમાં ચેપને કારણે થાય છે. તેમાં ગુદાદ્વાર નજીક સોજો આવે છે અને તેમાં વધારો થતો જાય છે. તેની તત્કાળ સારવાર ન કરવામાં આવે તો તે ફિશ્ચુલામાં ફેરવાઈ જાય છે."

"પેરિએનલ એબ્સેસમાં ગુદાદ્વારની નજીકનો વિસ્તાર લાલ થઈ જાય છે. પીડા થાય છે અને સોજો પણ આવે છે. તેમાં પરુ એકઠું થવાને કારણે સમસ્યા વકરે છે."

હૅમોરૉઇડ્સ અને આ રોગની સારવાર શું છે?

તેની માહિતી આપતા ડૉ. એસ. ઉદયમ કહે છે, "હરસ પહેલા તબક્કામાં હોય તો આહારમાં ફેરફાર કરીને તેનો ઉપચાર કરી શકાય છે. દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવાથી તથા સારવાર દ્વારા તેમાં રાહત થાય છે. જો તે બીજા તબક્કામાં હોય તો રબર બૅન્ડ લિગેશન, સ્ક્લેરોથૅરપી અને થર્મલ કૉગ્યુલેશન જેવા ઉપચાર કરવામાં આવે છે."

"આ સારવાર પછી પણ સોજો ઘટે નહીં તો સર્જરી જરૂરી બને છે. ત્રીજા તબક્કામાં હરસની સારવાર રબર બૅન્ડ લિગેશન અથવા સર્જરીથી કરવામાં આવે છે, પરંતુ ચોથા તબક્કામાં સર્જરી જ એકમાત્ર સારવાર છે."

હરસના દુખાવાને ઘટાડવા શું કરી શકાય?

ડૉ. એસ. ઉદયમ જણાવે છે કે હરસના દુખાવાને ઘટાડવા માટે, તમારી જીવનશૈલીમાં તેના માટે ક્યું પરિબળ જવાબદાર છે તેના પર નજર રાખવી જોઈએ અને તેમાં ફેરફાર કરવો જોઈએ.

તેઓ કહે છે, "લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસવાનું ટાળવું જોઈએ. શૌચાક્રિયા કર્યા પછી ત્યાં લાંબો સમય બેસવું ન જોઈએ. મળત્યાગમાં જોર કરવું ન જોઈએ. ગુદાદ્વાર નજીકનો ભાગ સ્વચ્છ રાખવો જોઈએ અને સિટ્સ બાથ એટલે કે હૂંફાળા પાણીનો શેક લેવો જોઈએ."

"ચેપગ્રસ્ત ભાગમાં લગાવવા માટે ક્રીમ અને પેઇનકિલર્સ દવાઓ લખી આપવા માટે તમારા ડૉક્ટરને કહો. આ સારવાર ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ."

હરસના તબક્કા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હરસના તબક્કા

ડૉ. દીપક સુબ્રમણ્યમ કહે છે, "કબજિયાત ન થાય એટલા માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. ખોરાકમાં પુષ્કળ પાણી અને રેસાવાળા આહારનો સમાવેશ કરવો જોઈએ."

સારી રીતે પાચન થાય અને પેટ સાફ રહે એટલા માટે આહારમાં દરરોજ નૉન-પ્રૉસેસ્ડ ફૂડનો સમાવેશ કરવો જોઈએ. ફળો, શાકભાજી, સલાડ યોગ્ય પ્રમાણમાં લેવા જોઈએ. મસાલેદાર ખોરાક, કૉફી અને આલ્કોહૉલ લેવાનું બંધ કરો તો પણ હરસનાં લક્ષણો દૂર થઈ શકે છે.

ડૉ. એસ. ઉદયમ યોગ અને ચાલવા જેવી કસરતો કરવાનું સૂચવે છે. તેમના કહેવા મુજબ, આમ કરવાથી શરીર ગતિશીલ રહે છે અને કબજિયાતને ટાળી શકાય છે.

જોકે, ભારે વજન ઊંચકવા જેવો વ્યાયામ ટાળવાની સલાહ પણ તેઓ આપે છે.

કબજિયાત, બીબીસી, ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કબજિયાત એક એવી સમસ્યા છે, જે લગભગ તમામ વય જૂથના લોકોને અસર કરે છે. આપણી જીવનશૈલી અને આહારવિહારને કારણે આપણે ઘણા રોગોનો સામનો કરવો પડે છે.

તેમાં એક રોગ કબજિયાત છે. યાદ રાખો કે કબજિયાત એક રોગ જ નથી, પરંતુ તેનાથી અન્ય અનેક રોગની શરૂઆત થાય છે.

તેથી તેને સમયસર રોકવી જરૂરી છે. કબજિયાત થાય જ નહીં તેના પ્રયાસો કરવા જરૂરી છે. કબજિયાતને બંદકોષ્ટ અને મળાવરોધ શબ્દોથી પણ ઓળખવામાં આવે છે.

પેટમાં ગયેલો ખોરાક પચતો નથી અને સમયસર બહાર આવતો નથી. તેનાં ઘણાં કારણો હોઈ શકે છે. તેથી આપણે સૌપ્રથમ તો આપણી જીવનશૈલી પર ધ્યાન આપવું જરૂરી છે.

ખોરાકમાં અપૂરતું પાણી અને પ્રવાહી, અપૂરતો રેસાયુક્ત આહાર, ફળો-શાકભાજી-અનાજનું અપૂરતું પ્રમાણ, એક જ જગ્યાએ સતત બેઠા રહેવું, વ્યાયામ કે કસરતનો અભાવ અને સતત આડા પડ્યા રહેવું.

શૌચક્રિયાની ઇચ્છા પર ધ્યાન ન આપવાથી અને તણાવ, ચિંતા તથા હતાશાને કારણે પણ કબજિયાત થઈ શકે છે.

કબજિયાતથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાય કરવા જરૂરી છે. સૌપ્રથમ તો દૈનિક આહારમાં પાણીનું પ્રમાણ વધારવું જોઈએ. એ ઉપરાંત રેસાયુક્ત આહાર કરવો જોઈએ. તેમાં ફળો, શાકભાજી, કઠણ છાલવાળાં ફળો અને આખા અનાજનો સમાવેશ થાય છે.

ખોરાકમાં રેસાયુક્ત આહારનું પ્રમાણ અચાનક વધારવાથી અસ્વસ્થતા સર્જાઈ શકે છે. કેટલાક લોકોને પેટ ફૂલી જવાનો અથવા અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. તેથી ફાઇબરનું પ્રમાણ ધીમે ધીમે વધારવું જોઈએ.

કસરત, શારીરિક પ્રવૃતિ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, કસરત અને તણાવમુક્ત જીવનશૈલી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કબજિયાત થાય કે ન થાય ત્યારે લોકોએ તેમના શરીરમાં થતા ફેરફારનું નિરીક્ષણ કરવું જોઈએ. નિયમિત દિનચર્ચાનું પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે. દારૂ પીવાનું ટાળવું જોઈએ અને મળત્યાગની ઇચ્છાને અવગણવી ન જોઈએ.

કમોડ એટલે કે અંગ્રેજી શૈલીના સંડાસનો ઉપયોગ કરતા લોકોએ નાના સ્ટૂલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તેમના પગ સહેજ ઊંચા રહી શકે. તેનાથી શૌચક્રિયા સરળ બનશે. દૈનિક વ્યાયામ અને ચાલવાથી પેટ સાફ રાખવામાં મદદ મળી શકે છે.

કબજિયાતનો સમયસર ઇલાજ કરવાથી હરસ અને ફિશર જેવી સમસ્યાઓ અટકાવી શકાય છે. કેળાં, સફરજન, ચિયા સિડ્સ, ગાજર અને બીટ સહિતનો ફાઇબરયુક્ત આહાર, નિયમિત શારીરિક હલનચલન અને પૂરતું પાણી પીવાથી આંતરડાના કામમાં સુધારો થાય છે.

મળત્યાગ કરતી વખતે વધારે જોર કરવાનું ટાળવાથી અને આહારમાં પ્રોબાયોટિક્સનો સમાવેશ કરવાથી આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે.

સમયસરનો ઉપચાર લાંબા ગાળાની સમસ્યાઓને અટકાવી શકે છે. હરસ, ફિશર વગેરે જેવી સમસ્યા સર્જાવાનું જોખમ ઘટાડી શકે છે.

વિષ્ટા, બીબીસી, ગુજરાતી

સ્ટૂલ એટલે કે વિષ્ટા એટલે કે મળ જે ખોરાકમાંથી પોષક તત્ત્વો શોષી લેવામાં આવ્યાં છે તેનો કચરો છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં faeces કહેવામાં આવે છે.

તમારા સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા અને રોગના નિદાન માટે નિષ્ણાતો તમારા સ્ટૂલના આકાર, રંગ, ગંધ અને રચનાને ધ્યાનમાં લે છે.

સામાન્ય સ્ટૂલ નરમ, સોસેજ જેવું અથવા સોસેજ જેવા દંડાકારમાં હોય છે.

છૂટા કે સખત મળનો અર્થ એ છે કે તમે પૂરતું પાણી પીતા નથી.

તમારો મળ ખૂબ નરમ કે પ્રવાહી હોય તો તમને ઝાડા થયાની અથવા કોઈ અન્ય ચેપ લાગ્યાની શક્યતા હોય છે.

ગુદામાગ્રનું કૅન્સર, બીબીસી ગુજરાતી

આપણા મોટા આંતરડાના છેલ્લા ભાગને કેટલાક હિસ્સાને ગુદામાર્ગ કહેવામાં આવે છે. તે હિસ્સો ગુદાદ્વારની બાજુમાં જ હોય છે.

ગુદાશયમાંની પેશીઓ અનિયમિત અથવા અનિયંત્રિત રીતે વધે છે ત્યારે એક ગઠ્ઠો સર્જાય છે. કૅન્સરમાં આવું જ જોવા મળે છે. એ કૅન્સર ખૂબ જ નાજુક જગ્યાએ હોવાથી અને તેની આસપાસ મહત્ત્વના અવયવો હોવાથી તેની સારવાર કરવી ખૂબ જ પડકારજનક બની જાય છે.

ગુદામાર્ગ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુદામાર્ગ

આ વિશે વધુ માહિતી મેળવવા અમે મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના જનરલ લેપ્રોસ્કોપિક અને કોલોરેક્ટલ સર્જન ડૉ. મનોજ મૂલચંદાણી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "રેક્ટલ કૅન્સર એ કોલોરેક્ટલ કૅન્સરનો એક પ્રકાર છે. તે અમેરિકામાં નિદાન કરાતું હોય તેવું ત્રીજા ક્રમનું સૌથી સામાન્ય કૅન્સર છે. કોલોરેક્ટલ કૅન્સરમાં 40 ટકા પ્રમાણ આ કૅન્સરનું હોય છે."

"મોટાભાગના દર્દીઓમાં આ કૅન્સર થવાનું કારણ ધૂમ્રપાન, ખોટો આહાર, દારૂનું સેવન, વ્યાયામનો અભાવ અને સ્થૂળતા હોય છે. છેલ્લા દાયકામાં ભારતમાં પણ 50 વર્ષથી ઓછી વયના લોકોમાં આ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો આ કૅન્સરને કારણે થતા મૃત્યુને અટકાવી શકાય છે."

મૂળવ્યાધ અને ગુદાશયનાં કૅન્સર વચ્ચે શું ફરક હોય છે?

મૂળવ્યાધ અને ગુદાશયનાં કૅન્સરને સમજવામાં ઘણીવાર ગૂંચવણ થવાની શક્યતા હોય છે. આ બન્ને અલગ અલગ રોગ છે. મૂળવ્યાધમાં ગુદાદ્વારની રક્તવાહિનીઓમાં સોજો આવે છે.

ગુદાશયના કૅન્સરમાં સખત ગઠ્ઠો સર્જાય છે અને તે ફેલાતો રહે છે. તેનું સમયસર નિદાન કરવામાં ન આવે તો સમસ્યા વકરે છે. તેની તપાસ અને નિદાન શરૂઆતના તબક્કામાં જ થઈ જવું જરૂરી છે.

ગુદાશયના કૅન્સરનાં લક્ષણો

ગુદામાર્ગના કૅન્સરનાં લક્ષણો વિશે માહિતી આપતાં નવી મુંબઈની એપોલો હૉસ્પિટલમાં કાર્યરત ઍન્કોલૉજિસ્ટ ડૉ. રાજેશ શિંદે કહે છે, "ગુદામાર્ગમાંથી રક્તસ્ત્રાવ થવો, મળમાં લોહી પડવું, ક્યારેક કબજિયાત, ક્યારેક ઝાડા થવા, કોઈ કારણ વિના વજનમાં ઘટાડો થવો, નબળાઈનો અનુભવ થવો, પેટ સાફ ન થાય ત્યાં સુધી અકળામણ થવી, પેટમાં સતત ગડબડ થતી હોવાની લાગણી અને ગુદાદ્વાર નજીક થતો દુખાવો વગેરે જેવાં લક્ષણો ગુદાશયના કૅન્સરમાં જોવા મળે છે."

ડૉ. રાજેશ શિંદે કહે છે, "શરૂઆતમાં આ લક્ષણો સૌમ્ય હોઈ શકે છે અથવા હરસનાં લક્ષણો જેવા લાગી શકે છે, પણ એ માટે સમયસર તપાસ અને નિદાન જરૂરી છે."

"કૅન્સરના નિદાન માટે હૉસ્પિટલમાં તપાસ કરાવવી આવશ્યક છે. તેમાં ડિજિટલ રેક્ટમ ઍક્ઝામનો સમાવેશ થાય છે. ગુદાશયની કોલોનોસ્કોપી કરવામાં આવે છે તેમજ તેમાંથી તપાસ માટે પેશીઓ કાઢવામાં આવે છે."

"એ ઉપરાંત એમઆરઆઈ, સિટી સ્કૅન અને અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. આ બધાના રિપોર્ટ્સને આધારે નિષ્ણાત ડૉક્ટર નક્કી કરે છે કે કૅન્સર કેટલી હદે ફેલાયું છે."

ગુદામાર્ગના કૅન્સરની સારવાર

આ કૅન્સરની સારવાર, તે ક્યા તબક્કામાં છે તેના આધારે બદલાય છે. ડૉક્ટર તપાસ કર્યા પછી સર્જરી કરવી કે રેડિયેશન થેરપી કરવી કે પછી કીમોથેરપી કરવી તેનો નિર્ણય કરે છે.

આ કૅન્સર ફેલાઈ શકે છે, એવી માહિતી આપતાં ડૉ. મનોજ મુલચંદાની કહે છે, "આ કૅન્સર ફેલાય તો લસિકા ગ્રંથી એટલે કે લિંફનોડ્સ પર તેની અસર થાય છે. યકૃત, ફેફસાં અને પેટના આંતરિક અસ્તર પર પણ તેની અસર થઈ શકે છે."

"એ તબક્કે તેના લક્ષણોને નિયંત્રિત કરવા માટે સારવાર જરૂરી હોય છે. તેમાં કીમોથૅરપી સહિતના ટાર્ગેટેડ ઉપચારનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સામાં લીવર અથવા ફેફસાં પર પણ સર્જરી કરવી પડે છે."

ડૉ. મુલચંદાની ઉમેરે છે, "રેક્ટલ કૅન્સર જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ તેનું નિદાન સમયસર એટલે કે પ્રારંભે જ થાય તો તેની સારવાર શક્ય છે. મૂળવ્યાધ અને આ કૅન્સર વચ્ચેનો ફરક પારખવો બહુ જરૂરી છે."

"ગુદાદ્વારમાંથી લોહી પડતું હોય, પાચનતંત્ર બગડ્યું હોય કે કોઈ કારણ વિના વજનમાં ઘટાડો થતો હોય તો યોગ્ય તબીબી સલાહ લેવી જરૂરી છે. 50 વર્ષના થયા પછી આરોગ્યની નિયમિત તપાસ કરાવવી જોઈએ. કૅન્સર વિશે જાગૃતિનો પ્રસાર પણ મહત્ત્વપૂર્ણ છે."

તમે તમારી જીવનશૈલીમાં, આહારમાં ફેરફાર કે શારીરિક વ્યાયામ જેવું કોઈ નોંધપાત્ર પરિવર્તન કરવા ઇચ્છતા હો તો ડૉક્ટર અને લાયક ટ્રેનરની મદદ લેવી જરૂરી છે.

ડૉક્ટર પાસે તમારા શરીરની તપાસ કરાવીને તેમની સલાહ અનુસાર જીવનશૈલીમાં પરિવર્તન કરવું જોઈએ.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન