'હું માથું ફોડીને પણ જેલ નથી ગયો', જંતર-મંતર હિંસા મામલે વાઇરલ વીડિયો પર દિલ્હી પોલીસે શું આપ્યો જવાબ

ઇમેજ સ્રોત, Swatantra Bhardwaj/X
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર જંતર-મંતર ખાતે થયેલા પ્રદર્શન દરમિયાન એક પ્રદર્શનકારીના પિતા પર હુમલો કરનાર વ્યક્તિને બચાવવાનો આરોપ લગાવ્યો છે.
હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જે પછી દિલ્હી પોલીસ પર ફરી એક વાર પ્રદર્શનકારીઓ પર હિંસા કરનારા લોકોને બચાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જોકે, દિલ્હી પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે આ મામલે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.
આ મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે એક વાઇરલ વીડિયોમાં સ્વતંત્ર ભારદ્વાજ નામની વ્યક્તિ એવું કહેતી જોવા મળે છે કે તેમણે નિશુના પિતાનું માથું ફોડી નાખ્યું અને આ મામલામાં તેમના પર હત્યાના પ્રયાસનો કેસ બનવો જોઈએ હતો, પરંતુ દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાના ફોનને કારણે તેમને છોડી દેવાયા.
જોકે, આ મામલે કપિલ મિશ્રાનો પક્ષ હજુ સુધી સામે આવ્યો નથી. દિલ્હી પોલીસે પણ કહ્યું છે કે આ મામલામાં કોઈએ હસ્તક્ષેપ કર્યો નથી.
નિશુ આઝાદ પોતાના પિતા સંજયકુમાર સાથે સીજેપીના પ્રદર્શનમાં ભાગ લેવા ગઈ હતી.
'તેણે મારા પપ્પાનું માથું ફોડ્યું'

ઇમેજ સ્રોત, Getty Images
સ્વતંત્ર ભારદ્વાજના વીડિયોને લઈને નિશુ આઝાદે કહ્યું કે હવે તેમને દિલ્હી પોલીસ પાસેથી કોઈ આશા રહી નથી અને હવે માત્ર રાહુલ ગાંધી જ તેમને ન્યાય અપાવી શકે છે.
નિશુ આઝાદે ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેઓ કહે છે, "સ્વતંત્ર ભારદ્વાજનો એક વીડિયો સમગ્ર દેશમાં ફરી રહ્યો છે, જેમાં તે પોતે સ્વીકારી રહ્યો છે કે તેણે મારા પપ્પાનું માથું ફોડ્યું અને તેના પર હત્યાના પ્રયાસનો કેસ થવો જોઈએ હતો, તેના પર કલમ 307 લગાડવી જોઈતી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"જ્યારે તેણે પપ્પાનું માથું ફોડ્યું હતું ત્યારે જ અમે તેના વિરુદ્ધ એફઆઈઆર કરાવી હતી, પરંતુ પોલીસ કંઈ જ કરી રહી નથી."
"તે અમને મેડિકલના નામે ફેરવી રહી છે. મને દિલ્હી પોલીસ પાસેથી ન્યાયની આશા તૂટી ગઈ છે."
"હવે મને રાહુલ ગાંધીજી, આપ પાસેથી આશા છે. મને લાગે છે કે આપ મને ન્યાય અપાવવામાં મદદ કરશો."
"જેમના મનમાં કાયદાનો ડર નથી, તે લોકો ખુલ્લેઆમ કેવી રીતે ફરી શકે? તેઓને તો જેલમાં હોવા જોઈએ."
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં સ્વતંત્ર ભારદ્વાજ કહેતા સંભળાય છે, "નિશુના બાપનું માથું અમે ફોડ્યું. તમને ખબર છે કે તેમાં કઈ કલમ લાગે છે? 307."
"માથા પર સાત ટાંકા આવ્યા હતા, માણસ ઍમ્બ્યુલન્સમાં જઈ રહ્યો હતો."
"સ્વતંત્ર બીજા જ દિવસે બહાર હતો. અમે તો જેલમાં પણ ગયા નહોતા. આખી દુનિયાને ખબર હોવી જોઈએ કે અમે જેલમાં પણ ગયા નહોતા. અમે આખી રાત ફરતા રહ્યા હતા."
તેમણે એ જ વીડિયોમાં કપિલ મિશ્રા અને ચિરાગ પાસવાન સાથે ઓળખાણ હોવાનો દાવો પણ કર્યો છે.
બીજી તરફ, એક મીડિયા ચૅનલ સાથે વાતચીત દરમિયાન સ્વતંત્ર ભારદ્વાજે એવું પણ કહ્યું કે તેમણે આત્મરક્ષામાં હુમલો કર્યો હતો અને જો તેમણે પોતાનો બચાવ ન કર્યો હોત તો "મૉબ લિન્ચિંગ" થઈ ગયું હોત.
આ વીડિયો સામે આવ્યા પછી સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે ઍક્સ પર પોસ્ટ કરી.
તેમણે લખ્યું, "મને એ જણાવવા દો કે અમારા જંતર-મંતર પ્રદર્શનમાં દલિત વ્યક્તિ સંજય પર ભાજપ સમર્થિત ગુંડા સ્વતંત્ર ભારદ્વાજના હુમલા બાદ શું થયું."
"સંજયજીનું માથું ફાટી ગયું હતું. ઘા એટલો ગંભીર હતો કે એફઆઈઆરમાં સ્પષ્ટપણે હત્યાના પ્રયાસ (આઈપીસી કલમ 307)નો કેસ નોંધાવવો જોઈએ હતો."
"પોલીસે આ કલમ ઉમેરવાનો ઇનકાર કર્યો."
તેમણે આક્ષેપ કર્યો કે ગંભીર ઈજા સંબંધિત કલમ પણ લગાડવામાં આવી નહોતી.
તેમણે કહ્યું કે ડીસીપી સચીન શર્મા અને એસીપી અજય શર્માએ આ માગ ફગાવી દીધી હતી અને કહ્યું હતું, "જાઓ, કોર્ટનો આદેશ લઈને આવો."
તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે હજુ સુધી મેડિકલ રિપોર્ટ આપવામાં આવ્યો નથી.
તેમનું કહેવું હતું કે આ ઘટનામાં ભારદ્વાજના અન્ય સાથીદારો પણ હતા, છતાં તેમની ઓળખ હજુ સુધી થઈ નથી.
દિલ્હી પોલીસનો જવાબ
સૌરવ દાસની પોસ્ટના જવાબમાં ડીસીપી નવી દિલ્હી હેન્ડલ પરથી ઍક્સ પર લખવામાં આવ્યું, "23 જૂને જંતર-મંતર ખાતે સીજેપીના પ્રદર્શન દરમિયાન થયેલી ધક્કામુક્કી દરમિયાન ગાઝિયાબાદના રહેવાસી સંજયકુમાર (38)ને એક વ્યક્તિએ પહેરેલા કડાથી માથામાં ઈજા પહોંચી હતી."
"આરએમએલ હૉસ્પિટલના ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી અને ઈજાઓને સામાન્ય ગણાવી હતી. ઈજા કોઈ હથિયારથી નહોતી થઈ, પરંતુ કડાથી થઈ હતી. ખોપરીમાં ફ્રૅક્ચર થયાની વાત તથ્યો કે મેડિકલ-લીગલ કેસ દ્વારા સાબિત થતી નથી અને સંપૂર્ણપણે નિરાધાર છે."
પોલીસે વધુમાં લખ્યું, "સંજયના નિવેદનના આધારે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) સંબંધિત કલમો હેઠળ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો."
"ઘટનાસ્થળ સાથે સંબંધિત વ્યક્તિઓને કસ્ટડીમાં લેવાઈ હતી અને તપાસ દરમિયાન સૂરજકુમાર (24) અને સ્વતંત્ર ભારદ્વાજ (21)ને કાયદા મુજબ નોટિસ આપી પૂછપરછ કરવામાં આવી હતી. કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં સક્ષમ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે."
દિલ્હી પોલીસે એ પણ નકારી કાઢ્યું કે આ કેસમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિએ હસ્તક્ષેપ કર્યો હતો.
ઍક્સ પરની પોસ્ટમાં દિલ્હી પોલીસે લખ્યું, "આ કેસમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય પ્રભાવ અથવા હસ્તક્ષેપના આરોપો તથ્યાત્મક રીતે ખોટા અને નિરાધાર છે. આ કેસમાં કાર્યવાહી સંપૂર્ણપણે કાયદા અને નિર્ધારિત પ્રક્રિયા અનુસાર કરવામાં આવી છે."
સૌરવ દાસે ઍક્સ પર બીજી પોસ્ટમાં કહ્યું કે તેઓ અને સીજેપીના અન્ય સભ્યો 4 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે સંજયકુમાર અને નિશુને ન્યાય અપાવવા માટે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જશે.
સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ દિલ્હી પોલીસની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં લખ્યું, "આરોપી પોતે કહે છે કે મેં ગુનો કર્યો છે. દિલ્હી પોલીસ કહે છે કે ના, તમે ગુનો કર્યો નથી."
દિલ્હીની ઘટના પર રાજકીય પ્રતિક્રિયાઓ

ઇમેજ સ્રોત, Getty Images
નિશુ આઝાદે વીડિયો બનાવીને રાહુલ ગાંધીને ન્યાય અપાવવામાં મદદ કરવાની અપીલ કરી હતી.
ત્યાર બાદ રાહુલ ગાંધીએ ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું , "નિશુ, ગભરાવાની જરૂર નથી. હું તમારા સાથે છું."
તેમણે લખ્યું, "સ્પષ્ટ છે કે તમને એટલા માટે નિશાન બનાવાઈ રહ્યાં છે, કારણ કે તમે તમારા સમાજ અને વિદ્યાર્થીઓના હકો માટે અવાજ ઉઠાવો છો."
"અમિત શાહની દિલ્હી પોલીસ એક તરફ વિદ્યાર્થીઓ સાથે અમાનવીય બર્બરતા કરે છે અને બીજી તરફ એક દલિત યુવતીના પિતાનું માથું ફોડનાર આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો છે."
રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું, "નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી, આવા આરોપીને તમારો અને તમારી પાર્ટીના લોકોનું સંરક્ષણ શા માટે છે? હવે કાર્યવાહી થશે કે કોઈને બચાવતા જ રહેશો?"
"નિશુ, આ તમારાં એકલાની લડાઈ નથી. ન્યાય ન મળે ત્યાં સુધી અમે અટકવાના નથી. જય ભીમ. જય સંવિધાન."
તૃણમૂલ કૉંગ્રેસના નેતા સાકેત ગોખલેએ દિલ્હી પોલીસના ટ્વીટના જવાબમાં લખ્યું, "દિલ્હી પોલીસ, શું તમને જરા પણ શરમ નથી? આરોપી પોતે વીડિયોમાં ખુલ્લેઆમ કહી રહ્યો છે કે ભાજપના એક મંત્રીએ તેને બચાવ્યો અને પોલીસે તેને સરળતાથી છોડી દીધો."
"આ અત્યંત ચોંકાવનારી વાત છે. એક વ્યક્તિ ખુલ્લેઆમ કહે છે કે તેણે આ કર્યું છે અને દિલ્હી પોલીસ કહે છે કે તેણે કંઈ કર્યું નથી."
આમ આદમી પાર્ટી (આપ)એ પોતાના હૅન્ડલ પરથી લખ્યું, "વડા પ્રધાન અમારા મોટા ભાઈ છે. આ શબ્દ એક ગલીના ગુંડાના છે, જે દરરોજ ગુંડાગીરી કરે છે, કારણ કે તેના માથે વડા પ્રધાન મોદી અને તેમના નેતાઓનો હાથ છે."
આપે એવો પણ આરોપ લગાવ્યો કે વડા પ્રધાન આવા લોકોને સંરક્ષણ આપી રહ્યા છે.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઍક્સ પર લખ્યું, "ભાજપ સરકાર છે કે ગુનેગારોની વકીલાત કરતી સરકાર?"
આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે ઍક્સ પર લખ્યું, "પોલીસના રેકૉર્ડ અને આરોપી સ્વતંત્ર ભારદ્વાજના નિવેદનમાં આટલું મોટું અંતર શા માટે છે?"
"અમે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવીને પીડિત પરિવારને ન્યાય અપાવીને જ રહીશું. જય ભીમ, જય ભારત."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















