મૂત્રાશયના કૅન્સરની ઘરે બેઠા તપાસ કેવી રીતે થઈ શકે? 10માંથી 9 કેસ શોધી શકાય

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફર્ગસ વૉલ્સ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) દ્વારા કરાયેલા પરીક્ષણથી માલૂમ થયું છે કે હવે ઘરે બેઠાં જ મૂત્રાશયના કૅન્સરની ખબર પડી શકે છે. તે દસમાંથી નવ કેસમાં કૅન્સર શોધી શકે છે.
યુરોપીયન યુરોલૉજી ઑન્કોલૉજી જર્નલમાં પ્રકાશિત આ નવા પરીક્ષણનું નેતૃત્વ બર્મિંગહામ યુનિવર્સિટી અને ડાયગ્નોસ્ટિક કંપની નોનાકસે કર્યું છે. આ પરીક્ષણ ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડની સાત હૉસ્પિટલો ખાતે કરાયું અને લગભગ 1,000 દર્દીઓનો સમાવેશ કરાયો હતો.
સંશોધકોને આશા છે કે આ પરીક્ષણના કારણે એવા દર્દીઓની સંખ્યા ઘટાડી શકાય, જેમને તાત્કાલિક અને વધુ આક્રમક પ્રક્રિયા સિસ્ટોસ્કોપી કરાવવાની જરૂર પડતી હોય. આ પ્રક્રિયામાં મૂત્રનળી (યુરેથ્રા) મારફતે એક નાનકડો કૅમેરો મૂત્રાશય (બ્લૅડર) સુધી પહોંચાડવામાં આવે છે.
જો મોટા પાયે આ પરીક્ષણનાં સારાં પરિણામો મળે, તો દર વર્ષે હજારો દર્દીઓને આ પ્રકારની તપાસથી બચાવી શકાય છે.
દર્દીઓ માટે વધુ અનુકૂળ

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનમાં દર વર્ષે ત્રણ લાખથી વધુ લોકો સિસ્ટોસ્કૉપી કરાવે છે અને કેટલાક વિસ્તારોમાં દર્દીઓ વેઇટિંગ લિસ્ટમાં છે.
આ મૂત્ર પરીક્ષણ સિસ્ટોસ્કૉપીનો સંપૂર્ણ વિકલ્પ નથી, પરંતુ તે ડૉક્ટરોને વધુ જોખમ ધરાવતા દર્દીઓની ઓળખ કરવામાં મદદ કરી શકે છે, જેથી આવા દર્દીઓને તાત્કાલિક તપાસ માટે પ્રાથમિકતા આપી શકાય.
એનએચએસના આ પરીક્ષણમાં જાણવા મળ્યું કે ગૅલિયાસયુક્ત મૂત્ર પરીક્ષણ કૅન્સરના 92 ટકા કેસને ઓળખવામાં સક્ષમ છે.
જો પરીક્ષણનું પરિણામ નૅગેટિવ આવે, તો 99 ટકાથી વધુ શક્યતા છે કે દર્દીને મૂત્રાશયનું કૅન્સર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પરીક્ષણથી મૂત્રાશયના કૅન્સર દ્વારા છોડવામાં આવેલા જિનેટિક પદાર્થની ઓળખ થાય છે. આ પરીક્ષણના વિકાસ માટે બર્મિંગહામ યુનિવર્સિટીએ કૅન્સર રિસર્ચ યુકે (સીઆરયુકે)માંથી ભંડોળની મદદ લીધી છે.
આ પરીક્ષણમાં મૂત્રાશય કૅન્સર સાથે સંકળાયેલા 23 જિન્સમાં જોવા મળતા 450થી વધુ ડીએનએ મ્યુટેશનની તપાસ કરાઈ છે.
બર્મિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર અને અભ્યાસના સહ-લેખક રિચર્ડ બ્રાયને જણાવ્યું કે વર્ષો સુધી સંશોધન અને મૂલ્યાંકન કર્યા બાદ વાસ્તવિક દર્દીઓમાં આ પરીક્ષણનું "અત્યંત આશાસ્પદ પ્રારંભિક પ્રદર્શન" જોવું ઉત્સાહજનક છે.
લાઇસન્સ કરાર હેઠળ આ પરીક્ષણનો વાણિજ્યિક અધિકાર નોનાકસ પાસે છે, જે તેની આવકનો એક ભાગ યુનિવર્સિટી અને સીઆરયુકેને પરત આપે છે.
સીઆરયુકેનાં મુખ્ય કાર્યકારી અધિકારી મિશેલ મિટચેલે કહ્યું, "ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોને મૂત્રાશય કૅન્સરના નિદાન માટે વધુ રાહ જોવી પડે છે અને આ સમસ્યાનો ઉકેલ શોધવો જરૂરી છે."
તેમણે ઉમેર્યું, "આ પરીક્ષણ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને વધુ સંશોધનની જરૂર છે, પરંતુ કૅન્સરના નિદાન માટે, ઓછા ખર્ચે અને વધુ ઝડપી રસ્તા શોધવા અત્યંત મહત્ત્વપૂર્ણ છે."
મૂત્રાશયનું કૅન્સર 60 વર્ષથી વધુ વયના પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને પેશાબમાં લોહી આવવા એ તેનું મુખ્ય લક્ષણ છે.
મૂત્રાશય કૅન્સર કેટલું ગંભીર છે તે કૅન્સરના કદ અને તે શરીરના અન્ય ભાગોમાં કેટલું ફેલાયું છે તેના પર આધાર રાખે છે.
કૅન્સરની વહેલી ઓળખ અને સમયસરની સારવાર જીવ બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















