'હું જીવીશ ત્યાં સુધી આ ડર આમ જ રહેશે', બાંગ્લાદેશની ગુપ્ત જેલમાંથી છૂટેલા લોકોની દુર્દશા જે મોત કરતાં પણ ખરાબ છે

ઇમેજ સ્રોત, BBC/Aamir Peerzad
- લેેખક, સમીરા હુસૈન
- પદ, બીબીસી ન્યૂઝ, ઢાકા
તપાસકર્તાએ જેવો એ દીવાલને ધક્કો માર્યો એટલે એ તૂટી ગઈ. પણ સામેની બાજુ ચોંકી જવાય એવો માહોલ હતો. દીવાલની પાછળ સિક્રેટ જેલની કોટડીઓ હતી.
મૂળ તો એક દરવાજાને ઈંટોથી ઢાંકવામાં આવ્યો હતો, જેનાથી એની પાછળ જે કંઈ પણ ચાલી રહ્યું છે એની કોઈને ખબર ન પડે.
અંદર હૉલના રસ્તામાં ડાબી અને જમણી બાજુ નાના ઓરડા હતા. પણ એની અંદર રોશની ન હતી. માત્ર ગાઢ અંધારું હતું.
આ જગ્યા ઢાકા ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટથી થોડે દૂર આવેલી છે.
દીવાલ પાછળ છુપાયેલી હતી ગુપ્ત જેલ

ઇમેજ સ્રોત, BBC/Aamir Peerzada
મીર અહમદ બિન કાસિમ અને કેટલાક બીજા લોકોની યાદશક્તિ સારી ન હોત તો કદાચ તપાસકર્તાની ટીમ આ સિક્રેટ જેલને શોધી શકી ન હોત.
કાસિમ બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાના ટીકાકાર રહ્યા છે. આ આરોપમાં એમને આઠ વર્ષ સુધી એ કોટડીઓમાં રાખવામાં આવ્યા હતા.
જેલમાં એમની આંખો પર પટ્ટી બાંધવામાં આવતી. એમને માત્ર આસપાસનો અવાજ જ સંભળાતો હતો.
જેલવાસ દરમિયાન એમને ઊડતાં વિમાનોનો અવાજ સંભળાતો હતો જે એમને પાક્કું યાદ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાસિમની આ યાદો તપાસકર્તાની ટીમને ઍરપૉર્ટ પાસે બનેલા મિલિટરી બેઝ તરફ લઈ ગઈ.
એમને અહીં મેઇન બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં બારીઓ વગરની એવી કોટડીઓ મળી કે જે ઈંટ અને કૉંક્રિટથી બનાવવામાં આવી હતી. જ્યાં કેદીઓને રાખવામાં આવ્યા હતા. એમના પર ચાંપતો પહેરો રહેતો હતો.
બાંગ્લાદેશમાં ગયા વર્ષે વ્યાપક પ્રદર્શન બાદ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો હતો.
આ પછી તપાસકર્તાએ કાસિમ જેવા સેંકડો પીડિતો અને જેલના કેદીઓ સાથે વાત કરી છે. આ કેદીઓને છોડી મૂકવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે કેટલાય લોકોને કેસ ચલાવ્યા વગર મારી નાખવામાં આવ્યા હતા.
તપાસકર્તાઓનું કહેવું છે કે ઢાકા ઍરપૉર્ટની સામે આવેલી આ જેલ સિવાયની અન્ય જેલો ચલાવવાવાળા મોટે ભાગે બાંગ્લાદેશના આતંકવિરોધી યુનિટ રૅપિડ ઍક્શન બટાલિયનના હતા. આ લોકોને સીધો શેખ હસીનાથી આદેશ મળતો હતો.
'શેખ હસીનાના આદેશથી લોકોને ગુમ કરી દેવાતા'

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાંગ્લાદેશના ઇન્ટરનૅશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલના પ્રમુખ પ્રતિનિધ તાજુલ ઇસ્લામે બીબીસીને જણાવ્યું કે, લોકોને બળજબરીથી ગુમ કરવામાં જે અધિકારીઓનો હાથ હતો એમણે કહ્યું કે બધું જ ખુદ શેખ હસીનાની મંજૂરીથી થતું હતું.
શેખ હસીનાની પાર્ટી અવામી લીગનું કહેવું છે કે આ પ્રકારના કથિત અપરાધો એમની જાણકારી વગર આચરવામાં આવ્યા છે. આ માટે તેઓ જવાબદાર નથી. મિલિટરી પોતાના હિસાબે કામ કરતી હતી. જોકે આ અંગે સેનાએ ઇનકાર કર્યો છે.
કાસિમ અને આ પ્રકારની જેલોમાં બંધ લોકો મુક્ત થયા એને સાત મહિના જેટલો સમય થયો છે. છતાં હજુ તેઓ ડરેલા છે. એમનું કહેવું છે કે આ લોકો હજુ પણ સુરક્ષાબળોમાં કામ કરી રહ્યા છે અને આઝાદ છે.
કાસિમના કહેવા પ્રમાણે તેઓ ટોપી અને માસ્ક વગર ઘરની બહાર નીકળતા નથી.
કાસિમ બીબીસીને એ જગ્યા દેખાડવા માટે એક ક્રૉંકિટની સીડી ચઢે છે કે જ્યાં એમને રાખવામાં આવ્યા હતા. તેઓ ભારેખમ મેટલના બનેલા દરવાજાને ધકેલીને આગળ વધે છે. પોતાનું માથું ઝુકાવીને સાંકડા રસ્તામાંથી પસાર થતા પોતાના ઓરડામાં પ્રવેશે છે. આ કોટડીમાં એમને આઠ વર્ષ સુધી રાખવામાં આવ્યા હતા.
એમનું કહેવું છે કે આઠ વર્ષ સુધી આ કાળકોટડીમાં રહેવું એ જીવતા નરક સમાન હતું. મને બહારની દુનિયા અંગે કશી જ ખબર ન હતી. એ કોટડીમાં કોઈ બારી પણ ન હતી કે કોઈ દરવાજો પણ ન હતો એટલે બહારથી પ્રકાશ પણ અંદર પ્રવેશતો ન હતો. કાસિમને રાત-દિવસ અંગે પણ કોઈ ખબર ન હતી.
કાસિમ પહેલી વાર કોઈ મીડિયાને અંદરની સ્થિતિ અંગે જાણકારી આપવા માટે પહોંચ્યા હતા.
અહીં માત્ર ટોર્ચલાઇટના પ્રકાશે જોઈ શકાતું હતું. આ કોટડી એટલી નાની હતી કે અહીં કોઈ શખ્સ મુશ્કેલીથી ઊભો રહી શકતો હતો. ભેજની ગંધ આવી રહી હતી. કેટલીક દીવાલો તૂટી ગઈ હતી. જમીન પર ઈંટો પડી હતી અને કૉંક્રિટ પણ વિખરાયેલો હતો.
આ પુરાવા નાશ કરવાની આખરી કોશિશ હતી.
'આખા દેશમાં હતી આવી કાળ કોટડીઓ'

ઇમેજ સ્રોત, BBC/Aamir Peerzada
બીબીસીને આ જગ્યા બતાવવા આવેલા તાજુલ ઇસ્લામ કહે છે, ''આ માત્ર એક જગ્યા છે. અમને આખા દેશમાં 500થી 700 કોટડીઓ મળી છે. આનો મતલબ એમ છે કે આ બહુ મોટા સ્તરનું આયોજન હતું.''
કાસિમને પોતાની કોટડીની નીલા રંગની ટાઇલ્સ પણ યાદ છે. ફ્લૉર પર બિછાવેલી આ ટાઇલ્સ વિખરાયેલી હતી. આ ટાઇલ્સના રંગના આધારે તપાસકર્તા આ કોટડીમાં પહોંચ્યા હતા.
ગ્રાઉન્ડ ફ્લૉર પર બનેલી કોટડીઓ કરતાં આ કોટડી મોટી હતી. તેનું કદ 10 બાય 14 ફૂટ હતું. એક ખૂણામાં દેશી સ્ટાઇલનું ટૉઇલેટ હતું.
આ કોટડીની ચારેબાજુ ફરતાં કાસિમ દર્દનાક દાસ્તાન વર્ણવે છે. તેઓ કહે છે કે ઉનાળાના દિવસોમાં આ કોટડીમાં રહેવું ત્રાસદાયક હતું.
તેઓ જમીન પર ચત્તાપાટ બારણા પાસે સૂઈ જતા હતા, જેથી બહારની હવા અંદર આવી શકે.
તેઓ કહે છે કે, "આ મોતથી પણ બદતર સ્થિતિ હતી."
કાસિમ કહે છે કે એ ખૌફનાક દિવસો હતા પણ દુનિયાને એ ખબર પડવી જોઈએ કે એમની સાથે શું ઘટ્યું હતું.
એમણે કહ્યું, ''જે ઉચ્ચ અધિકારીઓએ બાંગ્લાદેશની ફાસિસ્ટ સરકારને ઉશ્કેરી અને મદદ કરી તેઓ હજુ પણ પોતાના પદ પર યથાવત્ છે.''
તેઓ કહે છે, "અમારા માટે જરૂરી છે કે આ વાત બહાર આવે. અહીંથી પરત ન ફરી શકનારા લોકોને ન્યાય આપવા માટે જે કંઈ પણ કરી શકીએ એ કરીએ છીએ. જે લોકો જીવિત બચી શક્યા છે તેઓ ફરી પોતાની જિંદગીમાં પાછા ફરી શકે એમની પણ વ્યવસ્થા થવી જોઈએ."
આ પહેલાંના કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાસિમને એ ખતરનાક જેલમાં રાખવામાં આવ્યો હતો જેને આઇનાઘર કહેવામાં આવતું હતું.
આ જગ્યા ઢાકામાં મુખ્ય ખુફિયા વિભાગના હેડકવાર્ટરમાં બની હતી. પણ તપાસકર્તાઓનું કહેવું છે કે આ સિવાય બીજી પણ આવી જગ્યાઓ હતી.
કાસિમે બીબીસીને જણાવ્યું કે એમણે 16 દિવસો સિવાય પોતાની કેદ રેપિડ ઍક્શન બટાલિયન બેઝમાં વિતાવી હતી.
તપાસકર્તાઓને લાગે છે કે એમણે જ્યાં 16 દિવસો વિતાવ્યા એ જગ્યા ઢાકામાં પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચ હતી.
કાસિમનું કહેવું છે કે એમનો પરિવાર રાજકારણમાં સક્રિય હતો માટે એમને નિશાન બનાવવામાં આવ્યા.
કાસિમ 2016થી તેમના પિતાના પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ દેશની સૌથી મોટી ઇસ્લામી પાર્ટી જમાત-એ-ઇસ્લામીના વરિષ્ઠ સદસ્ય હતા. એમની સામે પહેલાં કેસ ચલાવાયો અને પછી એમને ફાંસી આપી દેવાઈ હતી.
'મને લાગ્યું કે હું ક્યારેય બહાર નહીં આવી શકું'

ઇમેજ સ્રોત, BBC/Neha Sharma
બીબીસીએ જે પાંચ અન્ય લોકો સાથે વાત કરી હતી એ લોકોએ પણ પોતાની આંખ પર પટ્ટી બાંધવામાં આવતી હોવાનું અને હાથકડી બાંધીને કોટડીમાં રાખવામાં આવતા હોવાનું જણાવ્યું હતુ.
આ લોકોનું કહેવું હતું કે આ દરમિયાન એમને યાતના આપવામાં આવી. બીબીસી એમની વાતોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.
અતીકૂર રહમાન રસેલે જણાવ્યું કે, "હું જ્યારે પણ કારમાં બેસું છું, ઘરમાં એકલો હોઉં છું ત્યારે એ જ વિચાર મને આવે છે કે હું બચી કેવી રીતે ગયો?"
રસેલે જણાવ્યું કે "મારપીટને કારણે એમની નાકને ઈજા થઈ હતી અને હાથમાં હજુ પણ દર્દ થાય છે. રસેલે જણાવ્યું કે ગયા વર્ષે જુલાઈમાં ઢાકાની એક મસ્જિદની બહાર કેટલાક લોકોએ એમને કહ્યું હતું કે તેઓ સરકારના માણસો છે અને એમણે સાથે આવવાનું છે."
આ પછી રસેલને આંખો પર પટ્ટી અને હાથકડી પહેરાવીને એક કારમાં નાખી દેવામાં આવ્યા. 40 મિનિટ પછી એમને એક ઓરડામાં બંધ કરી દેવામાં આવ્યા.
રસેલે કહ્યું કે, "અડધો કલાક સુધી કેટલાય લોકો આવ્યા અને પૂછપરછ આદરી કે હું કોણ છું અને શું કરું છું. આ પછી એ લોકોએ મારી સાથે મારપીટ કરી. મને લાગ્યું કે હું ક્યારેય બહાર નહીં જઈ શકું."
રસેલ અત્યારે પોતાનાં બહેન અને બનેવી સાથે રહે છે અને ખુરશી પર બેસીને એ દિવસોને યાદ કરી રહ્યા છે.
એમને લાગે છે કે જે કંઈ પણ એમની સાથે થયું એમાં રાજકારણ સામેલ હતું, કારણ કે તેઓ બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટીના નેતા હતા. વિદેશમાં રહેતા એમના ભાઈ અવામી લીગની ટીકા કરતા સોશિયલ મીડિયામાં કરતા હતા.
રસેલ જણાવે છે કે એ જાણવું શક્ય ન હતું કે એમને કંઈ જગ્યાએ બંદી બનાવીને રાખવામાં આવ્યા છે. પણ મોહમ્મદ યુનૂસ ત્રણ ડિટેન્શન સેન્ટરો પર ગયા બાદ એમને લાગ્યું કે કદાચ એમને ઢાકાના અગરગાંવ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે.
'મને ગાયબ કરી દેવામાં આવશે'

ઇમેજ સ્રોત, Getty Images
એ વાત તો જગજાહેર છે કે હસીના રાજકીય વિરોધીઓને પસંદ કરતા ન હતા. કેટલાય પૂર્વ કેદીઓએ અમને જણાવ્યું કે જો તમે એમની ટીકા કરશો તો ગાયબ કરી દેવામાં આવશે. આવી રીતે કેટલા લોકોને ગાયબ કરી દેવામાં આવ્યા એ કહેવું મુશ્કેલ છે.
વર્ષ 2009માં આ મામલા પર નજર નાખી રહેલી બાંગ્લાદેશની એક એનજીઓએ આવા 709 કેસ નોંધ્યા છે. જેમાં હજુ પણ 155 લોકો ગુમ છે.
જુલાઈમાં ગઠન થયા બાદ કમિશન ઑફ ઇન્કવાયરી ઑન એનફોર્સ્ડ ડિસએપિરિયન્સે 1676 ફરિયાદો નોંધી છે. જોકે આંકડો આનાથી પણ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કાસિમ જેવા સાથે વાતચીત કર્યા બાદ તાજુલ ઇસ્લામે ડિટેન્શન સેન્ટરો માટે જવાબદાર લોકો સામે કેસ તૈયાર કર્યા છે જેમાં શેખ હસીનાનું નામ પણ સામેલ છે.
બધા લોકોને ભલે એક જગ્યાએ રાખવામાં આવ્યા હોય પણ બધાની કહાણી એક જ છે.
આવામી લીગના પ્રવક્તા મોહમ્મદ અલી અરાફાત કોઈ પણ પ્રકારની જવાબદારી લેતા નથી.
એમનું કહેવું છે કે જો લોકોને ગાયબ કરવામાં પણ આવ્યા તો એ હસીના કે પછી એમના કૅબિનેટના લોકોની સૂચના પ્રમાણે થયું છે.
એમણે કહ્યું, "આવા ડિટેન્શન જટિલ આંતરિક મિલિટરીને કારણે શક્ય બન્યા છે. હું આમાં અવામી લીગ કે પછી એ સમયની સરકારનો કોઈ ફાયદો જોતો નથી."
સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે એમને આ અંગે કોઈ જાણકારી નથી.
લેફ્ટનન્ટ કર્નલ અબદુલ્લા ઇબ્ન જાયદે બીબીસીને જણાવ્યું કે, "આર્મી આવા કોઈ પણ ડિટેન્શન સેન્ટર ચલાવતી નથી."
પણ તાજુલ ઇસ્લામ આ વાતનો ઇનકાર કરે છે.
એમણે કહ્યું, "જે લોકોને કેદમાં રાખવામાં આવ્યા તેઓ બધા અલગ-અલગ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા હતા. આ બધાએ પાછલી સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. આ માટે એમને ડિટેઇન કરવામાં આવ્યા."
અત્યાર સુધી 122 અરેસ્ટ વૉરન્ટ જારી થઈ ચૂક્યા છે પણ કોઈને સજા મળી નથી.
71 વર્ષીય ઇકબાલ ચૌધરી જેવા લોકો હજુ ડરના ઓછાયા વચ્ચે જીવી રહ્યા છે. ચૌધરી હવે બાંગ્લાદેશ છોડી દેવા માગે છે.
વર્ષ 2019માં જેલમાંથી છૂટ્યા બાદ તેઓ લાંબા સમય સુધી પોતાના ઘરની બહાર નહોતા નીકળ્યા. એમને પકડી જનારા લોકોએ ધમકી આપી હતી કે પોતાની આપવીતી કોઈને ન જણાવે.
ચૌધરીને કહેવામાં આવ્યું હતું કે "જો તમે આ વાત કોઈને જણાવી તો તમને બીજી વાર ઉઠાવી લેવામાં આવશે. કોઈને અણસાર પણ નહીં આવે કે તમને ક્યાં રાખવામાં આવ્યા છે. તમને દુનિયામાંથી ગુમ કરી દેવામાં આવશે."
ચૌધરીના કહેવા પ્રમાણે એમને ભારત અને અવામી લીગ વિરુદ્ધ લખવા બદલ ટોર્ચર કરવામાં આવ્યા હતા.
એમણે કહ્યું, "મને ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવ્યા હતા. મારી સાથે મારપીટ કરવામાં આવી હતી. આ કારણે મારી એક આંગળી અને પગ ખોટાં પડી ગયાં છે."
એમણે આ દરમિયાન બીજા લોકોની ચીસો પણ સાંભળી હતી.
તેઓ કહે છે, "હું આજે પણ એ યાદ કરતા થથરી જાઉં છું."
મોત સુધી રહેશે ખૌફ

ઇમેજ સ્રોત, Bangladesh Chief Advisor Office of Interim Government via AFP
23 વર્ષીય રહમતુલ્લાહ પણ ડરેલા છે.
તેઓ કહે છે, "મારી જિંદગીનાં દોઢ વર્ષ પસાર થઈ ગયાં છે એ સમય ક્યારેય પાછો નહીં આવે."
29 ઑગસ્ટ, 2023ના રોજ એમને આરએબીના અધિકારીઓ અડધી રાતે ઉઠાવીને લઈ ગયા હતા. જેમાં કેટલાક લોકો વરદી વગરના હતા. એ સમયે રહમતુલ્લાહ એક કૂકનું કામ કરતા હતા અને ઇલેક્ટ્રિકનું કામ શીખી રહ્યા હતા.
રહમતુલ્લાહના કહેવા પ્રમાણે એમને ભારત વિરોધી અને ઇસ્લામી પોસ્ટ લખવા માટે ઉઠાવવામાં આવ્યા હતા. એમણે પોતાની કોટડીનો સ્કેચ બનાવ્યો હતો.
રહમતુલ્લાહ કહે છે, "એ જગ્યા વિશે વિચારતા હું આજે પણ ધ્રૂજી ઊઠું છું. સૂવાની પણ જગ્યા ન હતી. બેઠા-બેઠા સૂવું પડતું હતું. પગ પણ સીધા કરી શકાતા ન હતા."
બીબીસીએ માઇકલ ચકમા અને મસરૂર અનવર નામના બે અન્ય લોકો સાથે પણ વાત કરી હતી.
આ બંનેને આવાં જ ડિટેન્શન સેન્ટરોમાં રાખવામાં આવ્યા હતા. કેટલાક પીડિત લોકોના શરીર પર આજે પણ એ સમયના ઘા છે. પણ એ સમયની મનોવૈજ્ઞાનિક અસર હજુ તેમના પર છવાયેલી છે.
બાંગ્લાદેશ એક મહત્ત્વના વળાંક પર છે. દેશના લોકતંત્રમાં પીડિતોને ન્યાય મળે અને આવા અપરાધો આચરનારને સજા મળે એ જરૂરી છે.
તાજુલ ઇસ્લામ માને છે કે આ થવું જ જોઈએ.
તેઓ કહે છે, "આવનારી પેઢીઓ સાથે આવું ન થાય એ માટે પીડિતોને ન્યાય મળે એ જરૂરી છે. એ લોકોએ ઘણું સહન કર્યું છે.
કાસિમ કહે છે કે કેસ જલદીથી શરૂ થવા જોઈએ."
રહમતુલ્લાહ કહે છે, "એ ડર હજુ ગયો નથી. અમારા મૃત્યુ સુધી ડર યથાવત્ રહેશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












