20 ઓવરની મૅચમાં બંને ટીમે 517 રન ફટકાર્યા, 3 કલાકમાં જ રનની ઝડી વરસાવી તોડ્યો વિશ્વ રેકૉર્ડ

સાઉથ આફ્રિકાની રૅકોર્ડ જીત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2જી ટી20 મેચ સાઉથ આફ્રિકા જીત્યું એ પળ
    • લેેખક, અર્ણવ વસાવડા
    • પદ, બીબીસી ગુજરાતી
બીબીસી
  • ટી20 મૅચના ઇતિહાસમાં પહેલી વાર નોંધાયો અનોખો રેકૉર્ડ
  • WIએ નોંધાવ્યા 120 બૉલમાં 258 રન, તો SAએ પીછો કરતા 113 બૉલમાં જ 259 રન ફટકારી ત્રણ કલાકમાં જ રેકૉર્ડ કર્યો બ્રેક
  • શું શું થયું આ મૅચમાં? જાણો એ બધું જ આ લેખમાં
બીબીસી

વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ત્રણ મૅચની ટી20 સિરીઝમાં રવિવાર પહેલાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 1-0થી આગળ ચાલી રહી હતી. પરંતુ સાઉથ આફ્રિકાના સૅન્ચૂરિયન મેદાનમાં આ બન્ને ટીમ બીજી ટી20 રમવા ઊતરી ત્યારે ટીમ અને પ્રેક્ષકો કોઈને અંદાજો નહોતો કે આવનારા છ કલાકમાં તેઓ વિશ્વ રેકૉર્ડ બનતા પણ જોશે અને તૂટતા પણ.

વેસ્ટ ઇન્ડીઝે 120 બૉલમાં ફટકાર્યા રેકૉર્ડ 258 રન

સૅન્ચૂરિયનના મેદાનમાં ટૉસ જીતી સાઉથ આફ્રિકાની ટીમે પહેલા ફિલ્ડિંગ કરવાની પસંદગી કરી હતી.

મેદાનમાં વેસ્ટ ઇન્ડીઝના ઓપનર બ્રેન્ડન કિંગ અને મેયર્સ ઊતર્યા પરંતુ સાઉથ આફ્રિકાના પરનૅલ્લની પહેલી જ ઓવરની ત્રીજી બૉલમાં માત્ર એક રનના નજીવા સ્કોરે કિંગ કેચ આપી બેઠા.

આ વિકેટ બાદ જ્હોન્સન ચાર્લ્સ જ્યારે મેદાનમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા ઊતર્યા અને ત્યારબાદ રનોનો જાણે કે વરસાદ વરસવા લાગ્યો હતો. મેયર્સ અને ચાર્લ્સ વચ્ચે 58 બૉલમાં 135 રનની ભાગીદારી નોંધાઈ, જેમાં ચાર્લ્સે 32 બૉલમાં 82 રન અને મેયર્સે 26 બૉલમાં 50 રન ફટકાર્યા.

આ સાથે માત્ર 60 બૉલની અંદર વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 137 રને પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ જેન્સનની ઓવરમાં મેયર્સ 51 રને આઉટ થયા હતા. અને એમની પાછળ માત્ર બે રન નોંધાવી એ જ ઓવરના ચોથા બૉલે નિકોલસ પૂરન જેવા વિસ્ફોટક બૅટ્સમૅન છે તેઓ પણ આઉટ થઈ ગયા હતા.

વેસ્ટ ઇન્ડિઝની ભાગીદારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જોહ્સન ચાર્લ્સ અને મેયર્સ વચ્ચે 135(58) રનની ભાગીદારી

આમ છતાં ચાર્લ્સે પોતાની આક્રમકતા જાળવી રાખી હતી અને આવનારી ત્રણ ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 179 રને પહોંચી ગયો હતો.

જોકે આ સમયે ચાર્લ્સની આક્રમકતાનો અંત આવ્યો અને 11 છગ્ગા અને 10 ચોગ્ગા સાથે માત્ર 46 બૉલમાં 118 રન કરી તેઓ આઉટ થઈ ગયા હતા.

વેસ્ટ ઇન્ડીઝ માટે શેફર્ડ અને પોવેલ 26 બૉલમાં 57 રનની ભાગીદારી નોંધાવી હતી અને વીસ ઓવર પૂરી થતાં રેકૉર્ડ 258 રન સ્કોર બોર્ડ પર નોંધાયો હતો.

આ રેકૉર્ડ આ પહેલાં કોઈ પણ ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધાવી નહોતી શકી.

બીબીસી

સાઉથ આફ્રિકાની ઓપનિંગ ભાગીદારીની વિસ્ફોટક બેટિંગ

ક્રિકેટ

સાઉથ આફ્રિકા તરફથી ક્વિંટન ડિકોક અને રિજા હેંડ્રિક્સ મેદાન પર ઊતર્યા અને આવતાંની સાથે જ પહેલી જ ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝના બૉલર હુસૈનની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા અને પહેલી જ ઑવરથી મોમેન્ટમ જાળવવાનું શરૂ કરી દીધું.

ત્યારબાદ તો બન્ને બૅટ્સમૅને એક પછી એક આક્રમક શૉટ્સ ફટકારી 258 રનનો પીછો કરતા પહેલી છ ઓવરમાં જ સાઉથ આફ્રિકાના સ્કોરને 100 રનને પાર પહોંચાડી દીધો.

બન્ને ઓપનરે 65 બૉલમાં 152 રનની આક્રમક ભાગીદારી નોંધાવી જેમાં ક્વિંટન ડીકોકે 44 બૉલમાં 100 રન, જ્યારે હેંડ્રિક્સે 21 બૉલમાં 46 રન ફટકાર્યા હતા.

સાઉથ આફ્રિકાની મહત્ત્વની ભાગીદારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્વિંટન ડિકોક અને રિજા હેંડ્રિક્સ વચ્ચેની ભાગીદારી 152(65)

સાઉથ આફ્રિકાની પહેલી વિકેટ પડી ત્યાં સુધીમાં તો ટીમનો સ્કોર માત્ર 10.5 ઑવરમાં 152 પર પહોંચી ચૂક્યો હતો.

ત્યારબાદ સાઉથ આફ્રિકા તરફથી જે પણ બેટિંગ કરવા ઊતર્યું તેણે પાછું ફરીને જોયું નહીં અને જે વિશ્વ રેકૉર્ડ થોડા જ કલાકો પહેલાં વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં નોંધાવ્યો તેને તોડી સાઉથ આફ્રિકાએ આ અશક્ય લાગતો પડકાર સાત બૉલ બાકી હતા અને પોતાના નામે કરી દીધો.

સાઉથ આફ્રિકાએ 18.5 ઓવરમાં જ ચાર વિકેટે 259 રન ફટકારી દીધા.

બીબીસી

ક્રિકેટરસિકોને આવી વર્ષ 2006ની યાદ

ક્રિકેટ

ઇમેજ સ્રોત, icc/Instagram

માત્ર ક્રિકેટરસિકોને જ નહીં પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ અને તેમના પ્રેક્ષકોને પણ સાઉથ આફ્રિકાના જોહનીસબર્ગના મેદાનમાં 12 માર્ચ, 2006ના દિવસે ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી ઐતિહાસિક મૅચ નજર સામે આવી ગઈ.

ઑસ્ટ્રિલિયા એ સમયે સાઉથ આફ્રિકાના પ્રવાસે હતું અને બન્ને ટીમો વચ્ચે પાંચમી વનડે રમાવાની હતી.

તારીખ હતી 12 માર્ચ અને ગ્રાઉન્ડ હતું સાઉથ આફ્રિકાનું જોહનીસબર્ગ.

ઑસ્ટ્રેલિયા એ દિવસે ટૉસ જીત્યું અને પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું. આ એ સમય હતો જ્યારે વનડેમાં 300 રન સ્કોર બોર્ડ પર નોંધાતા તો તેને પણ એક પડકારરૂપ ટારગેટ માનવામાં આવતો.

ઑસ્ટ્રેલિયા બેટિંગ કરવા ઊતરી અને ટીમના પ્રથમ ચાર બૅટ્સમૅને એક પછી એક અડધી સદી ફટકારી હતી અને ટીમના કૅપ્ટન રિકી પૉન્ટિંગે 156.19ના સ્ટ્રાઇક રેટ અને 13 ફોર 9 સિક્સ સાથે અને 105 બૉલમાં 164 રન ફટકારી હતી.

આ સાથે જ ઑસ્ટ્રેલિયાએ વનડે ઇન્ટરનેશનલમાં 300 બૉલમાં 434 રન ફટકારી વિશ્વ રેકૉર્ડ સર્જ્યો હતો.

સાઉથ આફ્રિકાનો તે સમયનો રૅકોર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીત બાદ સાઉથ આફ્રિકાના કૅપ્ટન સ્મિથની તસવીર

ઑસ્ટ્રેલિયાનો સ્કોર 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 434નો નોંધાયો હતો. સામે પક્ષે ઘરઆંગણે રમતી સાઉથ આફ્રિકા સામે અશક્ય એવો આ ટારગેટનો પીછો કરવાનો હતો.

અને બીજી ઓવરના બીજા જ બૉલે ઑસ્ટ્રેલિયન નાથન બ્રેકેન સાઉથ આફ્રિકાના ડિપ્પન્નરને એક રને પેવેલિયન ભેગા કર્યા અને ટીમનો સ્કોર ત્રણ રને એક વિકેટ પર હતો.

પરંતુ ત્યારબાદ જાણે આખું ચિત્ર જ બદલાઈ ગયું અને કૅપ્ટન સ્મિથે 55 બૉલમાં 90 રન, જ્યારે ગિબ્સે 111 બૉલમાં 175 રનની આક્રમક બેટિંગનું ઉમદા પ્રદર્શન કર્યું હતું અને એક સમયે અશક્ય જણાતું લક્ષ્ય સાઉથ આફ્રિકા 49.5 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 438 રન સ્કોરબોર્ડ પર નોંધાવ્યા હતા.

ક્રિકેટ

આ સાથે 2006ના 12 માર્ચ સુધીમાં વનડેમાં ક્યારેય ન નોંધાયો હોય એ પ્રકારનો સ્કોર ક્રિકેટના ઇતિહાસમાં જોવા મળ્યો હતો અને ઑસ્ટ્રેલિયાનો સૌથી વધુ ટોટલનો વિશ્વ રેકૉર્ડ થોડા જ કલાકોમાં સાઉથ આફ્રકાના નામે થઈ ગયો હતો.

પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે બન્ને જ હાઇ સ્કોરિંગ મૅચ સાઉથ આફ્રિકામાં જ રમાઈ અને આ બન્ને વિશ્વ રેકૉર્ડ ઘરઆંગણે રમતી સાઉથ આફ્રિકાના નામે જ રહ્યા.

બીબીસી
બીબીસી