ભારત-ન્યૂઝીલૅન્ડ સિરીઝ : સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી બનાવ્યો આ રેકૉર્ડ

સ્મૃતિ મંધાના

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સ્મૃતિ મંધાના
    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી હિંદી માટે

ન્યૂઝીલૅન્ડ સામેની ત્રીજી વનડે મૅચમાં ભારતીય મહિલા ટીમનો છ વિકેટે વિજય થયો છે. સ્મૃતિ મંધાના તથા હરમનપ્રીતકોરનાં શાનદાર પ્રદર્શને ભારતનો વિજય શક્ય બનાવ્યો હતો.

ન્યૂઝીલૅન્ડની ટીમ પહેલાં મેદાન ઉપર ઉતરી હતી અને 232 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમે ચાર વિકેટે 236 રન બનાવીને મૅચ જીતી લીધી હતી. આ વિજયમાં ભારતીય બૉલરોએ પણ તેમનો ફાળો આપ્યો હતો.

આ સાથે જ ભારતીય ટીમે ત્રણ મૅચોની સિરીઝ 2-1થી જીતી લીધી છે. શ્રેણીની પહેલી મૅચ ભારતે જીતી હતી, જ્યારે બીજા મુકાબલામાં મહેમાન ટીમનો વિજય થયો હતો.

ટુર્નામેન્ટની પહેલી બે મૅચ દરમિયાન ભારતનાં સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના ફૉર્મમાં ન હતાં અને તેમનું પ્રદર્શન ખટકી રહ્યું હતું.

જોકે, સ્મૃતિએ ત્રીજી મૅચમાં ભવ્ય ઇનિંગ રમીને સદી ફટકારી હતી. આ સાથે જ તેમણે નવો કિર્તીમાન પોતાના નામે કર્યો હતો.

સ્મૃતિની શાનદાર સિદ્ધિ

ભારતીય મહિલા ખેલાડીની તસવીર

ઇમેજ સ્રોત, Alex Davidson-ICC/ICC via Getty Images

ઇમેજ કૅપ્શન, સમૃતિ મંધાના

મંગળવારે ન્યૂઝીલૅન્ડ સામે સ્મૃતિ મંધાનાએ તેમની કારકિર્દીની આઠમી સૅન્ચુરી ફટકારી હતી, આ સાથે જ તેઓ ભારત વતી સૌથી વધુ સદી ફટકારનારાં મહિલા ખેલાડી બની ગયાં છે.

સ્મૃતિએ 121 બૉલમાં શતક પૂર્ણ કર્યું હતું તથા આને માટે 10 ચોક્કા ફટકાર્યા હતા. આ દરમિયાન તેમની સ્ટ્રાઇક રૅટ 82.64ની રહી હતી.

આ પહેલાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકૉર્ડ પૂર્વ કૅપ્ટન મિતાલી રાજના નામે હતો.

સદી ફટકાર્યાં બાદ મંધાનાની એકાગ્રતા ભંગ થઈ હતી. તેઓ હન્ના રોએ ફેંકેલી બૉલ ઉપર બૉલ્ડ થઈ ગયાં હતાં. મંધાનાએ 122 બૉલમાં 100 રનની ઇનિંગ રમી.

ભૂલને ભૂલી આગળ વધ્યા

મંગળવારે ન્યૂઝીલૅન્ડ સામે સ્મૃતિ મંધાનાએ તેમની કારકિર્દીની આઠમી સૅન્ચુરી ફટકારી હતી, આ સાથે જ તેઓ ભારત વતી સૌથી વધુ સદી ફટકારનારાં મહિલા ખેલાડી બની ગયાં છે.
વીડિયો કૅપ્શન, એ ઠીંગણો માણસ જેણે પોતાના માટે દોઢ લાખ રુપિયામાં જ બનાવડાવી નાની કાર

ન્યૂઝીલૅન્ડ સામેની સિરીઝની પહેલી મૅચમાં સ્મૃતિએ પાંચ અને ઝીરોનો સ્કૉર નોંધાવ્યો હતો. બંને વખતે તેમણે લાંબા શૉટ રમવાનો પ્રયાસ કર્યો હતો તથા એમ કરવા જતાં કૅચ આઉટ થઈ ગયાં હતાં.

જોકે, ત્રીજી મૅચમાં તેમણે ભૂતકાળની ભૂલોને સુધારી હતી. સ્મૃતિએ એક-એક રન ઉમેરીને સ્કૉરબોર્ડને ફરતું રાખ્યું હતું.

પીચ ઉપર સૅટ થઈ ગયાં બાદ સ્મૃતિએ તેમના હાથનું કૌવત દેખાડ્યું હતું. ઇનિંગ દરમિયાન તેમણે 10 ચોક્કાં માર્યા, જે આ વાતની સાક્ષી પુરે છે.

સ્મૃતિને 'પ્લૅયર ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યાં હતાં. મૅચના પરિણામ બાદ સ્મૃતિએ કહ્યું, "સિરીઝમાં વિજયની ખૂબ જ ખુશી છે. છેલ્લા એકથી દોઢ મહિનાનો સમય અમારા માટે કપરો હતો. ગત બે મૅચ બરાબર નહોતા રહ્યા."

"આ ઇનિંગની ખાસ વાત પોતાની ઉપર નિયંત્રણ રાખીને રમવાની રહી હતી. તમે દરેક મૅચમાં એક સરખું પ્રદર્શન કરી ન શકો, પણ ટીમ માટે રન બનાવવા જરૂરી હોય છે."

"મેં પ્રારંભિક 10 ઓવર દરમિયાન સંયમિત ઇનિંગ રમી હતી, એ પછી સ્વાભાવિક રમત રમી હતી."

હરમનપ્રીતની મનમોહક ઇનિંગ

ભારતીય મહિલા ક્રિકેટ, ન્યૂઝી લૅન્ડ. બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હરમનપ્રીતકોર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મંધાના ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન હરમનપ્રીતકોરે પણ મૅચ દરમિયાન ધ્યાન ખેંચે તેવી બલ્લેબાજી કરી હતી.

હરમનપ્રીત બૅટિંગ કરવા માટે મેદાન ઉપર ઉતર્યાં, ત્યારે ટીમનો સ્કૉર બે વિકેટે 92 રનનો હતો. હરમનપ્રીત કૌરે ટીમની મજબૂત સ્થિતિ જોઈને છુટાહાથે બલ્લેબાજી કરી હતી.

પરિણામસ્વરૂપે ભારતનો રનરેટ અચાનક વધી ગયો. હરમનપ્રીત મેદાન ઉપર ઉતર્યાં, તે પહેલાં ભારત તરફથી બહુ થોડા ચોક્કા લાગ્યા હતા.

કૌર મેદાન ઉપર ઉતર્યા એ પછી તો જાણે કે ચોક્કાનો વરસાદ થઈ ગયો, જેના કારણે ન્યૂઝીલૅન્ડની ટીમ દબાણ હેઠળ નજરે પડી રહી હતી.

ન્યૂઝીલૅન્ડની ટીમ સામાન્ય સંજોગોમાં ઉત્કૃષ્ટ ફિલ્ડિંગ માટે વિખ્યાત છે, પરંતુ તેઓ દબાણની કસોટી ઉપર પાર નહોતાં ઉતર્યાં.

કેટલીક વખત એવું બન્યું કે કિવીઝના ખેલાડીઓનાં હાથ નીચેથી બૉલ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હોય. એટલું જ નહીં કિવીઝનાં ખેલાડીઓથી અમુક કૅચ પણ છૂટ્યા હતા.

મંધાના અને કૌરે મળીને લગભગ 19 રનમાં 117 રનની ભાગીદારી નોંધાવી હતી. પહેલાં સ્મૃતિ અને પછી જેમીમાનો સંગાથ છૂટવા છતાં પણ હરમનપ્રીત વિચલિત નહોતાં થયાં.

કપ્તાન ટીમને વિજય અપાવીને જ ઝંપ્યાં હતાં. ચોક્કો ફટકારીને તેમણે ટીમને સ્ટાઇલમાં વિજય અપાવ્યો હતો.

હરમનપ્રીતે અણનમ 59 રનની ઇનિંગ રમી, જેમાં છ ચોગ્ગાનો સમાવેશ થાય છે. કૅપ્ટન હરમનપ્રીત ભારતીય શ્રેણીનાં વિજય વિશે કહ્યું, "હું પરિણામથી ખૂબ જ ખુશ છું. અમે મૅચ પહેલાં કહ્યું કે ઘણી વાતો વિશે ચર્ચા કરી હતી. અમે એ વાતોને અમલમાં લાવવામાં સફળ રહ્યાં હતાં, એ વાતની ખુશી છે."

ભારતીય ખેલાડી બન્યાં પ્લૅયર ઑફ ધ સિરીઝ

ભારત અને ન્યૂઝીલૅન્ડની મહિલા ક્રિકેટ ટીમનાં ખેલાડીઓ મેદાન ઉપર

ઇમેજ સ્રોત, ANI

દિપ્તી શર્માએ ભારતના તમામ વિજયોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ ટીમના મુખ્ય ઑલરાઉન્ડર છે.

થોડાં સમય પહેલાં યોજાયેલા ટી-20 વર્લ્ડકપ દરમિયાન તેઓ ફૉર્મમાં ન હતાં, જેના કારણે ભારત સેમિફાઇનલ સુધી પણ નહોતું પહોંચી શક્યું.

દિપ્તીએ ન્યૂઝીલૅન્ડ સામેની શ્રેણીમાં 56 રન બનાવ્યાં અને છ વિકેટ ખેરવી. આ સિવાય તેમણે ચાર કૅચ પણ પકડ્યા હતા.

સિરીઝની છેલ્લી મૅચ દરમિયાન દિપ્તીએ વિકેટને ધ્યાને રાખીને બૉલિંગની ગતિને સંતુલિત રાખી હતી, જેથી ન્યૂઝીલૅન્ડનાં બલ્લેબાજ સતત પરેશાન રહ્યાં હતાં.

આ મૅચમાં તેઓ ભારતનાં સૌથી સફળ બૉલર બની રહ્યાં. તેમણે 10 ઓવરમાં 39 રન આપીને ત્રણ વિકેટો લીધી. દિપ્તીએ બ્રુક હૅલિડે (86) અને ઈસાબૅલ ગેજની (25) જોડીને ખંડિત કરી. જો આ પાર્ટનરશિપ લંબાઈ ગઈ હોત, તો ભારત માટે મુશ્કેલી ઊભી થઈ હોત.

ન્યૂઝીલૅન્ડે 88 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી, પરંતુ હૅલિડે તથા ગેજની જોડીએ 64 રનની ભાગીદારી કરીને આક્રમક વલણ અપનાવ્યું હતું, પરંતુ દિપ્તીએ બંનેને પેવોલિયન ભેગાં કરીને વધુ લાંબો સ્કૉર ખડકતાં અટકાવ્યાં હતાં.

દિપ્તીએ બીજી મૅચ દરમિયાન આઈસીસી મહિલા વન-ડે રૅન્કિંગમાં બીજો ક્રમ મેળવી લીધો હતો. આ યાદીમાં ઍકલિસ્ટૉન ટોચ ઉપર છે. બંને વચ્ચે 83 પૉઇન્ટનું અંતર છે.

પ્રિયા મિશ્રાએ પ્રભાવિત કર્યાં

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં ખેલાડીની તસવીર

ઇમેજ સ્રોત, ANI

પ્રિયા મિશ્રાએ ટુર્નામેન્ટની બીજી મૅચ રમીને પોતાની આંતરરાષ્ટ્રીય કૅરિયર શરૂ કરી હતી. બીજી મૅચ દરમિયાન તેમની બૉલિંગમાં વિશ્વાસ ઝળકતો હતો.

તેમણે ન્યૂઝીલૅન્ડનાં કૅપ્ટન સૉફી ડિવાઇનને બૉલ્ડ કરી દીધાં. જેના પરથી પ્રિયાની બૉલિંગની વેધકતા છતી થાય છે.

આ સિવાય પ્રિયાએ ઓપનર પ્લિમરની વિકેટ લીધી. આ આંચકાઓને કારણે ન્યૂઝીલૅન્ડની ટમ દબાણ હેઠળ આવી ગઈ હતી.

પ્રિયા મિશ્રાએ ચાલુ વર્ષે ઑગસ્ટ મહિનામાં ભારત 'એ' વતી ઑસ્ટ્રેલિયા 'એ' સામે 14 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેમના આ જ્વલંત પ્રદર્શને જ ભારતીય ટીમમાં સ્થાન અપાવ્યું હતું.

આ શ્રેણીમાં વિજય દ્વારા ભારતે ગત સિરીઝ દરમિયાનના ખરાબ પ્રદર્શનનો હિસાબ અમુક અંશે સરભર કરી દીધો હતો.

ગત પાંચ વનડે મૅચની સિરીઝ દરમિયાન ન્યૂઝીલૅન્ડની ટીમે પ્રારંભિક ચાર મૅચો જીતીને ભારત માટે કપરી સ્થિતિ ઊભી કરી હતી. જોકે, જેમતેમ કરીને ભારતે છેલ્લી મૅચ જીતી હતી અને વ્હાઇટવૉશી બચ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.