નબળી ગણાતી ન્યૂઝીલૅન્ડ ટીમ સામે ભારત 12 વર્ષ બાદ કેવી રીતે હાર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિમલકુમાર
- પદ, ખેલ પત્રકાર, બીબીસી હિંદી માટે
ન્યૂઝીલૅન્ડે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમને ઘરઆંગણે પરાજય આપ્યો છે. પ્રવાસી ટીમ છેલ્લાં 36 વર્ષ દરમિયાન ભારતમાં એક પણ ટેસ્ટ જીતી ન હતી.
એટલું જ નહીં, તેની ગણતરી નબળી ટીમ તરીકે થતી હતી. ગયા મહિને શ્રીલંકા ખાતે બે મૅચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી, જેમાં યજમાન ટીમે તેને 2-0થી પરાજય આપ્યો હતો.
આ સાથે જ ભારતીય ટીમની વિજયકૂચ અટકી ગઈ છે. ગત 12 વર્ષ દરમિયાન યોજાયેલી 18 ટેસ્ટ સિરીઝમાં ભારતે વિજયધ્વજ ફરકાવ્યો હતો.
બેંગલુરુ ખાતેની પહેલી ટેસ્ટ મૅચ દરમિયાન સમગ્ર ભારતીય ક્રિકેટ ટીમ માત્ર 46 રનમાં આઉટ થઈ ગઈ હતી. પુણેની પીચ સાનુકૂળ હોવા છતાં બંને ઇનિંગ્સ દરમિયાન ભારતની ટીમ સતત સંઘર્ષ કરતી જણાઈ હતી.
એવો તર્ક આપવામાં આવતો હતો કે હાલના ભારતીય ક્રિકટરોમાં સ્પિન બૉલરો સામે રમવાની ફાવટ નથી અથવા તો એવો મિજાજ નથી ધરાવતા. જોકે, યશસ્વી જયસ્વાલ તથા સરફરાઝ ખાને આ ધારણાને ખોટી સાબિત કરી છે.
એટલે સુધી કહેવાય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ પાસે પણ ઘરઆંગણાની પીચ પર રમવાનું કૌશલ નથી. આ પીચ સ્પિનરોને સહાય કરે છે. આ ખેલાડીઓની સરખામણી એક સમયે ભારતીય ક્રિકેટ ઉપર દબદબો ધરાવતા સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સહેવાગ તથા સૌરવ ગાંગુલી જેવા બૅટ્સમૅન સાથે કરવામાં આવે છે.
સ્પિનર્સ સામે ભારતીયો બૅટ્સમૅનો વામણા પુરવાર થયા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બૅટ્સમૅન સંજય માંજરેકર પોતાના અનુભવના આધારે તર્ક આપતા કહે છે કે ભારતીય ખેલાડીઓ સારી એવી સંખ્યામાં વિદેશી પીચો પર ટેસ્ટ ક્રિકેટ રમે ત્યારે ઘરઆંગણે સારા સ્પિનર્સ સામે એટલા સહજ નથી રહી શકતા.
જોકે, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીએ લૅફ્ટ આર્મ સ્પિનર સામે સતત ઝઝૂમવું પડે, તો તેનો બચાવ કયા તર્કના આધારે કરવો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2021 પછી ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ મૅચો દરમિયાન 23માંથી 20 વખત સ્પિનરોએ કોહલીને પેવોલિયન ભેગા કર્યા હતા.
પુણેની મૅચ દરમિયાન બંને ઇનિંગમાં મિચેલ સ્ટેનરે કોહલીને આઉટ કર્યા હતા. એ યાદ રાખવું રહ્યું કે સ્ટેનર ન્યૂઝીલૅન્ડ ટેસ્ટ ટીમના નિયમિત સભ્ય પણ નથી.
કોહલીના ગત ચાર વર્ષના રેકૉર્ડ પર નજર કરીએ તો ચાર વર્ષ દરમિયાન 15 ટેસ્ટ મૅચમાં 25 ઇનિંગ રમી છે. આ દરમિયાન તેમણે માત્ર એક સદી ફટકારી છે. આ અરસામાં તેમની સરેરાશ 48થી ઘટીને માંડ 32 રહેવા પામી છે, જે ચોંકાવનારી બાબત છે.
કોહલીના પ્રશંસકોને આ આંકડા નિરાશાજનક જ જણાશે.
કૅપ્ટન રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર છે. તેઓ ક્રિકેટ કારકિર્દીના સૌથી સંઘર્ષમય સમયમાંથી પસાર થઈ રહ્યા હોય તેમ જણાય છે.
બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝથી લઈને પુણે ટેસ્ટની આઠ ઇનિંગમાં રોહિતે એકમાત્ર અડધી સદી ફટકારી છે. ટીમ ઇન્ડિયાના ઑસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં રોહિત શર્માનું આ પ્રદર્શન ચિંતાનો વિષય છે.
રેકૉર્ડ સમય સુધી અજય ભારતીય ટીમ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, કિવીઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં પરાજ્ય માટે આ બે ખેલાડીઓ જ જવાબદાર છે, એવું નથી. સામાન્ય રીતે ભારતીય પીચો પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતી રવિચંદ્રન અશ્વિન તથા રવીન્દ્ર જાડેજાની જોડી આ ટુર્નામેન્ટ દરમિયાન સામાન્ય જ જણાઈ હતી.
તેમને વિકેટો લેવામાં તકલીફ પડી અને બૅટ્સમૅનોએ પણ તેમની બૉલિંગ સામે સરળતાથી રન ફટકાર્યા.
વૉશિંગ્ટન સુંદરે ત્રણ વર્ષ બાદ પહેલી ટેસ્ટ મૅચ રમી. આમ છતાં તેમણે 11 વિકેટ લીધી હતી. જે દેખાડે છે કે સમગ્ર સિરીઝ દરમિયાન ભારતનું સ્પિન આક્રમણ કેટલું નબળું રહ્યું હતું.
ગ્રાહમ ડાઉલિંગે વર્ષ 1969માં નાગપુર ખાતેના ટેસ્ટ મૅચમાં ન્યૂઝીલૅન્ડને વિજય અપાવ્યો હતો. એ ભારતીય જમીન પર કિવીઝનો પ્રથમ વિજય હતો.
એ પછી જોન રાઇટે વર્ષ 1988માં બીજી વખત વિજય અપાવ્યો હતો.
ન્યૂઝીલૅન્ડની ટીમે 55 વર્ષમાં માત્ર બે ટેસ્ટ મૅચ જીતી હતી, તો નવા કૅપ્ટન ટૉમ લૅથમે માત્ર બે અઠવાડિયાંમાં બે ટેસ્ટ મૅચમાં વિજય અપાવ્યો હતો. ન્યૂઝીલૅન્ડની ટીમ પહેલી વખત ભારતને વ્હાઇટ વૉશ કરવાના ઈરાદાથી મેદાન પર ઊતરશે. જોકે, સિરીઝ 3-0થી પૂરી ન થાય તે માટે શર્માની ટીમ પણ બનતા પ્રયાસ કરશે.
ન્યૂઝીલૅન્ડે વર્ષ 2021માં ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. આમ છતાં ભારતને ઘર આંગણે ટેસ્ટ સિરીઝમાં પરાજય આપવો એ કદાચ એનાથી પણ મોટી સિદ્ધિ છે.
ભારતીય ટેસ્ટ ક્રિકેટનો સુવર્ણયુગ સમાપ્ત?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સિવાય ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ જેવી ક્રિકેટ ટીમોએ સતત 10 ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકૉર્ડ નોંધાવ્યો છે.
રોહિત શર્મા અને ગૌતમ ગંભીર પાસે આગામી અમુક અઠવાડિયાં સુધી પરાજયનું આકલન કરવાનો સમય છે.
ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટીમની જાહેરાત થઈ ગઈ છે, છતાં કોચ ગૌતમ ગંભીરને અહેસાસ થઈ ગયો હશે કે ભારતીય ક્રિકેટ ટીમમાં પરિવર્તનનો સમય શરૂ થઈ ગયો છે.
વનડે સિરીઝમાં શ્રીલંકાની ટીમે અનુભવી ભારતીય ટીમને હરાવી હતી. આ સિવાય ચેન્નાઈ ખાતે શરૂઆતના સમયમાં બાંગ્લાદેશે ભારત પર દબાણ ઊભું કર્યું હતું.
જોકે, ન્યૂઝીલૅન્ડ સામેના પરાજયને કારણે ભારતીય ટેસ્ટ ક્રિકેટનો સુવર્ણયુગ સમાપ્ત થઈ રહ્યો હોય એમ લાગે છે. ટીમના અનેક મહત્ત્વપૂર્ણ ખેલાડીઓની કારકિર્દી અસ્ત તરફ હોય એવા અણસાર મળી રહ્યા છે.
ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા અને મોહમ્મદ શમી છેલ્લાં કેટલાંક વર્ષોથી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. સમય આવી ગયો છે અને વધુ બે-ત્રણ સિનિયર ખેલાડીઓ આગામી મહિનાઓ દરમિયાન ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેશે.
ભારતીય ક્રિકેટ ટીમ હવે પછી લગભગ એક વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટ રમશે. હાલમાં કદાચ જ કોઈ એવું હશે કે જે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહી શકે કે એ મૅચમાં ફરીથી રોહિત-કોહલી-અશ્વિન અને જાડેજા એકસાથે જોવા મળશે.
ન્યૂઝીલૅન્ડની પણ પ્રશંસા કરવી ઘટે. કૅપ્ટન લૅથમે બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી, જેણે વિજયને સુનિશ્ચિત કરવામાં મદદ કરી. રચિન રવીન્દ્રે બેંગલુરુ ખાતેની મૅચમાં શાનદાર ઇનિંગ રમી હતી. એ પછી પુણેમાં પણ પહેલી ઇનિંગમાં અડધી સદી મારી હતી.
સ્ટેનરે પણ સુંદર પ્રદર્શન કર્યું છે. સફેદ બૉલની રમતમાં નિપુણ મનાતા સ્ટેનરે આ મૅચની પહેલી ઇનિંગમાં સાત અને બીજીમાં છ વિકેટો લીધી હતી. જે ખૂબ જ પ્રશંસનીય છે.
ન્યૂઝીલૅન્ડ માટે જીતનું સપનું સાકાર થવાથી પણ મોટી વાત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













