You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇલોન મસ્કને મળશે એક લાખ કરોડ ડૉલરનું સૅલરી પૅકેજ, પરંતુ પૂર્ણ કરવી પડશે આ શરત
- લેેખક, લિલી જમાલી તથા ઑસમંડ ચિયા
- પદ, ટૅક્નૉલૉજી સંવાદદાતા અને બિઝનેસ રિપોર્ટર
અમેરિકાની ટૅક જાયન્ટ કંપની ટેસ્લાના બૉસ ઇલોન મસ્કને એક ટ્રિલિયન ડૉલરનું (એક લાખ કરોડ ડૉલર) સૅલેરી પૅકેજ આપવા ઉપર શૅરધારકોએ મંજૂરીની મહોર મારી દીધી છે.
ગુરૂવારે કંપનીની સામાન્યસભા મળી હતી, જેમાં આ અભૂતપૂર્વ ડીલનાં સમર્થનમાં 75 ટકા મત પડ્યા હતા અને આ ડીલને જોરદાર તાળીઓની વચ્ચે મંજૂર કરવામાં આવી હતી.
જોકે, આને માટે મસ્કે આગામી 10 વર્ષ સુધી ઇલોક્ટ્રિક કાર કંપનીની માર્કેટ વૅલ્યૂમાં ભારે વધારો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે પહેલાંથી જ મસ્ક વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે.
જો મસ્ક માર્કેટવૅલ્યૂ વધારાની સાથે વેચાણના ટાર્ગેટને પણ હાંસલ કરશે, તો તેમને ઇનામરૂપે કંપનીનાં કરોડો ડૉલરનાં શૅર મળશે.
જોકે, આટલા મોટા સૅલરી પૅકેજની ટીકા પણ થઈ રહી છે, જોકે, ટેસ્લાના બોર્ડનો તર્ક છે કે જો આ પૅકેજને મંજૂર કરવામાં નહીં આવે તો મસ્ક કંપની છોડી દે તેવી શક્યતા છે અને કંપની તેમને ગુમાવવાનું જોખમ વહોરી શકે તેમ નથી.
મસ્ક દ્વારા ઊજવણી
ઑસ્ટિનમાં જ્યારે આ વાતની જાહેરાત થઈ, ત્યારે ચારેય તરફ તેમનું નામ ગૂંજી રહ્યું હતું. એ પછી મસ્ક મંચ ઉપર આવ્યા અને ડાન્સ કરતા નજરે પડ્યા હતા.
મસ્કે કહ્યું, "આપણે જે સફરની શરૂઆત કરવાના છીએ, તે ટેસ્લાના ભવિષ્યમાં એક નવો અધ્યાય માત્ર નથી, પરંતુ આખું નવેનવું પુસ્તક છે."
મસ્કે કહ્યું, "અન્ય શૅરધારકોની મીટિંગ બોરિંગ હોય છે, પરંતુ આપણી ધમાકેદાર છે. આ જુઓ જરા, આ કમાલ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગામી એક દાયકા દરમિયાન આ ઇનામની વધુ ને વધુ હિસ્સો મેળવવા માટે મસ્કે જે લક્ષ્યાંકોને હાંસલ કરવાના રહેશે, તેમાં ટેસ્લાની માર્કેટ વૅલ્યૂને 1.4 ટ્રિલિયન ડૉલરથી વધારીને 8.5 ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવાની રહેશે.
એટલું જ નહીં, તેમણે 10 લાખ સૅલ્ફ ડ્રાઇવિં રોબોટૅક્સીઓને પણ વ્યવસાયિક વપરાશમાં લાવવાની રહેશે.
ગુરૂવારે પોતાના ભાષણની શરૂઆતમાં મસ્કે 'ઑપ્ટિમસ રોબોટ' ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેના કારણે ટેસ્લાના જૂના ઍનાલિસ્ટોની આશાઓને આંચકો લાગ્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે મસ્ક કંપનીના ઇલેક્ટ્રિક વ્હીકલ બિઝનેસને ફરી મજબૂત બનાવવા ઉપર ધ્યાન કરવા ઉપર ધ્યાન આપે.
ડીપવૉટર ઍસેટ મૅનેજમેન્ટના મૅનેજિંગ પાર્ટનર અને વિશ્લેષક જીન મનસ્ટરે મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટમાં લખ્યું, "જરા વિચારો, મસ્કનું ધ્યાન કઈ બાજુ છે. તેમનાં 'નવાં પુસ્તક'ની શરૂઆત ઑપ્ટિમસથી થાય છે. હજુ સુધી કારો, ફૂલ સૅલ્ફ ડ્રાઇવિંગ (એફએસડી) તથા રોબોટૅક્સીનો કોઈ ઉલ્લેખ નથી."
એ પછી મસ્કે એફએસીનો ઉલ્લેખ કરતા કહ્યું કે કંપની લગભગ એ સ્તરે પહોંચી ગઈ છે કે જ્યાં તે ડ્રાઇવરોને ટેક્સ્ટ મૅસેજ કરતા-કરતાં ડ્રાઇવ કરવાની છૂટ પણ આપી શકે છે.
અમેરિકાની નિયામક એજન્સીઓ ટેસ્લાના સૅલ્ફ ડ્રાઇવિંગ ફિચરની ચકાસણી કરી રહી છે, કારણ કે અનેક કિસ્સામાં આ ગાડીઓએ લાલબત્તીને પાર કરી દીધી હતી અથવા તો ખોટી દિશામાં જતી રહી હતી અને કેટલાક કિસ્સામાં ટક્કર થઈ ગઈ હતી અને કોઈને ઈજા પહોંચી હતી.
આ જાહેરાત પછી ટેસ્લાના શૅરોમાં તેજી જોવા મળી હતી. ગત છ મહિના દરમિયાન શૅરના ભાવ 62 ટકા વધ્યા છે.
રોકાણકારો શું કહે છે?
ટેસ્લાના વેચાણમાં ઘટાડો આવ્યો છે, વિશેષ કરીને ગત વર્ષે મસ્કે ખુદને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સાર્વજનિક રીતે જોવા મળતા હતા. જોકે, બંને વચ્ચેના સંબંધ થોડા મહિના પહેલાં તૂટી ગયો.
ટેસ્લાના શૅરહોલ્ડર રૉસ ગર્બરે બીબીસી ન્યૂઝને કહ્યું કે મસ્કને મળેલું સૅલરી પૅકેજ "ધંધાકીય જગતમાં જોવા મળતી અવિશ્વસનીય વાતોની યાદીમાં એક ઉમેરો છે."
ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ગર્બર કાવાસકીના સીઈઓ રૉસ ગર્બરે કહ્યું કે મસ્કે ટેસ્લા માટે પોતાના ટાર્ગેટ સ્પષ્ટ કરી દીધા છે, પરંતુ કંપની આર્થિકપ્રદર્શનને સુધારવા સહિત અનેક પડકારોનો સામનો કરી રહી છે.
રૉસ ગર્બરનું કહેવું છે કે હ્યુમનૉઇડ રોબોટ્સની માંગ વધશે કે નહીં, તે હજુ સુધી સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે રોબોટૅક્સી ઇન્ડસ્ટ્રીમાં વેમો જેવી હરીફ કંપનીઓ ટેસ્લાને ભારે ટક્કર આપી રહી છે.
ગર્બરે કહ્યું કે તેમની કંપનીએ તાજેતરમાં જ ટેસ્લામાં પોતાની હિસ્સેદારી ઘટાડી છે, કારણ કે તેમને 'મસ્કની બદલાતી જતી છાપ અંગે કેટલીક ચિંતાઓ છે, જેનાથી બ્રાન્ડ વૅલ્યૂ ખરાબ રીતે ઘટી છે.'
ગર્બરે કહ્યું, "એવું લાગે છે કે ઇલોન મસ્ક વાસ્તવિકતા સાથે જોડાયેલા નથી. તેમને જાણ નથી કે જનતાની વચ્ચે તેમના અભિપ્રાયનું મહત્ત્વ ખૂબ જ ઓછું છે."
વેડબશ સિક્યૉરિટીઝના ડૅન આઇવ્સ લાંબા સમય સુધી ટેસ્લામાં મસ્કનાં નેતૃત્વનું સમર્થન કર્યું છે. તેમણે મસ્કની સૅલરી પૅકેજ ઉપર વોટિંગ પછી છપાયેલી એક નોટમાં મસ્કને 'ટેસ્લાની સૌથી મોટી મૂડી' કહ્યા.
આઇવ્સે કહ્યું, "અમે હજુ પણ માનીએ છીએ કે એઆઈનાં વૅલ્યુએશનમાં સુધાર થઈ રહ્યો છે અને અમને લાગે છે કે આવનારા છથી નવ મહિનામાં ટેસ્લા માટે એઆઈઆધારિત વૅલ્યુએશનવૃદ્ધિની દિશામાં પ્રગતિ જોવા મળશે."
અગાઉ ક્યારે-ક્યારે સૅલરી વધી
મસ્કની પાસે પહેલાંથી જ ટેસ્લાના 13 ટકા શૅર હતા. શૅરધારકોએ બે વખત તેમની અબજો ડૉલરનાં સૅલરી પૅકેજને મંજૂરી આપી હતી. જોકે, મસ્કની સામે શરત મૂકવામાં આવી હતી કે તેઓ કંપનીનું માર્કેટ કૅપિટલાઇઝેશન દસગણું વધારી આપે. મસ્કે તે કરી દેખાડ્યું હતું.
જોકે, ડેલાવેયરના એક જજે આ ડીલને ફગાવી દીધી હતી. જજે અવલોક્યું હતું કે ટેસ્લા બોર્ડના સભ્ય મસ્કની બહુ નજીક છે.
એ પછી ટેસ્લાએ પોતાનું કાયદાકીયક્ષેત્ર ડેલાવેયરથી ટૅક્સાસ સ્થળાંતરિત કરી નાખ્યું હતું. હાલમાં ડેલાવેયરની સુપ્રીમ કોર્ટ નીચલી અદાલતે આપેલા ચુકાદાની સમીક્ષા હાથ ધરી છે.
નવા સૅલરી પૅકેજને અનેક મોટા રોકાણકારોએ નામંજૂર કરી દીધું, જેમાં વિશ્વના સૌથી મોટા નૅશનલ વેલ્થ ફંડ એટલે કે નૉર્વે સોવરિન વૅલ્થ ફંડ તથા અમેરિકાના સૌથી મોટા પબ્લિક પેન્શન ફંડ કૅલિફોર્નિયા પબ્લિક ઍમ્પ્લોઇઝ રિટાયર્મેન્ટ સિસ્ટમ સામેલ છે.
આથી, મસ્કે ટેસ્સલાના અસામાન્ય રીતે નાના રોકાણકારો ઉપર આધાર રાખવો પડ્યો હતો.
મસ્ક અને તેમના ભાઈ કિમ્બલ, પણ ટેસ્લાના બોર્ડમાં છે. ગુરૂવારે વોટિંગ થયું, ત્યારે બંનેને ઠરાવ ઉપર મતદાન કરવાની છૂટ આપવામાં આવી હતી.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટેસ્લાના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના સભ્યોએ મસ્કના નવા સૅલરી પૅકેજને સમર્થન મળી રહે, તે માટે માર્કેટિંગ કૅમ્પેઇન હાથ ધર્યું હતું.જેનાથી કેટલાક કૉર્પોરેટ ગવર્નન્સ ઍક્સપર્ટ્સ નારાજ પણ થયા હતા.
votetesla.com એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં બોર્ડના ચૅરમૅન રૉબિન ડેન્હોમ તથા ડાયરેક્ટર કૅથલીન વિલ્સન-થૉમ્પસનને મસ્કની પ્રશંસા કરતા જોઈ શકાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન