એમેઝોનના ખતરનાક જંગલમાં ગુમ 4 બાળકો 40 દિવસ સુધી જીવિત કેવી રીતે મળ્યાં?

કોલંબિયાના ચાર બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મેટ મર્ફી
    • પદ, બીબીસી ન્યૂઝ

આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો અને કોલંબિયાના ખતરનાક જંગલમાં શુક્રવારે મધરાતે સૈન્યના રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા “ચમત્કાર, ચમત્કાર, ચમત્કાર, ચમત્કાર” સંદેશને પગલે તે પ્રાર્થના જાણે કે ફળીભૂત થઈ હતી.

લશ્કરના આ સંદેશથી જાહેર થયું હતું કે જંગલમાં 40 દિવસથી ગુમ થયેલાં ચાર બાળકો જીવંત મળી આવ્યાં છે.

સ્થાનિક હુઇટોટો સમાજનાં એ ચારેય બાળકો લાઇટ પ્લેનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં અને પહેલી મેની વહેલી સવારે તે પ્લેન એમેઝોનના જંગલમાં તૂટી પડ્યું ત્યારથી ગુમ થયાં હતાં.

એ દુર્ઘટનામાં તેમની માતાનું મૃત્યુ થયું હતું અને 13, 9, 4 અને એક વર્ષની વયનાં ચાર બાળકો સાપ, જગુઆર અને મચ્છરોથી ભરપૂર વિસ્તારમાં ફસાઈ ગયાં હતાં.

બચાવકર્તાઓને પ્રારંભે કશુંક અમંગળ થયાની આશંકા હતી, પરંતુ પગલાંનાં નિશાન, આંશિક રીતે ખાવામાં આવેલાં ફળો અને અન્ય કડીઓએ બાળકો જીવંત હોવાની આશા આપી હતી.

બચાવકર્તાઓએ ધાર્યું હતું કે બાળકો મદદની શોધમાં દુર્ઘટનાસ્થળેથી અન્યત્ર ગયાં હશે.

એ પછીના છ સપ્તાહ સુધી બાળકોએ જંગલમાં અનેક મુશ્કેલીનો સામનો કર્યો હતો, જેને કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ “અસ્તિત્વ ટકાવી રાખવાનું ઐતિહાસિક ઉદાહરણ” ગણાવ્યું હતું.

GREY LINE

નાટકીય બચાવ

કોલંબિયાના ચાર બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાર બાળકોના પિતા

તપાસ ચાલી રહી હતી, પરંતુ બોગોટાના અધિકારીઓ પર તપાસની ધીમી ગતિને કારણે દબાણ વધ્યું હતું. બાળકો મળી આવ્યાં હોવાનું જણાવતી એક ખોટી ટ્વીટ રાષ્ટ્રપતિ પેટ્રોની ઑફિસે કરી પછી તેમની પણ ટીકા કરવામાં આવી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સત્તાવાળાઓએ જંગલમાં ટકી રહેવા માટે શું કરવું તે જણાવતી સ્પેનિશ તથા સ્થાનિક હુઇટોટો ભાષામાં લખેલી 10,000 પત્રિકાઓ જંગલમાં વરસાવી હતી. બાળકોની દાદીનો સંદેશ પણ હેલિકૉપ્ટર મારફત પ્રસારિત કરવામાં આવ્યો હતો.

બીજી તરફ સૈન્યના જવાનો બાળકોને શોધવાનું કામ ચુપચાપ કરતા રહ્યા હતા અને બાળકોની નજીક પહોંચી ગયા હતા. સર્ચ કમાન્ડર જનરલ પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે જંગલમાં બાળકો જ્યાં રહેતાં હતાં તેના 20થી 50 મીટર દૂરથી બચાવ ટુકડીઓ ઘણી વાર પસાર થઈ ગઈ હતી.

સૈન્યના લગભગ 150 સૈનિકો તથા સ્થાનિક જૂથોના 200 સ્વયંસેવકો બાળકોની શોધના અભિયાનમાં જોડાયા હતા. તેમણે આશરે 300 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કૉમ્બિંગ કર્યું હતું.

જનરલ સાંચેઝે શોધ અભિયાન દરમિયાન પત્રકારોને કહ્યું હતું કે “આ કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું નહીં, પરંતુ જંગી કાર્પેટમાંથી એક ચાંચડને શોધવા જેવું હતું, કારણ કે તેઓ સતત આગળ વધી રહ્યા હતા.”

જોકે, એક મહિનાની લાંબી શોધ પછી શુક્રવારે નિષ્ણાત કૂતરાંઓએ બાળકોને શોધી કાઢ્યાં હતાં.

કોલંબિયાના સંરક્ષણ મંત્રાલયે બાળકોના બચાવકાર્યનો વીડિયો શેર કર્યો હતો. તેમાં બાળકોને ઊંચાં વૃક્ષોની વચ્ચેના ગાઢ અંધારામાંથી હેલિકૉપ્ટર દ્વારા ઊંચકવામાં આવી રહ્યાનું જોવા મળે છે. બાળકોને રાજધાની બોગોટા લઈ જવામાં આવ્યાં હતાં અને ત્યાંથી ઍમ્બુલન્સ મારફત તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.

  • મોરબી દુર્ઘટના : 'મેં માતાને કહ્યું હતું કે હું લોકોને બચાવવા જઉં છું, જીવતો પાછો ન પણ આવું'
કોલંબિયાના ચાર બાળકો

ઇમેજ સ્રોત, Reuters

તમામ મુશ્કેલી છતાં બાળકોની શોધ ચાલુ રાખવા બદલ તેમના પરિવારજનોએ સૈન્યનો આભાર માન્યો હતો અને બાળકોને શક્ય તેટલાં વહેલાં ઘરે મોકલવાની વિનંતી સરકારને કરી હતી.

બાળકોની દાદીએ પત્રકારોને કહ્યું હતું કે “હું કાયમ આશાન્વિત રહી હતી. મેં શોધ અભિયાનનું કાયમ સમર્થન કર્યું હતું. હું બહુ ખુશ છું. હું રાષ્ટ્રપતિ પેટ્રો અને મારા દેશબાંધવોનો આભાર માનું છું.”

સૈન્ય તથા સ્વયંસેવકોની મહેનતને રાષ્ટ્રપતિ પેટ્રોએ પણ બિરદાવી હતી. સ્થાનિક લોકોનાં જ્ઞાન તથા સૈન્યના પ્રયાસોના સંગમની પ્રશંસા કરી હતી અને ઉમેર્યું હતું કે “શાંતિનો સાચો માર્ગ આ જ છે.”

તેમણે બાળકોના પર્યાવરણ સાથેના સંબંધની વિશેષ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે “તેઓ વનનાં સંતાન છે અને હવે કોલંબિયાનાં સંતાન પણ છે.”

કૅથલિક ધર્મનું ચુસ્તપણે પાલન કરતા કોલંબિયાના ઘણા નાગરિકોએ બાળકોના બચાવને ‘ચમત્કાર’ ગણાવ્યો હતો, જ્યારે એલેક્સ રુફિનોએ જણાવ્યું હતું કે ખરો મુદ્દો “પ્રકૃતિ સાથેના આધ્યાત્મિક જોડાણનો છે.”

તેમણે ઉમેર્યું હતું કે “જંગલમાં માત્ર લીલોતરી નથી હોતી. ત્યાં પ્રાચીન ઊર્જા હોય છે, જેની સાથે સ્થાનિક લોકોને સંબંધ છે. બન્ને એકમેકના અસ્તિત્વમાંથી શીખતા રહે છે અને એકમેકને મદદ કરે છે.”

તેમણે એમ પણ કહ્યું હતું કે “આ વાત સમજવી મુશ્કેલ છે, પરંતુ સમાજ માટે, માનવજાત માટે આ વિવિધ વૈશ્વિક દૃષ્ટિકોણને સમજવાની સારી તક છે. જે માતા દુર્ઘટના પછી જીવાત્મા બની હતી, તેણે જ બાળકોનો બચાવ કર્યો છે. માતાના આત્માને હવે શાંતિ મળશે.”

GREY LINE

‘વનના સંતાનો’

કોલંબિયાના ચાર બાળકો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બાળકોના દાદા ફિડાન્સિયો વેલેન્શિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે ચાર પૈકીનાં બે મોટાં બાળકો લેસ્લી અને સોલેની જંગલથી સારી રીતે પરિચિત હતાં.

મુકુટુય પરિવારનાં એ સંતાનો આવી અગ્નિપરીક્ષાનો સામનો કરવા સુસજ્જ હતાં.

હુઇટોટો સમાજના લોકો બાળપણથી જ શિકાર, માછીમારી અને મુશ્કેલીનો સામનો કરવાનું શીખી લેતા હોય છે. બાળકોના દાદા ફિડાન્સિયો વેલેન્શિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે ચાર પૈકીનાં બે મોટાં બાળકો લેસ્લી અને સોલેની જંગલથી સારી રીતે પરિચિત હતાં.

કોલંબિયાના મીડિયા પ્રતિનિધિઓ સાથે વાત કરતાં બાળકોની કાકી ડેમરિસ મુકુટુએ જણાવ્યું હતું કે મોટા થઈ રહેલાં સંતાનો સાથે તેમનો પરિવાર નિયમિત રીતે અસ્તિત્વ ટકાવી રાખવાની રમત રમતો હોય છે.

“અમે તે રમત રમતા ત્યારે નાના કૅમ્પ્સ બનાવતા હતા,” એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે “13 વર્ષની લેસ્લી જાણતી હતી કે કયાં ફળ ખાઈ શકાય, કારણ કે જંગલમાં તો ઘણાં ઝેરી ફળ પણ હોય છે. નાના ભાઈ-બહેનની સંભાળ કેવી રીતે રાખવી એ પણ લેસ્લી જાણતી છે.”

લેસ્લીએ તેના વાળ બાંધવા માટેને રબર બેન્ડ વડે, દુર્ઘટના પછી ઝાડની ડાળીઓ બાંધીને કામચલાઉ આશ્રયસ્થાન બનાવ્યું હતું.

તેઓ સેસ્ના 206 પ્લેનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં અને એ ભંગારના કાટમાળમાંથી લેસ્લીએ ફારીના નામનો એક પ્રકારનો લોટ પણ શોધી કાઢ્યો હતો.

એ લોટને આધારે બાળકો ટકી રહ્યાં હતાં. લોટ ખલાસ થઈ ગયો પછી તેમણે બીજ ખાધાં હતાં, એમ બાળકોના શોધ અભિયાનનો હિસ્સો બનેલા એક સ્થાનિક નેતા એડવિન પાકીએ પત્રકારોને જણાવ્યું હતું.

એડવિન પાકીએ કહ્યું હતું કે “જંગલમાં એવિચ્યૂર નામનું પેશનફ્રૂટ (કૃષ્ણ ફળ) જેવું ફળ ઊગે છે. બાળકો દુર્ઘટના સ્થળની આસપાસના દોઢેક કિલોમીટર વિસ્તારમાં તે ફળ શોધવાના પ્રયાસ કર્યા હતા.”

કોલંબિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેમિલી વેલ્ફેરના વડા એસ્ટ્રિક કેસેરેસે જણાવ્યુ હતું કે બાળકોની અગ્નિપરીક્ષા વખતે જ જંગલમાં ફળો પાકવાની મોસમ ચાલુ હતી. તેથી તેઓ પાકેલાં ફળ ખાઈ શક્યાં હતાં.

એમેઝોનનું ગાઢ જંગલ

ઇમેજ સ્રોત, Getty Images

તેમ છતાં બાળકોએ દુર્ગમ વાતાવરણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

સ્થાનિક નિષ્ણાત એલેક્સ રુફિનોએ શનિવારે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે “બાળકો ગાઢ જંગલમાં ખૂબ અંધારામાં હતાં. એ વિસ્તારમાં પ્રદેશનાં સૌથી મોટાં વૃક્ષો આવેલાં છે.”

તેમના જણાવ્યા મુજબ, જંગલમાં એવાં કેટલાંક પાન હોય છે, જેને પાણી વડે શુદ્ધ કરી શકાય છે, પરંતુ બાકીના ઝેરી હોય છે.

તેમણે ઉમેર્યું હતું કે “તે દુર્ગમ વિસ્તાર છે. તેના વિશે ખાસ જાણકારી ઉપલબ્ધ નથી. નાનાં ગામ છે અને એ જંગલની અંદર નહીં, પરંતુ નદીના કિનારે વસેલાં છે.”

શિકારી જાનવરોથી બચવા ઉપરાંત બાળકોએ જોરદાર વરસાદી તોફાનનો સામનો કરવો પડ્યો હશે. જંગલમાં સક્રિય સશસ્ત્ર જૂથોથી પણ બચીને રહેવું પડ્યું હશે.

રાષ્ટ્રપતિ પેટ્રોએ જણાવ્યું હતું કે એક તબક્કે બાળકોએ જંગલી કૂતરાનો સામનો પણ કરવો પડ્યો હતો.

જોકે, એલેક્સ રુફિનોએ જણાવ્યું હતું કે સ્થાનિક સમુદાયમાં ઉછરેલી 13 વર્ષની લેસ્લી આવા વાતાવરણમાં ટકી રહેવા માટે જરૂરી કુશળતા ધરાવે છે.

બાળકોનો ઉછેર કોલંબિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારના વૌપેસમાં થયો છે. એ વિસ્તારના ગુઆના જૂથના નેતા જહોન મોરેનોએ જણાવ્યું હતું કે બાળકોનો ઉછેર તેમના દાદીએ કર્યો છે. તેઓ અત્યંત આદરણીય વડીલ છે.

તેમણે કહ્યું હતું કે “બાળકોએ તેઓ સમુદાયમાંથી જે શીખ્યા હતા તેનો ઉપયોગ કર્યો હતો. તેઓ પૂર્વજોએ આપેલા જ્ઞાનના આધારે ટકી રહ્યા હતા.”

(પૂરક માહિતીઃ ડેનિયલ પાર્ડો, બીબીસી મુંડો)

બીબીસી
બીબીસી