ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી, અમેરિકાએ કેવી રીતે મદદ કરી?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ડેવિડ ગ્રિટેન
- પદ, બીબીસી સંવાદદાતા
15 મહિનાની લડાઈ બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધવિરામ પર સમજૂતી થઈ ગઈ છે. બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી રહેલા કતર અને અમેરિકાએ જણાવ્યું છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે બંધકોને મુક્ત કરવાની સમજૂતી પણ થઈ ગઈ છે.
કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ કહ્યું કે ઇઝરાયલ સરકારના કૅબિનેટની મંજૂરી અનુસાર સમજૂતી રવિવારથી અમલમાં આવશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે યુદ્ધવિરામથી ગાઝામાં લડાઈ થોભશે અને પેલેસ્ટાઇનિયન નાગરિકો માટે માનવીય સહાયમાં વધારો થશે અને બંધકો ફરી પોતાના પરિવારોને મળી શકશે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે યુદ્ધવિરામની વિસ્તૃત વિગતો નક્કી કરવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ તેમણે આ યુદ્ધવિરામની સમજૂતીને 'પ્રોત્સાહન' આપવા માટે રાષ્ટ્રપતિ બાઇડનનો આભાર વ્યક્ત કર્યો છે. હમાસના નેતા ખલીલ-અલ-હાયાએ કહ્યું કે આ પેલેસ્ટાઇનની 'લવચિકતા'નું પરિણામ છે.
યુદ્ધવિરામની જાહેરાત થતાં કેટલાક પેલેસ્ટાઇનિયન્સ અને ઇઝરાયલી બંધકોના પરિવારોમાં ખુશીની લહેરી દોડી ગઈ હતી, જોકે ગાઝામાં લડાઈ યથાવત ચાલી રહી હતી.
હમાસ દ્વારા સંચાલિત સિવિલ ડિફેન્સ એજન્સીના અહેવાલ અનુસાર કતરે કરેલી જાહેરાત બાદ ઇઝરાયલના હવાઈ હુમલામાં 12થી વધુ લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં ગાઝા શહેર નજીક આવેલા શેખ રદવાનના એક રહેણાક વિસ્તારમાં રહેતા 12 લોકો પણ સામેલ છે. ઇઝરાયલની સેનાએ આ અંગે હજુ કોઈ નિવેદન આપ્યું નથી.
સાત ઑક્ટોબરે હમાસના સરહાદ પારના અભૂતપૂર્વ હુમલામાં 1,200થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઇઝરાયલે હમાસને ખતમ કરવા માટે સૈન્ય અભિયાન હાથ ધર્યું હતું. ઇઝરાયલ હમાસને આતંકવાદી સંગઠન કહે છે.
હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય વિભાગ અનુસાર ગાઝામાં ત્યારથી લઈ અત્યાર સુધી 46,700 લોકો માર્યા ગયા છે. 23 લાખ લોકો વિસ્થાપિત થયા છે અને મોટા પ્રમાણમાં તબાહી થઈ છે, ગાઝામાં ખાવા-પીવાની સાથે સાથે ઈંધણ, દવાઓ અને રહેઠાણની ભારે અછત ઊભી થઈ છે કારણ કે અહીં પૂરતા પ્રમાણમાં સહાય પહોંચી નથી શકતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલનું કહેવું છે કે હમાસ પાસે હજુ પણ 94 બંધકો છે જેમાંથી 34 બંધકોનાં મૃત્યુ થયાં હોવાનું મનાય છે. આ ઉપરાંત યુદ્ધ શરૂ થયા પહેલાં ચાર ઇઝરાયલી સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું જેમાંથી બેનાં મૃત્યુ થઈ ગયાં છે.
યુદ્ધવિરામના ત્રણ તબક્કા

ઇમેજ સ્રોત, Getty Images
કતારના વડા પ્રધાને યુદ્ધવિરામના છ અઠવાડિયાનો પ્રથમ તબક્કો શરૂ થાય તે પહેલાં બંને પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પ્રથમ તબક્કામાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત 33 બંધકોને મુક્ત કરવામાં આવશે તો બીજી તરફ ઇઝરાયલની જેલોમાં બંધ પેલેસ્ટાઇનિયન કેદીઓને પણ છોડવામાં આવશે.
ઇઝરાયલી દળો ગાઝાના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાંથી ખસીને પૂર્વ તરફ વધશે અને વિસ્થાપિત પેલેસ્ટાઇનિયન લોકો તેમના ઘરે પાછા જવાનું શરૂ કરી શકશે. આ ઉપરાંત ગાઝામાં દરરોજ માનવીય સહાય સાથે લૉરીઓ પણ પ્રવેશ કરી શકશે.
યુદ્ધવિરામના બીજા તબક્કામાં બાકીના બંધકોને મુક્ત કરવામાં આવશે અને ઇઝરાયલની સેના સંપૂર્ણ રીતે પાછળ ખસી જશે તથા 16માં દિવસથી ટકાઉ શાંતિ તરફ આગળ વધી શકાશે.
ત્રીજા અને નિર્ણાયક તબક્કામાં ગાઝાના પુનર્નિર્માણ પર કામ થશે જેમાં વર્ષો લાગી શકે છે તથા કોઈ પણ બાકી રહેલા બંધકોના મૃતદેહો પરત આપવામાં આવશે.

ઇમેજ સ્રોત, Reuters
શેખ મોહમ્મહે કહ્યું કે સમજૂતીમાં મદદ કરનાર કતર, અમેરિકા અને ઇજિપ્ત સુનિશ્ચિત કરશે કે ઇઝરાયલ અને હમાસ પોતાના આપેલા વાયદા પૂરા કરે.
તેમણે કહ્યું કે, "અમને આશા છે કે આ યુદ્ધનું છેલ્લું પાનું છે અને બધા પક્ષો સમજૂતીની શરતોને લાગુ કરવા માટે કટિબદ્ધ રહેશે."
રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, "આઠ મહિના પહેલાં તેમણે તૈયાર કરેલી યોજના હમાસ પર રહેલા ભયંકર દબાણ અને લેબનોનમાં યુદ્ધવિરામથી બદલાયેલી વિસ્તારની પરિસ્થિતિ તથા ઈરાનના નબળા પળવાનું પરિણામ છે. પરંતુ તેમાં અમેરિકાની કૂટનીતિના આગ્રહ અને મહેનતનો પણ ફાળો છે."
તેમણે વધુમાં કહ્યું કે, "જ્યારે આપણે યુદ્ધવિરામના સમાચારને આવકારી રહ્યા છીએ ત્યારે આપણે હમાસના સાત ઑક્ટોબરના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો અને ત્યાર બાદ શરૂ થયેલા યુદ્ધમાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને પણ યાદ કરીએ છીએ." તેમણે વધુમાં કહ્યું કે, "લડાઈનો અંત આવે અને શાંતિ અને સુરક્ષા માટે કામ કરવામાં આવે તેનો સમય આવી ગયો છે."
સમજૂતી કરાવવામાં ટ્રમ્પની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્યાર પછી એક ન્યૂઝ કોન્ફરન્સમાં બાઈડને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મદદનો પણ સ્વીકાર કર્યો, જેમણે સોમવારે પોતાના શપથગ્રહણ અગાઉ બંધકોને છોડી મૂકવાની માંગ કરીને બંને પક્ષો પર દબાણ કર્યું હતું.
તેમણે કહ્યું, "છેલ્લાં કેટલાક દિવસોમાં અમે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ." તેમણે જણાવ્યું કે આ સમજૂતીનું મોટા ભાગનું અમલીકરણ તેઓ પદત્યાગ કરે ત્યાર પછી થશે.
સત્તાવાર જાહેરાત માટે વ્હાઈટ હાઉસ અને કતરને પાછળ રાખીને ટ્રમ્પે સૌથી પહેલાં અહેવાલોની પુષ્ટિ કરી હતી કે સમજૂતી થઈ ગઈ છે.
ત્યાર પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આ 'અત્યંત મહત્ત્વ'ના કરાર માટે શ્રેય લેવાનો પ્રયાસ કરતા કહ્યું કે નવેમ્બરમાં અમારી ઐતિહાસિક જીતના કારણે જ આ શક્ય હતું.
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે "બંધકોની મુક્તિ માટેના પ્રયાસોમાં મદદ કરવા અને ડઝનબંધ બંધકો અને તેમના પરિવારોની પીડા ખતમ કરવામાં ઈઝરાયલની મદદ કરવા બદલ" ટ્રમ્પનો આભાર માન્યો હતો.
તેમાં જણાવાયું હતું કે, "વડા પ્રધાને સ્પષ્ટ કર્યું કે તેઓ તમામ બંધકોની કોઈ પણ રીતે મુક્તિ માટે પ્રતિબદ્ધ છે." ત્યાર પછી તેમાં બાઈડનનો પણ આભાર માનવામાં આવ્યો હતો.
ત્યાર બાદ વડા પ્રધાનના કાર્યાલયે કહ્યું કે નેતન્યાહૂ દ્વારા વધુ એક સત્તાવાર નિવેદન આવશે જે "સમજૂતીની અંતિમ વિગતો પૂર્ણ થયા પછી બહાર પાડવામાં આવશે જેના માટે હાલમાં કામ ચાલી રહ્યું છે."
ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગે જણાવ્યું કે આ સમજૂતી પોતાની સાથે "અત્યંત પીડાદાયક" ક્ષણો લાવશે અને "મોટા પડકારો પેદા કરશે", પરંતુ તે "યોગ્ય કદમ" હતું.
હવે ગાઝાના પુનઃનિર્માણનો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
નેતન્યાહૂના ઉગ્ર જમણેરી સાથીપક્ષોના વિરોધ છતાં મોટા ભાગે ગુરુવારે સવાર સુધીમાં ઇઝરાયલની કેબિનેટ દ્વારા સમજૂતીને મંજૂરી મળી જવાની અપેક્ષા છે.
ત્યાર પછી ઇઝરાયલી સરકાર દ્વારા મુક્તિ માટે પેલેસ્ટાઇનના તમામ કેદીઓનાં નામ જાહેર કરવામાં આવશે. કોઈ પણ પીડિતના પરિવારને અરજી કરવા માટે 48 કલાકનો સમય આપવામાં આવશે. કેટલાક કેદી હત્યા અને આતંકવાદના ગુનામાં દોષિત જાહેર થયા પછી આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
હમાસના મુખ્ય મંત્રણાકાર અને ગાઝાના કાર્યકારી પ્રમુખ ખલીલ અલ હાયાએ જણાવ્યું કે, "આ સમજૂતી આપણા લોકોની મુક્તિ અને તેમની વાપસીના લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં દુશ્મન સાથે સંઘર્ષમાં એક મોટી સિદ્ધિ" દર્શાવે છે.
તેમણે જણાવ્યું કે હમાસ હવે "ગાઝાનું પુનઃનિર્માણ કરવા, પીડાને ઓછી કરવા અને ઘાવને ભરવા" માટે કામ કરશે.
જોકે, તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે ગાઝામાં પેલેસ્ટાઈનવાસીઓએ જે પીડા ભોગવવી પડી છે તેને "અમે નહીં ભૂલીએ અને માફ પણ નહીં કરીએ."
ગાઝામાં ઉજવણી, ઇઝરાયલમાં આશાવાદ

ઇમેજ સ્રોત, Reuters
આ સમજૂતીના સમાચાર ફેલાતા જ મધ્યા ગાઝાના શહેર દીર અલ-બલાહ અને અને દક્ષિણના શહેર ખાન યુનિસમાં લોકો ઉજવણી કરતા હોય અને પેલેસ્ટાઈનના ઝાંડા ફરકાવતા હોય તેવી તસવીરો આવી હતી.
ગાઝા શહેરના ઉત્તરમાં રહેતી 17 વર્ષની એક છોકરી સનાબેલે બીબીસીને જણાવ્યું કે, "અમે બધા બહુ ખુશ છીએ."
"અમે લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. અંતે હું કોઈ પણ ચિંતા વગર ઓશિકાં પર માથું રાખીને સૂઈ શકીશ... હવે બધું ઠીક કરવાનો સમય આવી ગયો છે."
નવારા અલ-નજ્જરના પતિ ઇઝરાયલી દળો દ્વારા બે બંધકોને છોડાવવા માટે કરવામાં આવેલી કાર્યવાહીમાં માર્યા ગયેલા 70 લોકો પૈકી એક હતા. તેમણે કહ્યું, "યુદ્ધવિરામ પછી હું મારા બાળકોને સર્વશ્રેષ્ઠ જીવન આપવા માગું છું."
તેમણે કહ્યું કે, "હું ઇચ્છું છું કે તેઓ અમે જે ડરની સાથે જીવતા હતા તેમાંથી બહાર આવે. મારાં બાળકો ખરેખર ડરી ગયા છે. તેમના હૃદયમાં ભય બેસી ગયો છે."
શેરોન લિફ્સચિત્ઝ એક બ્રિટિશ-ઈઝરાયલી મહિલા છે જેમના 84 વર્ષીય પિતા ઓડેડ હાલમાં બંધક છે. સાતમી ઓક્ટોબરના હુમલામાં તેમનાં માતા યોચેવેદનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાય અઠવાડિયા સુધી કેદમાં રહ્યા પછી તેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં.
સમજૂતીના સમાચાર ફેલાતાં જ તેમણે બીબીસીને લંડનમાં જણાવ્યું કે તેમને લાગ્યું કે આમાં "થોડી સમજદારી" છે, પરંતુ તેમણે સ્વીકાર્યું કે, "હું જાણું છું કે મારા પિતા માટે સંભાવના બહુ ઓછી છે."
"તેઓ એક વૃદ્ધ વ્યક્તિ છે. પરંતુ ચમત્કારો થતા હોય છે. મારી માતા પાછી આવી ગઈ. કોઈને કોઈ રીતે અમને જાણ થઈ જશે. અમને ખબર પડશે કે તેઓ પણ અમારી સાથે છે કે નહીં, અમે તેમની દેખભાળ કરી શકીએ છીએ કે નહીં."
તેમણે ચેતવણી આપી કે, "ઘણા લોકો મૃત્યુ પામ્યા હશે અને ઘણા શોકમગ્ન લોકો આવવાના છે.પરંતુ અમે તેમની કાળજી રાખીશું અને તેમના માટે આશા પેદા કરીશું. આ કંઈક સારું કરવાની શરૂઆત હોઈ શકે છે."
બે નાના બાળકોના પિતા 47 વર્ષીય ઓમરી મિરાનના બનેવી મોશે લાવીએ જણાવ્યું કે, "બંધકોના મોટા ભાગના પરિવારો માટે આ મિશ્ર દિવસ હતો."
તેમણે કહ્યું, "અમે અમારા પરિવારોને સામૂહિક કેદમાંથી પાછા આવતા જોવા માંગીએ છીએ. પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે આ તબક્કાવાર સમજૂતી છે. માત્ર પ્રથમ તબક્કા માટે સહમતિ થઈ છે."
"અમારે લડાઈ ચાલુ રાખવી પડશે. અમારે સરકારના તમામ નેતાઓ સાથે પરિવાર તરીકે હિમાયત કરતા રહેવું પડશે જેથી તમામ બંધકોને મુક્ત કરવામાં આવે."
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું કે, "હવે આ સંઘર્ષના કારણે સર્જાયેલી ભયંકર પીડાને ખતમ કરવાને પ્રાથમિકતા આપવાની જરૂર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


















