You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કમલા હૅરિસની ઐતિહાસિક પળ : રાષ્ટ્રપતિપદ માટેની ઉમેદવારીનો સ્વીકાર, પોતાનાં ભારતીય માતાને કર્યાં યાદ
- લેેખક, ઍન્થની ઝર્ચર
- પદ, ઉત્તર અમેરિકા સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
કમલા હૅરિસે ગુરુવારે રાત્રે અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારીનો સત્તાવાર સ્વીકાર કર્યો.
તેમણે ડેમોક્રેટિક કન્વેન્શનમાં પોતાના ભાષણમાં ઘણા મહત્ત્વના મુદ્દા પર વાત કરી, જોકે તેમના ભાષણમાં નવું કંઈ ન હતું.
કમલા હૅરિસ પ્રથમ અશ્વેત મહિલા છે જે રાષ્ટ્રપતિપદની રેસમાં મુખ્ય રાજકીય પક્ષમાં ટોચ પર પહોંચ્યાં છે. તેમણે કહ્યું કે, "બીજાને મોકો ન આપો કે એ તમને બતાવે કે તમે કોણ છો, તમે બતાવો કે તમે કોણ છો."
45 મિનિટના તેમના ભાષણમાં તેમણે અમેરિકનોને એ જણાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ કોણ છે અને જો તેઓ જીતશે તો અમેરિકા માટે શું કરવા માગે છે.
મધ્યમ વર્ગીય પરિવારમાં મૂળ
ઘણાખરા અમેરિકનો કમલા હૅરિસને જાણે છે પણ તેઓ હૅરિસની માન્યતાઓ અને તેમની પૃષ્ઠભૂમિથી અજાણ છે. કન્વેન્શનમાં તેમના ભાષણમાં તેમણે પોતાની પૃષ્ઠભૂમિ વિશે વાત કરી.
તેમણે ભારતથી આવેલાં તેમનાં માતાની સફર વિશે વાત કરી. તેમનાં માતાપિતા કેવી રીતે મળ્યાં, કૅલિફોર્નિયાના ઓકલૅન્ડમાં મધ્યમવર્ગીય પરિવારોની વસાહતમાં વીતેલા તેમના બાણપણ વિશે વાત કરી.
કમલા હૅરિસે પોતાનાં ભારતીય માતાને યાદ કરતાં કહ્યું કે, "હું મધ્યમ વર્ગમાંથી આવું છું. મારાં માતા કરકસરથી ઘર ચલાવતાં. અમે જેટલું પોસાય એટલામાં જ જીવતા. અમારી પાસે જેટલા અવસરો ઉપલબ્ધ હતા, તેનો સર્વશ્રેષ્ઠ લાભ અમે લઈએ તેવી તેઓ અપેક્ષા રાખતાં."
કમલા હૅરિસે પોતે વકીલ અને પછી સરકારી વકીલ કેમ બન્યાં, તે પણ જણાવ્યું હતું. તેમણે અદાલતોમાં પોતાના પ્રારંભિક દિવસો અને પછી નેતા તરીકે જનસેવાના દિવસો યાદ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "મારા કૅરિયરમાં મારા માત્ર એક જ ક્લાયન્ટ રહ્યા છે, એ છે જનતા."
ભવિષ્ય વિશે શું કહ્યું
કમલા હૅરિસે પોતાના ભાષણમાં અમેરિકાના આધુનિક રાજકારણમાં કડવાશ, દ્વેષપૂર્ણ વિભાજનકારી લડતથી આગળ વધીને એકતાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે "અમેરિકા પાસે નવી દિશામાં આગળ વધવા માટેનો અમૂલ્ય અને ક્ષણિક મોકો છે". જોકે આ નવી દિશા માટે તેમની પાસે શું યોજના છે તે વિશે તેમણે વધુ વિસ્તારથી કંઈ કહ્યું ન હતું.
પહેલાંના રાષ્ટ્રપતિપદના અનેક ઉમેદવારો કરતા આવ્યા છે તેમ જ એકતા અને વિભાજનથી ઉપર ઊઠવાની કમલા હૅરિસની અપીલ પણ ખૂબ અસ્પષ્ટ હતી.
કમલા હૅરિસે પોતાની નીતિઓ વિશે સ્પષ્ટતા નહોતી કરી. તેમણે સ્વાસ્થ્ય, આવાસ અને ખાણીપીણીની ચીજવસ્તુઓના ભાવ ઘટાડીને રોજિંદા જીવનમાં મોઘવારી ઓછી કરવાની વાત કરી. તેમણે ડેમોક્રેટિક કન્વેન્શનમાં ગર્ભપાતના અધિકારના અનેક વખત ચર્ચાયેલા મુદ્દા પર પણ વાત કરી હતી, કમલા હૅરિસે સ્વતંત્રતાના અધિકારને ટાંકતા ગર્ભપાતના અધિકારની વાત કરી.
તેમણે કહ્યું કે, "અમેરિકા ત્યાર સુધી ખરેખર સમૃદ્ધ નહીં બની શકે જ્યાં સુધી અમેરિકન લોકો સંપૂર્ણ રીતે પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર નહીં હોય, ખાસ કરીને દિલ અને ઘર-પરિવારના મામલામાં".
કમલા હૅરિસે પોતાના ભાષણમાં પોતાના બૉસ (જો બાઇડન)ની અને પોતાની નીતિઓ વચ્ચે અંતર દર્શાવવાનો પ્રયત્ન કર્યો અને પોતાને મધ્યમાર્ગીય-ડાબેરી મૉડરેટ નેતા તરીકે પ્રસ્તુત કર્યાં.
તેમણે કહ્યું કે,"હું જ્યાં જાઉં છું, જેને-જેને મળું છું, મને એક એવો દેશ દેખાય છે જે આગળ વધવા તૈયાર છે. અમેરિકાની અદ્ભુત સફરમાં આગળનું ડગલું લેવા માટે તૈયાર છે."
જોકે એ ડગલું શું હશે એ વિશે હજુ નક્કી થવાનું બાકી છે.
ગાઝા યુદ્ધને લઈને એ જ સંદેશ
ડેમોક્રેટિક પાર્ટીના સંમેલન સ્થળની બહાર પેલેસ્ટાઇનના સમર્થકોએ માર્ચ કરી હતી. હૅરિસે પોતાના ભાષણમાં વિદેશ નીતિ અને ગાઝા યુદ્ધ પર વિશેષ ધ્યાન આપ્યું હતું.
આ વિશે તેમના અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડનના વિચારોમાં ખૂબ જ ઓછું અંતર જોવા મળ્યું અને તેમણે ઘણી વખત પોતાને રાષ્ટ્રપતિની નીતિ સાથે જોડ્યા.
તેમણે કહ્યું, "હું અને રાષ્ટ્રપતિ બાઇડન 24 કલાક કામ કરી રહ્યાં છીએ. કારણ કે બંધકો માટે સમજૂતી અને યુદ્ધવિરામ કરવાનો સમય હવે આવી ગયો છે." તેમણે વાયદો કર્યો કે ઇઝરાયલ પાસે હંમેશાં પોતાની રક્ષા કરવાની ક્ષમતા રહેશે. તેમણે સાત ઑક્ટોબર 2023માં હમાસે કરેલા હુમલાની ક્રૂરતા વિશે ભારપૂર્વક વાત કરી હતી.
એક ક્ષણ માટે એવું લાગ્યું કે સંમેલનમાં તેમનું ભાષણ સાંભળી રહેલા કેટલાક લોકો તેમની મજાક ઉડાવશે. જોકે, હૅરિસ તરત જ પેલેસ્ટિનયનોની દુર્દશા વિશે વાત કરવા લાગ્યાં. તેમણે કહ્યું કે પેલેસ્ટિનયનોની પીડા "અત્યંત આઘાતજનક" છે.
જોકે, સંમેલનની બહાર પ્રદર્શનકારીઓને સંતોષવા માટે આ શબ્દો ભાગ્યે જ પૂરતા છે. તેઓ પોતના ઘરે પાછા જઈ શકે છે. કેટલાક લોકો મિશિગન જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યમાં એ વાત માનીને પાછા ફરશે કે હૅરિસના નેતૃત્વમાં પણ ગાઝા યુદ્ધને લઈને બાઇડનની જ નીતિ ચાલુ રહેશે.
"ટ્રમ્પ માણસ ગંભીર નથી પણ ગંભીર ખતરો છે"
બે દિવસ પહેલાં મિશેલ અને બરાક ઓબામાએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી.
કમલા હૅરિસે પણ પોતાના રિપબ્લિકન હરીફ પર નિશાન તાક્યું હતું, જોકે કમલા હૅરિસે જો બાઇડન સહિત ડેમોક્રેટિક નેતાઓ જેવાં કડક શબ્દો વાપરવાનું ટાળ્યું હતું.
તેમણે કહ્યું કે, "ટ્રમ્પ ઘણીખરી રીતે એવી વ્યક્તિ છે જે ગંભીર નથી. પણ ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી વ્હાઇટ હાઉસ મોકલવાનો ખતરો ઘણો ગંભીર છે."
તેમણે યુએસ કૅપિટોલમાં ટ્રમ્પના સમર્થકોએ કરેલા હુમલાની યાદ અપાવી અને તેમના પર સાબિત થયેલા ગુનાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
કમલા હૅરિસે રિપબ્લિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણી પ્રચારની બ્લૂપ્રિન્ટ એવા હેરિટેજ ફાઉન્ડેશન પ્રોજેક્ટની પણ ટીકા કરી છે જે આજકાલ ડેમોક્રેટિક પાર્ટીના નિશાના પર છે. જોકે ટ્રમ્પે આ પ્રોજેક્ટને ફગાવી દીધો છે, પણ કમલા હૅરિસે કહ્યું કે તેમના સલાહકારોએ તૈયાર કરેલો આ પ્લાન અમેરિકાને ભૂતકાળમાં ધકેલી શકે છે.
હૅરિસે રાષ્ટ્રપતિપદ માટે પોતાના પ્રચારને ભવિષ્ય વિરુદ્ધ ભૂતકાળની થીમ પર કેન્દ્રિત રાખ્યો છે. ઉમેદવારી સ્વીકારતા તેમણે જે ભાષણ આપ્યું તેમાં પણ તેમણે આ થીમને ધ્યાનમાં રાખી હતી.
આ રીતે તેમણે માત્ર પોતાના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ જ નહીં પણ જો બાઇડનની અલોકપ્રિય ગણાતી બાબતોથી પોતાની જાતને અલગ બતાવવાનો પ્રયત્ન કર્યો.
ઉલ્લેખનીય છે કે થોડાં અઠવાડિયાં પહેલાં જો બાઇડનને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા પણ તેઓ પોતાની ઉંમરને કારણે ખસી ગયા અને તેમણે કમલા હૅરિસને સમર્થન આપ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન