You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વીનેશ ફોગાટ : ઑલિમ્પિક મેડલની અંતિમ આશ પણ તૂટી, કોર્ટે અરજી ફગાવી
કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ્સ (સીએએસ)એ ભારતીય મહિલા પહેલવાન વીનેશ ફોગાટને પેરિસ ઑલિમ્પિકમાં અયોગ્ય ગણવાના નિર્ણય વિરુદ્ધ કરાયેલી અરજી ફગાવી દીધી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિએશનનાં અધ્યક્ષ પીટી ઊષાએ જણાવ્યું છે કે તેઓ આ નિર્ણયથી ભારે નિરાશ થયાં છે.
વીનેશ ફોગાટે અયોગ્ય ઠેરવવાની અને સંયુક્ત રૂપે સિલ્વર મેડલ આપવાની માગ કરી હતી, જે અરજી સિંગલ આર્બિટ્રેટે ફગાવી દીધી છે.
સીએએસએ આ પહેલાં નિર્ણય 16 ઑગસ્ટ સુધી ટાળી દીધો હતો. જોકે પાછળથી 14 ઑગસ્ટે વીનેશ વિરુદ્ધ નિર્ણય લીધો હતો.
આ પહેલાં 9 ઑગસ્ટે આર્બિટ્રેશન કોર્ટે આ મામલે સુનાવણી કરી હતી. આ દરમિયાન વીનેશ પણ વર્ચ્યુઅલી હાજર હતાં. 13 ઑગસ્ટે પણ આ કેસમાં સુનાવણી થઈ હતી.
વીનેશે આ અપીલ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ અને ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી વિરુદ્ધ કરી હતી.
બૉક્સરોએ આપી પ્રતિક્રિયા
આંતરરાષ્ટ્રીય કુસ્તી ખેલાડી બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, "માના પદક છીન ગયા તુમ્હારા ઇસ અંધકાર મે, હીરે કી તરફ ચમક રહી હો આજ પૂરે સંસાર મેં. વિશ્વવિજેતા હિંદુસ્તાનની આન, બાન, શાન, રૂસ્તમ-એ-હિંદ વીનેશ ફોગાટ તમે દેશનાં કોહિનૂર છો. સમગ્ર વિશ્વમાં વીનેશ ફોટાગ, વીનેશ ફોગાટ થઈ રહ્યું છે. જેને મેડલ જોઇતો હોય એ ખરીદી લે 15-15 રૂપિયામાં."
બૉક્સર વિજેન્દરસિંહે કહ્યું, "આપણા માટે આ અત્યંત દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. જો એ ફાઇનલ સુધી પહોંચી હોત તો આપણે ઑલિમ્પિકમાં ગોલ્ડ જીતી શક્યા હોત. આપણે વીનેશ સાથે છીએ અને હંમેશાં એમનું સમર્થન કરીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ઑલિમ્પિક સંઘનાં વડાં પીટી ઉષાએ આર્બિટ્રૅટરના ચુકાદા અંગે નિરાશા વ્યક્ત કરી છે. આ ચુકાદાને કારણે ન કેવળ વિનેશની કારકિર્દી ઉપર અસર થશે, પરંતુ અસ્પષ્ટ નિયમો તથા તેની વ્યાખ્યાઓ વિશે પણ સવાલ ઊભા થશે.
આઈઓએનું માનવું છે કે બે દિવસમાં આ રીતે બીજા દિવસે માત્ર 100 ગ્રામ વજનના તફાવતને કારણે એક ઍથ્લિટને અયોગ્ય ઠેરવવાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે. આ વાત ભારતના કાયદાકીય નિષ્ણાતોએ આર્બિટ્રૅટર સમક્ષ રજૂ કરી હતી.
વીનેશનો કેસ કડક તથા અમાનવીય નિયમો ઉપર પ્રકાશ પાડે છે, જેમાં ઍથ્લિટો વિશેષ કરીને મહિલા ઍથ્લિટોના શારીરિક તથા માનસિક તણાવને અવગણે છે.
વિવાદની પૃષ્ઠભૂમિ
7 ઑગસ્ટે પ્રિક્વાર્ટર ફાઇનલ, ક્વાર્ટરફાઇનલ તથા સેમી-ફાઇનલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વીનેશ ફોગાટે 50 કિલોગ્રામની શ્રેણીમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, આ સાથે જ તેમનું રજતપદક પાક્કું મનાતું હતું. આ સિદ્ધિ મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બન્યાં હતાં.
જોકે, ફાઇનલમાં સ્પર્ધાની ગણતરીનાં કલાકો પહેલાં તેમનું વજન 50 કિલોગ્રામ કરતાં 100 ગ્રામ વધુ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતાં.
આ પછી વીનેશની દલીલ હતી કે ફાઇનલ સુધીની સફર તેમણે નિયમ મુજબ જ ખેડી હોવાને કારણે તેમને રજતપદક આપવામાં આવે, પરંતુ સીએએસએ આ દલીલને નકારી કાઢી હતી.
આ પછી આઠમી ઑગસ્ટે ફોગાટે કુસ્તીને અલવિદા કરી દીધા. દેશ-વિદેશના અનેક ખેલાડીઓ અને રાજનેતાઓએ તેમને આશ્વાસન આપ્યું તથા તેમની પડખે રહ્યા.
વીનેશ ફોગાટ 'બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઑફ ધ ઇયરના 2022'નાં નૉમિની હતાં. બીબીસીનો આ ઍવૉર્ડ ભારતનાં મહિલા ખેલાડીઓ તથા તેમની સિદ્ધિઓને સન્માનિત કરવાનો, તેમણે જે મુશ્કેલીઓ પડે છે, તેના વિશે ચર્ચા કરવાનો તથા તેમની સાંભળેલી અને નહીં સાંભળેલી વાતોને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો ઉપક્રમ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન