કાશ પટેલ: ટ્રમ્પના ‘વફાદાર’ અને ગુજરાતી મૂળની આ વ્યક્તિને અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના પ્રમુખ બનાવાશે?

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે અધિકૃત રીતે નિયુક્તિઓ કરવી શરૂ કરી દીધી છે.

20મી જાન્યુઆરી, 2025ના રોજ ટ્રમ્પનો શપથ સમારોહ થશે. જે બાદ તેઓ અધિકૃત રીતે રાષ્ટ્રપતિપદની શક્તિઓ હાંસલ કરશે.

અમેરિકામાં નવનિર્વાચિત રાષ્ટ્રપતિ લગભગ 4 હજાર નિયુક્તિઓ કરી શકે છે. જેમાં ઘણા મહિનાનો સમય લાગે છે.

પહેલી અધિકૃત નિયુક્તિના રૂપમાં ટ્રમ્પે સુસન સમરૉલ વાઇલ્સ(સુજી વાઇલ્સ)ને પોતાના ચીફ ઑફ સ્ટાફ બનાવ્યાં છે. ટ્રમ્પના ચૂંટણી અભિયાનમાં સુસન સહ અધ્યક્ષ પણ હતાં.

આ ઉપરાંત તેમણે અમેરિકાની સરહદની જવાબદારી માટે ટૉમ હોમન, સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત માટે ઍલિસ સ્ટેફનિક અને પર્યાવરણ સંરક્ષણ એજન્સીના પ્રમુખ તરીકે લી જેલ્ડિનને પસંદ કર્યા છે.

ઘણાં નામો એવાં છે જેના પર અટકળો લગાવાઈ રહી છે કે તેમને ટ્રમ્પ પ્રશાસનમાં મોટી જવાબદારી મળી શકે છે.

આ નામોમાં ઘણા ભારતીય મૂળના લોકો પણ છે. વિવેક રામાસ્વામી ઉપરાંત એક મોટું નામ કશ્યપ પ્રમોદ પટેલ એટલે કે કાશ પટેલનું પણ છે.

44 વર્ષના કાશ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પના 'વફાદાર' માનવામાં આવે છે.

મળી શકે છે મોટી જવાબદારી

મીડિયા રિપોર્ટ્સમાં ચર્ચા છે કે ટ્રમ્પ પ્રશાસનમાં કાશ પટેલને અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએના પ્રમુખ બનાવવામાં આવી શકે છે.

સીઆઈએ એટલે કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી. જે વૈશ્વિક મુદ્દાઓ અને અલગ-અલગ દેશો મામલે ગુપ્ત માહિતી એકત્ર કરે છે જેને રાષ્ટ્રપતિ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને અન્ય સંસ્થાઓને આપવામાં આવે છે. આ ગુપ્ત માહિતી અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા નિર્ણયો લેવામાં મદદ કરે છે.

તેમાં આતંકવાદ સામે લડવાનું, પરમાણુ તથા ગેરપારંપારિક હથિયારોને રોકવાનું, વિદેશી જાસૂસોથી દેશનું રક્ષણ કરવું અને અન્ય દેશોની જાસૂસી કરવી જેવાં કામોનો સમાવેશ થાય છે.

અમેરિકાના વર્જિનિયામાં સીઆઈએનું વડુંમથક છે. આ એજન્સીના નિદેશક અમેરિકાના રાષ્ટ્રપતિ પસંદ કરે છે. જેના માટે સેનેટની મંજૂરી જરૂરી હોય છે. સીઆઈએના નિદેશક રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશકને રિપોર્ટ કરે છે.

ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં કામ

અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ કાશ પટેલ અમેરિકાના કાર્યવાહક સંરક્ષણ મંત્રી ક્રિસ્ટોફર મિલરના ચીફ ઑફ સ્ટાફ તરીકે કામ કરી ચૂક્યા છે.

તે પહેલાં પટેલ નેશનલ સિક્યૉરિટી કાઉન્સિલમાં રાષ્ટ્રપતિના ડેપ્યુટી આસિસ્ટન્ટ અને આતંકવાદ નિરોધક વિભાગના વરિષ્ઠ નિદેશક રહી ચૂક્યા છે.

સંરક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ કાર્યકાળ દરમિયાન પટેલે ઘણા અભિયાનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમના રહેતા આઈએસઆઈએસના પ્રમુખ અલ-બગદાદી, અલ-કાયદાના કાસિમ અલ રિમીને મારવા ઉપરાંત અમેરિકાના બંધકોની સુરક્ષિત વાપસી થઈ હતી.

તેઓ નૅશનલ ઇન્ટેલિજન્સના કાર્યવાહક નિદેશકના પ્રિન્સિપલ ડેપ્યુટી પણ રહી ચૂક્યા છે. આ ભૂમિકામાં તેઓ 17 ગુપ્તચર એજન્સીઓના સંચાલનની દેખરેખ રાખતા હતા અને તેઓ રાષ્ટ્રપતિને બ્રીફિંગ આપતા હતા.

નૅશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં સામેલ થવા પહેલાં પટેલે ગુપ્તચર મામલા પર સ્થાયી પસંદગી સમિતિ માટે વરિષ્ઠ વકીલ તરીકે પણ કામ કર્યું હતું.

અહીં તેમણે 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કથિત રીતે રશિયન અભિયાનોની તપાસનું નેતૃત્વ પણ કર્યું હતું.

કાશ પટેલ ઇન્ટેલિજન્સ કમ્યુનિટી અને યુએસ સ્પેશિયલ ઑપરેશન ફોર્સ માટે સંવેદનશીલ કાર્યક્રમોની દેખરેખ પણ કરી ચૂક્યા છે.

તેમણે દુનિયાભરમાં ઇન્ટેલિજન્સ અને કાઉન્ટર ટેરરિઝમને અબજો ડૉલર ફંડ આપનારા કાયદા બનાવવામાં પણ મદદ કરી હતી.

ગુપ્તચર મામલામાં સ્થાયી પસંદગી સમિતિ માટે કામ કરવા પહેલાં પટેલે અમેરિકાના ન્યાય વિભાગમાં આતંકવાદ અભિયોજક તરીકે પણ કામ કર્યુ હતું.

તેમણે પોતાની કૅરિયર એક વકીલ તરીકે શરૂ કરી હતી જ્યાં તેમણે હત્યા, ડ્રગ્સથી લઈને પેચીદા નાણાકીય અપરાધોના મામલાઓ કોર્ટમાં લડ્યા હતા.

કાશ પટેલનું અંગત જીવન

કાશ પટેલ ગુજરાતી પ્રવાસીના પુત્ર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા એક અમેરિકન ઍવિયેશન કંપનીમાં કામ કરતા હતા.

અમેરિકાના સંરક્ષણ વિભાગ પ્રમાણે પટેલ ન્યૂ યૉર્કના મૂળ નિવાસી છે. તેમણે રિચમંડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી છે. ન્યૂ યૉર્ક પરત ફરીને તેમણે કાયદાની ડિગ્રી પણ હાંસલ કરી.

તેમણે આંતરરાષ્ટ્રીય કાયદામાં બ્રિટનના યુનિવર્સિટી ઑફ લંડનથી સર્ટિફિકેટ પણ લીધું છે. તેમને આઇસ હૉકી રમવું પસંદ છે.

કાશ પટેલ ત્રિશૂલ નામની કંપની ચલાવે છે. વર્ષ 2023માં આ કંપનીએ ટ્રમ્પની વેબસાઇટ ટ્રૂથ સોશિયલમાંથી કન્સલ્ટિંગ ફીના રૂપે લગભગ એક કરોડ રૂપિયા લીધા હતા.

ત્રિશૂલે ટ્રમ્પ સમર્થક એવા 'સેવ અમેરિકા' એકમને પણ સલાહ આપવાનું કામ કર્યું છે. ત્યાંથી પણ ગત બે વર્ષોમાં તેણે એક કરોડ કરતાં વધારે ફીઝ વસૂલી હતી.

ત્રિશૂલે પ્રો-ટ્રમ્પ સેવ અમેરિકા યુનિટના સલાહકાર તરીકે પણ કામ કર્યું છે અને છેલ્લાં બે વર્ષમાં અહીંથી 1 કરોડથી વધુ રૂપિયા લીધા છે.

કાશ પટેલ તેમના પુસ્તક 'સરકારી ગેંગસ્ટર'માં લખે છે કે તેનો ઉછેર અમેરિકાના ક્વિન્સ અને લૉંગ આઇલૅન્ડમાં થયો હતો.

તેઓ લખે છે કે, "તેમના માતા-પિતા બહુ શ્રીમંત ન હતા. તેમનાં માતા-પિતા ભારતમાંથી વસાહતી હતા અને તેઓ હજુ પણ બાળપણમાં ડિઝની વર્લ્ડ જવાનું યાદ કરે છે.

તેઓ લખે છે, “ઘણાં ઇમિગ્રન્ટ માતા-પિતાની જેમ, મારાં માતા અને પિતાએ મને મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને મારા ધર્મ અને વારસા પ્રત્યે સભાન રહેવા કહ્યું હતું. આ કારણે જ મારો ભારત સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે."

કાશ લખે છે, "હું હિન્દુ પરિવારમાં ઉછર્યો હોવાથી, મારો પરિવાર મંદિરમાં જતો અને ઘરના મંદિરમાં પૂજા કરતો હતો."

તેઓ કહે છે કે તેઓ દિવાળી અને નવરાત્રી ખૂબ સારી રીતે ઉજવતા હતા.

તેઓ લખે છે, "બાળપણમાં મને ભારતીય લગ્નોમાં જવાનું યાદ છે, જે અન્ય પાર્ટીઓ કરતા અલગ હતા. ત્યાં એક અઠવાડિયા સુધી 500 લોકો સાથે ઉજવણી કરવી એ નાની વાત માનવામાં આવતી હતી."

કાશ લખે છે કે તેમનાં માતા ઘરમાં માંસ લાવવા દેતાં ન હતાં અને શાકાહારી ભોજન પીરસતાં હતાં, જેના કારણે મારે અને મારા પિતાને ક્યારેક બહાર જમવા જવું પડતું હતું.

તેઓ કહે છે કે જ્યારે પણ તેને બટર ચિકન ખાવાનું મન થતું ત્યારે તેઓ બહાર જતા હતા, પરંતુ તેમનાં માતાને તેની જાણ થઈ ગઈ.

કાશ ફાઉન્ડેશન

કાશ પટેલ, કાશ ફાઉન્ડેશન નામે એક સંસ્થા પણ ચલાવે છે. આ એનજીઓ સૈન્ય કર્મચારીઓ તથા કાયદા પ્રવર્તન એજન્સીઓને નાણાકિય સહાય કરે છે.

અમેરિકાના બાળકોને ભણતર માટે શિષ્યવૃત્તિ તથા વ્હિસલબ્લોઅર્સની મદદ માટે પણ એનજીઓ પૈસા ખર્ચ કરે છે.

એક ઇન્ટર્વ્યૂમાં તેમણે કહ્યું હતું કે આ એનજીઓ એ લોકોની મદદ કરે છે જેના પર 2021માં થયેલા કૅપિટલ હિલમાં થયેલાં રમખાણોના આરોપો લાગ્યા છે.

નવેમ્બર 2020માં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામોને પલટવાના આહ્વાન કરતા ટ્રમ્પના સમર્થકોએ કૅપિટલ હિલ પર ચઢાઈ કરી હતી. આ ભીડે સેનેટ કક્ષમાં પણ હુમલો કર્યો હતો જ્યાં હુમલાના થોડી વાર પહેલાં ચૂંટણીના પરિણામોને પ્રમાણિત કરવામાં આવ્યાં હતાં. આ ભીડ એ વાતથી પ્રેરિત હતી કે બાઇડનને 2020ની ચૂંટણીની જીતનું સર્ટિફિકેટ ન મળી શકે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.