પાંચ લોકોની વસતી, એક પેટ્રોલ પમ્પ અને કિંમત 38 કરોડથી વધુ, નાના એવા નગરને વેચવા કેમ કઢાયું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, લિકોલા,

ઇમેજ સ્રોત, Leanne O'Donnell

ઇમેજ કૅપ્શન, ડાબેથી બીજા ક્રમે દેખાતાં લિએન ઓ'ડોનેલ લિકોલામાં પોતાની દુકાનની સામે ઊભાં છે
    • લેેખક, ક્લેર કીનન
    • પદ, સિડની
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ઊબડખાબડ અને ઝાડીઝાંખરાવાળા વિક્ટોરિયન ક્ષેત્રમાં એક બાજુ લિકોલા નામનું નગર આવેલું છે. જ્યાં માત્ર પાંચ લોકોની વસતી છે.

એક સાદી એવી શેરીની આસપાસ અમુક છાપરાવાળી ઇમારતો, એક કરિયાણાની દુકાન, કૅરાવાન પાર્ક અને પેટ્રોલ સ્ટેશન ધરાવતું લિકોલા એ ઑસ્ટ્રેલિયાનું સૌથી નાનું નગર છે.

અને જો તમારી પાસે વધારાના પૈસા પડ્યા હોય તો તમે આ નગર ખરીદી પણ શકો. મેલબર્નથી ત્રણ કલાકના અંતરે આવેલું આ આખું ગામ વેચવા કઢાયું છે, જેનાથી એકમેક સાથે હળીમળીને રહેતા ત્યાંના રહેવાસીઓ આશ્ચર્યચકિત અને ગુસ્સામાં છે.

સ્થાનિક કૉમ્યુનિટી ક્લબની ખાનગી માલિકીવાળું લિકોલા ઘણા લાંબા સમયથી એ અલ્પાઇન નૅશનલ પાર્ક જતા મુસાફરો માટે ઈંધણ, ભોજન અને આરામ માટેનો વિસામો રહ્યો છે. એ યુવાનો માટે સંપર્ક અભિયાન ચલાવવાનો પાંચ દાયકા જૂનો ઇતિહાસ પણ ધરાવે છે.

પરંતુ લાયન્સ ક્લબની સ્થાનિક શાખાનું કહેવું છે કે હવે તેમને આ નગરનું સંચાલન કરવું પરવડે એવું નથી, અને તેમણે ગત વર્ષના અંત ભાગમાં આ નગરને છાનેછપને વેચવા પણ કાઢી દીધું.

વેચાણની આ દરખાસ્તે લિકોલાના કેટલાક જુસ્સાવાળા રહેવાસીઓ, આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિકો અને લાયન્સ ક્લબ સ્ટેટ મેમ્બર્સનાં મનમાં નગરના ભવિષ્ય અંગે ચિંતા જન્માવી છે.

આ મેમ્બર્સનું કહેવું છે કે આ દરખાસ્ત પહેલાં તેમની સાથે યોગ્ય રીતે મસલત નહોતી કરાઈ.

'ઘરથી છેટું આવેલું ઘર'

વિક્ટોરિયાના ઊંચાણવાળા વિસ્તારોમાં મહાકાય મેકાલિસ્ટર નદીના કાંઠે વસેલું આ નગર, લિકોલા એક સમયે ખરેખર લાકડાની મિલ હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અહીં કામ કરતા લોકો માટે અમુક ઇમારતો બનાવવાની સાથે વર્ષ 1950માં આ નગરનું નિર્માણ કર્યું હતું.

1968માં જ્યારે આ મિલ બંધ થઈ, લાયન્સ ક્લબે આ આખી જગ્યાનો કબજો મેળવ્યો અને તેને એક કૅમ્પમાં તબદીલ કરી દીધો.

વંચિત યુવાનો અને બાળકો તેમજ ખાસ જરૂરિયાતવાળાં જૂથો શાળાની રજા ગાળવા માટે આ કૅમ્પનો ઉપયોગ કરી શકતાં.

કૅમ્પથી થોડે દૂર પણ તેમણે જમીન લીધી, જેના પર હાલ લિકોલાની કરિયાણાની દુકાન અને કૅરાવાન પાર્ક આવેલાં છે.

હાલ લિકોલાની કરિયાણાની દુકાન ચલાવતાં લિએન ઓ'ડોનેલ અને તેમનું કુટુંબ જ આ નગરના રહેવાસીઓ છે. તેઓ ત્યાં પોતાનાં બાળકો પૈકી એક અને તેમના શ્રેષ્ઠ મિત્ર તેમજ તેમનાં બે સંતાનો સાથે ત્યાં રહે છે.

ઓ'ડોનેલ બીબીસીને કહે છે કે, "આ એક અદ્ભુત જગ્યા છે."

"જ્યારે હું અહીં પહેલી વાર આવી ત્યારે લોકો મારી દુકાને આવીને કહેતા કે, 'તું લિકોલામાં રહીને ઝાઝું કમાઈ નહીં શકે' અને તેમને હું કહેતી કે, 'કોણે કહ્યું કે હું અહીં પૈસા કમાવવા આવી છું?'"

ઓ'ડોનેલે આ બિઝનેસ 2022માં ખરીદ્યો, પરંતુ તેઓ ઇમારતનાં માલકણ નથી, તેઓ કહે છે કે તેમણે જ્યારે આ માટેની લીઝ પર સહી કરેલી ત્યારે તેમને એવો વિશ્વાસ અપાવાયો હતો કે આ લીઝ 15 વર્ષના ગાળા સુધી વધારાશે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, લિકોલા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લિકોલા જિપ્સલૅન્ડ ક્ષેત્રમાં આવેલી મેકાલિસ્ટર નદીના કાંઠે આવેલું છે

પ્રથમ દિવસથી જ ઓ'ડોનેલ લિકોલાને લોકો માટે "ઘરથી છેટું આવેલું ઘર" બનાવવા માગતાં હતાં.

લિકોલાના મુલાકાતી, અહીં કામ કરનારી કે અહીંથી પસાર થનારી લગભગ દરેક વ્યક્તિ પાસે ઓ'ડોનેલનો સંપર્ક નંબર છે.

જેમાં ટ્રક ડ્રાઇવરો અને કન્ટ્રી ફાયર ઑથૉરિટી પણ સામેલ છે.

ઓ'ડોનેલ આ નગર અને અહીં આસપાસ રહેતી કૉમ્યુનિટી માટે ખૂબ જુસ્સાથી ભરાયેલાં છે, જોકે, હવે તેઓ આ દુકાનનો કબજો ગુમાવવાની સ્થિતિનો સામનો કરી રહ્યાં છે.

"હું આ નગરને અત્યંત પ્રેમ કરું છું... જો આ ડેવલપરોના હાથમાં પડી જશે અને તેનું સ્વરૂપ બદલાઈ જશે, તો એ વાત મારું દિલ તોડી નાખશે."

લિકોલાને વેચવા કઢાયું છે એ વાતની ઓ'ડોનેલને પહેલી વાર ખબર 2025ના જાન્યુઆરી માસમાં પડી હતી.

ચૅરિટી સંસ્થા દ્વારા આ નગરનું સંચાલન કરવા માટે નિમાયેલા લાયન્સ વિલેજ લિકોલા બોર્ડે તેમને આ જાણકારી આપી હતી.

ઓ'ડોનેલ કહે છે, "તેમણે મને કહ્યું કે તેમનો વેપાર પાછલાં પાંચ કે છ વર્ષથી નુકસાનમાં ચાલી રહ્યો છે અને મેં તેમને પૂછ્યું, 'તો હું તમને શી મદદ કરી શકું?'"

"તેમણે મને જવાબ આપ્યો કે જો તમારી પાસે અમુક મિલિયન ડૉલર ન હોય તો તમે આમાં ઝાઝું કંઈ નહીં કરી શકો."

પરંતુ ઓ'ડોનેલ મદદ કરવાની પોતાની વાત પર અડગ રહ્યાં, તેમણે ગામ માટે ફાળો એકઠો કરવાની પેશકશ કરી અને બોર્ડને કહ્યું કે અહીંની બૉર્ડર કૉમ્યુનિટી મદદ કરવા માટે ઇચ્છુક હશે.

ઓ'ડોનેલ કહે છે કે, પરંતુ બોર્ડે પોતાનો આગ્રહ ન છોડ્યો. છેલ્લે તેમણે કહ્યું, "તો શું તમે મારો બિઝનેસ ખરીદવાના છો?"

તેમણે કહ્યું, "બોર્ડે કહ્યું, ના, અમે તમારો બિઝનેસ એમ જ લઈ લઈશું, કારણ કે અમે ત્યાંની જમીન અને ઇમારતોના માલિક છીએ."

"અને તમારે અહીંનું બધું સમેટી નીકળી જવાનું છે. એ સમયે એ વાત મારા મગજમાં ન ઊતરી."

કાનૂની સલાહ લીધા બાદ ઓ'ડોનેલને ઝડપથી સમજાઈ ગયું કે, તેમણે લીઝ સાઇન કરી હોવાને કારણે બોર્ડ આવું કરી શકે.

"બીજે ક્યાંક, હું મારા વેપારને બીજી ઇમારતમાં શિફ્ટ કરી શકું... લિકોલા સિવાય અન્ય ક્યાંય એ વાતની તકલીફ ન પડે."

પરંતુ અહીં, બીજે ક્યાંય જવા માટે કોઈ જગ્યા નથી.

ડિસેમ્બર સુધી, ઓ'ડોનેલને ઑનલાઇન રિયલ એસ્ટેટ લિસ્ટિંગમાં નગરનું નામ દેખાયું, જે મુજબ આ નગરના વેચાણ માટેની કિંમત છ મિલિયન ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે 38,32,43,040 ભારતીય રૂપિયા (31 જાન્યુઆરી, 2026) રખાઈ હતી.

અરજીઓ અને ધમકીઓ

આ વેચાણની દરખાસ્તની આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિકો ઑનલાઇન ભારે ટીકા કરી રહ્યા છે.

ઘણા ઓ'ડોનેલ સાથે થઈ રહેલા વર્તન અંગે નાખુશ છે અને તેમને ચિંતા છે કે તેમનું આ વહાલું નગર મૃત્યુ પામશે અથવા એક ધંધાકીય કેન્દ્ર બની જશે.

લિકોલાના કૅરાવાન પાર્ક & જનરલ સ્ટોરના આધિકારિક ફેસબુક પેજ પર એક યૂઝરે કૉમેન્ટ કરી કે, "આ નગરમાં રહેલી દુકાન પર લોકો આધાર રાખે છે, અને ધંધા માટે સારી સિઝન દરમિયાન તેને બંધ કરવી એ મૂર્ખામીથી ઝાઝું કંઈ નહીં હોય."

અન્ય એક વ્યક્તિએ કહ્યું આ નગરને વેચવાથી "લિકોલા આવતા અને વર્ષોથી ત્યાં કૅમ્પ કરતા ઘણા વિક્ટોરિયન્સને અસર થશે. "

અન્ય એક કૉમેન્ટ પ્રમાણે, "લાયન્સ, લિકોલા ગામ અને કૅમ્પના ભૂતકાળના એવા ઘણા નેતા છે, જે હાલ મૃત્યુ પામ્યા છે, એ બધા પોતાની કબરમાંય આ વાતથી ચિંતિત હશે."

અન્ય એક વિક્ટોરિયન લાયન્સ મેમ્બરે લાયન્સ વિલેજ લિકોલા બોર્ડને લખ્યું, તેમણે બોર્ડ પર જરૂરી પ્રક્રિયા અનુસર્યા વગર વિસ્તૃત લાયન્સ ક્લબ મેમ્બર્સ સાથે મસલત કર્યા વગર કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો.

દુકાન બચાવવા માટેની ઑનલાઇન અરજી, 'રિન્યૂ ધ લીઝ ઍન્ડ લેટ લિએન સ્ટે,' પર આઠ હજાર કરતાં વધુ લોકોએ સહી કરી છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઑસ્ટ્રેલિયા, લિકોલા,

ઇમેજ સ્રોત, Licola Wilderness Village/Google Maps

ઇમેજ કૅપ્શન, લિકોલા વિલ્ડરનેસ વિલેજની તસવીર, જ્યાં લાયન્સ ક્લબ વંચિત યુવાનો માટે કૅમ્પ આયોજિત કરી ચૂકી છે

વિરોધ વધતાં, લાયન્સ વિલેજ લિકોલા બોર્ડે કહ્યું કે તેમના સ્ટાફને ધમકીઓ મળી રહી છે, તેથી તેઓ નગરમાંથી તેમને પાછા બોલાવી લેવાનો વિચાર કરી રહ્યા છે.

બીબીસીને આપેલા નિવેદનમાં, એક પ્રવક્તાએ કહ્યું કે નગરના સંચાલન અંગેના રિવ્યૂ બાદ આ વેચાણની દરખાસ્ત કરાઈ હતી, આ રિવ્યૂ અંગે વિક્ટોરિયામાં રહેલા દરેક મેમ્બરને જાણ કરાઈ હતી.

રિવ્યૂ બાદ, બોર્ડને જણાયું કે લાયન્સ ક્લબ માટે આગળ આ ગામનું સંચાલન કરવાનું ચાલુ રાખવું શક્ય નથી. જેના માટે વધતા ખર્ચ, વીમાની રકમ, રહેઠાણોની ઉંમર, સ્કૂલની મુલાકાતો અને કૅમ્પના આયોજનને મુખ્ય કારણો ગણાવ્યાં.

નિવેદનમાં કહેવાયું, "વેચાણનો નિર્ણય હળવાશથી નહોતો લેવાયો."

ચૅરમૅન ડેનિસ કરુથર્સે કહ્યું હતું કે લાયન્સ વિલેજના મિશનને બચાવવાની બોર્ડની જવાબદારી છે, આ મિશન કંઈક આવું છે - વંચિત યુવાનોને ટેકો આપવો. ના કે માત્ર ભૌતિક સ્થળને.

તેમણે બીબીસીને જણાવ્યું, "લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નરોને આ અંગે માહિતી અપાઈ છે અને તેઓ સપોર્ટ કરી રહ્યા છે."

બોર્ડે પોતાના નિવેદનમાં એવું પણ જણાવ્યું કે, "આર્થિક તાણના સમયગાળામાં આવક જાળવી રાખવા માટે ઓ'ડોનેલની લીઝ રિન્યૂ નહોતી કરાઈ." ઓ'ડોનેલને આ વર્ષે 31 જાન્યુઆરી સુધી દુકાન ખાલી કરવા જણાવાયું છે.

નિવેદનમાં કહેવાયું છે કે, લિકોલાની સંપત્તિ અને ભવિષ્યમાં થનારા ફાયદાનું રોકાણ નવી સંસ્થામાં કરાશે, જે સમગ્ર વિક્ટોરિયામાં વ્યવસાયિક રીતે ચાલતા કૅમ્પોમાં બાળકો હાજરી આપી શકે એ સુનિશ્ચિત કરશે.

હાલની સ્થિતિએ લિકોલામાં કૅમ્પ્સ ચાલશે કે નહીં એ ખ્યાલ નથી. કરુથર્સે ઉમેર્યું, ઓછી સંખ્યાને કારણે જાન્યુઆરીમાં યોજાનાર કૅમ્પ રદ કરાયો હતો.

નવા માલિક કોણ હશે અને તેઓ આ નગર સાથે શું કરવા ધારશે એ હજુ ખબર નથી.

પરંતુ, તેમણે કહ્યું, "આ સંપત્તિમાં ઘણાને રસ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન