શુભમન ગિલને ભારતીય ટીમના વાઇસ કૅપ્ટન કેમ બનાવાયા?

બીબીસી ગુજરાતી ક્રિકેટ ટીમ શુભમન ગિલ ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે ગિલને ભારતીય ટીમના વાઇસ કૅપ્ટન બનાવાયા છે
    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ સ્પૉર્ટ્સ પત્રકાર

પાકિસ્તાન અને દુબઈમાં યોજાનારી આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે ભારતે પસંદ કરેલી ટીમમાં ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની વાપસી અને મોહમ્મદ સિરાજની ગેરહાજરી એ બે મહત્ત્વની બાબતો છે.

આ ઉપરાંત શુભમન ગિલને ટીમના વાઇસ-કૅપ્ટન બનાવીને પસંદગી સમિતિએ તેની ભવિષ્યની યોજનાઓના સંકેત આપ્યા છે.

પસંદગીકર્તાઓએ ગયા વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ વખતે ટીમમાંથી બહાર થયા પછી શ્રેયસ અય્યર પર ફરીથી ભરોસો મૂક્યો છે.

તેમણે ઘરેલુ સિઝનમાં રનોનો ઢગલો કર્યો તેનું તેમને ઈનામ મળ્યું છે.

શમીનું પુનરાગમન ઉત્સાહજનક

બીબીસી ગુજરાતી ક્રિકેટ ટીમ શુભમન ગિલ ભારત પાકિસ્તાન મોહમ્મદ શમી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સર્જરી પછી શમી ટીમમાંથી બહાર થઈ ગયા

મોહમ્મદ શમી વર્ષ 2023માં યોજાયેલા આઇસીસી વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટો ઝડપનાર બૉલર હતા.

વર્લ્ડકપમાં તેઓ સતત એડીની ઈજાનો સામનો કરતા હતા. તેમણે સતત પેઇનકિલર ઇન્જેક્શન લઈને રમવું પડતું હતું.

મોહમ્મદ શમી ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એકલિઝ ટેન્ડનની સર્જરી કરાવ્યા પછી ટીમમાંથી બહાર નીકળ્યા હતા.

ભારતીય ટીમના ઑસ્ટ્રેલિયા પ્રવાસની ત્રીજી ટેસ્ટમાં શમી ટીમમાં પુનરાગમન કરશે તેવી આશા હતા. તેનું કારણ એ હતું કે ઘરેલુ ક્રિકેટમાં તેઓ સફળ રહ્યા હતા.

શમીને ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ટી-20 સિરીઝની ટીમમાં પસંદ કરવામાં આવતા એ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ ચૅમ્પિયન્સ ટ્રૉફીની ટીમમાં સિલેક્ટ થવાના છે.

બધા જાણે છે કે ઑસ્ટ્રેલિયા પ્રવાસ વખતે જસપ્રીત બુમરાહને સારા જોડીદાર ફાસ્ટ બૉલર ન મળવાના કારણે ભારતના પ્રદર્શનને અસર થઈ હતી.

ગિલને વાઇસ કૅપ્ટન બનાવવા એ ભવિષ્ય માટે સંકેત

બીબીસી ગુજરાતી ક્રિકેટ ટીમ શુભમન ગિલ ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છેલ્લી કેટલીક મૅચોમાં ગિલે પોતાની આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું છે

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પછી ભારતીય ટીમમાં નવા કૅપ્ટન વિશે વાત થઈ રહી હતી.

શુભમન ગિલને પહેલાં ઇંગ્લૅન્ડ સામે વનડે સિરીઝ અને હવે ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે વાઇસ કૅપ્ટન બનાવવાથી એવો સંકેત જરૂર મળે છે કે પસંદગીકારોને તેમાં ભવિષ્યના કૅપ્ટન દેખાય છે.

બીજી તરફ યશસ્વી જયસ્વાલે પણ છેલ્લાંકેટલાક સમયમાં બેટિંગ દ્વારા પોતાની ધાક જમાવી છે.

તેઓ આક્રમક રીતે રમવામાં વિશ્વાસ ધરાવે છે અને જરૂર પડે ત્યારે તેમનું ડિફેન્સ પણ ઘણું મજબૂત છે.

યશસ્વી જયસ્વાલે 19 ટેસ્ટમાં 1798 રન અને 23 ટી-ટ્વેન્ટી મૅચમાં 723 રન બનાવતા તેમને વનડે ટીમમાં જગ્યા મળી છે.

આમ તો એવી આશા રાખવામાં આવે છે કે રોહિત શર્મા અને શુભમન ગિલ ભારતીય ઇનિંગને શરૂ કરશે. પરંતુ જયસ્વાલની હાજરી ગિલ પર સારું પ્રદર્શન કરવા માટે દબાણ ટકાવી રાખશે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

બુમરાહ રમશે તો ભારતીય બૉલિંગ વેધક બનશે

બીબીસી ગુજરાતી ક્રિકેટ ટીમ શુભમન ગિલ ભારત પાકિસ્તાન જસપ્રીત બુમરાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જસપ્રીત બુમરાહ પીઠના દુખાવાથી પરેશાન છે

જસપ્રીત બુમરાહને ટીમમાં પસંદ તો કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ ફિટ થાય તે માટે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી રાહ જોવામાં આવશે. બુમરાહ ફિટ થઈ જશે તો ભારતીય બૉલિંગની ધાર વધી જશે.

પસંદગી સમિતિએ બુમરાહ માટે કોઈ વૈકલ્પિક બૉલરની પસંદગી નથી કરી.

ભારત 19 ફેબ્રુઆરીથી રમવાની શરૂઆત કરશે અને ત્યાં સુધીમાં બુમરાહની પીઠની સમસ્યાનો ઉકેલ આવી જશે તેવી આશા છે.

ઇંગ્લૅન્ડ વિરુદ્ધ સિરીઝમાં બુમરાહે વિકલ્પ તરીકે હર્ષિત રાણાની પસંદગી કરી છે. તેના પરથી લાગે છે કે બુમરાહ સમયસર ફિટ નહીં થાય તો હર્ષિત રાણા ટીમમાં સામેલ થવા માટે તૈયાર હશે.

ટીમમાં ઑલરાઉન્ડર્સને સમાવવા પર ભાર

બીબીસી ગુજરાતી ક્રિકેટ ટીમ શુભમન ગિલ ભારત પાકિસ્તાન હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ જેવા ઑલરાઉન્ડરોને ટીમમાં સ્થાન અપાયું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય ટીમની પસંદગીને જોતા લાગે છે કે ઑલરાઉન્ડરોની પસંદગી પર ભાર મૂકવામાં આવ્યો છે. ટીમમાં ઑલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરની પસંદગી કરવામાં આવી છે.

આનાથી બેટિંગ ચોક્કસપણે મજબૂત થશે અને જરૂર પડે તો નીચલા ક્રમમાંથી પણ રનોની જરૂરિયાત પૂરી કરી શકાય છે, પરંતુ સમસ્યા એ છે કે આ ઑલરાઉન્ડરોમાં મોટા ભાગે સ્પિનરો છે.

પરંતુ ઑલરાઉન્ડરો પર ભાર મૂકવાના કારણે ટીમમાં માત્ર ત્રણ ઝડપી બૉલરોની પસંદગી થઈ શકી હતી. આપણે બધા જાણીએ છીએ કે ભારતે તેની મૅચ દુબઈમાં રમવાની છે અને ત્યાંની પીચ હંમેશાં ઝડપી બૉલરો માટે અનુકૂળ રહી છે.

આ કારણસર ચાર સ્પિનરો અને ત્રણ ઝડપી બૉલરોની પસંદગીથી ટીમ સંતુલિત દેખાતી નથી.

હાર્દિક પંડ્યા ટીમમાં ચોથા ફાસ્ટ બૉલર હશે એ વાત સાચી. પરંતુ બુમરાહ, શમી અને અર્શદીપસિંહને સાથ આપવા માટે ટીમમાં અન્ય એક ફાસ્ટ બૉલરની પસંદગી કરવામાં આવે તો સારું થાત.

વાસ્તવમાં જસપ્રીત બુમરાહ ફિટ ન હોય ત્યારે ભારતીય પેસ આક્રમણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં પેસ બૉલિંગની વેધકતા ઓછી દેખાય છે.

બુમરાહ ફિટ થઈ ગયા પછી 2023 આઇસીસી વર્લ્ડકપ પછી પ્રથમ વખત મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાની ત્રિપુટી સાથે રમતી જોવા મળશે.

સિરાજની ગેરહાજરી નડી શકે

બીબીસી ગુજરાતી ક્રિકેટ ટીમ શુભમન ગિલ ભારત પાકિસ્તાન મોહમ્મદ સિરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ સિરાજને ટીમમાં જગ્યા નથી મળી

મોહમ્મદ સિરાઝ ઑસ્ટ્રેલિયાની ટૂર દરમિયાન ફૉર્મમાં ન હતા, પરંતુ પ્રવાસના અંત સુધીમાં ફૉર્મમાં આવી ગયા હતા. તેમનું નામ ટીમમાં સામેલ નથી જે આશ્ચર્યની વાત છે.

હકીકતમાં જોવામાં આવે તો ટીમમાં ચાર સ્પિનર પસંદ થવાના કારણે સિરાઝને ટીમમાં જગ્યા નથી મળી.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ એક ટીવી ચેનલના પ્રોગ્રામમાં જણાવ્યું કે "મારે ટીમ પસંદ કરવાની હોત તો ત્રણ સ્પિનર અને ચાર ફાસ્ટ બૉલર પસંદ કર્યા હોત. ટીમમાં મોહમ્મદ સિરાઝને ચોક્કસ સમાવ્યા હોત. તેનું કારણ છે કે શારજાહ અને દુબઈની પીચ પર સ્પિનર્સ કંઈ ખાસ કરી શકતા નથી."

ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને કોચ ગૌતમ ગંભીર બંને આઇસીસી વનડે વર્લ્ડકપની જેમ સ્પિનરોના ઉપયોગની તરફેણ કરે છે. તેથી જ ટીમમાં એક ફાસ્ટ બૉલર ઓછો હોય છે.

ભારતે દુબઈમાં જે પીચ પર રમવાનું છે ત્યાં હાલમાં આઇએલટી-20ની મૅચો રમાય છે.

આ વિકેટ પર રમાયેલી ચાર મૅચમાં ફાસ્ટ બૉલરોને 41 વિકેટો મળી છે જ્યારે સ્પિનર્સને માત્ર આઠ વિકેટ મળી છે.

શ્રેયસ અય્યર અને કુલદીપથી ટીમ મજબૂત બની

બીબીસી ગુજરાતી ક્રિકેટ ટીમ શુભમન ગિલ ભારત પાકિસ્તાન શ્રેયસ ઐયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિજય હજારે ટ્રોફીમાં શાનદાર સદીઓ ફટકારીને શ્રેયસે સિલેક્શન સમિતિનું ધ્યાન આકર્ષિત કર્યું

શ્રેયસ અય્યરે 2023ના વર્લ્ડકપમાં 530 રન બનાવીને જોરદાર સફળતા મેળવી હતી. પરંતુ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં તેમના ખરાબ પ્રદર્શન બાદ તેઓ એકદમ ભુલાઈ ગયા.

તેમને ગયા વર્ષે ઑગસ્ટમાં શ્રીલંકા સામે તક મળી જેનો તેઓ ફાયદો ન લઈ શક્યા.

તાજેતરમાં શ્રેયસે વિજય હજારે ટ્રૉફીમાં બે સદી ફટકારીને પોતાનું ફૉર્મ પાછું મેળવી લીધું હતું. શ્રેયસના આગમનથી ભારતીય મિડલ ઑર્ડર મજબૂત બનશે.

આમ પણ શ્રેયસ કોઈ પણ દબાણ વગર બેટિંગ કરવામાં વિશ્વાસ ધરાવે છે.

કુલદીપ યાદવે પાછલા કેટલાક સમયમાં ઘણો સારો દેખાવ કર્યો હતો. પરંતુ ગયા વર્ષે ઑક્ટોબરમાં પીઠની તકલીફના કારણે તેમણે ટીમમાંથી નીકળી જવું પડ્યું હતું.

બે મહિના અગાઉ તેમણે સર્જરી કરાવી છે અને ફરીથી તેઓ સારા ફૉર્મમાં દેખાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.