અમિત શાહે કહ્યું, 'અમારી પાસે બંધારણ બદલવા 10 વર્ષથી બહુમતી હતી, પણ...'

ભારતીય જનતા પાર્ટીના 400થી વધુ બેઠકો જીતવાના ટાર્ગેટ અને તેના દ્વારા તે બંધારણ બદલવા ઇચ્છે છે એવા આરોપોનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું હતું કે, “બંધારણ બદલવા માટેનો બહુમત અમારી પાસે દસ વર્ષથી હતો. દેશની પ્રજાએ જ અમને બહુમતી આપી છે અને પ્રજાને ખ્યાલ છે કે મોદીજી પાસે અત્યારે જ બંધારણ માટે પર્યાપ્ત બહુમતી છે. ”

અમિત શાહે કહ્યું હતું કે, “400 બેઠકો અમારે એટલા માટે લાવવી છે કે અમારે દેશમાં રાજકીય સ્થિરતા લાવવી છે, દેશને દુનિયામાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા માટે, 70 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને પાંચ લાખ સુધીની મફત સારવાર આપવા માટે અમારે 400 બેઠકો જોઈએ છે.”

અમિત શાહે કહ્યું હતું કે, “હાલમાં અમારી પાસે બહુમતી છે તેનો ઉપયોગ કેવી રીતે કર્યો એ જોવાની જરૂર છે. અમે કલમ 370 હઠાવી, ત્રિપલ તલાકનો કાયદો લાવ્યા, રામમંદિર બનાવ્યું વગેરે કામ અમે કર્યા છે.”

અહીં ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ, અરવિંદ કેજરીવાલ સહિતના તમામ વિપક્ષી નેતાઓ ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે કે ભાજપને બંધારણ બદલવું છે જેથી તેમને 400 બેઠકો લાવવી છે. રાહુલ ગાંધી તેમની રેલીઓમાં બંધારણની પુસ્તિકા બતાવતા પણ નજરે પડે છે.

આપનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે શું કહ્યું?

દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મુખ્ય મંત્રી નિવાસસ્થાને 14 મેના રોજ બનેલી ઘટના સંદર્ભે પોલીસને તેમનું નિવેદન આપી દીધું છે.

14 મેના રોજ બનેલી ઘટના સંદર્ભે દિલ્હી મહિલા આયોગનાં પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પહેલી વાર સાર્વજનિક રીતે તેમનો પક્ષ મૂક્યો છે.

તેમણે લખ્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. પ્રાર્થના કરનારાનો હું આભાર માનું છું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને સ્ટેટમેન્ટ આપી દીધું છે. જેમણે મારા ચારિત્ર્યહનનનો પ્રયાસ કર્યો અને કહ્યું કે હું બીજા પક્ષના કહેવાથી આ કરી રહી છું, ભગવાન તેમનું પણ ભલું કરે. દેશમાં મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓ ચાલી રહી છે. સ્વાતિ માલીવાલ મહત્ત્વનાં નથી, દેશના મુદ્દા મહત્ત્વપૂર્ણ છે.”

અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને તેમના અંગત સચિવ વિભવકુમારે મારપીટ કરી હોવાની વાત સામે આવી હતી.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે સવારે 9:34એ એક મહિલાએ પીસીઆરને કૉલ કરીને કહ્યું હતું કે મુખ્ય મંત્રી નિવાસસ્થાને તેમના પર હુમલો થઈ રહ્યો છે. ત્યાર બાદ સ્વાતિ માલીવાલ પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં.

પીસીઆર કૉલ ઍન્ટ્રીમાં નોંધાયું છે કે, “લેડી કૉલર બોલી રહ્યાં હતાં કે હું અત્યારે મુખ્ય મંત્રીના ઘરે છું. તેમણે તેમના પીએ વિભવકુમારના હાથે મને ખરાબ રીતે મારા માર્યો છે.”

ચીન પ્રવાસે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, શી જિનપિંગ સાથે મુલાકાત કરી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસ ચીનના પ્રવાસે છે.

પુતિન ગુરુવારે ચીન પહોંચ્યા હતા અને તેમની મુલાકાતના પહેલા દિવસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના 'મહત્ત્વપૂર્ણ' સંબંધો અંગે ચર્ચા કરી હતી.

શી જિનપિંગે કહ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો રાજકીય ઉકેલ લાવવો જોઈએ.

જોકે, શી જિનપિંગે તે કેવા પ્રકારનો ઉકેલ હશે તે વિશે કશું કહ્યું ન હતું.

રશિયાના રાષ્ટ્રપતિ તરીકે પાંચમી વખત શપથ લીધા બાદ પુતિન ચીનની મુલાકાતે ગયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી પુતિન પશ્ચિમી દેશો પર અલોકતાંત્રિક હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે અમેરિકા અને તેના સહયોગીઓએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.

જોકે, આ સમયગાળા દરમિયાન ચીન રશિયાની આર્થિક સ્થિતિને ગતિશીલ રાખવામાં મદદરૂપ સાબિત થયું છે.