ગુજરાતથી હજારો કિમી દૂર સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું, 290 કિમીની ઝડપે પવન ફૂંકાયો

બીબીસી ગુજરાતી વાવાઝોડું ચક્રવાત હરિકેન મેલિસા જમૈકા કેરેબિયન વરસાદ પવન પૂર હવામાન

ઇમેજ સ્રોત, csu

ઇમેજ કૅપ્શન, કૅરેબિયન સમુદ્ર પર સર્જાયેલા હરિકેન મેલિસાની સૅટેલાઇટ તસવીર

એક તરફ અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં મોંથા વાવાઝોડાના કારણે દરિયાકિનારાનાં રાજ્યોમાં ઍલર્ટની સ્થિતિ છે.

આ દરમિયાન ગુજરાતથી હજારો કિમી દૂર કૅરેબિયન ટાપુઓ પર એક એવું ચક્રવાતી વાવાઝોડું સર્જાયું છે, જેને આ વર્ષે દુનિયાનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગણવામાં આવે છે.

કૅરેબિયન ટાપુઓને હાલમાં હરિકેન મેલિસા તબાહી મચાવી રહ્યું છે, જેના કારણે જમૈકામાં ભારે નુકસાન થયું છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે મેલિસા વાવાઝોડું હવે કૅટેગરી-5માંથી કૅટેગરી-4 પર આવી ગયું છે અને ક્યુબા તરફ આગળ વધી રહ્યું છે.

આ શક્તિશાળી વાવાઝોડું મંગળવારે જમૈકા પહોંચ્યું હતું ત્યારે 295 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. 28 લાખ લોકોની વસતી ધરાવતા ટાપુ પર આ સૌથી શક્તિશાળી વાવાઝોડું છે.

અમેરિકાના નૅશનલ હરિકેન સેન્ટરનું કહેવું છે કે હજુ પણ સ્થિતિ અત્યંત ખતરનાક અને જીવન માટે જોખમી છે. નવી માહિતી પ્રમાણે પવનની ગતિ 205 કિમી પ્રતિ કલાક છે. જમૈકાવાસીઓને હાલમાં શેલ્ટરોમાં જ રહેવાની અને બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે.

બીબીસીના અહેવાલ પ્રમાણે આ વિસ્તારમાં હજારો લોકો અત્યારે વીજળી કે ફોનની સુવિધા વગર રહે છે.

જમૈકાના પૂર્વમાં 10થી 20 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 8થી 12 ફૂટ ઊંચાં મોજાં ઊછળવાની આગાહી છે.

જમૈકાના ઇતિહાસમાં આટલું શક્તિશાળી વાવાઝોડું અગાઉ ક્યારેય ત્રાટક્યું નથી.

જમૈકા ઉપરાંત ક્યુબા અને દક્ષિણ-પશ્ચિમ બહામાસ માટે પણ વાવાઝોડાની વિનાશક અસરની ચેતવણી આપવામાં આવી છે.

પ્રચંડ વેગથી પવન ફૂંકાવાનું શરૂ

બીબીસી ગુજરાતી વાવાઝોડું ચક્રવાત હરિકેન મેલિસા જમૈકા કેરેબિયન વરસાદ પવન પૂર હવામાન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, વાવાઝોડા અને સતત વરસાદના કારણે જમૈકામાં હજારો ઝાડ ઊખડી ગયાં છે

બીબીસીના વિલ ગ્રાન્ટના અહેવાલ પ્રમાણે જમૈકાના લોકો કેટલાય દિવસથી હરિકેન મેલિસાનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યા છે. સૅટેલાઇટ તસવીરો પરથી જોઈ શકાતું હતું કે વાવાઝોડું વધુને વધુ શક્તિશાળી બનીને આગળ વધતું જાય છે. હવે વાવાઝોડું નજીક આવી ગયું છે ત્યારે તેની અસર દેખાઈ રહી છે. હાલમાં 270 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે જે વધીને 290 કિમી સુધી પહોંચી શકે છે.

આગામી અમુક કલાકોમાં 102 સેમી અથવા 40 ઇંચ વરસાદ પડવાની આગાહી છે જેના કારણે પૂર આવશે અને ચારે બાજુ નદીઓનાં પાણી ફરી વળે તેવી શક્યતા છે.

જમૈકા સરકારે પૉર્ટ રૉયલ સહિતના દરિયાકિનારે આવેલાં શહેરોમાં લોકોને ખસેડવાના આદેશ આપી દીધા છે. હજારો લોકોએ સરકારી શેલ્ટરમાં આશરો લીધો છે, પરંતુ કેટલાય લોકો પોતાનું ઘર છોડીને જવા તૈયાર નથી.

હાલમાં ઍરપોર્ટ બંધ કરી દેવાયું છે અને યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી સંસ્થાઓ સરકાર સાથે સંકલન કરી રહી છે. ઇમરજન્સી સેવાઓ માટે 3.30 કરોડ ડૉલરનું બજેટ ફાળવાયું છે.

બીબીસી ગુજરાતી વાવાઝોડું ચક્રવાત હરિકેન મેલિસા જમૈકા કેરેબિયન વરસાદ પવન પૂર હવામાન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વાવાઝોડું ત્રાટકે તે અગાઉ કિંગસ્ટનના દરિયાકિનારે પ્રચંડ વેગથી મોજાં ટકરાઈ રહ્યાં છે

વાવાઝોડું કેટલું નુકસાન કરશે

બીબીસી ગુજરાતી વાવાઝોડું ચક્રવાત હરિકેન મેલિસા જમૈકા કેરેબિયન વરસાદ પવન પૂર હવામાન

ઇમેજ સ્રોત, csu

ઇમેજ કૅપ્શન, કૅરેબિયન સમુદ્રના વિસ્તારમાં કેટલાય દાયકાથી આટલું શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું નથી

હરિકેન મેલિસાના કારણે જમૈકાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થવાનો અંદાજ છે. રોડ-રસ્તા, ઇમારતો, વીજળીના થાંભલા, ખેતીવાડીને સૌથી વધારે નુકસાન થવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રી મૅથ્યૂ કેપુચીએ બીબીસીને જણાવ્યું કે જમૈકાના ઇતિહાસમાં આટલું શક્તિશાળી વાવાઝોડું ક્યારેય નથી આવ્યું.

અગાઉ 1981માં જમૈકામાં ગિલ્બર્ટ નામે હરિકેન (વાવાઝોડું) આવ્યું હતું જેમાં 49 લોકોનાં મોત થયાં હતાં. આ વાવાઝોડું જમૈકા પહોંચ્યું ત્યારે તે કૅટેગરી-થ્રીમાં આવતું હતું. તેની સરખામણીમાં હાલમાં આવેલું મેલિસા વાવાઝોડું કૅટેગરી-5માં આવે છે. એટલે કે તે વધુ વિનાશક હોઈ શકે છે.

મેથ્યુ કેપુચીએ કહ્યું કે કૅટેગરી-5નાં વાવાઝોડાં તો ઘણાં સર્જાય છે, પરંતુ તે જમીન સુધી પહોંચી શકતાં નથી.

શાળાઓ, ઍરપૉર્ટ બંધ કરવા આદેશ

બીબીસી ગુજરાતી વાવાઝોડું ચક્રવાત હરિકેન મેલિસા જમૈકા કેરેબિયન વરસાદ પવન પૂર હવામાન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વાવાઝોડાની શક્તિને ધ્યાનમાં રાખીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

જમૈકાના વડા પ્રધાન ઍન્ડ્રુ હોલ્નેસે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ફરજિયાત બીજે મોકલી દેવા આદેશ આપ્યો છે. તમામ શાળાઓમાં રજા આપી દેવાઈ છે. દેશનાં બે ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પણ બંધ કરવામાં આવ્યાં છે.

નૅશનલ હરિકેન સેન્ટરનું કહેવું છે કે હરિકેન મેલિસાના કારણે "વિનાશક અસર જોવા મળશે અને જમૈકામાં જીવલેણ પૂર" આવી શકે છે. તેના કારણે ક્યુબા અને બહામાસ સુધી અત્યંત ભારે વરસાદ પડશે, ઘણી જગ્યાએ ભૂસ્ખલન થશે.

આ દરમિયાન દરિયામાં 13 ફૂટ ઊંચા મોજાં ઊછળી શકે છે. જમૈકાના માહિતી પ્રધાન ડેના મોરિસે બીબીસીને કહ્યું કે, "વરસાદના કારણે જમીન પહેલેથી સંતૃપ્ત છે, તે હવે વધારે વરસાદ સહન કરી શકે તેમ નથી. તેથી હવે પૂર આવશે અને પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થવાની શક્યતા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન