‘મારા પર બળાત્કાર કરનારા લોકોને એવું લાગતું હતું કે ...’

રેગિના મેરી નોડવુ

ઇમેજ સ્રોત, Paul Mahlasela

ઇમેજ કૅપ્શન, રેગિના મેરી નોડવુ

રેગિના મેરી નોડવુ કહે છે કે તેઓ ઘરના આગળના બગીચામાં રમી રહ્યાં હતાં ત્યારે તેમની એક ભરોસાપાત્ર વ્યક્તિએ પ્રથમ વખત તેમનું જાતીય શોષણ કર્યું હતું.

એ ઘટનાને યાદ કરતાં રેગિના કહે છે, “તેણે મને મીઠાઈ ઓફર કરી હતી અને મને તેના ખોળામાં બેસવા કહ્યું હતું. હું તેના ખોળામાં બેઠી ત્યારે તેમણે મારા ડ્રેસમાં હાથ નાખ્યો હતો અને મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો.”

રેગિનાના જણાવ્યા મુજબ, તેમનું પ્રથમ વખત જાતીય શોષણ કરવામાં આવ્યું ત્યારે તેઓ માત્ર આઠ વર્ષના હતાં અને તે પહેલી અને છેલ્લી ઘટના ન હતી.

રેગિના જણાવે છે કે દક્ષિણ આફ્રિકાના એન્નરડેલ ખાતેના તેમના ઘરે એ માણસ તેમના માતા-પિતાને મળવાને બહાને ફરીવાર આવ્યો હતો. પછીના વર્ષોમાં તેણે તેણે ઘણી વખત રેગિના પર જાતીય હુમલા કર્યા હતા અને બળાત્કાર કર્યો હતો.

બીબીસી સાથેની વાતચીતમાં રેગિનાએ જણાવ્યું હતું કે તે એકમાત્ર એવો પુરુષ ન હતો. તેમના પર વર્ષોથી સેક્સુઅલ અને નોન-સેક્સુઅલ હુમલા કરવામાં આવતા રહ્યા છે.

34 વર્ષના રેગિનાના કહેવા મુજબ, તેઓ આલ્બિનિઝમથી પીડાતા હોવાને લીધે હુમલાખોરે તેમને નિશાન બનાવ્યાં હતાં. આલ્બિનિઝમ એક વારસાગત રોગ છે, જે ત્વચાને રંગ આપતા રંગદ્રવ્ય મેલાનિનના ઉત્પાદનને અસર કરે છે.

રેગિના સમજાવે છે, "આલ્બિનિઝમથી પીડાતી વ્યક્તિ પર બળાત્કાર કરવાથી વ્યક્તિ ક્યારેય બીમાર પડતી નથી, એવી ખોટી માન્યતાને લીધે આવું થયું હતું."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ માન્યતા આલ્બિનિઝમ સંબંધી ઘણી ખતરનાક દંતકથાઓ પૈકીની એક છે.

ઝામ્બિયામાં જન્મેલાં દક્ષિણ આફ્રિકાના આ અભિનેત્રી ઘણાં વર્ષો સુધી ડિપ્રેશન સામે લડ્યાં પછી હવે આલ્બિનિઝમ સાથે જીવતા લોકોને વધુ સારી રીતે સમજવાની હિમાયત કરી રહ્યાં છે.

રેગિના દસ વર્ષ પહેલાં 24 વર્ષની વયે લખતાં-વાંચતાં શીખ્યાં હતાં. તેમ છતાં તેમણે આલ્બિનિઝમ તથા પોતાના જીવન વિશેનું નાટક લખ્યું છે તેમજ તેમાં અભિયન પણ કર્યો છે.

થોડા સમય પહેલાં જ માતા બનેલા રેગિના, તેમણે આલ્બિનિઝમને કારણે જે સહન કરવું પડ્યું છે તેવું અન્ય લોકોએ સહન ન કરવું પડે તે સુનિશ્ચિત કરવા ઇચ્છે છે.

આલ્બિનોના શ્વેત વાળના ગુચ્છાથી નસીબ બહેતર બને છે અને ધનવાન થઈ શકાય છે, એવું કેટલાક લોકો માને છે, જ્યારે બીજા લોકો આ બાબતે વધારે ભયંકર ગેરસમજ ધરાવે છે. એક ગેરસમજ એવી પણ છે કે આલ્બિનો વ્યક્તિ પર બળાત્કાર કરવાથી એચઆઈવીનો ઇલાજ પણ થઈ શકે છે.

કોવિડ-19 ફાટી નીકળ્યા પછી એવી અફવા પણ ફેલાઈ હતી કે આલ્બિનો કોરોનાવાઈરસને પણ મટાડી શકે છે.

આલ્બિનિઝમથી પીડાતા લોકોનું અપહરણ અને હત્યા કરવામાં આવ્યાનું પણ જાણવા મળ્યું છે. તેનું કારણ, આવા લોકોનાં શરીરના અંગો જાદુઈ શક્તિ ધરાવતા હોવાની ખોટી માન્યતા છે.

રેગિનાના કહેવા મુજબ, તેઓ મોટાં થયાં પછી જ તેમને આલ્બિનિઝમ સંબંધી માન્યતાઓ વિશે જાણવા મળ્યું હતું, પરંતુ તેમને હંમેશા લાગતું હતું કે તેઓ અલગ છે.

રેગિના કહે છે, “હું પાંચ વર્ષની હતી ત્યારે અમારા બગીચાના છેડે આવેલા દરવાજે બાળકોનું ટોળું રોજ એકઠું થતું હતું.”

બાળકો રમવાં આવ્યાં હશે એમ ધારીને રેગિના તેમની પાસે જતાં ત્યારે બાળકો ભાગી જતાં હતાં.

એક મહિલા તેમની પુત્રી સાથે યાર્ડમાં ન આવ્યાં ત્યાં સુધી રેગિના એમ જ માનતા હતાં કે આ રમતનો એક ભાગ છે.

રેગિના કહે છે, “એ નાનકડી છોકરી મારી તરફ નજર કરીને રડી પડી હતી. તેને એવું લાગ્યું હતું કે હું એક રાક્ષસ છું અને તેથી હું ખરેખર પરેશાન થઈ ગઈ હતી.”

રેગિનાની બાળપણની તસવીર

ઇમેજ સ્રોત, Handout

ઇમેજ કૅપ્શન, રેગિનાની બાળપણની તસવીર

રેગિનાએ એ પણ જોયું છે કે તેમના સહપાઠીઓ બાજુમાંથી પસાર થતા હતા ત્યારે ટી-શર્ટની અંદર થૂંકતા હતા.

એ ચેષ્ટા એક અંધવિશ્વાસ હોવાની ખબર રેગિનાને બાદમાં પડી હતી. લોકો એવું માનતા હતા કે આ રીતે થૂંકવાથી તેમને ત્યાં અલ્બિનો બાળકનો જન્મ નહીં થાય. તેમને અભિશાપમાંથી મુક્તિ મળશે.

આલ્બિનિઝમને લીધે રેગિનાને સ્કૂલમાં પણ બહુ તકલીફ થતી હતી. આલ્બિનિઝમને લીધે તેમની દૃષ્ટિ ધૂંધળી હોવાથી તેઓ બ્લેકબોર્ડ જોઈ શકતા ન હતાં અને બહુ લાંબે સુધી જોઈ શકતા ન હતાં.

તેમણે આ બાબતે ફરિયાદ કરી ત્યારે શિક્ષકે કહ્યું હતું કે તેમના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરી શકાશે નહીં.

લખી-વાંચી ન શકવાને કારણે રેગિનાએ સ્કૂલ છોડવી પડી હતી. તેનો અર્થ એ હતો કે તેઓ નોકરી શોધી શક્યાં ન હતાં. જોકે, 2013માં તેમને બાઈબલની ઓડિયો બૂક મળી અને તેમનું જીવન બદલાઈ ગયું.

રેગિના કહે છે, “હું પુસ્તકો જોતી ત્યારે સ્તબ્ધ થઈ જતી હતી. એ મને બેવકૂફીનો અહેસાસ કરાવતી હતી અને મારી દુનિયા અટકી જતી હતી.”

“જોકે, મેં ઓડિયોબૂક્સ સાંભળવાનું શરૂ કર્યું પછી મને સમજાયું હતું કે ધ્વનિ અને શબ્દો વચ્ચે એક સુંદર સંબંધ છે. મારા માટે દુનિયાના દ્વાર ઉઘડી ગયાં હતાં.”

તેમને અભિનયની દુનિયાથી પરિચિત કરાવવામાં આવ્યાં હતાં અને યંગ આફ્રિકન લીડર્સ ઇનિશિયેટિવની મદદથી તેમણે ‘મેરી, માય વોઇસ’ નામનું એકપાત્રીય નાટક લખ્યું હતું તથા પર્ફોર્મ કર્યું હતું.

રેગિના કહે છે, “હું નાની હતી ત્યારે આલ્બિનોથી પીડાતા લોકોને સ્ક્રીન પર જરાય પ્રતિનિધિત્વ મળતું ન હતું. હું તે બદલવા ઈચ્છું છું.”

રેગિનાના નાટકમાંથી પ્રેરણા પામીને એક પ્રેક્ષકે તેમને વાંચવા-લખવાના મૂળભૂત ટ્યુશન માટે ખાનગી ટ્યુટરની પોતાના ખર્ચે વ્યવસ્થા કરી આપી હતી.

રેગિના કહે છે, “વાંચવું અને લખવું મને આજે પણ મુશ્કેલ લાગે છે, પરંતુ એક વાત છે કે હવે હું પહેલાં જેટલી ભયભીત નથી.”

રેગિનાને આશા છે કે એક દિવસ તેઓ તેમની દીકરીને હોમવર્કમાં મદદ કરી શકશે.

રેગિના મુશ્કેલ ગર્ભાવસ્થા બાદ રાહત અનુભવી રહ્યાં છે અને હાલ નવાસવા માતૃત્વની આંટીઘૂંટીમાંથી પસાર થઈ રહ્યા છે.

પોતાની નવજાત પુત્રી બોહલે સાબેલો ઇસાબેલને પ્રેમથી રમાડતાં તેઓ કહે છે, “જુઓ, એ કેટલી સુંદર છે.”

બોહલેને આલ્બિનિઝમની તકલીફ નથી, પરંતુ રેગિના કહે છે કે તે આલ્બિનિઝમ સાથે જન્મી હોત તો પણ તેઓ ખુશ હોત.

તેઓ કહે છે, “તે એક એવી બાબત છે, જેને પ્રેમ કરવાનું હું શીખી છું. એ મારી દુનિયા છે અને મને જે તક નથી મળી એ તેને આપવા ઈચ્છું છું.”