નૅધરલૅન્ડના એ બે ખેલાડી જેમણે દિગ્ગજ દ. આફ્રિકાને ધ્વંસ કરી વર્લ્ડકપમાં બીજો અપસેટ સર્જ્યો

નૅધરલૅન્ડ દક્ષિણ આફ્રિકા

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્લ્ડકપમાં અપસેટ સર્જાવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે અને અફઘાનિસ્તાન બાદ હવે નૅધરલૅન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે.

ગત 15 ઑક્ટોબરે જ વર્લ્ડકપનો મેજર અપસેટ સર્જતાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને મોટા અંતરથી હરાવ્યું હતું. આ મૅચના બે દિવસ બાદ નૅધરલૅન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને નવો ઇતિહાસ રચ્યો છે.

ધર્મશાળામાં રમાયેલી વર્લ્ડકપની 15મી મૅચમાં નૅધરલૅન્ડે મોટો ઊલટફેર સર્જતાં દક્ષિણ આફ્રિકાને 38 રને હરાવી દીધું છે.

પ્રથમ બેટિંગ કરતા નૅધરલૅન્ડે આઠ વિકેટે 245 રન બનાવ્યા હતા. જીતવા માટેના 246 રનના સ્કોરનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની આખી ટીમ માત્ર 207 રન જ બનાવી શકી હતી.

નૅધરલૅન્ડના પૂંછડિયા બેટ્સમેનોનું શ્રેષ્ઠ પ્રદર્શન

નૅધરલૅન્ડ દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, ANI

વરસાદને કારણે 43 ઑવરની આ મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાનો નિર્ણય સાચો ઠર્યો હોય તેવું લાગ્યું હતું.

એક સમયે નૅધરલૅન્ડનો સ્કોર 15 ઑવરમાં માત્ર 50 રનનો હતો અને તેમણે 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ નૅધરલૅન્ડના કૅપ્ટન સ્કૉટ એડવર્ડ્ઝે 69 બૉલમાં 78 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેના કારણે નૅધરલૅન્ડ 43 ઑવરમાં 245 રન જેવા મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. એડવર્ડ્ઝે 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

એડવર્ડ્ઝે લૅગ સાઇડ પર એક હાથે એક જ સ્ટાઇલમાં ફટકારેલી કેટલીક બાઉન્ડરીઝ દર્શનીય હતી. બીજા છેડે તેમને રૉઇલૉફ વાન ડર મર્વે અને આર્યન દત્તાનો સાથ મળ્યો હતો, જેમણે અનુક્રમે 29 અને 23 રન નોંધાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકા તરફથી માર્કૉ જેન્સને 8 ઑવરમાં 27 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

આફ્રિકાની નબળી શરૂઆત

નૅધરલૅન્ડ દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, ANI

આ જ વર્લ્ડકપની તેની પ્રથમ બે મૅચમાં ઑસ્ટ્રેલિયાને 134 રને અને શ્રીલંકાને 102 રને હરાવીને આત્મવિશ્વાસથી ભરપૂર દક્ષિણ આફ્રિકાની ટીમ નૅધરલૅન્ડને આસાનીથી હરાવી દેશે તેમ મનાતું હતું. પરંતુ વરસાદી વાતાવરણમાં 246 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે જાણે કે શરૂઆતમાં જ શરણાગતિ સ્વીકારી લીધી હતી.

નૅધરલૅન્ડની બૉલિંગની કમાલને કારણે દક્ષિણ આફ્રિકાએ માત્ર 11.2 ઑવરમાં 44 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી.

246 રનના સ્કોરનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાનો કોઈ બૅટ્સમૅન અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો. ડૅવિડ મિલર દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ બૅટ્સમૅન રહ્યા હતા. તેમણે 43 રનની ઇનિંગ રમી હતી, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. તેમના સિવાય કેશવ મહારાજે 40 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેમણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

નૅધરલૅન્ડના લોગન વાન બીકે 8.5 ઑવરમાં 60 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને ટીમની જીતમાં અગત્યનો ફાળો આપ્યો હતો.

દક્ષિણ આફ્રિકાન સમગ્ર ટીમ 207 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી અને નૅધરલૅન્ડે 38 રનથી જીત મેળવી હતી.

જીત બાદ નૅધરલૅન્ડના કૅપ્ટને શું કહ્યું?

નૅધરલૅન્ડ દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, ANI

નૅધરલૅન્ડના કૅપ્ટન સ્કૉટ એડવર્ડ્ઝે આ ઐતિહાસિક જીત પછી કહ્યું હતું કે, “ આ અત્યંત ગર્વની ક્ષણ છે. અમે આ વર્લ્ડકપમાં ઊંચી અપેક્ષાઓ સાથે આવ્યા છીએ. અમારી પાસે ઘણા સારા ખેલાડીઓ છે. પ્રથમ જીત મેળવીને અમે ખુશ છીએ. અમને આશા છે કે અમે હજુ વધુ મૅચ જીતીશું. અમે જરૂરી રિસર્ચ અને પ્રૅક્ટિસ સાથે મેદાનમાં ઊતર્યા હતા. કેટલાક દિવસો અમારા પ્લાન સફળ થાય છે છે અને કેટલાક દિવસો તે સફળ નથી થતા. મને ખાતરી છે કે ઘણા બધા ચાહકોએ આ જીત જોઈ હશે. અમે આ જીતથી અત્યંત ખુશ છીએ.”

હાર પછી દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બાવુમાએ સ્વીકાર્યું હતું કે તેમની ફિલ્ડિંગ આ મૅચમાં અતિશય ખરાબ હતી અને તેમણે ખૂબ ઍક્સટ્રા રન આપ્યા હતા. તેમણે એવું પણ સ્વીકાર્યું હતું કે તેઓ નૅધરલૅન્ડને 200 રન સુધી જ રોકી શક્યા હોત.

ક્યા રેકૉર્ડ સર્જાયા?

નૅધરલૅન્ડે વર્લ્ડકપના ઇતિહાસમાં આ ત્રીજી જીત મેળવી છે. આ પહેલાં તેણે નામિબિયા અને સ્કૉટલૅન્ડ સામે જીત મેળવી હતી. જોકે, ‘ફુલ ક્રિકેટ નેશન’ સામે તેમણે પ્રથમ વાર જીત મેળવી છે.

પ્રથમ વાર એવું બન્યું છે કે દક્ષિણ આફ્રિકા કોઈ ઍસોસિયેટ દેશ સામે મૅચ હાર્યું હોય.

દક્ષિણ આફ્રિકાએ છેલ્લી છ મૅચમાં નોંધાવેલો આ સૌથી ઓછો સ્કોર છે. છેલ્લી પાંચ મૅચમાં તેણે બે વખત 400 થી વધુનો સ્કોર અને ત્રણ વખત 300થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો.

નૅધરલૅન્ડના સ્કૉટ ઍડવર્ડ્ઝને અણનમ 78 રન અને 3 કૅચ ઝડપવા બદલ 'પ્લૅયર ઑફ ધી મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.

આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજાથી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તેણે ત્રણ મૅચ રમી છે જેમાંથી બે મૅચ જીતી છે અને એક મૅચ હારી છે.