ઈન્ડોનેશિયાની ગુફામાંથી મળેલા ચિત્રોએ માનવઇતિહાસની કઈ માન્યતાને બદલી કાઢી?

ઇમેજ સ્રોત, Ahdi Agus Oktaviana
- લેેખક, પલ્લબ ઘોષ
- પદ, વિજ્ઞાન સંવાદદાતા
- વાંચવાનો સમય: 3 મિનિટ
ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પરથી મળી આવેલી, હાથ વડે દોરવામાં આવેલી 'સ્ટેન્સિલ્ડ' રૂપરેખા વિશ્વનું સૌથી જૂનું જાણીતું ગુફા ચિત્ર હોવાનું સંશોધકોએ જણાવ્યું છે.
સંશોધકોના મતે, આ ચિત્ર એક હાથની આઉટલાઈન દર્શાવે છે, જેની આંગળીઓને ફરીવાર એવી રીતે આલેખવામાં આવી હતી કે જેથી તે પંજા જેવી દેખાય. આ પ્રતીકાત્મક કલ્પનાશક્તિની પ્રારંભિક હરણફાળનો સંકેત આપે છે.
આ ચિત્ર ઓછામાં ઓછું 67,800 વર્ષો પહેલાંનું છે, જે સ્પેનમાંથી મળી આવેલા વિવાદાસ્પદ 'હેન્ડ સ્ટેન્સિલ' કરતાં પણ 1,100 વર્ષ પુરાણું છે. આ શોધ એ દલીલને મજબૂત બનાવે છે કે આપણી પ્રજાતિ 'હોમો સેપિયન્સ', કેટલાક સંશોધકોની ધારણા કરતાં આશરે 15,000 વર્ષ પહેલાં જ ઑસ્ટ્રેલિયા-ન્યૂ ગિનીના 'સાહુલ' તરીકે ઓળખાતા વિશાળ ભૂમિભાગ પર પહોંચી ગઈ હતી.
સુલાવેસી પર છેલ્લા એક દાયકા દરમિયાન થયેલી શોધોએ એ જૂના વિચારને ઉપરતળે કરી નાખ્યો છે કે આપણી પ્રજાતિમાં કળા અને અમૂર્ત વિચારસરણીનો ઉદ્ભવ હિમયુગના યુરોપમાં અચાનક થયો હતો. ગુફા કળાને માનવજાતે પ્રતીકાત્મક રીતે વિચારવાનું શરૂ કર્યું તેની મુખ્ય નિશાની માનવામાં આવે છે—એવી કલ્પનાશક્તિ જે ભાષા, ધર્મ અને વિજ્ઞાનનો પાયો છે.
શરૂઆતનાં આ ચિત્રો અને કોતરકામ દર્શાવે છે કે આદિમાનવ માત્ર વિશ્વ પ્રત્યે પ્રતિક્રિયા જ નહોતો આપતો, પરંતુ તેનું પ્રતિનિધિત્વ કરતો હતો; તે કથાઓ અને પોતાની ઓળખ શેર કરતો હતો, જે અન્ય પ્રજાતિઓએ ક્યારેય કર્યું નથી.
ઑલિયાની ગ્રિફિથ્સ યુનિવર્સિટીના પ્રોફેસર એડમ બ્રુમે આ પ્રોજેક્ટનું સહ-નેતૃત્વ કર્યું હતું. તેમણે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે, આ નવીનતમ શોધ વિશે 'નેચર' જર્નલમાં અહેવાલ પ્રકાશિત થયો છે. આ શોધ એ દૃષ્ટિકોણને પુષ્ટિ આપે છે કે માનવજાતમાં સર્જનાત્મકતા જન્મજાત હતી અને તેના પુરાવા આફ્રિકા સુધી ફેલાયેલા છે.
તેમણે ઉમેર્યું, "90ના દાયકાના મધ્યમાં જ્યારે હું યુનિવર્સિટીમાં હતો, ત્યારે અમને શીખવવામાં આવતું કે માણસોમાં સર્જનાત્મકતાનો વિસ્ફોટ યુરોપના એક નાનકડા ભાગમાં થયો હતો. પરંતુ હવે ઈન્ડોનેશિયામાં મળેલા પુરાવાઓને કારણે આ 'યુરોપકેન્દ્રી' તર્કનું ટકવું મુશ્કેલ છે."
સૌથી જૂનું સ્પેનિશ ગુફા ચિત્ર પશ્ચિમ સ્પેનની માલ્ટ્રાવિએસો ગુફામાં આવેલું એક 'રેડ હેન્ડ સ્ટેન્સિલ' છે, જે આશરે 66,700 વર્ષ જૂનું છે. અલબત્ત, તે વિવાદાસ્પદ છે અને કેટલાક નિષ્ણાતો માને છે કે તે એટલું જૂનું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હજારો વર્ષ જૂનાં ચિત્રો મળી આવ્યાં

સુલાવેસીમાંથી 2014માં ઓછામાં ઓછી 40,000 વર્ષ જૂની 'હેન્ડ સ્ટેન્સિલ્સ' અને પ્રાણીઓની આકૃતિઓ મળી આવી હતી. ત્યારબાદ 44,000 વર્ષ જૂનું શિકારનું એક દૃશ્ય મળ્યું અને પછી 51,200 વર્ષ જૂનું એક કથાત્મક ભૂંડ તથા માનવનું ચિત્ર મળી આવ્યું હતું.
પ્રોફેસર મેક્સિમ ઓબર્ટના જણાવ્યા મુજબ, દરેક નવી શોધ છબી નિર્માણના ઇતિહાસને સમય કરતાં વધુ પાછળ ધકેલી રહી છે. તેમણે કહ્યું, "અમે 40,000 વર્ષના યુગથી શરૂઆત કરી હતી, જે યુરોપનો પણ સમય હતો. પરંતુ હવે સુલાવેસીમાં રોક આર્ટના પુરાવાઓ આપણને વધુ 28,000 વર્ષ પાછળ લઈ ગયા છે."
આ નવીનતમ ચિત્રો દક્ષિણ-પૂર્વીય સુલાવેસીના મુના નામના નાના ટાપુ પરની 'લિયાંગ મેટાન્ડુ' ગુફામાંથી મળ્યાં છે. અહીં પ્રાચીન કળાકારે ગુફાની દિવાલ પર પોતાનો હાથ રાખી તેની આસપાસ રંગદ્રવ્ય છાંટીને સ્પ્રે-પેઈન્ટિંગ કર્યું હતું. જ્યારે હાથ ઉઠાવી લેવામાં આવ્યો, ત્યારે ખડક પર એક 'નેગેટિવ આઉટલાઈન' રહી ગઈ હતી.
ખનિજના પાતળા પડ નીચે ઢંકાયેલું આ સ્ટેન્સિલ 67,800 વર્ષ જૂનું છે, જે તેને વિશ્વનું સૌથી જૂનું અને વિશ્વસનીય ગુફા ચિત્ર બનાવે છે.
પથ્થર પર ચિત્રકામ માટેની સેંકડો સાઇટ્સ મળી આવી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૂળ સ્ટેન્સિલ બનાવ્યા પછી, આંગળીઓની રૂપરેખાને કાળજીપૂર્વક ચિતરવામાં આવી હતી જેથી તે પંજા જેવી લાગે. પ્રોફેસર બ્રુમે નોંધ્યું કે આપણી સહોદર પ્રજાતિ 'નિએન્ડરથલ્સ' દ્વારા સ્પેનમાં 64,000 વર્ષ પહેલાં જે ચિત્રો બનાવાયા હતા, તેમાં આવી કળાના પ્રયોગો જોવા મળતા નથી.
મુના ટાપુ પરની આ શોધ સૂચવે છે કે ગુફાની દિવાલો પર ચિત્રો બનાવવાનું કાર્ય કોઈ સ્થાનિક પ્રયોગ નહોતો, પરંતુ સમગ્ર પ્રદેશમાં ફેલાયેલી એક સંસ્કૃતિ હતી. ઈન્ડોનેશિયન સાથીઓ દ્વારા વર્ષો સુધી કરવામાં આવેલા ફિલ્ડ વર્કમાં અંતરિયાળ વિસ્તારોમાંથી સેંકડો નવી સાઈટ્સ મળી આવી છે.
લિયાંગ મેટાન્ડુ ગુફા આશરે 35,000 વર્ષ સુધી કળાત્મક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહી હોવાનું જણાય છે, જેમાં 20,000 વર્ષ જૂનાં ચિત્રોનો પણ સમાવેશ થાય છે.
સુલાવેસી એશિયા અને પ્રાચીન 'સાહુલ' વચ્ચેના સમુદ્રી માર્ગ પર આવેલું હોવાથી આ તારીખો ઑસ્ટ્રેલિયન આદિવાસીઓના પૂર્વજોના આગમન વિશે સીધો સંકેત આપે છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે હોમો સેપિયન્સ આશરે 50,000 વર્ષ પહેલાં સાહુલ પહોંચ્યા હતા, પરંતુ હવે આ પુરાવા સૂચવે છે કે 65,000 વર્ષ પહેલાંની તેમની હાજરીની શક્યતા વધુ પ્રબળ છે.
ઈન્ડોનેશિયાની નેશનલ રિસર્ચ ઍન્ડ ઇનોવેશન એજન્સીના અધી એગુસ ઓક્ટાવિયાના મતે, સુલાવેસીમાં આ ચિત્રો બનાવનારા લોકો તે વિશાળ વસ્તીનો ભાગ હતા જે બાદમાં ફેલાઈને ઑસ્ટ્રેલિયા સુધી પહોંચી હતી.
એક સમયે પુરાતત્વવિદો યુરોપીયન 'બિગ બેંગ'ની દલીલ કરતા હતા, કારણ કે 40,000 વર્ષ જૂના પુરાવા ફ્રાન્સ અને સ્પેનમાં જોવા મળ્યા હતા. પરંતુ દક્ષિણ આફ્રિકાની બ્લોમ્બોસ ગુફા (70,000 થી 1,00,000 વર્ષ જૂની) અને હવે સુલાવેસીની આ શોધોએ નવી સર્વસંમતિ ઊભી કરી છે કે માનવીય સર્જનાત્મકતા ઘણી ઊંડી અને વ્યાપક હતી.
પ્રોફેસર ઓબર્ટે અંતમાં જણાવ્યું કે, "આ સૂચવે છે કે માનવો પાસે આ ક્ષમતા આફ્રિકા છોડ્યું તે પહેલાંથી જ હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












