બિલકીસબાનો કેસ: કોર્ટે કરેલી ટિપ્પણીઓને હઠાવવાની ગુજરાત સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

ઇમેજ સ્રોત, CHIRANTANA BHATT
બિલકીસબાનો કેસમાં ગુજરાત સરકાર સામે કોર્ટે કરેલી ટિપ્પણીઓને હઠાવી દેવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
આજે સુપ્રીમ કોર્ટે આ અંગે ચુકાદો આપતાં ગુજરાત સરકારની માગને ફગાવી દીધી છે. તેની બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારે પુષ્ટિ કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે બિલકીસબાનો કેસમાં ગુજરાત સરકારનું વલણ તથા 11 દોષીઓને છોડી દેવા અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી.
ત્યારબાદ ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતમાં ફેબ્રુઆરી 2024માં માંગણી કરી હતી કે 8 જાન્યુઆરીએ આપેલા પોતાના ચુકાદાનો સુપ્રીમ કોર્ટ ફરીથી રિવ્યૂ કરે.
ગુજરાત સરકારે કોર્ટે કરેલી અમુક ટિપ્પણીઓનો હવાલો આપતાં કહ્યું હતું, “આ ટિપ્પણીઓ માત્ર અત્યંત ગેરવાજબી અને કેસના રેકૉર્ડ વિરુદ્ધની જ નથી, પરંતુ રાજ્ય સરકાર માટે ગંભીર પૂર્વગ્રહનું કારણ બની છે.”
કોર્ટે એક ટિપ્પણી એવી પણ કરી હતી કે, “ગુજરાત સરકારે આરોપીઓને બચાવવા માટે કામ કર્યુ હોય એવું લાગે છે અને રાધેશ્યામ ભગવાનદાસ શાહ નામના આરોપી નં.3 ને બચાવવામાં સરકારની સંડોવણી પ્રતીત થાય છે.”
ગુજરાત સરકારે આને અત્યંત કડક અવલોકન ગણાવ્યું હતું અને તેને રેકૉર્ડમાંથી હઠાવી દેવાની માગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારની આ અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયનની બૅન્ચે કહ્યું હતું કે કોર્ટે આપેલા ચુકાદામાં કોઈ ભૂલ નથી, આથી આ અરજીને ફરીથી ધ્યાનમાં લેવામાં નહીં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટના ઑર્ડરમાં લખવામાં આવ્યું છે, “આ રિવ્યૂ પીટીશનની સંભાળપૂર્વક ચકાસણી કર્યા પછી અમને એ વાતની ખાતરી અને સંતોષ છે કે કોર્ટના ચુકાદામાં કોઈ ભૂલ નથી અને રિવ્યૂ પીટિશનમાં કોઈ મેરિટ નથી. આથી, કોર્ટે આપેલા ચુકાદાનો રિવ્યૂ કરવાની આ પીટીશનને ફગાવવામાં આવે છે.”
તેણે અગાઉના સુપ્રીમ કોર્ટના આદેશ સામે અપીલ દાખલ ન કરવા બદલ ગુજરાત સરકારની પણ ટીકા કરી હતી. એ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે માફી અંગે નિર્ણય લેવા માટે ગુજરાત રાજ્ય સરકાર જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર સરકારને યોગ્ય ગણાવી હતી.
એ સમયે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકાર પાસે સજામાં મુક્તિ આપવાનો અને આ મામલામાં કોઈ નિર્ણય લેવાનો અધિકાર નહોતો.
જસ્ટિસ બી. વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયને કહ્યું, "મે 2022માં ગુજરાત સરકારે દોષિતોને સજામાં મુક્તિ આપીને તથ્યોની ઉપેક્ષા કરી હતી."
આ પિટીશન સાથે જ કોર્ટે દોષિતોમાંના એક એવા રમેશ રૂપાભાઈ ચંદાણાની રિવ્યૂ પિટીશન પણ ફગાવી દીધી હતી. તેમણે સુપ્રીમ કોર્ટે તેમને ફરીથી જેલમાં મોકલ્યા એ નિર્ણય સામે અરજી દાખલ કરી હતી.
સમગ્ર મામલો શું હતો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણોમાં બિલકીસબાનો સાથે ગૅંગરેપ અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિતોની મુક્તિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો.
2002નાં ગુજરાત રમખાણો દરમિયાન અમદાવાદ નજીકના રણધિકપુર ગામમાં ટોળાએ પાંચ મહિનાનાં ગર્ભવતી બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી.
બળાત્કાર ગુજારાયા બાદ અધમૂઈ હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા. તેમના પરિવારજનોના મૃતદેહો પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.
બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.
આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા.
સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં કેસમાં પ્રથમ ધરપકડ કરાઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી. ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.
2017માં બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું, "પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું આપતાં નથી."
આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.
21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે ગૅંગરેપ અને બિલકીસબાનોના સાત પરિવારજનોની હત્યાના આરોપમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. બૉમ્બે હાઈકોર્ટે સજાને યથાવત્ રાખી હતી.
ત્યારબાદ ગુજરાત સરકારે વર્ષ 2022માં આ દોષિતોને સજામાંથી મુક્તિ આપીને છોડી મૂક્યા હતા. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયને કહ્યું, "મે, 2022માં ગુજરાત સરકારે દોષિતોને સજામાં મુક્તિ આપીને તથ્યોની ઉપેક્ષા કરી હતી."
ત્યારબાદ તમામ દોષિતોને બે અઠવાડિયાંમાં જ જેલતંત્ર સમક્ષ હાજર થવા કહેવાયું હતું અને તેમને પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












