કંઝાવલા કેસ : આરોપીઓના પરિવારજનો ક્યાં છે અને તેમનું શું કહેવું છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, DELHI POLICE
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા

- જ્યારે અમે એક આરોપી 27 વર્ષીય કૃષ્ણના ઘરે પહોંચ્યા ત્યારે તેના ઘરે શોકનું વાતાવરણ હતું
- ન્યૂઝ ચેનલ પર પીડિતાનાં મોતનાં સીસીટીવી ફૂટેજ ચાલી રહ્યાં હતાં
- "અમે એટલું જ ઈચ્છીએ છીએ કે આ છ લોકોને ન્યાય મળે, પાંચ આ છોકરાઓ છે અને છઠ્ઠી છોકરી છે. તેને પણ ન્યાય મળવો જોઈએ." : આરોપીના પરિવારજનો
- મંગોલપુરીની એક સ્થાનિક વ્યક્તિએ ગુસ્સામાં સવાલ ઉઠાવ્યો કે કારની નીચે મૃતદેહ ફસાયેલો છે એની કોઈને ખબર કેમ ન પડે?

રાજધાની દિલ્હીમાં વર્ષ 2023ની શરૂઆતના થોડા કલાકો બાદ જ એક 20 વર્ષની યુવતિનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, કાર સાથે અથડાયા બાદ યુવતિનો મૃતદેહ કારમાં ફસાઈ ગયો અને તે થોડા કિલોમીટર સુધી ઢસડાતો રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં પાંચ આરોપી છે, દીપક ખન્ના, અમિત ખન્ના, મિથુન, કૃષ્ણ અને મનોજ મિત્તલ.
આ બધાનાં ઘરો એકબીજાંની નજીક જ છે. તે બધા મંગોલપુરી અને તેની આસપાસના વિસ્તારોમાં રહે છે.
ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મંગોલપુરીમાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો મોટી સંખ્યામાં રહે છે. અહી દરેક જગ્યાએ આ ઘટનાની જ ચર્ચા છે અને લોકો ક્ષણે-ક્ષણની જાણકારી માટે ટીવી સામે બેસી રહ્યા છે.

શોકનું વાતાવરણ

જ્યારે અમે એક આરોપી 27 વર્ષીય કૃષ્ણના ઘરે પહોંચ્યા ત્યારે તેના ઘરે શોકનું વાતાવરણ હતું.
એક રૂમ અને રસોડાવાળા આ ઘરના પલંગ પર તેમના પિતા કાશીનાથ, ભાઈ મુકેશ કુમાર, માતા રાધા અને કાકી ધાબળો ઓઢીને સામેની દિવાલ પર લગાવેલું ટીવી જોઈ રહ્યાં હતાં. એક હિન્દી ન્યૂઝ ચેનલ પર પીડિતાના મૃત્યુનાં સીસીટીવી ફૂટેજ ચાલી રહ્યાં હતાં.
મુકેશે કહ્યું, "જ્યારથી સાંભળ્યું છે ત્યારથી હું ટીવીની સામે જ બેઠો છું."
મુકેશ ઇન્ટિરિયર ડિઝાઇનર છે, તેમના પિતા ચણા વેચે છે, જ્યારે સૌથી નાનો ભાઈ અભ્યાસ કરી રહ્યો છે. કૃષ્ણ વચલો ભાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુકેશ કહે છે, "શું થઈ રહ્યું છે તે જોવા માટે અમે પળેપળના સમાચાર જોઈ રહ્યા છીએ. ઘરનું વાતાવરણ પણ ઉદાસ છે. દુખતો સૌથી વધુ અમને એ દીકરીનું જ છે."
માતા રાધાએ કહ્યું, "અમે એટલું જ ઈચ્છીએ છીએ કે આ છ લોકોને ન્યાય મળે, બસ. એથી વધું અમારે કંઈ જોઈતું નથી. પાંચ આ છોકરાઓ છે અને છઠ્ઠી છોકરી છે. તેને પણ ન્યાય મળવો જોઈએ. આ છોકરાઓને પણ ન્યાય મળવો જોઈએ. "
દિલ્હી પોલીસ આને હિટ ઍન્ડ રનનો મામલો માની રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂટી પર સવાર પીડિતાનો સુલતાનપુરીના કૃષ્ણવિહાર વિસ્તારમાં એક કાર સાથે અકસ્માત થયો, તેનું શરીર કારમાં જ ફસાઈ ગયું અને 12 કિલોમીટર સુધી ઢસડાતી રહી.
પોલીસના જણાવ્યા અનુસાર, "તેમની પાસે ઘટનાનો એક સાક્ષી છે જે પોલીસને સહકાર આપી રહ્યો છે. સીઆરપીસીની કલમ 164 હેઠળ તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે."

'કોઈ સંપર્ક નથી'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૃષ્ણના પરિવારના જણાવ્યા મુજબ, 31 ડિસેમ્બરની સાંજે તે "તૈયાર" થઈને ઘરની બહાર નિકળ્યો હતો અને ત્યારથી કૃષ્ણનો સંપર્ક કરી શક્યા નથી. કૃષ્ણનાં માતા રાધા કહે છે કે તેમનાં પુત્રએ તેમને કહ્યું નહોતું કે તે ક્યાં જઈ રહ્યો છે, માત્ર એટલું જ કહ્યું કે તે થોડીવારમાં આવી જશે. "તે એમ કહીને ગયો હતો કે મમ્મી હું એક કલાકમાં આવું છું. તે પછી તે આવ્યો નહીં. અમને ખબર ન હતી કે (તે) આ રીતે ફસાઈ જશે." આટલું કહીને તે રડવા લાગી.
પરિવારને 1 જાન્યુઆરીની સાંજે અન્ય વ્યક્તિ પાસેથી ઘટનાની જાણ થઈ. મુકેશ કહે છે, "કોઈ ત્રીજી વ્યક્તિએ કહ્યું કે અકસ્માત થયો છે, કોઈ છોકરી કારની નીચે આવી ગઈ છે."
તેઓ કહે છે, "એ દીકરી સાથે ઘણું ખોટું થયું છે. તે જાણી જોઈને થયું કે અજાણતા, તે ભગવાન જ જાણે છે. અમને લાગે છે કે આ એક અકસ્માત છે. તેમને એ પણ ખબર નહોતી કે નીચે કોઈ છોકરી છે. ફૂટેજમાં બતાવ્યા પ્રમાણે, કારની નીચે તેમને ખબર નહોતી પડી. તેમણે કારની બારીઓ ખોલી ન હતી, બહાર જોયું ન હતું."
"પોલીસ તો પોતાની કાર્યવાહી કરી રહી છે. આગળ જે પણ હશે તે અમને ખબર પડશે. અત્યારે તો અમે કંઈ કહી શકીએ નહીં. અમે એટલું જ કહી શકીએ કે ન્યાય થવો જોઈએ. દીકરી સાથે પણ થવો જોઈએ. પોલીસ શોધી કાઢશે કે સાચું કે ખોટું શું છે."
મંગોલપુરીની એક સ્થાનિક વ્યક્તિએ ગુસ્સામાં સવાલ ઉઠાવ્યો કે કારની નીચે મૃતદેહ ફસાયેલો છે એની કોઈને ખબર કેમ ન પડે? હજુ સુધી પોલીસે પરિવારનો સંપર્ક કર્યો નથી.
કાશીનાથ કહે છે, "પોલીસ અમારો સંપર્ક કરશે ત્યારે અમે જઈશું."

બાકીનાં ઘરોએ તાળાં

જ્યારે અમે બાકીના આરોપીઓનાં ઘરે પહોંચ્યા તો તેમનાં ઘરે તાળાં જોવા મળ્યાં.
આરોપી દીપક ખન્નાનું ઘર મંગોલપુરીમાં બીજા માળે છે. તેમને ઓળખતી એક વ્યક્તિએ જણાવ્યું કે તેમનાં માતા-પિતા આ દુનિયામાં નથી રહ્યાં અને તે તેમના ભાઈ સાથે રહે છે.
તેમના રૂમની બહાર તાળું લટકતું હતું, જ્યારે બહાર રસોડામાં પાણીની બે બૉટલ, ડુંગળી, રસોઈનાં વાસણો વગેરે એકદમ ચોખ્ખાઈ સાથે રાખવામાં આવ્યાં હતાં.
વિસ્તારના લોકો દીપકને ‘કાલુ’ના નામથી ઓળખે છે.
એ વ્યક્તિના કહેવા પ્રમાણે, "છોકરાઓ બરાબર હતા, બાકી તેઓ અંદરથી કેવા હતા તે કોઈ કહી શકે નહીં."
અમિત ખન્નાના ઘરે પણ તાળું લટકતું હતું. એક સ્થાનિક મહિલાના જણાવ્યા અનુસાર તેમના પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું અને તે તેમનાં માતા અને બે ભાઈઓ સાથે રહે છે.
આ મહિલાએ કહ્યું, "છોકરા સારા છે. માતા પણ સારાં છે. કમાઈને પેટ ભરતાં હતાં."














