You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસીના ડાયરેક્ટર જનરલનું રાજીનામું, ટ્રમ્પને લગતી ડૉક્યુમેન્ટરીના એડિટિંગનો મામલો શું હતો?
- લેેખક, એલેક્સ ફિલિપ્સ અને હેલન બુશ્બી
- પદ, કલ્ચર રિપોર્ટર
બીબીસીના ડાયરેક્ટર જનરલ ટિમ ડેવી અને હેડ ઑફ ન્યૂઝ ડેબોરા ટર્નેસે રાજીનામાં આપી દીધાં છે.
બીબીસી પેનોરામાની ડૉક્યુમેન્ટરી પર આરોપ હતો કે તેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણને એડિટ કરીને દર્શકોને ગુમરાહ કરવામાં આવ્યા હતા. આ આરોપો પછી ડેવી અને ટર્નેસે રાજીનામાં આપ્યાં છે.
પાંચ વર્ષથી આ પદ પર રહેલા ટિમ ડેવી તાજેતરમાં કેટલાક વિવાદ અને પક્ષપાતના આરોપોના કારણે દબાણ હેઠળ હતા.
ધ ટેલિગ્રાફે સોમવારે એક લિક થયેલો આંતરિક બીબીસી મેમો પ્રકાશિત કર્યો હતો. તેમાં દાવો કરાયો હતો કે પેનોરામા કાર્યક્રમે અમેરિકન રાષ્ટ્રપતિના ભાષણના બે ભાગોને જોડીને એડિટ કરી દીધા હતા. તેના પરથી એવું લાગે છે કે ટ્રમ્પે જાન્યુઆરી 2021માં કેપિટલ હિલમાં તોફાનોને ભડકાવ્યાં હતાં.
બ્રિટનના ઘણા નેતાઓએ આશા વ્યક્ત કરી છે કે આ રાજીનામાંથી બીબીસીમાં ફેરફાર આવશે, જ્યારે ટ્રમ્પે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
બીબીસીના ડાયરેક્ટર જનરલ અને હેડ ઑફ બીબીસી ન્યૂઝ- બંનેએ એક જ દિવસે રાજીનામાં આપ્યાં તે અભૂતપૂર્વ ઘટના છે.
રવિવારે સાંજે આ નિર્ણયની જાહેરાત કરતા ટીમ ડેવીએ કહ્યું કે "દરેક સાર્વજનિક સંસ્થાની જેમ બીબીસી પણ પરફેક્ટ નથી. અને આપણે હંમેશાં ખુલ્લું, પારદર્શક અને જવાબદાર રહેવું જોઈએ. જોકે, આ મારા રાજીનામાનું એકમાત્ર કારણ નથી. પરંતુ બીબીસી ન્યૂઝને લઈને ચાલતી તાજેતરની ચર્ચાએ મારા નિર્ણયને સ્વભાવિક રીતે પ્રભાવિત કર્યો છે. એકંદરે બીબીસી સારો દેખાવ કરે છે, પરંતુ કેટલીક ભૂલો થઈ છે અને ડાયરેક્ટર જનરલ તરીકે અંતિમ જવાબદારી મારી છે."
ડેબોરા ટર્નેસે રવિવારે રાતે એક નિવેદનમાં કહ્યું કે "પેનોરામા વિવાદ હવે એ સ્તરે પહોંચી ગયો છે જ્યાં તે બીબીસીની શાખને નુકસાન પહોંચાડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું કે, "અંતિમ જવાબદારી મારી જ છે."
તેમણે કહ્યું કે જાહેર જીવનમાં લીડરે સંપૂર્ણરીતે જવાબદેહ હોવું જોઈએ. આ કારણથી જ હું પદ છોડી રહી છું. કેટલીક ભૂલો થઈ છે, પરંતુ હું એકદમ સ્પષ્ટ કહેવા માગું છું કે તાજેતરમાં બીબીસી ન્યૂઝ વિરુદ્ધ સંસ્થાગત રીતે પક્ષપાતી હોવાના આરોપો સંપૂર્ણ રીતે ખોટાં છે.
પક્ષપાતપૂર્ણ કવરેજના આરોપ
ટર્નેસ છેલ્લાં ત્રણ વર્ષથી ન્યૂઝ અને કરન્ટ અફેર્સના સીઈઓ રહ્યાં છે.
ધ ટેલિગ્રાફે બીબીસી ન્યૂઝનો જે આંતરિક મેમો પ્રકાશિત કર્યો છે, તેમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે બીબીસી અરેબિકે ઇઝરાયલ-ગાઝા યુદ્ધના કવરેજમાં પક્ષપાતને લગતી 'એક પછી એક ઘણી સમસ્યાઓ' હતી, જેને દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં લીધાં ન હતાં.
6 જાન્યુઆરી 2021ના રોજ વૉશિંગ્ટન ડીસીમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "અમે કેપિટલ સુધી જઈશું અને અમારા બહાદુર સેનેટરો અને કૉંગ્રેસના મહિલાઓ અને પુરુષોનો ઉત્સાહ વધારીશું."
જોકે, પેનોરામાના એડિટ થયેલા સંસ્કરણમાં તેમને એવું કહેતા દેખાડવામાં આવ્યા કે, "આપણે કેપિટલ સુધી જઈશું...અને હું તમારી સાથે રહીશ. અને આપણે લડીશું. આપણે પૂરી તાકાતથી લડીશું."
જે બે ભાગને જોડીને બતાવવામાં આવ્યા હતા, તે ટ્રમ્પના અસલ ભાષણમાં 50 મિનિટ કરતાં વધારે દૂર હતા.
બીબીસીના આંતરિક મેમોના પ્રકાશન પછી તેની બહુ ટીકા થઈ હતી. વ્હાઇટ હાઉસે પણ બીબીસીને '100 ટકા ફેક ન્યૂઝ' ગણાવી દીધું હતું.
ટ્રમ્પે શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે આ રાજીનામા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે "બીબીસીના ટોચના અધિકારીઓ રાજીનામાં આપી રહ્યા છે, અથવા તેમને કાઢી મૂકવામાં આવી રહ્યા છે. કારણ કે તેઓ મારા 6 જાન્યુઆરીના બિલકુલ પરફેક્ટ ભાષણને એડિટ કરતા પકડાઈ ગયા હતા."
તેમણે લખ્યું કે "આ બહુ બેઈમાન લોકો છે જેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકતંત્ર માટે આ બહુ શરમજનક વાત છે."
આ બંનેનાં રાજીનામાં એવા સમયે આવ્યાં છે જ્યારે સોમવારે બીબીસીના ચેરમેન સમીર શાહ સંસદની એક સમિતિ સમક્ષ નિવેદન આપવાના છે. એવી આશા રાખવામાં આવે છે કે તેઓ ટ્રમ્પના ભાષણને એડિટ કરવાની પદ્ધતિને લઈને માફી માંગશે.
રવિવારે આ રાજીનામા પર ટિપ્પણી કરતા શાહે કહ્યું કે, "બીબીસી માટે આ એક દુખદ દિવસ છે." શાહે એમ પણ કહ્યું કે "ટિમ ડેવીને પોતાના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન મારું અને બીબીસીના બોર્ડનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું."
તેમણે કહ્યું કે, "જોકે, હું સમજું છું કે તેમના પર વ્યક્તિગત અને પ્રોફેશનલ રીતે જે સતત દબાણ હતું, તેના કારણે તેઓ આ નિર્ણય લેવા મજબૂર થયા. સમગ્ર બોર્ડ તેમના નિર્ણય અને તેનાં કારણોનું સન્માન કરે છે."
બીબીસીની ટીકા
લીક થયેલો મેમો માઇકલ પ્રેસ્કૉટે લખ્યો હતો. તેઓ બીબીસીની એડિટોરિયલ સ્ટાન્ડર્ડ કમિટીના સ્વતંત્ર બહારના સલાહકાર રહી ચુક્યા છે અને જૂન મહિનામાં આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.
મેમોમાં તેમણે બીબીસી દ્વારા ટ્રાન્સજેન્ડર મુદ્દાના કવરેજ પર પણ ચિંતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, બીબીસીના સ્પેશિયાલિસ્ટ એલજીબીટી રિપોર્ટરોએ 'પ્રો ટ્રાન્સ એજન્ડા'ને આગળ વધારવા માટે તેને લગતા સમાચારોને અસરકારક રીતે 'સેન્સર' કર્યા હતા.
પોતાના લીક થયેલા મેમોમાં તેમણે લખ્યું કે આવા ચિંતાજનક મુદ્દા સામે આવે, ત્યારે બીબીસીના મૅનેજમેન્ટની નિષ્ક્રિયતા જોઈને તેમને 'નિરાશા' અનુભવાય છે.
તેનાથી વિપરિત, બીબીસીએ ગુરુવારે પ્રેઝન્ટર માર્ટિન કૉક્સલને લગતી 20 ફરિયાદોને યોગ્ય ઠરાવી હતી. આરોપ છે કે ક્રૉક્સલે આ વર્ષની શરૂઆતમાં બીબીસી ન્યૂઝ ચેનલ પર લાઈવ સ્ક્રિપ્ટ વાંચતી વખતે તેમાં ફેરફાર કર્યા. આ સ્ક્રિપ્ટમાં 'પ્રેગ્નન્ટ પીપલ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક મહિનામાં બીબીસીએ એ વાતને લઈને પણ ટીકા સહન કરવી પડી કે ગાઝા પર બનેલી તેની એક ડૉક્યુમેન્ટરીમાં નરેટરની ઓળખ જાહેર કરાઈ ન હતી, હકીકતમાં તેઓ હમાસના એક અધિકારીના પુત્ર હતા.
આ ઉપરાંત બીબીસીએ ગ્લાસ્ટનબરી ફેસ્ટિવલના એક પ્રદર્શનને બ્રૉડકાસ્ટ કર્યું જેમાં, રેપર બૉબ વાઇલને 'ડેથ, ડેથ ટુ ધ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ'નો નારો લગાવ્યો હતો. આ કવરેજને પણ બીબીસીની સંપાદકીય નીતિનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું.
સાંસદોના કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ કમિટીના અધ્યક્ષ ડેમ કેરોલાઈન ડાયનેજે કહ્યું કે "સતત ચાલતા સંકટ અને ભૂલોની સળંગ શ્રેણીએ બીબીસીને નુકસાન પહોંચાડ્યું છે."
'બીબીસીએ પ્રતિભાવ આપવામાં સમય લગાવ્યો'
કેટલાક મીડિયા વિશ્લેષકોએ હાલના વિવાદને હેન્ડલ કરવાની બીબીસીની પદ્ધતિની ટીકા કરી હતી.
બીબીસી ટીવી ન્યૂઝના ભૂતપૂર્વ પ્રમુખ રોઝર મોસીએ જણાવ્યું કે બીબીસીએ "તાજેતરના આરોપો પર પ્રતિક્રિયા આપવામાં ઘણો સમય લગાવ્યો."
તેમણે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે ટ્રમ્પનાં ભાષણોને જે રીતે એડિટ કરવામાં આવ્યાં, તેને "કોઈ પણ રીતે યોગ્ય ઠરાવી શકાય નહીં."
મોસીએ એમ પણ કહ્યું કે "મેમોમાં ઉલ્લેખ કરવામાં આવેલા અન્ય મુદ્દા, જેમ કે ટ્રાન્સજેન્ડર વિષયો સાથે જોડાયેલી ભાષા, એ વાતનો હિસ્સો છે કે બીબીસીને સમયાંતરે પોતાની સંપાદકીય નીતિને નવા રૂપ અને દિશા આપવાની જરૂર હોય છે."
ચેનલ 4નાં હેડ ઑફ ન્યૂઝ રહી ચુકેલાં ડોરોથી બર્ને બીબીસીની ટીકા કરતાં કહ્યું કે તેમણે ટ્રમ્પના ભાષણને એડિટ કરીને માત્ર એક "મૂળભૂત ભૂલ" કરી છે, એટલું જ નહીં, "માફી માંગવામાં પણ ઘણો સમય લીધો."
બીબીસીમાં 20 વર્ષ સુધી કામ કરનારા ટિમ ડેવીએ ભારપૂર્વક કહ્યું કે "અમારા પત્રકારત્વ અને કન્ટેન્ટને હજુ પણ ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરીકે બિરદાવવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે બીબીસી ઘણી હદ સુધી દયાળુ, સહનશીલ અને જિજ્ઞાસુ સંસ્થા છે."
તેમણે કહ્યું કે "આગામી મહિનાઓમાં એક 'સુનિયોજિત બદલાવ' દ્વારા નવા ડાયરેક્ટર જનરલની નિમણૂક કરવામાં આવશે. તેનાથી આગામી રૉયલ ચાર્ટરમાં હકારાત્મક પરિવર્તન કરવાની તક મળશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન